STORYMIRROR

Urvi Joshi

Inspirational

4  

Urvi Joshi

Inspirational

ખનક ખાંડવી

ખનક ખાંડવી

10 mins
19

ખનક એકદમ શૂન્યાવકાશમાં સરી પડી હતી. એનાં માથે દુઃખનો મોટો પહાડ તૂટી પડ્યો હતો. રડી રડીને એની આંખો પણ સુજી ગઈ હતી, અને એનાં આંસુ ગાલ પર પડી સૂકાઈ ગયા હતાં. હવે આગળ શું કરવું એ એને કંઈ સમજાતું નહતું.

ખનક એક અત્યંત ગરીબ પરિવારની દીકરી. એનાં માતા-પિતા વિસનગર નજીક આવેલા એક નાનકડા ગામમાં રહેતા. બીજાના ખેતરમાં મજૂરી કરી માંડ રોટલો અને મીઠું ભેગા થતાં. ખનક તેનાં માતા-પિતાનું એક માત્ર સંતાન હતી. પરિવારની ગરીબીનાં કારણે ખનક ગામમાં રહેલી કન્યા શાળામાં સાત ધોરણ ભણીને ઊઠી ગઈ. ખનક આગળ ભણવા માંગતી હતી પણ તેનાં ગામમાં હાઈસ્કૂલ નહતી, હાઈસ્કૂલનો અભ્યાસ કરવા બીજા ગામ જવું પડે એમ હતું, એનાં પપ્પા પાસે એટલા પૈસા નહતાં કે એ ખનકને રોજ બીજે ગામ જવાના ભાડાનાં પૈસા આપી શકે, એટલે મજબૂરીમાં ખનકને ભણવાનું છોડવું પડ્યું.

ભણવાનું છોડ્યા પછી ખનક એની મમ્મીને ઘરકામમાં મદદ કરાવતી, અને એનાં મમ્મી-પપ્પા ખેતરે કામ કરવા જાય એટલે ગામમાં એક દરજી પાસેથી હાથ સિલાઈનું કામ લઈ આવતી, અને એમાંથી જે પૈસા મળે એમાંથી એના શોખ પૂરા કરતી અને થોડી બચત પણ કરતી.

ખનકનાં અઢાર વર્ષ પૂર્ણ થયા ત્યાં એનાં ફોઈ એની માટે એક છોકરાનું માગું લઈને આવ્યાં. ખનકની આટલા જલ્દી લગ્ન કરવાની ઈચ્છા નહતી. પણ, એનાં પિતા અત્યંત ગરીબ હતા એટલે એમને ખનકનાં લગ્ન કરાવવાની ઉતાવળ દર્શાવી. ખનકનાં પિતા એને પરણાવી પોતાની જવાબદારી માંથી મુક્ત થવા માંગતા હતાં. વળી છોકરો બારમાં સુધી ભણેલો હતો, અને વિસનગરમાં એક ફેક્ટરીમાં સુપરવાઈઝરની નોકરી કરતો હતો.

ખનકની ફોઈએ બતાવેલા છોકરા રોહન સાથે ખનકનાં લગ્ન નક્કી થઈ ગયા, અને બે મહિનામાં સાદાઈથી લગ્ન કરી ખનક રોહન સાથે વિસનગર રહેવા જતી રહી.

રોહન, સ્વભાવે એકદમ શાંત, ખૂબ હોંશિયાર, અને માયાળુ છોકરો, નાનપણથી જ માતા-પિતા વગર એનાં કાકા-કાકી સાથે ઉછરેલો અને ભણીને પછી વિસનગરમાં નોકરી મેળવી ભાડાનાં ઘરમાં રહેતો હતો. ખનકની પહેલાં લગ્ન કરવાની ઈચ્છા નહતી પણ, રોહનને મળ્યાં પછી એનાં પિતાની ઈચ્છાને માન આપી એ રોહન સાથે લગ્ન કરવાની હામી ભરી પોતાનાં લગ્ન પછીનાં સોનેરી જીવનનાં સપનાં સજાવતી એની સાથે પરણી ગઈ.

