વહુની વાર્તા 07
વહુની વાર્તા 07
સુવર્ણા બોલી બાપુજી જ્યારે ભાઈ અલગ થયા અને બા તથા ભાભીની ચર્ચા ચાલતી હતી ત્યારથી જ મેં મક્કમ નિર્ણય લીધો હતો કે ભાભી ભાઈને મારા લગ્ન વખતે વધુ ખર્ચ કરતા રોકશે. એટલે કરકસરથી આ ઈમાનદારી ને મારા પગારની બચત કરેલ. જે આપણે અત્યારે કામ ન આવે તો મને જે આપે ઉચ્ચ કેળવણી અને ડબલ ગ્રેજ્યુએટ બનાવેલ. આપે ઉપકાર નથી કરેલ, પણ એક સંતાન તરીકે મારી પણ ફરજ બની રહે છે.
સુવર્ણા આટલી બધી ડાહી ડાહી વાતો કરતી રહી અને બધા સાંભળતા જ રહ્યા. સગાભાઈને થયું કે સુવર્ણા જે કહી છે તે યોગ્ય જ છે. હવે આપણે કાલે મળીશું કહી સૌ છૂટા પડયા. સુવર્ણાની એક ખાસ બહેનપણી રેખા હતી. બંનેએ ભણતર સાથે જ લીધું હતું અને 'કલાસમેટ' પણ હતી. સુવર્ણા પહેલો નંબર લેતી, ત્યારે રેખા બીજો નંબર લેતી. ઘણી વખત રેખા સુવર્ણાને કહેતી કે, તારો પહેલો નંબર જ આવવાનો છે. ઘણી વખત પોતાની મરજીથી સુવર્ણાને પહેલો નંબર આપવા માટે એકાદ જવાબ અધૂરો મૂકતી.
એક વખત રેખાના ટીચરે બોલાવીને કહ્યું કે, 'તેં પહેલો સવાલ કેમ અધૂરો મૂકી દીધો ? તે અધૂરો ન મૂકયો હોત તો તારો પહેલો નંબર આવત.' રેખાએ થોડું મરકીને જવાબ ન આપ્યો અને બીજી વાત કરવા લાગી. રેખાના ટીચર સ્ત્રી અને તેની ફરજો વિશે ચર્ચા કરતા ત્યારે હદ વટાવી જતા જૂના રીવાજ, જૂની પરંપરા-ખાનદાની, પિતા-માવતર, સસરાપક્ષ વગેરે વિશે ખૂબ જ ઊંડી ચર્ચા કરતા હતા. નોકરી કરતા કરતા રકમ બચાવી આપણા લગ્નખર્ચમાં ઉપયોગ થાય તેની પણ રેખાએ જ સુવર્ણાને સલાહ આપી હતી.
સુવર્ણાને રેખા ઘણી વખત ચર્ચામાં કહેતી હતી કે, 'સ્ત્રીને બે ભાર હોય છે. એક ભાર માવતરપક્ષનો અને બીજો ભાર પતિપક્ષનો. આ બન્ને પક્ષને વફાદાર પણ સ્ત્રીને રહેવાનું હોય છે. માવતરપક્ષમાંથી જે કાંઈ સંસ્કાર લીધેલા હોય તેનો ઉપયોગ સ્વતંત્ર રીતે સસરાપક્ષમાં કયારેક ઉપયોગ ન પણ આવે. વળી ભણતર સાથે પાકશાસ્ત્રનું જ્ઞાન પણ જરૂરી છે. કારણ કે સમયના રફતારની સાથે રિવાજ અને વહેવાર પણ બદલાતો રહે છે. જૂની અને નવી પદ્ઘતિમાં જમીન-આસમાન જેટલો ફરક રહે છે.
(ક્રમશ:)
