સ્માઈલિંગ ગર્લ - 1
સ્માઈલિંગ ગર્લ - 1
(નોંધ: આ વાર્તા સાચી ઘટનાઓ પર આધારિત છે. તે આદરણીય લોકોની ગુપ્તતા માટે, પાત્રનું નામ, સ્થાનો વગેરે બદલાયા છે. આ વાર્તા પ્રકાશિત કરવાનો હેતુ કોઈ પણ વ્યક્તિ, સમાજ અથવા જાતિની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી. આ વાર્તા પ્રેમ અને સ્નેહ પ્રદર્શિત કરવાના એકમાત્ર હેતુ માટે પ્રકાશિત કરવામાં આવી છે.)
આખી જિંદગીના તપનું એવું તો ફળ મળ્યું,
સાવ અજાણી રાહ પર, તમ જેવું હમસફર મળ્યું.
અષાઢ મહિનો ધીરે ધીરે ધરા પર ડગલાં માંડી રહ્યો હતો. ચારેકોર કુદરતે અષાઢી માહોલ રચ્યો હતો. ઊનાળાના આકરા તપથી તપેલી મા ભોમ મેહુલાના મંડાણ માટે રાહ જોતી હતી. એને રાહ હતી કે ક્યારે મેહુલો આવે અને એની અંદર ઊનાળાએ લગાવેલી આગને પોતાના શીતળ જળથી શાંત કરી દે. કોઈ નવવધુ જેમ પરદેશ ગયેલાં પોતાના પિયુની વાટ જોતી હોય એમ ધરતી મેઘરાજાની પધરામણીની રાહ જોતી હતી.
સાંજનો સમય થયો. સૂર્યદેવ રન્નાદે ના ઓરડાં તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં. પાંચ વાગ્યા અને પી. યુ. દોશી મેડીકલ કૉલેજનો બેલ રણક્યો. આખો દિવસ શરીરની વાઢકાપથી અને પ્રૉફેસરોના ભાષણોથી થાકેલાં ભાવિ ડૉક્ટર્સ પોતાનાં દોસ્તો સાથે બહાર નીકળી રહ્યાં હતાં. કોઈ એકબીજા જોડે ચા ની ચૂસકી લેવાની વાતો કરતાં હતાં, તો કોઈ મૂવિ જોવાનાં પ્લાન બનાવતાં હતાં. કોઈ અસાઈમેન્ટની કૉપી શોધવામાં વ્યસ્ત હતાં તો કોઈ ઘરે પહોંચીને શરીરને લાંબું કરવાની વાતોમાં વ્યસ્ત હતાં.
પણ અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ગોરંભાવા લાગ્યાં. થોડા સમય પહેલાનાં ખુશનુમા આકાશે અચાનક જ પોતાનો રંગ બદલી લીધો. ચારેકોર અંધારુ જામી ગયું. આકાશમાં વાદળો દોટ દેવા લાગ્યાં. ઘનઘોર વાદળો ધરતીને ભીંજવવાં પોતાની ફોજ લઈને સજ્જ હતાં. વાદળોની ગગડાટી અને દોડાદોડી વચ્ચે ક્યાંક ક્યાંક વીજળી પણ ડોકિયું કરતી હતી. સુરજદેવ તો ક્યાંય દેખાતાં પણ નહોતાં. પૂરો અષાઢી માહોલ રચાઈ ગયો હતો. બધાં કોલેજીયનો એમના બધાં પ્લાન કેન્સલ કરીને વરસાદ આવી જાય એ પહેલાં સલામત રીતે ઘરે જવા લાગ્યાં.
અને.....મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી. બે ફુટ આગળનું પણ જોવામાં પણ નેજવાં માંડવા પડે એવી વરસાદની ઝડી વરસવાં લાગી. જાણે પ્રલયકાળ આવી પહોંચ્યો હોય એવો સાંબેલાધાર વરસાદ પડવાં લાગ્યો. જાણે આજે જ ધરતીને પોતાના ઘા વડે ફાડી નાખવાની હોય એમ વરસાદ વરસી રહ્યો હતો. ઘડીકવારમાં તો રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં. રૉડ રસ્તાઓ નિર્જન બની ગયાં. પવનના સૂસવાટા, ભયંકર રીતે ગાજતો વરસાદ, આકાશમાં ચારેકોર ખેલતી વીજળી, કાળુમેશ અંધારુ વાતાવરણને વધું ડરામણું બનાવતા હતાં. બે ઘડી પહેલાં ધમધમતાં રસ્તા અચાનકથી જ શાંત થઈ ગયાં. ક્યાંય માણસ તો શું ચકલું પણ ફરકતું દેખાતુ નહોતું. બધાં પોતપોતાના ઘરમાં બેસીને મેઘરાજાના તોફાન જોઈ રહ્યા હતાં.
