STORYMIRROR

Urvi Joshi

Others

4  

Urvi Joshi

Others

મા નો પ્રેમ

મા નો પ્રેમ

3 mins
387

હું કોલેજમાંથી ઘરે આવીજ હતી હજુ. મારી મમ્મીની તબિયત સારી નહતી. હું મમ્મીને લઈને ડોક્ટર પાસે ગઈ. મમ્મીની તબિયત થોડી વધારે ખરાબ જણાઈ એટલે ડોક્ટરે મમ્મીને મોટા ડોક્ટર પાસે લઈ જવાની સલાહ આપી. એ સમયે મમ્મી પાસે હું એકલી જ હતી. પપ્પા ઓફિસે ગયા હતા અને ભાઈ પણ એ સમયે ભણવા માટે થઈને બીજે ગામ રહેતો હતો. એટલે મારા નજીકના સંબંધી થતાં મારા કાકા અને મારા માસી ને બોલાવ્યા. પપ્પા પણ ઓફિસેથી રજા લઈને આવી જ રહ્યા હતા.

મારા કાકા અને માસી મમ્મીને લઈને ડોક્ટર પાસે ગયા,હું પણ સાથે ગઈ. ડોક્ટરે મમ્મીને એડમિટ કરવાનું કહ્યું. મમ્મીનો ઈલાજ શરૂ થઈ ગયો હતો. હું મમ્મી પાસેજ હતી. પપ્પા પણ થોડી વારમાં આવી ગયા. એ સમયે ઘરને સાચવી શકે એવી મમ્મી જ હતી. હું ઘર સાચવી શકું એટલી સક્ષમ નહતી. એટલે રાતનું જમવાનું માસીએ એમના ઘરેજ બનાવ્યું. એ સમયે બીજું કોઈ સગું આમારી મદદે નહતું આવ્યું. રાતના મમ્મીનાં રિપોર્ટ આવી ગયા હતા. બે-ચાર દિવસ મમ્મીને હોસ્પિટલમાં રાખવાની હતી.

હું અને પપ્પા મમ્મી પાસે હતા. રાતનો સમય હતો. મમ્મીને પણ જમવાનું હતું અને અમારે પણ, મમ્મીએ મને અને પપ્પાને સાથે જ જમવા મોકલ્યા અને એમ કીધું કે એ થોડીવાર એકલી રહેશે,અને એના માટે ટિફિન લાવવા કહ્યું. પહેલા તો હું ના માની પણ પછી મમ્મી ના કહેવા પર હું માની ગઈ. હું અને પપ્પા સાથે જમવા ગયા. મમ્મી બીમાર હોય એવી સ્થિતિમાં જમવાનું પણ નહતું ભાવતું. જમીને ટિફિન લઈને હું અને પપ્પા હોસ્પિટલમાં ગયા.

એ સમયે મારી સાથે જે હોસ્પિટલમાં મા બન્યું એ હું કદી નહિ ભૂલું. કહેવાય છે ને માં પોતાના બાળક ને જેટલું ઓળખે છે એટલું બીજું કોઈ નથી ઓળખતું. આ વાત હોસ્પિટલમાં મારી સાથે સાચી ઠરી.

ડોક્ટરે મમ્મીને બીજા વોર્ડ માં શિફ્ટ કરી હતી. ત્યાં નર્સે કહ્યું કે તેમને આગળના વોર્ડમાં શિફ્ટ કર્યા છે. પપ્પા આગળના વોર્ડ તરફ જવા લાગ્યા, હું પપ્પાની પાછળ ચાલતી હતી. પપ્પા મમ્મીના વોર્ડની આગળ નીકળી ગયા. મમ્મીનાં બેડ પાસેનો પડદો બંધ હતો એટલે એમને ધ્યાનમાં ના રહ્યું. હું પપ્પાની પાછળ ચાલતી હતી. જેવી હું મમ્મીનાં બેડ પાસેથી પસાર થઈને આગળ જવાની હતી કે મારી મમ્મીએ મને બોલાવી. મમ્મી ત્યાંજ બેડ પર હતી. મે પપ્પા ને પણ ત્યાં બોલાવ્યા, પણ મને નવાઈ લાગી કે મમ્મીનાં બેડ આગળનો પડદો બંધ છે. તો મમ્મીને કેવી રીતે ખબર પડી કે એમના બેડ પાસેથી હું પસાર થઈ. મે મમ્મીને તરતજ પૂછ્યું. મને નાનપણથી પાયલ પહેરવાનો શોખ છે. ત્યારે પણ મે પાયલ પહેર્યા હતા. જેનો નાનો એવો આવાજ હતો. મમ્મીએ મને કીધું કે તારા પાયલના અવાજથી મને ખબર પડી કે તું મારા બેડ પાસેથી પસાર થઈ છે. મને ફરી નવાઈ લાગી કારણકે પાયલ પહેરનારી હું એક માત્ર છોકરી થોડી છું. હોસ્પિટલમાં ઘણી એવી છોકરી હશે જેને પાયલ પહેર્યા હશે. મે મમ્મીને કીધું. મમ્મીએ મને કીધું હશે કદાચ પણ તું મારી દીકરી છે, તારા ચાલવાથી થતો પાયલનો આવાજ હું ઊંઘમાં પણ ઓળખી શકું છું. એના માટે મારે તને જોવાની જરૂર નથી. હું પાયલના આવાજથી ઓળખી શકું છું કે પાયલનો આવાજ મારી દીકરીની પગનો છે કે બીજી કોઈ છોકરી છે.

એ સમયે મને ખુશી એ વાતની થતી હતી કે મારી મમ્મી બીમારીની હાલતમાં પણ મારા પાયલના અવાજથી મને ઓળખી શકે છે. આટલો પ્રેમ મને દુનિયામાં બીજું કોઈ નહીં કરતું હોય. પણ દુઃખ એ વાત નું હતું કે મમ્મી બીમાર પડી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ મમ્મીને થોડા સમયના આરામની જરૂર હતી. એ સમયે મે નિર્ણય લીધો કે જે મારી મા મને આટલો પ્રેમ કરતી હોય એના માટે હું ઘર ના બધા જ કામ કરતા શીખીશ, મમ્મીનાં જેમ હું પણ ઘર ને સાચવતા શીખીશ, જેથી મમ્મીને પૂરતો આરામ મળી રહે. ભણવા માટે તો આખી જિંદગી પડી છે. પણ માં તો એકજ છે ને. એના જેવું બીજું કોઈ નથી. કોલેજની પરીક્ષામાં નાપાસ થઈશ તો ચાલશે. પણ મમ્મીને સાચવીને સાજી કરીશ એ મારી સાચી પરીક્ષા છે.

હું મારી પરીક્ષામાં પાસ થઈ, થોડા સમયમાં મમ્મીની તબિયત સારી થઈ ગઈ, મમ્મી પહેલાના જેમ ફરી તંદુરસ્ત થઈ ગઈ. તેની સાથે હું કોલેજની પરીક્ષામાં પણ પાસ થઈ ગઈ. પણ મને કોલેજની પરીક્ષામાં પાસ થવા કરતા વધારે ખુશી મમ્મી સાજી થઈ ગઈ એની હતી. મારો પરિવાર પહેલાના જેમજ હસતો- રમતો થઈ ગયો.


Rate this content
Log in