STORYMIRROR

Nanalal Kavi

Classics

2  

Nanalal Kavi

Classics

વીજળીની વેલ

વીજળીની વેલ

5 mins
14.5K


'ત્હમે પુરુષોએ જ ચ્હડાવી મારી છે સ્ત્રીઓને; ને પછી કહો છો કે માથે ચ્હડી ભાગી. સુન્દરી, સુન્દરી, સુન્દરી; કવિતા લખો તો સુન્દરી, વાર્તા માંડો તો સુન્દરી, નાટક રચો તો સુન્દરી, સીનેમાના પડદા ચીતરો તો સુન્દરી. પુરુષો ત્હમે શા એવાક ઓછા સુન્દર છો જે ?'

આજે અમારે ધામ પુરુષોના પ્રારબ્ધનો સૂર્ય ઉહ્યો હતો. પ્રાતઃકાળમાં જ આજે ગૃહદેવીજી ગૃહદેવનાં પ્રાતઃસ્તોત્ર ગાતાં હતાં.

મ્હેં કહ્યું : 'કોઈક કુધારક કહેશે, કુધારક. બારમી સદ્દીની બોથ્થડ કહેશે. આજ તો વ્હેણમાં વહે એ શાણાં. આ ભાષણોમાં પ્રમુખપદ શોભાવવાને નોતરે છે ને ડાહ્યાંડમરાં અગ્રેસર ગણાવ છો તે મટી જશો. જગતમાંની સ્ત્રીઉદ્ધારની ચળવળનાં વિરોધી કય્હારનાં થયાં વળી ? 'પુરુષ એટલે સ્ત્રીજાતિનો ઔરંગઝેબ: 'જગતની મહાન સ્ત્રીઓમાં ગણાવા મથતીઓ તો એવું એવું ભાખી રહી છે. '

'એમનાં તે બુદ્ધિનાં બારણાં ઉઘડ્યાં છે કે ભીડાયાં? ત્રીસમી સદ્દીનાં સ્વચ્છન્દીલાં કરતાં અમે બારમી સદ્દીનાં બોથ્થડ સારાં. પુરુષની સ્ત્રીજાતિ માટેની ભૂખનો આ તો ગેરલાભ લેવાય છે. એ ખરૂં છે કે ત્‍હમારે અમારા વિના ઘડીકે નથી ચાલતું : ત્‍હમારી ભૂખ અમારા વિના નથી ભાગતી. ત્ય્હારે કહેશો: ત્‍હમારા વિના અમારે કેટલુંક ચાલ્યું ? ને ત્‍હમારા વિના અમારી તરશ કેટલીક છીપી ?'

' આ તો નવાં રસકાવ્યો !- કે જ્ઞાનકાવ્યો ? આવું આવું કેમ બીજી સ્ત્રીઓ નથી બોલતી ? તું કવિતા કરે તો જગત નવદર્શન પામે હો !'

'આ તો જગજૂનાં દર્શન છે. રામને સીતા વિના ન ચાલ્યું તે લંકા બાળી; ને સીતાજીને રામ વિના ન ચાલ્યું તે ધરતીમાં સમાયાં. એમ રચાઈ રામાયણ. પણ આજનાં જગતમાં રામસીતા કેટકેટલાંક ?'

'અમેરિકામાં જા-અમેરિકામાં. ભાષણમાળા ગોઠવાવી આપું-આવું આવું બધાંને બોલતાં શીખવે તો.'

'કંઈક કહ્યું કે ત્‍હમે તો હસવાના. અમેરિકા કય્હાં હવે આઘું છે અંહીથી ? બેન્ડ સ્ટેન્ડ ઉપર કેટલું યે અમેરિકા હિન્દમાં ઉતર્યું છે સ્તો. હિન્દવાણ અમેરિકણો કેટકેટલી યે જોઉં છું. સ્રીજાત સાચું બોલતાં શીખશે, અન્તરના પડદા ઉઘાડી આત્માના અભિલાષ સાચે શબ્દે ઉચ્ચરશે, ત્ય્હારે જગત જાણશે કે પુરુષને સુન્દરીની સુન્દરતાના કોડ છે એથી ચાર ગણા સુન્દરીને પુરુષના પુરુષાતનના કોડ છે.'

આજ તો હું તો મનમાં મલકાતો'તો કે આપણા ભાગ્યોદયની વસન્ત બેઠી.

મ્હેં કહ્યું : 'પુરુષ પક્‍કો છે તે પોતાની કામવાસનાને 'પ્રેમ' 'પ્રેમ' કહી પપૈયાની પેઠમ પોકારે છે ને સ્ત્રીજાતિને છેતરે છે. સુન્દરી લાજાળ છે તે નિજની કામવાસનાને અન્તરમાં સમાવે છે.'

'શું રાખ અન્તરમાં સમાવે છે ! ચાર રૂપાળીઓને મળી દીઠી છે? એમના વાર્તાલાપ ને રસકલ્લોલ સન્તાઈને સાંભળ્યા છે ? એ સહિયરસંઘમાંની અમ નફ્‍ફટાઈ ત્‍હમારા નફ્‍ફટશ્રેષ્ટને યે હરાવે, હો '

'પણ એમાં સુન્દરતાને શું ? હું તો ખરેખર કહું છું કે તું સુન્દર છે.'

