તું ભૂલી ગઈ હતી..
તું ભૂલી ગઈ હતી..
અર્પણ
મારા ઘરમાં,
મારી સાથે,
ઊઠતાં બેસતાં,
સુતાં જાગતાં,
ખાતા પીતાં,
હાલતા ચાલતાં,
મારા ભગવાન,
મારા મમ્મીને..
અને એ અજાણ્યા વાચકોને કે જે આટલું લખવાં માટે પ્રેરણા આપે છે......
"હે ભગવાન.....આ તમારી અભણ અને ગામડાની ગવાર માં થી હું કંટાળી ગઈ છું. તમે તો આખો દિવસ ઑફિસે પડ્યા રહો છો, મારે એની સાથે માથાકૂટ કરવી પડે છે. કંઈ બુધ્ધિ જ નથી એ ડોશીને. નથી કાંઈ બોલવાનું ભાન કે નથી કેમ જમવું એનું ભાન. પાડોશીઓમાં શું ઈજ્જત રહેશે આપણી. શું જરૂર હતી એને અહિંયા લાવવાની. એક તો આ નાની ઝૂંપડી જેવું ૩બીએચકેનું મકાન છે અને એમાં આ તમારી ડોશી...હું હવે એનાથી સાચું ગળે આવી ગઈ છું એટલે તમારે એનું જે કરવું હોય એ કરજો. બાકી કાં તો આ ઘરમાં એ રહેશે, અને કાં તો હું." હજી તો હર્ષ ઘરનો ઊંબરો ચડ્યો જ હતો અને એ સાથે જ એની "ધર્મપત્ની"એ મીઠી વાણીમાં એનું સ્વાગત કર્યું.
હર્ષ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો મધ્યમ વર્ગનો માણસ હતો અને એની પત્ની સાથે એક શહેરમાં ગૃહસ્થી ચલાવતો હતો. સંસાર શરૂ થયાને હજુ એક વર્ષ માંડ થયેલું. કાળઝાળ મોંઘવારી અને શહેરીજીવન વચ્ચે પોતાની જાતને ગોઠવવાં એ આખો દિવસ દોડાદોડી કરતો. "બાર સાંધે ને તેર ટૂટે" એવી પરિસ્થિતી હતી. એમાં પાછાં એની બા ત્યાં રોકાવાં આવ્યાં. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પણ પછી ટીવી માં આવતી સિરિયલોએ એનો જાદુ ચલાવ્યો. રોજેરોજ સાસુ વહુના ઝઘડા. સાંજે થાક્યો પાક્યો ઘરે આવે ત્યાં કાંઈક ને કાંઈક આગ લાગેલી હોય. ન પત્ની ને કાંઈ કહેવાય કે ન એની માં ને કંઈ કહેવાય. અને અત્યારે એ જ ચાલું હતું.
"પણ તું સમજતી હો એમને. એમની ઉંમર છે આવું બધું વિચારવાની. અને એ ક્યારેય સારી થાળીમાં નથી જમ્યા, તો એમને ડાઈનિંગ ટેબલ પર એમ ક્યાંથી ફાવી જાય. એમને બુધ્ધિ નથી, પણ તને તો છે ને. તારે થોડું ઘણું સહન કરાય ને." હર્ષ એની પત્ની ને સમજાવતાં બોલ્યો.
"એટલે જ તો અહીં છું, બાકી બીજી કોઈ હોય ને તો ક્યારની જતી રહી હોય. એ તો મારા મમ્મી પપ્પાના સંસ્કાર છે, બાકી આવી ડોશી ઘરમાં તો શું ઘરની આસપાસ પણ ફરકવાં ના દવ." પોતાના પતિનો પોતાની તરફ ભાવ જોઈને, એ "સંસ્કારી" છોકરી બોલી.
"હા બેબી...આઈ નૉ..હવે હું કાંઈક કરીશ બસ." આંખમાં અજાણી ચમક સાથે હર્ષ બોલ્યો.
"તમે મને કહેતાં ને કે આપણી વચ્ચે કોઈને નહિં આવવા દઉં. તો આજે તમારી માં જ આપણાં પ્રેમ વચ્ચે આવીને બેઠા છે. હવે પ્લીઝ તમે એમનું કાંઈક કરો." બનાવટી ઉદાસીનતા ચહેરા પર લાવીને એ બોલી.
"ઑક બેબી...આજે રાત્રે એનો ફેંસલો લાવી દઈશું બસ. પછી આ દુનિયામાં માત્ર આપણે બે જ રહેશું. માત્ર હું અને તું... પછી કોઈ તને હેરાન નહિં કરે કે નહિં કોઈ માથાકુટ કરે....શાંતિથી તારે જે કરવું હોય એ કરજે...માય લવલિ સ્વીટહાર્ટ. હવે હેપ્પીને...??" હર્ષ પોતાની પત્નીને ગળે વળગાવતાં બોલ્યો.
આ બાજુ એની બા બંને ખૂબ ખુશ થાય અને એમને કોઈ વાતનું દુઃખ ના રહે એ માટે મંદિરમાં ભગવાન આગળ આજીજી કરતાં હતાં. એમને આ વાતની થોડી પણ જાણ નહોતી. એ તો પોતાના દીકરા માટે ગોકુળ ગિરધારી પાસે અવનવી માંગણીઓ કરવામાં વ્યસ્ત હતાં. આજે મંદિર કીર્તનમાળા હોવાથી એ મોડા ઘરે જવાના હતાં. ઉંમરનો લિહાઝ રાખતાં એમણે અન્ન પરથી રૂચિ ઉતારી લીધી હતી એટલે એ ઉપાધિ થી મુક્ત શાંતિથી કીર્તન સાંભળતાં સાભળતાં મોરલી મનોહરનાં દર્શન નું સુખ લઈ રહ્યા હતાં.
પણ આ બાજુ એમને ઠેકાણે પાડવાનો તખ્તો ગોઠવાય ગયો હતો. તલવાર મ્યાનમાંથી બહાર નીકળી ગઈ હતી. એ લોહીતરસી હવે કોઈકનું લોહી ચાખીને જ અંદર પાછી જવાની હતી. બસ હવે રાહ હતી તો એ ઘરડી માં ની. એ આવે એટલે લોહી છાંટણા કરી નાખે....બસ....પછી શાંતિ.
અને રાતનાં દસ વાગ્યાં. એ સિત્તેર વરસની ઘરડીમાં ઘરે આવવાં નીકળી. ભગવાનનાં ગુણગાન ગાતી અને મંદિરે આપેલી પ્રસાદીને હાથમ
ાં સાચવતાં સાચવતાં એ માં અંધારામાં અથડાતી કૂટાતી ચાલી આવે છે. જુવાનજોધ દીકરાનો ટેકો ન મળતાં એ માડી લાકડાની સોટી નો સહારો લેવાં માટે મજબૂર થઈ છે.
"બેટા....એ બેટા....દરવાજો ખોલ તો." માજી એકદમ ખરડાયેલાં અવાજે બોલ્યાં. એને ખબર પણ નહોતી કે આજે આ દરવાજો એને એના ઘરે નહિં પણ, સીધો સ્વર્ગમાં પહોંચાડવાનો છે. એ તો એનાં આનંદમાં બહાર ઊભી ઊભી દરવાજો ખૂલવાની રાહ જુએ છે.
અને.....દરવાજો ખૂલ્યો...પણ.......દરવાજો ખોલ્યો કોણે..??? ત્યાં તો કોઈ નહોતું....દીકરો ક્યાં....પુત્રવધુ ક્યાં......હશે...ઉતાવળ હોય ને પત્નીની હૂંફ મેળવવાની...મારો દીકરો...કેટલું સાચવે છે મને....માડી વિચારતાં વિચારતાં પોતાની પથારી એ આવી અને પ્રભુનાં રટણ કરતાં કરતાં સૂઈ ગઈ.
મધ્ય રાત્રિ થઈ અને એ માડીજાયો, વીર, કળિયુગી શ્રવણ જેવો દીકરો ઊભો થયો અને એક ધારદાર છરી લીધી. એ નરાધમ ને એક ક્ષણ માટે પણ વિચાર ના આવ્યો કે એ શું કરવાં જઈ રહ્યો છે.
ચપ્પ....કરતો છરીનો ઘા પેટ પર થયો. અને એ સાથે જ લોહી ની જાણે ધારા વછૂટી. ભારે હાથ અને પૂરાં બળથી થયેલાં ઘા એ પેટને ચીરી નાખ્યુ. ઘા થતાં જ પેટમાંથી આંતરડાંનો ઢગલો થઈ ગયો. આખી પથારી એ શરીરમાંથી આવતાં લોહીનું પાન કરી રહી હતી. એ મૃતશરીરને પોતાના શક્તિશાળી પગ વડે પાટા મારવાં લાગ્યો. હજુ જાણે દાઝ ઉતારવાની બાકી હોય એમ એણે તલવાર લીધી અને એક એક અંગ પર ઘા કરવાં લાગ્યો. જ્યાં સુધી શરીરનું એક એક અંગ છૂટું ના પડ્યું, ત્યાં સુધી એ ઘા મારતો રહ્યો. જાણે કોઈ તૂટેલું રમકડું એના અંગેઅંગથી જૂદુ પડી ગયું હોય એમ એનાં એક એક અંગ ને શરીરથી દૂર કરી દીધા. કેવો નિર્દયી પુત્ર અને કેટલું ભયંકર દ્રશ્ય. એ દ્રશ્ય જોનારને એક ક્ષણ માટે તો શરીરમાંથી કંપારી છૂટી જાય. એક જ પળ માં એ સમસ્યા કાયમ માટે હલ થઈ ગઈ. કાયમ માટે એ સુઈ ગઈ.
પચ્ચીસ વરસના માં ના પ્રેમ સામે આજે એની પત્નીનો પાંચ દિવસનો પ્રેમ સાચો સાબિત થયો. એની પત્નીની કહેવાતી કાળજી સામે એની માં ની દિલથી કરેલી કાળજી વામણી સાબિત થઈ.
હજુ ઊભો ઊભો એ વીરલો એ રક્તની વહેતી ધારાને જોઈ રહ્યો છે...અચાનક ઊભો થયો અને પોતાના મુખ માં હતું એટલું બધું થૂંક એ રક્તની ધારા પર ફેંકી દીધું......અરેરે.....કેવો કાળમુખો દીકરો....એ કરતાં કોઈ પથ્થર ને પેટ સાથે નવ મહિનાં બાંધ્યો હોત તો....જેને નવ નવ મહિના પોતાના ઉદરમાં સાચવ્યો...જેને નવ નવ મહિના પોષણ આપ્યું....એ જ આજે આવો કાળમુખો થઈને એનો કાળ બન્યો.
થૂંકીને લોહી નીતરતી તલવાર અને છરીને એ મડદાં ના જ કપડાથી સાફ કરી.....પછી બોલ્યો.
"જેણે મને નવ નવ મહિના અસહ્ય તકલીફ વેઠીને પોતાના પેટમાં સાચવ્યો.....
જેણે મારી ખુશી માટે પોતાની બધી જ ખુશી કુરબાન કરી દીધી.....
હું ચાલતાં ચાલતાં પડી જતો ત્યારે દોડીને મને ગળે વળગાવી દેતી અને એક એની ફૂંક થી મારો બધો દુખાવો દૂર થઈ જતો.....
જેણે મને ભાવતું ખવડાવવાં માટે પોતાની પસંદ ને જ અણગમતી કરી નાખી હતી....
હું આધુનિકતા સાથે કદમ થી કદમ મિલાવીને ચાલી શકું એ માટે જેણે હંમેશને માટે એ ગામઠી રીતભાત ને અપનાવી લીધી.....
હું સારામાં સારો અભ્યાસ કરી શકું એ માટે જેણે આખા ગામનાં વાસણ ઘસ્યા...આખા ગામના ઘરનું પાણી ભર્યું....
જે મને હસતો જોઈને હસતી...જે મને રડતો જોઈને રડતી....
જે પોતે ભૂખી સૂઈને પણ મને ક્યારેય ભૂખ્યો નહોતી સૂવડાવતી...
જે પોતે ભીના માં સૂતી પણ મને ક્યારેય ભીનામાં નહોતી સુવડાવતી.....
એકમાત્ર મારી તંદુરસ્તી માટે જે કોઈપણ પ્રકારનું મીઠું નહોતી ખાતી.....
જેનાં ખોળામાં માથું મૂકતાં જ આખા દિવસનો થાક દૂર થઈ જતો અને એનો એ વાત્સલ્યભર્યો હાથ જ્યારે માથા પર ફરતો, ત્યારે આવતી એ મીઠી નીંદર....
જે મારા સારા ભવિષ્ય માટે કેટલી કેટલી માનતા રાખતી, આખા ગામનાં મેણા ટોણા સાંભળતી.....
અરે....એનાં પ્રેમ સામે તારો આ ઘસાઈ ગયેલો પ્રેમ રતિભાર પણ નથી.
જે માં મારી માટે આટલું હેરાન થઈ, આટલું સહન કર્યુ, જેનાં લીધે તું આજે આટલી શાંતિથી જીવે છે....તું એને મારવાની અને ઘરમાંથી કાઢવાની વાત કરે છે....તું તો એનાં પગના તળિયા ચાંટવાને પણ લાયક નથી....હરામી...પણ તને એ બધી ક્યાંથી ખબર હોય કારણ કે તું ભૂલી ગઈ હતી કે એ મારી માં છે."
આટલું બોલતાં બોલતાં એણે લાશને ઢાંકી દીધી અને વહેલી સવારે દૂર જંગલમાં પ્રાણીઓને દાવત માટે આપી દીધી.