પણ આ બધું તો સામાન્ય માણસોને ડરાવી મુકે...કોઈ ગુંડા મવાલી માટે તો આ સ્વર્ગ સમાન ગણાય. પોતાના કાળા કામને અંજામ આપવાં માટે આવી મેઘલી રાત મળે એનાથી મોટી ખુશી એમને મન બીજી કઈ હોય શકે. આવો જ એક મવાલી. નામ હતું વ્રજ. માત્ર નામમાં જ સંસ્કાર રહ્યા હતાં બાકી તો સંસ્કાર નો "સ" પણ એણે એના શરીરમાંથી કાઢીને દૂર ફેંકી દીધો હતો. એ પણ પી. યુ. દોશી મેડીકલ કૉલેજમાં જ ડૉક્ટરીનો અભ્યાસ કરતો હતો....પણ એને મૃતશરીરના વાઢકાપમાં રસ નહોતો. એને તો જીવતાં જાગતાં...હરતાં ફરતાં માણસોની વાઢકાપ કરવી પસંદ હતી. કૉલેજમાં નવાં આવેલાં વિદ્યાર્થીઓને ટૉર્ચર કરવું...પ્રૉફેસરોને ગાળો આપવી....લડાઈ ઝઘડાં કરવાં... બગીચાના કોઈ ખૂણામાં પોતાની "અંગત" પળોનો આનંદ લઈ રહેલાં લવબર્ડઝને હેરાન કરવાં...અઠવાડિયામાં એક બે વાર કોઈકના શરીરની ચરબી ઓછી કરવી...આ બધું વ્રજ માટે રમતો સમાન હતું. એક દિવસ પણ એવો ના હોય કે એણે ઉપર દર્શાવેલાં કામમાંથી કોઈ એકને અંજામ ના આપ્યો હોય. બીજા સામાન્ય ડૉક્ટર જેમ વ્રજમાં કોઈ પ્રત્યે દયાનો સહેજ પણ ભાવ નહોતો. એ તો હરતી ફરતી ગુનાની દુકાન હતો. ગુના કરવાં એ એને મન માત્ર રમત રમવી હતું.
એ ભયંકર રાત્રે વ્રજ પોતાની બાઈક લઈને વરસાદની મજા માણવા નીકળી પડ્યો છે. આકાશમાંથી ભાલા વરસતાં હોય એમ તીખો વરસાદ પડી રહ્યો છે. પણ વ્રજને મન તો એ સામાન્ય વરસાદ હતો. એની છાતી સાચા ભાલાથી વીંધાવા બની હતી, એ છાતી પર આ વરસાદી ભાલા વળી શું કરી શકે?? એ તો મદમસ્ત હાથી જેમ મંદ મંદ ગતિએ પોતાની બાઈકને ચલાવી રહ્યો છે. આખો રસ્તો નિર્જન હતો, ચારેકોર કાળું ડિબાંગ અંધારુ હતું. એવી રાતે વરસાદમાં સેર કરવાં નીકળવું એ કોઈ કાચા પોચા દિલ વાળા માણસનું કામ નહિં. પણ આખી કૉલેજને જેની બીક લાગતી એને વળી કોની બીક? વ્રજ તો ધીમે ધીમે વરસાદને અનુભવતો ચાલ્યો જતો હતો.
રખડતાં રખડતાં વ્રજ પી. યુ. દોશી મેડીકલ કૉલેજ પાસે પહોંચ્યો. દૂરથી એણે જોયું તો કૉલેજના ગેટ પાસે કોઈ માનવાકૃતિ ઊભી હોય એવું લાગ્યું. આટલું બિહામણું વાતાવરણ...આવી મેઘલી રાત...આટલો વરસાદ...આવી પરિસ્થિતિમાં અત્યારે વળી કોણ હશે ? કયાંક માણસ જ હશે કે પછી??? જો માણસ છે તો ત્યાં શું કરે છે?? આટલાં બિહામણાં વાતાવરણનો જરાં પણ ડર નથી?? વ્રજના હૈયામાં ડરનો પેસારો થયો. એણે બાઈક ને ગેટથી પચાસેક ફુટ દુર ઊભી રાખી ને આંખો ઝીણી કરીને એ માનવાકૃતિને જોવાં લાગ્યો.
શરીરનાં મરોડ પરથી એણે અંદાજ બાંધ્યો કે એ માનવાકૃતિ કોઈ છોકરી હતી....અરે...છોકરી....આવી મેઘલી રાત...આવું વાતાવરણ...રગે રગમાં વહેતું નવું લોહી...શરીરમાં હિલોળાં મારતી જુવાની...વ્રજના મનમાં ગંદો વિચાર આવ્યો...પણ બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે એ માણસ નહિં હોય તો??? અને એનું મન શાંત થઈ ગયું. એણે બધું સલામત અંતરે થી જોવાનું નક્કી કર્યું. એ ધીમે ધીમે ચાલતાં ગેટ પાસે પહોંચ્યો.
જેવો એ ગેટ નજીક પહોંચ્યો કે એ જ સમયે આકાશમાં વીજળીનો એક ભયંકર કડાકો થયો. વીજળીના પ્રકાશથી એ વિસ્તારમાં એક પળ માટે ઝગમગાટ ફેલાઈ ગયો. એ એક પળના પ્રકાશના ઝબકારાથી માનવાકૃતિ એકદમ ચોખ્ખી દેખાણી. એટલી ક્ષણનાં પ્રકાશમાં વ્રજે પેલી આકૃતિને મન ભરીને જોઈ લીધી.
