વહુની વાર્તા 13
વહુની વાર્તા 13
ડ્રાયવરે કંચનબેનને પૂછયું, 'બહેન શું હડતાલ પાડવાની છે ? આટલા બધા લોકો કેમ ભેગા થયા હતા ?' ત્યારે કંચનબેને કહ્યું કે, 'ના, ભાઈ, આ તો સામાજિક સુધારા બાબતનો એક કાર્યક્રમ હતો. તે માટે સૌ ત્યાં આવ્યા હતા. તેમાં સાસુ-વહુના વ્યવહાર વિશેની વાતો થઈ હતી. દરેકે શાંતિથી રહેવું જોઈએ એવી વાતો થઈ હતી.' ત્યારે ડ્રાયવર કહે, 'અમારે તો રોજની મોકાણ ચાલતી હોય છે. કોઈ સમજવા તૈયાર જ થતું નથી. આ કળિયુગ છે. તેમાં કોઈને સમજાવા જઈએ તો પણ વાંક આપણો આવી પડે.' ત્યારે કંચનબેન કહ્યું કે, 'હું અને સુવર્ણા તે સુધારવા પ્રયત્ન કરશું.' પછી સાસુ-વહુ પોતાના ઘરમાં જાય છે.
બીજા દિવસે સવારે સુવર્ણા વહેલી જાગીને ઘરનું કામ કરવામાં લાગી ગઈ. કંચનબેને પણ પોતાનું કાર્ય પતાવીને પોતે નોકરી કરે છે તે કોલેજે ગયાં. ગઈકાલના કાર્યક્રમનો પડઘો જાણે બધે સંભળાતો હતો. વર્તમાનપત્રોમાં મોટા-મોટા અક્ષારે આ કાર્યક્રમ વિશે છપાયું હતું. દરેક વર્તમાનપત્રમાં એક જ સૂર હતો કે, હવે સાસુ-વહુએ સુધરવું જ પડશે. કોઈ પ્રશ્ન હોય તો પૂછવા માટે સુવર્ણાનો નંબર આપેલ હતો. એટલે સવારથી જ ફોનની ઘંટડી વાગવાનું ચાલુ થઈ ગયું હતું. ફોન વધારે પડતા બહેનોના હતા. ઘણા પોતાનાં મંતવ્યો આપવા માગતા હતા. ઘણાને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવવો હતો. એટલે જેનો ફોન આવે તેનું નામ પૂછીને સુવર્ણા લખી લેતી હતી અને કહેતી કે તમને વાતચીત કરવા માટે સમય આપવામાં આવશે.
સુવર્ણા દરેક સાથે વિવેકથી વાત કરતી હતી અને વ્યવસિથત જવાબ આપતી હતી. સુવર્ણાના જવાબથી દરેકને સંતોષ થતો હતો. નવો પ્રશ્ન ઉદ્ભવે તો વળી ફોન આવતો હતો અને પોતાની સમસ્યાનું નિરાકરણ મેળવતા હતા. આ સમસ્યાઓના ઉકેલ માટે મહિલા કાર્યાલય ખોલવામાં આવ્યું હતું. જેને પ્રશ્ન હોય તેને આ કાર્યાલયે બોલાવી તેમનું સમાધાન પણ કરવામાં આવતું હતું. આ કાર્યાલયનો હેતં સાસુ-વહુના સંબંધની સાચી ઓળખ ઊભી કરવાનો હતો. આ રીતે તેઓ લોકજાગૃતિ પણ કરી રહ્યા હતા. જાણે કોઈ નવી દિશા ખૂલવાની ન હોય!
આખું માળખું તૈયાર કરવામાં સમાજની મહિલા કાર્યકરોનું સંગઠન બળ જરૂરી હતું. જેથી એક મહિલામંડળ જાગૃત હતું. તેને માટે ખાસ ચર્ચા-વિચારણા કરવાનું આયોજન હતું. જેમાં મહિલામંડળના જાગૃત બહેનોની ચર્ચા થાય, તેવા હેતુથી સાથે મળી નવી દિશા તરફ આગળ વધવા-વિચારવાનું નક્કી થયું. બરાબર નક્કી થયા મુજબ સુવર્ણા, સુશીલાબેન અને મહિલામંડળની બહેનો સાથે ચર્ચા શરૂ થઈ. મૂળ વાત એ હતી કે આખરે તો બધી ચર્ચા કરવાની ને વિચારવાનું તો બધું સ્ત્રીઓ માટે છે. તેમાં સાસુ-વહુને મધ્યમાં રાખી સંસાર ચલાવવાનો છે. એકબીજાના દોષ કાઢીને કોઈને જુદા પાડવાના નથી. જુદા પડવાથી તો સમાજનું માળખું બગડી જાય છે. આવું ન થવું જોઈએ. આ સ્ત્રીઓ ભેગી થઈને સમાજ સુધારાની આવી ધૂણી ધખાવીને બેઠી છે તે સરાહનીય છે.
(ક્રમશ:)