'રાખો, હવે રાખો જરા તો સાચું બોલતાં શીખો. 'સાચું બોલું છું ' માનતા હો તો સુન્દરતાની વ્યાખ્યા બગાડો છો: વિવેકનું ખોટું બોલતા હો તો ખુશામત કરી મ્હને ને ત્‍હમને બન્નેને બગાડો છો. ત્‍હમને ગમું છું એટલે હું તો જાણે જગત જીતી.-પણ જુઓ આ,-આ પ્રફુલ્લેલું કમળ ને આ ખીલેલું ગુલાબ.'

સજોડે દંપતી પધરાવ્યાં હોય એવાં અમારા ટેબલ ઉપરના ફૂલપાત્રમાં કમળ ને ગુલાબ આજ શોભતાં હતાં.

હાથિણી કય્હારેકે મસ્તીમાં ચ્‍હડતી હશે કે કેમ ? હાથણી જેવી આજે તે મસ્તીમાં ચ્‍હડી હતી. કમળ લઈ ત્‍હેણે મ્હારી છાતીમાં માર્યું: જો કે ભૃગુલાંછન સમું કાંઈ ત્ય્હાં થવાનો ભય તો ન હતો.

'આ કમળ ને આ ગુલાબ. કમળ જેવો પુરુષ છે, ગુલાબ જેવી સ્ત્રી છે.'

'સુન્દર પુરુષને ત્‍હેં દીઠા છે ?'

'સુન્દર સ્ત્રીઓ યે કેટકેટલીક છે ત્ય્હારે ? 'સુન્દરી', 'સુન્દરી', 'સુન્દરી' એમ પુરુષના પપૈયાએ પોઇકર્યું ન હોત તો જગત જાણત કે સુન્દરી કિયા વનનું ફૂલ છે. ગોરો રંગ કે અંગની છટા કે નેણનાં નખરાંને સુન્દરતા માનનારા વિષયલોલુપોને તો સારૂં જગત સુન્દરીઓથી વસેલું ભાસે છે. ડુંગરા દૂરથી રળિયામણા સારા. પાસે જઈ જોયે કેટકેટલી સુન્દરીઓ સુન્દર લાગે છે ? રંગ ને પાઉડર, કૉરસેટ ને ફ્લાવર ને ઝાલર ને ઝૂલ ને ભાતીગર સાડીઓ સુન્દરીને કેટકેટલી સુન્દરતા ઓઢાડે છે એ આંક્યું છે ? પુરુષાતનસોહન્તા પુરુષો યે જગતમાં એટલા જ છે, હો ! ત્‍હો યે કામલોલુપ સ્ત્રીઓની આંખ જગતમાં જન એટલા પુરુષો પેખે છે. શું પુરુષ કે શું સ્ત્રી-પરસ્પરને મુખ્યત્વે નિરખે છે આજ તો વિષયવાસનાની આંખડીએ.'

'ત્ય્હારે ત્‍હ્મે શું કહો છો ?-મ્હારાં કામજેતા ગૃહદેવીજી !'

'કામને જીતી હોત તો ત્‍હમને પરણવા આવત શા વાસ્તે?-પણ મ્હારા અભિપ્રાયનાં મૂલ શાં મૂલવવાં ? મ્હોટા મ્હોટા પ્રાણીવિદ્યાના પ્રોફેસરો શું કહે છે તે તો સાંભળ્યું હશે. ને તે યે આજપૂજ્યા પશ્ચિમના પ્રોફેસરો ! છાપામાં હતું-હસો છો શું ? છાપાંઓ શું જુઠ્ઠાં છે ?- હા-હા, છાપામાં હતું કે હંબોલ્ટ કહે છે સિંહણથી સિંહ ને ઢેલથી મોર વધારે સુન્દર છે.'

'એટલું ભણવા યે યૂરોપ જવું પડે છે આજ !'

'પણ આમાં નવું મ્હેં શું કહ્યું જે ?'

'જૂનામાં જૂનું યે એ છે ને નવામાં નવું યે એ છે. જૂની લિપિની પેઠે જૂનાં સત્યો ભૂલ્યું છે જગત.' બોલતાં બોલતાં હું યે ઘડીક ગંભીર થઈ ગયો; પણ તે ઘડીક જ.

'જા, જા, યૂરોપઅમેરિકામાં જા. ત્‍હારા જેવા પ્રોફેસરો ત્ય્હાં જઈને ભણતર ભણાવે તો સ્ત્રીજગતનો ને પુરુશજગતનો ત્ય્હાં દીનમાણ ફરી જાય. સ્ત્રીપુરુષના કલહો દુનિયામાંથી અડધા થાય ને માનવજાતનાં સુખ વધે.'

'ઠીંગણી હાથણી કરતાં દન્તશૂળસોહન્ત રાજેશ્વર શો હાથી વધારે ભભકાદાર નથી ? રત્નસોહન્ત રાણી કરતાં શસ્ત્રસોહન્ત રાજવી શો ઓછો સુન્દર છે ? કોણ રોનકદાર છે-ન્હાનકડી કૂકડી ? કે કલગી ને પીંચ્છપલ્લવ નચવતો કૂકડો ? ત્‍હમારા શિકારી મિત્ર કહેતા કે ગભરૂ હરિણી કરતાં શૃંગાળા મરદાનગીમલપતા કાળિયારના એમને વધારે મોહ હોય છે. આટલું ભણવાને યે સાગર ઓળંગવા પડશે ?'

'હા. એવએવડા મંડાયા છે મહાસાગર આપણી બુદ્ધિ ને સત્યોની વચ્ચે. આર્યસત્ય સ્‍હમજવાને આર્યબુદ્ધિને આજ મહાસાગર ઓળંગવા પડે છે. વિવેકાનન્દજીને આપણે અમેરિકામાં ઓળખ્યા. તક્રના શ્લોક ન માન્યા: ફ્રાન્સે મનાવ્યા ત્ય્હારે માન્યા.'

'અમે સરિતા, ત્‍હમે પર્વત; અમે ચન્દ્રમા, ત્‍હમે સૂર્ય.'

'પણ અમૃત તો મણમણનાં-હો ! સુન્દરીનાં અમૃત પી કોણ અમર થયું જે ?'

'સુન્દરીનાં અમૃત પીને જ પુરુષો અવતર્યા ને ઉછર્યા.'

'પુરુષોએ સુન્દરીઓની કવિતાઓ લખી ન હોત તો સુન્દરીનો મહિમા આજ જગતમાં ચોથા ભાગનો યે ન હોત. કવિઓ એટલે સ્ત્રીજાતિના બિરદાવલીઓ.'

મ્હેં પૂછ્યું: 'તો પછી પુરુષો કોની કવિતા લખે ?'

એ અનુત્તર રહી, વિચારમાં પડી, ડૂબતી-મૂંઝાતી ભાસી. મ્હારે ત્ય્હારે ગૃહદેવીને મૂંઝવવાં ન હતાં એટલે વાત આગળ ચલાવી.

'ને કુબ્જાએ કૃષ્ણચન્દ્રને મોહ્યા'તા તે ? કે કૃષ્ણ'યુગમાં યે સ્ત્રીબિરાવલીઓ જન્મ્યા'તા ?'

'એ તો ગામડિયા ઉપરની શહેરી મોહિની: ગોકુળના ગોવાળને મથુરાની કામનગારીનાં કામણે વશીકરણ કીધાં.'

નરઘાંની જોડી બોલે એવી અમારી વાત આજ ધડબડતી.

'ત્‍હારી આટઆટલી દલીલો પછી યે ભાખું છું કે સુન્દરી એટલે વીજળીની વેલ. તું યે અત્ય્હારે વીજળીની વેલ છે.'

'અજવાળે ય તે ને દઝાડે ય તે: એમને ?'

'મહાભારત પૂરૂં થઈ રહ્યે ધૃતરાષ્ટ્રે ભીમની લોહમૂર્તિને ભુજમાં ભીડી ભચડી નાંખી'તી. આપણું આ વાક્‍મહાભારત પૂરૂં થયે એમ ત્‍હારી દેહમૂર્તિને ભીડી ભચડી નાખીશ હો ! આજ આડા અર્થ ઉકેલે છે તું. ફરીથી કહું છું: સુન્દરી એટલે વીજળીની વેલ. ને શ્રી કૃષ્ણજીને રાધિકાજી તેમ મ્હારે તું.'

'એમ કંઈ ને કંઈ બીક બતાવીને જ રોજ ને રોજ જીતો છો. આજ 'હા' નહિ ભણું. પણ ત્‍હો યે-ને કાળા ત્‍હો યે ત્‍હમે મ્હારા કૃષ્ણજી. ત્‍હમારી બંસીને વશ ભવના વ્રજમાં હું તો ભમતી હીંડું. શો ભવ્ય હતો એ ન્હાનકડો કાનૂડો ?'

'હવે સાચું બોલી: સુન્દરી એટલે સુન્દરતા ને પુરુષ એટલે ભવ્યતા.'

'ત્ય્હારે તો ત્‍હમારો જ નિત્યનો બોલ સાચો-એમ ને ? સુન્દરી એટલે વીજળીની વેલ ને પુરુષ એટલે પુરુષાતનનો મેહુલો.'

વકીલોનાથી યે મોળી અમારી લ્હડાઈ હતી. વિવેકમાં અમે એને વાક્‍મહાભારત કહેતાં. અમે ઉઠ્યાં. પરસ્પરની કરવેલો ગૂંથી એકબીજાનાં નયનસરોવરોમાં તરતાં ડૂબતાં ને ઉછળતાં અમે હસી પડ્યાં.

મ્હેં કહ્યું: મ્હારી વીજળીની વેલ !


Rate this content
Log in

Similar gujarati story from Classics