ખનક અને રોહને વિસનગરમાં રહી પોતાનાં સુખી સંસારની શરૂઆત કરી. ખનક રોહન સાથે ખૂબ ખુશ હતી. રોહન પણ ખનકને ખૂબ ખુશ રાખતો. રોહન વધારે અમીર તો નહતો પણ દિલથી બહુ અમીર હતો. એ રોજ સવારે ખનક સાથે બેસીને ચા પીતો, રજાના દિવસે એને શહેરમાં ફરવા લઈ જતો. ઘરની જરૂરી વસ્તુઓની ખરીદી બંને સાથે કરવાં જતાં અને વળી પાછાં ઘરે ફરતાં રસ્તામાંથી કંઈક નાસ્તો કરતાં. થોડામાં પણ રોહન ખનકને ખુશ રાખતો.

ખનકનાં સુખરૂપી સંસારને પાંચ વર્ષ વિતી ગયા અને પાંચ વર્ષમાં ખનક બે બાળકોની માતા બની ગઈ. મોટો દીકરો કેયુર ચાર વર્ષનો અને નાની દીકરી રાજવી છ મહિનાની થઈ ગઈ. ખનક પોતાનાં બંને બાળકોનું ખૂબ સારી રીતે પાલન પોષણ કરતી હતી. ખનક પોતે પૈસાના અભાવે ભણી નહતી શકી પણ તેં એનાં બંને બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવાં માંગતી હતી, એટલે જ ખનકે એનો દીકરો કેયુર ચાર મહિનાનો થયો એ પછી તરત એને ઘરમાં સિલાઈનું કામ ચાલુ કરી દીધું હતું અને એ કામમાંથી આવેલાં પૈસા પોતાના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે બચાવતી.

પણ કુદરતને કરવા ખનકનાં સુખી સંસારને અચાનક કોઈની નજર લાગી ગઈ કે શું ! એક દિવસ ખનક પોતાનું ઘરનું કામ પતાવી સિલાઈ કામ કરવા બેઠી હતી. મોટો દીકરો કેયુર સ્કૂલમાં ગયો હતો અને નાની રાજવી ઘોડિયામાં સૂતી હતી. ત્યાં રોહન જ્યાં કામ કરતો હતો ત્યાંથી ફોન આવ્યો, સામે બીજું કોઈ વાત કરતું હતું અને એમને જણાવ્યું કે, રોહન કામ કરતાં-કરતાં અચાનક પસીને રેબઝેબ થઈ ગયો અને બેભાન થઈ ગયો, એટલે એને તાત્કાલીક સિવિલ હોસ્પીટલમાં લઈ ગયા છે, તમે ત્યાં આવો.

ખનક આમ અચાનક રોહનનાં માંદા પડી જવાના સમાચાર સાંભળી ગભરાઈ ગઈ. એ દોડીને બાજુવાળાનાં ઘરે ગઈ અને બધી વાત કરી. બાજુવાળા માસીએ રાજવીને પોતે રાખી અને એમની વહુને ખનક સાથે હોસ્પીટલમાં મોકલી.

ખનક હોસ્પીટલમાં પહોંચી, ત્યાં રોહનને આઇ.સી.યુ.માં રાખ્યો હતો. ડૉક્ટરે રોહનનું ચેકઅપ કરતાં જણાવ્યું કે, રોહનને ભારે હાર્ટ એટેક આવ્યો છે, એટલે વહેલામાં વહેલી તકે એની બાયપાસ સર્જરી કરાવવી પડશે. અને હાલ પૂરતો એને સાજો કરવાં એને એક ઈન્જેકશન આપવું પડશે જેનાં ચાલીસ હજાર થશે. ચાલીસ હજાર સંભળીને જ ખનકનાં હદયનાં પાટિયા બેસી ગયા. ચાલીસ હજાર આમ અર્જન્ટમાં લાવવા ક્યાંથી ? અને પછી પાછો ઓપરેશનનો ખર્ચો જુદો. ખનકને આગળ શું કરવું એ સમજાતું નહતું.