વરસાદથી ભીંજાયેલો પાંચ ફુટ અને સાતેક ઈંચ જેટલો માખણિયો દેહ....આછા પીંક કલરની પંજાબી કુર્તિ અને એની નીચે બ્લેક કલરની લેગિંગ....કુર્તિ ઉપર ડૉક્ટરની ઓળખ સમુ સફેદ એપ્રોન....ગળામાં લટકતું સ્ટેથોસ્કોપ....તલવારની ધાર જેવી તીક્ષ્ણ આંખો....તાજાં દોહેલાં દૂધ પર વળેલાં ફીણ જેવાં સફેદ ગાલ....એ ગાલ પરથી ટપકતાં વરસાદનાં બિંદુઓ....લાલ પરવાળા જેવાં હોઠ...વરસાદમાં પલળવાથી હેરપીનમાંથી છુટ્ટાં પડીને ગાલ પર પથરાઈ ગયેલાં રેશમી વાળ.....એ વાળમાંથી ટપકતાં વરસાદના બિંદુઓ જાણે એક ક્ષણ માટે મોતી બની ચમકી ઉઠ્યાં....શરીરના એક એક અંગમાંથી જાણે જવાની ફુટતી હતી....મદદ માટે વારેવારે આજુબાજુ જોયાં કરતી વ્યાકુળ આંખો....મદદ નહિં આવે તો શું થશે એ ચિંતામાં એના ચહેરા પર ઉપસી આવેલી ડરની રેખાઓ....આ કોઈ સામાન્ય છોકરી ના હોઈ શકે....આ તો આરસમાંથી બનાવેલી કોઈ પૂતળી હશે....વરસાદમાં વિહરતી કોઈ મેઘકન્યા હશે...પૃથ્વી પર ફરવાં નીકળેલી સાક્ષાત્ રંભા, ઉર્વશી કે મેનકામાંની કોઈ એક અપ્સરા હશે.
વ્રજની આંખો પલકારાં લેવાનું ભૂલી ગઈ. એક જ નજરે વ્રજ વરસાદમાં ભીંજાઈ રહેલાં એ માખણનાં પીંડા જેવાં શરીરને જોઈ રહ્યો. કુદરત પણ ખરો કરામતી છે, કેવી કેવી રચના કરી નાખે છે.
"મને જોઈને તમારી આંખો ધરાઈ ગઈ હોય તો હવે મને મદદ કરો. અહીંયા નજીકમાં જ મારુ ઘર છે. પ્લીઝ ત્યાં ડ્રૉપ કરી દેશો??"
એ રમણીય રૂપને મન ભરીને માણી રહેલાં વ્રજને અચાનકથી એ રૂપસુંદરીનો મધમીઠો અવાજ સંભળાયો. જાણે રૂપાની હજારો ઘંટડીઓ એકસાથે રણકી ઉઠી....સંગીતના બધાં રાગ જાણે એકસાથે ગુંજી ઉઠ્યાં....વ્રજ જાણે નિઃશબ્દ બની ગયો. કેટલો મીઠો અવાજ....કેટલી મધુરતાં....કેટલી નિર્દોષતા....આવું વાતાવરણ હોવાં છતાં અવાજમાં ડરની થોડી પણ ભેળસેળ નહિં......આહહ...આ નક્કી કોઈ દેવકન્યા છે. એ અવાજે જાણે વ્રજને ઝબકાવી દીધો.
"હા, ચોક્કસ...કઈ બાજુ જવું છે?" વ્રજ બોલતાં બોલતાં એ છોકરી પાસે ગયો. એણે પહેલાં તો પેલી છોકરીને કાયાને એના જેકેટ વડે ઢાંકી દીધી. પછી એણે એ છોકરીને જોઈ. અરે...આ તો એ જ છોકરી કે જેની માટે આખી કૉલેજના જુવાનિયા ફુલ ફેંકે છે...એ જ છોકરી કે જે કેટલાંયે છોકરાની અનિદ્રાની બિમારી માટે જવાબદાર હતી...જેની માટે કેટલાં છોકરાં લાળ પાડતાં...જેની મદદ માટે આખી કૉલેજના રોમિયો તત્પર રહેતાં પણ એ છોકરીને આજે મદદ કરવાં વાળું કોઈ નહોતું....."વાહ ભગવાન....ખરો ખેલ કર્યો તે....આવો ચાન્સ મને આપ્યો...વાહ...કેવું નસીબ" વ્રજ મનોમન વિચારવાં લાગ્યો. હવે એ પેલી મૃગનયનીની એકદમ નજીક હતો. અચાનક એનાં ધબકારા વધી ગયાં. એણે ક્યારેય ન અનુભવેલી લાગણી અનુભવી. "અરે આ તો....પેલી વ્રિતી....ડૉક્ટર વ્રિતી...ગૉલ્ડ મેડલ માટે નોમિનેટ થઈ એ...વાહ રે ભગવાન...મારા ક્યાં પુણ્ય માટે તું આટલું ફળ આપી રહ્યો છે." વ્રજ મનોમન વિચારવાં લાગ્યો.
પણ....વ્રજને જોઈને પેલી છોકરીના તો હોશ ઉડી ગયાં. એની આંખો ફાટી ગઈ. "અરે...આ ગુંડો....અત્યારે....અહીંયા...હે ભગવાન...આને મેં ક્યાં બોલાવ્યો...આ મદદ તો નહિં કરે પણ.....હે ભગવાન....આ મને મદદ કરે એ પેલાં પ્લીઝ કોઈ ભલાં માણસને મારી મદદ માટે મોકલો...પ્લીઝ...આને બોલાવીને મેં મારા જ પગ પર કુહાડી મારી છે." પેલી છોકરીના ચિંતાતુર ચહેરાં પર ચિંતા સાથે સાથે ડરની રેખાઓ ઉપસી આવી.
"ચલો બેસી જાવ...તમારે જ્યાં જવું હોય ત્યાં મુકી જાવ. મારે એમ પણ એ બાજુ જ જવાનું છે." વ્રજ નજીક જઈને એકદમ નમ્રતાથી બોલ્યો. એનાં અવાજમાં નહોતી એ સખતાઈ કે નહોતી એ દાદાગીરી. પણ વ્રજની ખરાબ છાપના લીધે પેલી છોકરી તો પાંદડા માફક ફફડતી હતી. એને વ્રજ સાથે બોલતાં પણ ડર લાગતો હતો...બેસવાની વાત તો બહું દૂરની હતી. પણ વાતાવરણની ગંભીરતાને ધ્યાનમાં રાખતાં એ ભગવાનને પ્રાર્થના કરતાં કરતાં વ્રજની બાઈક પર બેઠી. તરત વ્રજ એક જ કિકમાં બાઈક ચાલું કરી દીધું અને બંને ચાલતાં થયાં.
સુમસામ રસ્તો..કાળું ડિબાંગ અંધારુ....ગાજતો વરસાદ...હાડ થીજવતો પવન...પણ વ્રિતીને આવાં વાતાવરણ કરતાં તો વ્રજની બીક વધું હતી. એનાથી કાંઈ બોલાતું પણ નહોતું. એ સહી સલામત ઘરે પહોંચી જાય એ માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરતી હતી. આખી કૉલેજ જેનાથી ડરતી હતી એ વ્રજ જોડે આવી અંધારી રાતમાં ઘરે આવવું એ વ્રિતી માટે એક ખરાબ સપના જેવું જ હતું. એને બીક હતી કે ક્યાંક આ એની સાથે....પણ વ્રજના મનમાં એકપણ એવો વિચાર નહોતો. એ તો એક પણ શબ્દ બોલ્યા વગર શાંતિથી વરસાદની મજા લેતો ગાડી ચલાવ્યે જતો હતો. એ પણ વિચારતો કે આની સાથે શું બોલું?? શું વાતો કરું?? પણ બે માંથી કોઈ કાંઈ બોલતું નહોતું.
"તમે તો વાતોડિયાં છો ને....આજે કેમ કાંઈ બોલતાં નથી??" અચાનક વ્રજ બોલ્યો
ખાલી આટલું સાંભળતાં જ વ્રિતી ડરી ગઈ. એની શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું. "આને મારી વિશે ક્યાંથી ખબર?? હે ભગવાન, લાજ રાખજો...આજે મેં સામેથી જ મુશ્કેલીને નોતરી છે." વ્રિતી મનોમન બોલી.
"ઓકે...ઓકે...અમારી જેવાં ગુંડા માણસ સાથે તમે ટૉપર્સ થોડી વાતો કરો...તમારે તો ટૉપર લોકો જોડે ઊઠવાં બેસવાનું હોય...બધાં લેક્ચર્સ અટેન્ડ કરવાનાં હોય...શાંતિથી ભણવાનું હોય...અને મારે એ બધાંથી તદ્દન વિરુધ્ધ.. એટલે તમને તો અમારી જોડે ના સેટિંગ આવે. આ તો રસ્તા પર એકલાં જોયા તો થયું કે ચલો મદદ કરી દઈએ. એટલે ગાડી ઊભી રાખીને તમને લીફ્ટ આપી. આમ પણ દિવસમાં કેટલાં પાપ કરીએ છીએ તો આજે એકાદું સારુ કામ કર્યાનો આનંદ મળશે." વ્રજ એના ભીનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં બોલ્યો.
"એક વાત પૂછું?" અચાનક વ્રિતી બોલી.
"હા, બોલોને બિંદાસ...ક્યારનો રાહ જોવ છું." વ્રજ બાઈકને ધીમી પાડવાં રિવર્સ ગિયરમાં નાખતાં બોલ્યો.
"આવી ગુંડાગીરી શું કામ કરો છો? શું મળે તમને આવું બધું કરીને?? નિર્દોષ વિદ્યાર્થીઓને શું કામ હેરાન કરતાં હશો?" વ્રિતીએ પોતાના મનમાં દબાયેલી વાત બહાર કાઢી.
"આ વાતનો જવાબ આપતાં પહેલાં હું એક બીજી વાત કહેવા માંગું છું. વરસાદ વધતો જાય છે અને તમે ભીંજાયેલાં છો તો સામે કૉફીશૉપ છે ત્યાં થોડીવાર બેસીએ. એ કૉફીશૉપ મારું જાણીતું જ છે.તમે કૉફી પીશો તો શરીરને થોડો ગરમાવો મળશે અને તમારા પ્રશ્ર્નનો ઉત્તર પણ મળશે. જો તમને કાંઈ વાંધો ના હોય તો??" વ્રજે વ્રિતી સમક્ષ કૉફી માટે પ્રસ્તાવ મૂક્યો. વ્રિતી પણ આજે જાણે પૂરેપુરી વ્રજના વશમાં હોય એમ એણે એ પ્રસ્તાવ મુકવદને સ્વીકારી પણ લીધો.
બંને ગાડી એકબાજુ પાર્ક કરીને કૉફીશોપમાં પહોંચ્યાં. વ્રજે ફટાફટ બે સ્પેશ્યિલ કૉફી માટે ઑર્ડર આપી દીધો. કૉફી આવે ત્યાં સુધી વ્રિતી પોતાના ભીના કપડાં સાફ કરવાં લાગી. અને વ્રજની આંખો ફરીથી એને જોવામાં વ્યસ્ત થઈ ગઈ. થોડીવારમાં કૉફી આવી. બંને કૉફીની ચૂસકી લેતાં લેતાં વાતોએ વળગ્યાં.
"હા તો હવે કૉફી મળી ગઈ છે. હવે મને મારા પ્રશ્ર્નનો જવાબ જોઈએ છે. એ ક્યારે મળશે?" વ્રિતી કૉફીને એના માદક હોઠ સાથે અડાડતાં બોલી.
"એમાં એવું છે ને કે માણસો હંમેશા તમારી નેગેટિવ સાઈડને તમારી પોઝિટીવ સાઈડ કરતા વધું જુએ છે અને એને જ તમારા ચારિત્ર્ય તરીકે સ્વીકારી લે છે. મારા કિસ્સામાં પણ એવું જ છે. બધા એમ કે છે હું ગુંડાગીરી કરુ છું પણ કોઈ એમ નથી પૂછતું કે શું કામ કરે છે? આજ સુધીમાં તમે પહેલાં વ્યક્તિ છો જેણે મને આ પ્રશ્ર્ન પૂછ્યો છે. એટલે મને ખૂબ ગમ્યું. પહેલી વાર મને કોઈક સાથે શાંતિથી વાત કરવાનું મન થયું. એટલે જ અહીં કૉફીશૉપમાં તમને કૉફી ઑફર કરી. હવે હું તમારા બધાં જ પ્રશ્ર્નોનાં જવાબ આપીશ..." વ્રજ ખુરશીને વ્યવસ્થિત કરતાં બોલ્યો.
"તો તમારું કેવુ એમ છે કે તમે આ ગુંડાગીરી કરો છો એની પાછળ કોઈ કારણ કે કોઈ ચોક્કસ ઘટના જવાબદાર છે. જેને લઈને તમે આવું કરો છો." વ્રિતી કોઈ ડિટેક્ટિવ જેમ પ્રશ્ર્નો કરી રહી હતી.
વ્રજ એને જોઈ રહ્યો. અત્યાર સુધીમાં કોઈએ એની સાથે આવી રીતે વાત નહોતી કરી. વ્રિતી એને બીજાથી અલગ લાગી. એણે વ્રિતીની આંખોમાં એ લાગણી જોઈ કે જેના લીધે એક અજાણ્યો માણસ પળવારમાં પોતાનો બની જાય છે....એણે વ્રિતીમાં પૂરેપુરી નિઃસ્વાર્થતા દેખાઈ. સરોવરના પાણી જેવું નિર્મળ અને એકદમ ચોખ્ખું હૈયું દેખાયું. એટલે જ તો આજે વ્રિતી પાસે એનો ભૂતકાળ ખોલી રહ્યો હતો. જાણે કેટલાં વર્ષોથી એ વ્રિતીને જાણતો હતો.
"એક્ઝેટલી....આ બધાં પાછળ એક ઘટના જવાબદાર છે. આવી જ એક ભયાનક રાત...આ જ કૉલેજની બોયઝ હૉસ્ટેલ...તમારી જેવાં જ ડૉક્ટર બનવાનું સપનું આંખોમાં આંજીને આવેલાં વિદ્યાર્થીઑ...આ જ પ્રોફેસરો...આ બધું એ રાતની ઘટનાનું સાક્ષી હતું. પણ એ બધું કહેતાં તો બહું મોડું થઈ જશે. તમે આમ પણ લેટ છો એટલે એ બધી પછી ક્યારેક વાત." વ્રજની આંખોમાં અને અવાજમાં ભીનાશ આવી ગઈ. એને એ દિવસની ઘટના નજર સમક્ષ ખડી થઈ ગઈ.
"બે કપ કૉફી પી લેશું પણ આજે તો તમારે એ વાત કહેવી જ પડશે. મારે જાણવી જ છે એ વાત." વ્રિતીએ રહસ્ય જાણવા માટે કંઈ પણ કરવા તત્પર હતી.
"ના ના..આજે તમે ઑલરેડી લેટ છો. ઘરે બધા રાહ જોતાં હશે એટલે પહેલાં તમારુ સલામત રીતે ઘરે પહોંચવું વધારે મહત્વનું છે. આ વાત તો પછી પણ થઈ શકશે. કાલે ફરી વાર આ જ શૉપ પર મળજો. આવી જ કૉફીની ચૂસકીઓ સાથે હું એ ઘટનાની વાત કરીશ." વ્રજ કૉફીની છેલ્લી ચૂસકી લેતાં બોલ્યો.
"ઑકે..."વ્રિતીએ ટૂંકમાં જવાબ આપ્યો. વ્રજ એની ધારણા કરતાં અલગ નીકળ્યો. બીજા ભલે ગમે તે બોલતાં હતાં પણ એને વ્રજ ના હૈયામાં ક્યાંક ને ક્યાંક થોડીક પણ સમજણ અને સારપ દેખાણી હતી. અત્યાર સુધીની વાતો અને વ્રજના વ્યવહાર પરથી વ્રિતી આ મુદ્દે એકદમ પાક્કી હતી. થોડીવાર પછી વ્રજ અને વ્રિતી બંને ચાલી નીકળ્યાં. વ્રજે વ્રિતીને સહીસલામત ઘરે પહોંચાડી દીધી.
"થેંક યુ ફૉર કૉફી એન્ડ લિફ્ટ..." બાઈકમાંથી ઊતરતાં વ્રિતી બોલી.
"અરે...ઈટ્સ ઑકે....મારે આમ પણ આંટો મારવાનો જ હતો તો એ બહાને તમારી મદદ થઈ ગઈ." વ્રજ બોલ્યો.
"ઘરમાં આવો. થોડીવાર બેસીને, ફ્રેશ થઈને જાવ." વ્રિતીએ વ્રજને અંદર આવવાં નિમંત્રણ આપ્યું.
"ના ના...પછી ક્યારેક ચોક્કસથી આવીશ. અત્યારે હું નીકળું....સો બાય...કાલે મળીએ." વ્રજ ગાડી સ્ટાર્ટ કરતાં બોલ્યો.
"ઑકે બાય...કાલે કૉલેજ આવજો...કૉલેજ મળીએ." વ્રિતીએ હાથ વડે બાયનો ઈશારો કર્યો અને આટલું કહીને એ ઊંધું ફરીને ચાલવાં લાગી. અચાનકથી એણે પાછળ જોયું અને વ્રજને એક તમતમતી સ્માઈલ આપી દીધી. એ સ્માઈલ જાણે બંદૂકની ગોળી શરીરમાંથી સોંસરવી નીકળી જાય એમ વ્રજના હૈયાને ચીરતી નીકળી ગઈ. વ્રજ એની સ્માઈલ અને એ સ્માઈલ કરવાની અદા પર ફિદા થઈ ગયો. એનાં કઠણ અને પથ્થરદિલ હૈયામાં પહેલીવાર કોઈ મીઠી અનુભૂતિનો અનુભવ થયો. વ્રિતીની સ્માઈલ એને એટલી ગમી ગઈ કે એણે વ્રિતીનું એક નીકનેમ રાખી દીધું. "સ્માઈલીંગ ગર્લ". થોડીવાર વ્રજ એમ જ ઊભો ઊભો વ્રિતીની સ્માઈલને માણતો રહ્યો. એણે એ સ્માઈલને એનામાં દિલમાં ઉતારીને ઊંડે ઊંડે સુધી કેદ કરી લીધી અને એ બાઈક લઈને નીકળી ગયો.
વ્રજ ઘરે પહોંચ્યો. વરસાદ બંધ થઈ ગયો હતો પણ કાળા વાદળો એ હજુ પોતાનો રંગ મૂક્યો નહોતો. રાતના દસેક વાગ્યા હશે. વરસાદના લીધે શહેર વહેલું સૂઈ ગયું હતું. દિવસે ધમધમતી સડકો પણ પોતાના પર પડેલું વરસાદનું પાણી ખંખેરીને પડખું ફેરવીને સૂઈ ગઈ હતી. વ્રજ અને વ્રિતીની પ્રથમ મુલાકાતને સમય બે કલાક દૂર લઈ ગયો હતો. પણ, વ્રજની આંખોમાં ક્યાંય નીંદરનું નિશાન નથી. એની આંખોમાં એક જ દ્રશ્ય વારંવાર આવીને ઊભું રહે છે. વરસાદમાં ભીંજાઈ રહેલી વ્રિતી...મદદ માટે ચારેકોર ફરતી ચકોર આંખો...એની સાથે વાતો કરતી વખતે એકપળ માટે થયેલો અને હંમેશા યાદગાર રહી જનાર એવો નયનો નો મેળાપ...વ્રિતીનો ભીંજાયેલો દેહ....એના શરીર પરથી ટપકતાં વરસાદના બિંદુઓ જાણે સાચા મોતી હતાં...પલળવાથી હેરપિન માંથી છૂટાં પડી ગયેલાં વાળ જાણે એના ગાલ પર પથરાઈને ગાલને ચુંબન કરી રહ્યા હતાં....ભીંજાવાથી લાગેલી ઠંડી ઉડાવવાં કૉફીની ચૂસકીઓ લેતી વ્રિતી...છેલ્લે ઘરે જતી વખતે આપેલી સ્માઈલ....એ સ્માઈલ આપતી વખતે દેખાતા બગલાની પાંખ જેવાં સફેદ અને દાડમની કળીઓ જેવાં દાંત...આ બધું વ્રજની આંખો સામે વારંવાર આવતું હતું અને એટલે જ આજે નીંદર વ્રજથી નારાજ થઈને દૂર દૂર રખડતી હતી. વ્રજના હૈયામાં આજે ઘણા સમય પછી કંઈક અલગ અનુભૂતિ ઉત્પન્ન થઈ હતી. એને વ્રિતીમાં એ જોયું હતું, જે એણે અત્યાર સુધીમાં કોઈ છોકરીમાં નહોતું જોયું. એક વાત તો પાક્કી હતી કે વ્રજના દિલ પર વ્રિતી દસ્તક આપી ગઈ હતી.
અને.......આ બાજુ શું હાલ હતાં????
ક્યારેક વ્રજ માટે મોઢામાંથી નીકળે એવાં શબ્દો વાપરનાર વ્રિતી આજે વ્રજને પોતાના મનમાં સમાવવાનો પ્રયત્ન કરી રહી છે. એણે જેમ ધાર્યું હતું એનાથી વ્રજ એકદમ અલગ નીકળ્યો. આવું વાતાવરણ અને એકાંત હોવાં છતાં પણ એક ક્ષણ માટે પણ એને વ્રિતી માટે કોઈ જાતનો ખરાબ વિચાર ના આવ્યો. એણે ક્યારેય કોઈ સાથે આવું નમ્રતાભર્યુ વર્તન નહોતું કર્યું. બસ, એ જ વાતે આજે વ્રિતીની નીંદરની દુશ્મન બની બેઠી હતી. એ જે વ્રજને ઓળખતી હતી, જેના વિશે એણે વાતો સાંભળેલી હતી, જે એની ગુંડાગીરી માટે જાણીતો હતો, એનાથી આ વ્રજ સાવ અલગ જ હતો. એણે વ્રજ માટે બાંધેલી બધી જ ધારણાઓનો મહેલ વ્રજે જમીનદોસ્ત કરી નાખ્યો. જાણે વ્રિતીને અત્યારનો નહિં પણ ચાર વર્ષ પહેલાંનો વ્રજ મદદ માટે મળ્યો હતો.
વ્રિતી વિચારતી હતી કે વ્રજ સાથે જરુર કોઈ એવી ઘટના બનેલી હોવી જોઈએ કે જેણે એના મગજ પર ઊંડી અસર કરી હોય, અને એની આ ગૂંડાગીરી કદાચ એનું જ પરિણામ હશે. વ્રિતીએ એ રહસ્ય જાણવા માંગતી હતી. એને એ બધી ઘટના કે પ્રસંગોને ઢંઢોળવા હતાં કે જેનાં લીધે એક સમયનો સીધો સાદો વ્રજ આવો ગુંડો બની ગયો હતો. પણ એ માટે બીજા દિવસની સવાર જરૂરી હતી. એટલે વ્રિતી આંખો બંધ કરીને સૂવાની કોશિશ કરવાં લાગી.
બીજા દિવસે વ્રિતી ફટાફટ તૈયાર થઈ ગઈ. વ્રજ પણ વ્રિતીને મળવાની આતુરતામાં વહેલાં જાગીને તૈયાર થઈ ગયો હતો. હવે એમનું મિલન થોડી ક્ષણો જ દૂર હતું અને એ મિલન કોઈ સામાન્ય મિલન નહોતું બનવાનું. એ મિલન થવાનું હતું એક આરસપહાણની કણીઓ જેવું શુધ્ધ, પવિત્ર ચારિત્ર્ય ધરાવતી વ્રિતી અને ગુંડાગર્દીની ગંદી નાળમાં સબડતાં કીડા જેવાં વ્રજનું......એ મિલન બે એવાં હ્દયનું થવાનું હતું જેમાંથી એક પ્રેમાળ, કોમળ અને દયાથી ભારોભાર ભરેલું હતું અને એક ઘાતકી, પથ્થર જેવું કઠણ અને એકદમ નિર્દય હતું....એ મિલન બે એવાં વ્યકિતત્વ વચ્ચે થવાનું હતું કે જેમાંનું એક સંપૂર્ણ ચારિત્ર્યવાન હતું જ્યારે બીજું પૂરેપુરુ દુષ્ટ અને સાવ હલકી કક્ષાનું હતું.
ઘડિયાળે સમયને સવારના દસ વાગ્યા સુધી પહોંચાડીને ઊભો રાખી દીધો. કૉલેજ એક પછી એક આકાશમાં ઊડતાં ધોળાં હંસોના ટોળા જેમ સફેદ એપ્રોન વાળા વિદ્યાર્થીઓથી ભરાવાં લાગી. બધા વિદ્યાર્થીઓને જલદી પહોંચીને અભ્યાસ શરૂ કરવાની ઉતાવળ હતી પણ એ બધાં વિદ્યાર્થીઓ વચ્ચે બે વિદ્યાર્થી એવાં હતાં જે આજે એકબીજાને ડૉક્ટરીનો અભ્યાસ એક બાજું મુકીને સારા જીવનનો પાઠ ભણાવવાના હતાં. કૉલેજના વર્ગખંડો પ્રોફેસરોના ભાષણોથી ગૂંજવાં લાગ્યાં. ભવિષ્યના ડૉક્ટરો કાળા પાટિયાં પર આંખો સ્થિર રાખીને એકચિત્તે સાંભળી રહ્યા છે. કોઈક વિદ્યાર્થીઓ ફટાફટ એ બધી નોટ્સ ઉતારવાં માં વ્યસ્ત હતાં. તો કોઈક વિદ્યાર્થીઓ પોતાની મોહતરમા સાથે આંખો લડાવવામાં વ્યસ્ત હતાં પણ વ્રજને એની ક્યાં કંઈ પડી હતી. એને આ બધાંથી આમ પણ ક્યાં કંઈ ફરક પડતો હતો. એ વિચારતો હતો કે શું ખરેખર વ્રિતી મારી પાસે બધું જાણવા આવશે?? જો આવશે તો વ્રિતી સાથે હું શું વાત કરીશ? કઈ રીતે મારી સાથે બનેલ ઘટના ને હું એને સમજાવીશ? શું એ જાણ્યાં પછી એના મનમાં રહેલી મારા વિશેની ગેરસમજણ દૂર થશે કે પછી એને આ ઘટના કાલ્પનિક લાગશે?? પણ એ બધાં જવાબો ત્યારે જ મળવાના હતાં જ્યારે કૉલેજ પૂરી થાય અને વ્રિતી વ્રજને મળવાં આવે, પણ એ સમય હજું પાંચ કલાક જેટલો દૂર ઊભો ઊભો વ્રજની ઉત્સુકતા વધારી રહ્યો હતો.
સાંજના પાંચ વાગ્યાં. કૉલેજના બેલની સાથે સાથે વ્રજનું દિલ આ જોઈ રણકવાં લાગ્યું. ફટાફટ એ કૉલેજ બહાર નીકળીને વ્રિતી આવે એની રાહ જોવાં લાગ્યો. કૉલેજમાંથી એક પછી એક સફેદ એપ્રોનમાં ભવિષ્યના દાક્તરો બહાર નીકળી રહ્યાં હતાં. પણ વ્રજને એક ખાસ એપ્રોન અને એ એપ્રોન ધારણ કરનાર દાક્તરને મળવાની હતી. અચાનક આજુબાજુ સિપાહીઓથી સુરક્ષા પામેલી કોઈ રાજાની રાજકુમારી જેમ વ્રિતી પોતાના સખીમંડળની વચ્ચે રહીને ધીમે ધીમે કૉલેજ બહાર આવી રહી હતી. એ જોઈને વ્રજ તો એક પળ માટે બાઈક પરથી ઊભો થઈ ગયો. વ્રજની ઉત્સુકતા હદથી પણ વધારે વધી ગઈ હતી.
વ્રિતી આવી. પહેલાં તો એણે એની બહેનપણીઓને બાય બાય કીધું અને એ બધી એમની ગાડીઓની ધૂળમાં દેખાતી બંધ થઈ ત્યાં સુધી વ્રિતી એમને જોતી રહી. પછી એ વ્રજ તરફ ફરી અને એની તરફ જવાં લાગી. વ્રજનું મન વ્રિતીની અદાઓને મન ભરીને માણવાં લાગ્યું. એનું હ્દય અણધારી ગતિથી ધબકવાં લાગ્યું. વ્રજની આંખો વ્રિતી પર મંડાવાં લાગી. એનાં હાથ વ્રિતીના હાથ સાથે મિલન કરવાં ઉતાવળાં થવાં લાગ્યાં. એનાં પગ ગાડીને કિક મારીને જલ્દી કૉફીશૉપ પહોંચાય એની ઉતાવળ કરવાં લાગ્યાં. એના જીભ વ્રિતી સાથે વાત કરવાં માટે તલપાપડ થવાં લાગી. એ એક જ નજરે વ્રિતીને જોઈ રહ્યો...એના આનુપમ રૂપને માણતો રહ્યો...કુદરતીને એ કારીગરીને મનમાં સમાવતો રહ્યો પણ ત્યાં તો એ મીણપૂતળી વ્રજની આંખો સામે પ્રગટ હતી.
"સૉ.....જઈશું?"
ઊનાળાની ધોમધખતી બપોરે અંગ દઝાડતાં તડકામાં કોઈ ઘટાદાર લીમડાની ડાળ પર લપાઈ છુપાઈને બેઠેલી કોયલ જાણે મીઠો ટહુકો કરે એવો મીઠો અવાજ વ્રજના કાને પડ્યો અને એ જાણે એ અવાજ દ્વારા મોહિત થયેલો હોય એમ કાંઈ બોલ્યા વગર બાઈક પર સવાર થઈને બાઈક ચાલું કરવાં લાગ્યો. એણે કાલે પણ આ જ અવાજ સાંભળ્યો હતો, પણ આજે એ અવાજ કંઈક અલગ લાગ્યો. ગઈ કાલનાં અવાજમાં અજાણપણું હતું, જ્યારે આજનો અવાજ પોતિકો લાગતો હતો...કાલના અવાજમાં ડરની ભેળસેળ હતી જ્યારે આજનો અવાજ એકદમ 24 કેરેટ સોના જેવો શુધ્ધ અને ચોખ્ખો હતો...બાઈક ચાલું થઈ એટલે વ્રિતી બાઈક પર બેઠી. જાણે વ્રજ હજું એ અવાજના બંધનમાં હોય એમ ચૂપચાપ બાઈક ચલાવવાં લાગ્યો. આખા રસ્તામાં અસંખ્ય વાહનોનાં ઘોંઘાટ વચ્ચે પણ વ્રજ એ મધુર ધ્વનિને માણતો રહ્યો...મનમાં ઉતારતો રહ્યો.
કૉફીશૉપ સુધીની મુસાફરીમાં બંનેમાંથી કોઈ એક પણ શબ્દ બોલ્યું નહિં. એક હૈયું એ કર્ણપ્રિય ધ્વનિને સાંભળીને એને દિલમાં સમાવી છેક ઊંડે ઊંડે સુધી સંઘરી મુકવામાં વ્યસ્ત હતું તો બીજું હૈયું કોઈકના હૈયામાં સમાયેલી વાતને સાંભળવા માટે ઉત્સુક બની રહ્યું હતું. આ જ ઉત્સુકતા અને આ જ મોહ ના લીધે બંને આખા રસ્તે ચૂપચાપ હતાં. આ બંને લાગણીઓએ વ્રજ અને વ્રિતી નામની બે કાયા પર પૂરેપુરો જાદુ કરી દીધો હતો અને બંનેને એમની માયામાં ફસાવી લીધાં હતાં. હવે એ બંનેના હ્દયમાં રહેલી લાગણીઓ જ્યારે શબ્દો બનીને બહાર નીકળશે નીકળશે ત્યારે જ એ બંનેની કાયા, મોહ અને ઉત્સુકતાની માયાના છાયામાંથી મુક્ત થશે.
જોઈએ હવે આગળ શું થાય છે....વ્રજનો મોહ અને વ્રિતીની ઉત્સુકતા આ સંબંધને ક્યાં સુધી લઈ જાય છે.
ક્રમશ: