વહુની વાર્તા 18
વહુની વાર્તા 18
સુવર્ણાએ માયાબેનને કહ્યું, 'જુઓ માયાબેન, અત્યારે યુગપરિવર્તન થઈ ગયો છે. બાળકોને સ્વતંત્રતા જોઈએ છે અને તે પૂર્ણ સ્વતંત્ર રહેવા ઈચ્છતા હોય છે. વળી નવી આવનાર વહુ ઉપર ઘરનો બધો ભાર નાખી દેવાથી તેને એવું થતું હોય છે કે મને અહીં શાંતિથી રહેવા દેવા નથી. આવું વિચારી ૩૦ થી ૪૦ ટકા સ્ત્રીઓ લગ્નના છ માસમાં જ માવતરે ચાલી જાય છે. આવી રીતે ઝઘડા ચાલુ થાય છે. ત્યાં પણ મા-બાપને ખબર ન પડે તેમ કાવાદાવા કરવા લાગે છે. બધા કેસો સરખા ન હોય. કેટલીક સ્ત્રીઓને ખરેખર મારકૂટ પણ થયેલ હોય છે.'
હવે સુવર્ણાએ મગનભાઈને અભિપ્રાય પૂછતાં મગનભાઈ બોલે છે, 'જુઓ બેન, અમારા ઘરમાં ખૂબ શાંતિ હતી. ચમનને પરણાવ્યો અને તેની પત્ની ઘરમાં આવી ત્યારથી સાસુ-વહુ વચ્ચે ચણભણ ચાલુ થઈ ગઈ. વહુ બનીને આવી હોય તો કામ તો કરવું પડેને ? એ તો નાના નાના કામમાં પણ ઝઘડો કરે. હું તો આખો દિવસ બહાર રહું. એક દિવસ સાંજે જ્યારે ઘરે આવ્યો ત્યારે અશોકે તેની મૂકી આવ્યાની વાત કરી. દીકરાને પરણાવ્યા પછી તો વહુના હવાલે જ જાણે કરી દીધો હોય છે. ગામમાં વાતો તો વધારીને પણ થતી રહેતી હોય છે. અમારી હકીકત તમને કહી દીધી છે. હવે તમારે જ સાચો નિર્ણય કરવાનો છે. અત્યારનાં સંતાનો ખૂબ જિદ્દી હોય છે. એટલે બંને પક્ષો ભોગવવાનું હોય છે એ અમે પણ જાણીએ છીએ.'
આ વાત ચાલતી હતી ત્યાં જ કંચનબેનનો ફોન આવે છે અને સુવર્ણાને કહે છે કે, આજે તારું ચેકઅપ કરાવવા ડો. મયૂરને ત્યાં જવાનું છે. મેં નામ લખાવી દીધેલ છે. તું અને શશી ત્યાં જઈ આવજો. તારાં મમ્મી પણ આજે સાંજે બેસવા માટે આવવાનાં છે. તું અત્યારે મગનભાઈની વાત સમજી લે અને પછી તેના વિશે નિરાંતે ચર્ચા કરી લેશું. ફોનની વાત પૂરી થઈ. હવે સુવર્ણાએ મગનભાઈને કહ્યું, 'અમે લોકો તમારી ચર્ચા કરી લેશું. તમને સંતોષ થાય એવો નિર્ણય કરશું.' જતાં જતાં મગનભાઈએ ચમનના સસરાપક્ષનું નામ, સરનામું, ફોન નંબર વગેરે આપી દીધું.
સાંજે સુવર્ણાના મમ્મી-પપ્પા ઘરે આવવાનાં હતાં. એટલે તેની તૈયારી પણ થવા લાગી. કંચનબેન પણ વેવાઈ-વેવાણ આવવાનાં હોવાથી કોલેજેથી થોડાં વહેલાં નીકળી ગયાં. સુવર્ણાને પણ ખૂબ આનંદ હતો. ઘણા દિવસો પછી આજે મમ્મી-પપ્પાને મળવાનું હતું. જો કે સમાજમાં તો એક રૂઢિ હતી કે દીકરી બેજીવી હોય ત્યારે માવતરને ઘેર ન જઈ શકે. માથાના વાળ કોરા રાખવાની રૂઢિ પણ હતી. આવા કારણથી સુવર્ણા માવતર ગઈ ન હતી. રવિએ પણ સુવર્ણાને વાત કરી હતી કે, મમ્મી-પપ્પા આવે એટલે મને ફોન કરજે. એટલે હું પણ તેને મળી શકું.
(ક્રમશ:)