આખરે ખનકે આટલાં સમયથી એનાં બાળકોનાં ભવિષ્ય માટે બચાવેલા પૈસે રોહનને ઈન્જેકશન આપાવ્યું. ઈન્જેકશન આપાવ્યા પછી પણ રાહત નહતી, ડૉક્ટરે એક મહિનાની અંદર ઓપરેશન કરાવવા કહ્યું હતું અને રોહનને પૂરતો બેડરેસ્ટ કરવાં કીધેલું. રોહનની બીમારીનાં કારણે રોહનને નોકરીમાંથી રજા લેવી પડી. ઓપરેશન કરાવવાં ખનકે એને જે થોડા ઘણા દાગીના લગ્ન સમયે ભેટમાં મળ્યા હતા એ વેંચી નાખ્યા અને રોહનનું ઓપરેશન કરાવ્યું.

રોહનનું ઓપરેશન સારી રીતે થઈ ગયું અને એ હોસ્પીટલમાંથી રજા લઈ ઘરે પણ આવી ગયો. પણ, આ બધામાં એ લોકોની બધી બચાવેલી મૂડી વપરાઈ ગઈ. અને બીજી તરફ ઘરે રહેવાનાં કારણે રોહનનો પગાર પણ નહતો આવતો. ઘરનું ભાડું અને ઘરનો ખર્ચો પણ માંડ-માંડ નીકળતો. અને એમાં રોહનની દવાઓનો ખર્ચો. ખનક દિવસ-રાત સિલાઈ કામ કરીને માંડ ઘર ચલાવતી. કેયુરની સ્કૂલ ફી ભરવાના પૈસા પણ એની પાસે નહતાં. ફી ના ભરવાના કારણે કેયુરને સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો.

રોહનનાં ઓપરેશનને બે મહીના થઈ ગયા. રોહનની તબીયતમાં થોડો સુધારો હતો, એટલે રોહને ફરી નોકરી ચાલું કરવાનુ વિચાર્યું. ખનકને એમ કે હવે રોહન ફરી પાછો નોકરી જશે અને એનાં પગાર આવતાની સાથે એ કેયુરની સ્કૂલ ફી ભરી એને ફરી પાછો સ્કૂલ મોકલશે.

એક દિવસ સવારે ઘરનું કામ પતાવી ખનક સિલાઈ કામ કરતી હતી, કેયુર નાની બહેન રાજવી સાથે રમતો હતો અને રોહન સોફા પર બેઠો હતો અને ખનકને બધું ઠીક થઈ જશે એવી સાંત્વના આપતો હતો. ત્યાં અચાનક રોહનને ફરી પાછો છાતીમાં દુઃખાવો ઉપડ્યો. એને સખત પસીનો થવા લાગ્યો, રોહન આકુવ્યાકુળ થવા લાગ્યો આ જોઈ ખનક ગભરાઈ ગઈ, અને બાજુવાળા માસીને બોલવા જતી હતી ત્યાં રોહનને જોરદાર ઉલટી થઈ અને રોહન ત્યાંજ સોફા પર ઢળી પડ્યો. આ જોઈ ખનકે એનાં ઘરમાંથી જ જોરથી બાજુવાળા માસીને ચીસ પાડી. ખનકની કારમી ચીસ સાંભળી આજુબાજુ વાળા ભેગા થઈ ગયા, અને બધાએ રોહનને સોફા પર પડેલો જોયો. બધા રોહનને સોફા પર બરાબર સુવડાવી ચેક કરવા લાગ્યા. અને એક ભાઈએ ડૉક્ટરને ફોન કરી તાત્કાલીક બોલાવ્યા.

ખનક બધાને પૂછતી રહી કે, રોહનને શું થયું પણ બધા ચૂપ રહ્યા. થોડીવારમાં ડૉક્ટર આવ્યા અને રોહનનું ચેકઅપ કર્યુ અને એને મૃત ઘોષિત કર્યો. રોહન આ દુનિયામાં નથી રહ્યો આ સંભળી ખનક પોક મૂકીને રડવા લાગી.

થોડીવારમાં ખનકનાં બધાં સગા-સબંધી આવી ગયા. ખનકનાં મમ્મી-પપ્પા પણ આવ્યા. ભર જવાનીમાં દીકરી વિધવા થઈ આ જાણી એની મમ્મી પણ ધ્રૂસકે ધ્રૂસકે રડી કલ્પાંત કરવાં લાગી.

બધાએ ભેગા મળીને રોહનની અંતિમ ક્રિયા પતાવી. નાનકડો કેયુર જેને મૃત્યુ શું છે એ પણ ખબર નહતી એને એનાં પિતાને મુખાગ્નિ આપ્યા. પંદર દિવસે રોહનની મૃત્યુ પછીની બધી ક્રિયાઓ પતાવી સગા-સંબધી એમનાં ઘરે જતાં રહ્યાં, અને ખનક અને બે બાળકો એકલાં ઘરમાં રહી ગયા. એનાં માતા-પિતા પણ અત્યંત ગરીબ હતા એટલે એ ચાહતા પણ દીકરી અને એનાં બે બાળકોને સાચવી શકે એમ નહતાં.

ખનક એકલી પડી ગઈ, હવે એ એકલાં હાથે બંને બાળકોને કેવી રીતે સાચવશે, એ વિચારોમાં શૂન્યાવકાશમાં પડી ગઈ. એનાં માથે પડેલો દુઃખનો પહાડ એ કેવી રીતે પાર કરશે એ એને સમજાતું નહતું.

આખરે ખનકે હતાશા ખંખેરી નાખી અને પોતે મહેનત કરી બંને બાળકોને સાચવવાનું નક્કી કર્યું. ખનક દિવસ-રાત સિલાઈ કામ કરી પૈસા ભેગા કરવા લાગી, પણ સિલાઈ કામ કરીને એ ફક્ત ઘર ચલાવવાનાં પૈસા કમાઈ શકતી. કેટલું કરતા પણ એ કેયુરની સ્કૂલ ફી ભરી શકે એટલાં પૈસા કમાઈ શકતી નહતી. આખરે ખનકે કેયુરને સરકારી શાળામાં ભર્તી કર્યો અને એનું શિક્ષણ ફરી ચાલું કર્યું. ખનકે મન બનાવી લીધું કે ભણવાવાળા બાળકો સરકારી શાળામાં ભણીને પણ આગળ આવતાં હોય છે.

ખનક આખો દિવસ સિલાઈ કામ કરી માંડ-માંડ ઘરનું ગુજરાન ચલાવતી, અને પોતાના બાળકોને મોટા કરતી. પૈસાના અભાવે ઘણીવાર એ પોતાના બાળકોની જીદ પુરી નહતી કરી શકતી, એ પોતે બાળકો આગળ લાચાર બની બાળકોને સમજોતો કરતાં શીખવાડતી.

સમય વીતતો ગયો, રોહનનાં મૃત્યુને એક વર્ષ વિતી ગયું. કેયુર પાંચ વર્ષનો અને રાજવી દોઢ વર્ષની થઈ ગઈ. બંને બાળકો સમય કરતાં જલ્દી સમજુ બનતા જતા હતા. પણ, એક દિવસ કેયુરે સ્કૂલેથી આવતાની સાથે ખાંડવી ખાવાની જીદ કરી. ઘરમાં ચણાનો લોટ બિલકુલ નહતો, અને ખનક પાસે લોટ લાવવાના પૈસા પણ નહતાં. ખનકે કેયુરને ઘણો સમજાવ્યો, એને ખાંડવીનાં બદલે સફેદ ઢોકળા બનાવી આપે છે એમ કરીને મનાવ્યો. પણ એ દિવસે કેયુર એકનો બે ન થયો. જીદમાં ને જીદમાં કેયુર રાતે જમ્યો પણ નહીં, અને રડતાં-રડતાં સૂઈ ગયો. પોતાનાં દીકરાની આટલી નાની અમથી ઇચ્છા પણ પુરી ન કરી શકવા બદલ ખનકને બહુ દુઃખ થયું. અને લાચાર બની રાજવીને જમાડી પોતે પણ કેયુરની માફક રડતી જમ્યા વગર સૂઈ ગઈ.

બીજા દિવસે સવારે ખનક વહેલા ઊઠીને પોતાના સિલાઈ કરવાનાં કામે લાગી ગઈ. સમય થતાં એને કેયુરને ઉઠાડ્યો. ખનકને એમ કે કેયુર રાતની વાત ભૂલી ગયો હશે, અને સવારે ખુશ ખુશાલ ઊઠી ચા-નાસ્તો કરી લેશે. પણ એવું ન બન્યું. કેયુર બીજે દિવસે સવારે પણ ઉદાસ હતો. એને ખાંડવી ખાવાની એવી તો જીદ પકડેલી કે એને સવારે પણ ચા-નાસ્તો ન કર્યો અને એની મમ્મીથી રીસાઈને લેશન કરવા બેસી ગયો.

ખનકથી હવે દીકરાની જીદ ના જોઈ રહેવાઈ, ખનક પોતાનું બધું કામ પડતું મૂકી બાજુવાળા માસીના ઘરે જઈ એક નાની વાડકી જેટલો ચણાનો લોટ માંગી લાવી. ખનકે કેયુરને સમજાવ્યો કે એ એને સ્કૂલનાં નાસ્તામાં ખાંડવી બનાવીને આપશે. કેયુર માની ગયો અને એ સમયે એને જમી લીધું. ખનકે ખાંડવી બનાવી માંડ દસ-બાર ખાંડવી બની એ એને બધી કેયુરનાં નાસ્તાનાં ડબ્બામાં આપી દીધી. રાજવી હજુ નાની હતી એટલે એને વધારે સમજ નહતી. અને ખનકે પોતે તો ખાંડવી ચાખી પણ નહીં. કેયુર ખુશ થઈ ખાંડવી લઈ સ્કૂલમાં ગયો. છતાં ખનકને રાજવીને ખાંડવી નહીં આપવાનો અફસોસ હતો. પણ નાની રાજવી આ બધી વાતથી અજાણ એની મમ્મીનાં ખોળામાં રમતા-રમતા સૂઈ ગઈ. ખનક મનોમન રાજવીની માફી માંગી રહી હતી.

કેયુરે રીસેસમાં ડબ્બો ખોલ્યો અને ખાંડવી ખાઈ રાજી-રાજી થઈ ગયો. ખનક ગરીબ હતી, પણ એને હંમેશા બાળકોને વહેંચીને ખાતા શીખવેલું. કેયુરે મમ્મીનાં શીખવાડ્યા મુજબ એનાં મિત્ર સાથે ખાંડવી વહેંચીને ખાધી. એનો મિત્ર પણ ખાંડવી ખાઈ બહુ ખુશ થઈ ગયો.

સાંજે કેયુર ખુશ થતો ઘરે આવ્યો, જ્યારે બીજી તરફ એનો મિત્ર પણ એની મમ્મી આગળ કેયુરનાં ડબ્બા જેવી ખાંડવી વધારે ખાવાની જીદ કરવા લાગ્યો. કેયુરનાં મિત્રની મમ્મી ખનકની પરિસ્થિતિથી વાકેફ હતી. વળી એને એના દીકરાની જીદ પણ પૂરી કરવી હતી, અને એ પૈસે ટકે એટલી તો સુખી હતી જ કે એ એનાં દીકરાની જીદ પૂરી કરી શકે.

નિશાબેને(કેયુરનાં મિત્રની મમ્મી) પોતાનાં દીકરાની જીદ પૂરી કરવા ખનક પાસે પૈસાથી ખાંડવી લેવાનું નક્કી કર્યું. નિશાબેને ખનકને અઢીસો ગ્રામ ખાંડવી બનાવવાનો ઓર્ડર આપ્યો. પૈસા માટે તો ખનક કંઈ પણ કરવા તૈયાર હતી. એને નિશાબેનને ખાંડવી બનાવીને આપી. નિશાબેનનાં ઘરમાં બધાને ખાંડવી ખૂબ ભાવી. અને ખાંડવીનાં ઓર્ડરમાંથી મળેલા પૈસે ખનકે વધારે ખાંડવી બનાવી ઘરમાં ત્રણે જણાએ ખાધી અને બાજુવાળા માસીને પણ આપી.

નિશાબેનનાં પરિવારને ખાંડવી બહુ ભાવતા, થોડાક વખતમાં એમની દેરાણીનું સીમંત હતું, એટલે નિશાબેને વધારે ખાંડવીનો ઑર્ડર ખનકને આપ્યો. આ ઓર્ડર પણ બહુ સારી રીતે પૂરો થયો. ખનકને ઘણા સારા પૈસા કમાવા મળ્યાં.

કહેવાય છે ને કે જે થાય છે એ સારા માટે થાય છે. કદાચ ખનકનાં સારા માટેજ ભગવાને કેયુર પાસે ખાંડવી ખાવાની હદ પાર વગરની જીદ કરાવી હશે. વાત પ્રસરતા ક્યાં વાર લાગે છે. એ એક ઓર્ડરે ખનકની જિંદગી બદલી નાખી. એ એક ઓર્ડર પછી ખનકને એક પછી એક ખાંડવી બનાવવાના ઓર્ડર મળવા લાગ્યાં. ધીરે-ધીરે ખનકની ખાંડવી શહેરમાં ફેમસ થવા લાગી. ધીરે-ધીરે ખનકને ખાંડવી બનાવવાના ઓર્ડર વધારે મળવા લાગ્યા. ખનક પછીથી સિલાઈ કામ છોડી આખો દિવસ ખાંડવી બનાવતી અને એમાંથી ઘણા પૈસા કમાતી.

સમય વીતતો ગયો ખનકની ખાંડવી ફેમસ થવા લાગી. બે વર્ષમાં તો ખનક ખાંડવી બનાવીને એટલા પૈસા કમાવા લાગી કે એ બંને બાળકોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવા લાગી. ધીરે-ધીરે કામ વધતું ગયું. ખનક એકલાં હાથે પહોંચી પણ નહતી વળતી, એટલે એને બે મહિલાઓને મદદનીશ તરીકે રાખી.

છ વર્ષની અંદર બે થી ચાર અને ચારથી આઠ મહિલાઓ ખનકે મદદનીશ તરીકે રાખી. ખનકની ખાંડવી આખા વિસનગરમાં પ્રખ્યાત થઈ ચુકી હતી. મોટી-મોટી ફરસાણની દુકાનવાળા પણ ખનક પાસે ખાંડવી ખરીદીને વેચતા. ખનકે ખાંડવી બનાવવા એક અલગથી બીજી રૂમ રાખી અને ત્યાં ખનક અને બાકી મહિલાઓ ખાંડવી બનાવી એને પેક કરી ઓર્ડર પૂરા કરતી. ખાંડવીનાં ઓર્ડરની ડિલિવરી કરવા પણ ખનકે એક અલગથી માણસ રાખ્યો હતો.

આમ કરતાં દસ વર્ષ વિતી ગયા. કેયુર પંદર વર્ષનો અને રાજવી બાર વર્ષની થઈ ગઈ. કેયુર દસમાં ધોરણમાં અને રાજવી સાતમા ધોરણમાં આવી ગઈ. બંને બાળકો ભણવામાં ખુબ હોંશિયાર, હંમેશા સારા નંબરે પાસ થતાં, અને જ્યારે સ્કૂલમાં ટીચર બંને બાળકોનાં વખાણ કરતાં ત્યારે ખનકની છાતી ગજગજ ફૂલતી.

આટલા સમયમાં ખનકે મહેનત કરી, પોતાનું ઘર બનાવ્યું હતું, અને મહિલાઓને કામ આપી કેટલીય જરૂરતમંદ મહિલાઓને રોજગાર આપ્યો હતો. અને હવે એ પોતાની દુકાન શરૂ કરવા જઈ રહી હતી.

ખનકનો ધંધો અગિયાર વર્ષ પૂર્ણ કરી બારમાં વર્ષમાં પ્રવેશવાનો હતો. કેયુરનું દસમાંનું પરિણામ હતું, અને બીજી તરફ ખનકની દુકાનનું ઉદ્દગાટન હતું. ખનકનું હૈયું ગભરાતું હતું. કેયુર ૯૫% લાવી પાસ થયો અને દુકાનનું ઉદ્દગાટન રાજવીના હાથે સારી રીતે થયું. દુકાનનું નામ રાખવામાં ખનક ખાંડવી. ખનક એની દુકાનમાં ખાંડવી સાથે ખમણ ઢોકળા, સફેદ ઢોકળા, પાતરા, પેટીસ, સમોસા, બટાટાવડા, ભજીયા, આ બધું વેચવા લાગી. પણ એની ખાંડવી આખા શહેરમાં ફેમસ હતી.

ખાંડવી વહેંચી ખનકે કેયુરને એન્જિનિયર બનાવ્યો અને રાજવીને શિક્ષિકા બનાવી. અને એક ઉદાહરણ કાયમ કર્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational