Harish Mahuvakar

Children Inspirational

4  

Harish Mahuvakar

Children Inspirational

ટ્વીટર

ટ્વીટર

5 mins
15.1K


સાંજ પડતા લોથ વળી ગયેલો. સવારથી દોડધામ એવી થયેલી. વ્રતની સ્કૂલરીક્ષા ન આવી. એને મૂકવા ગયો. વીની શું કામ બાકાત રહે ? એની સ્કૂલ બસ પણ ન આવી. શહેરના છેવાડે છ – સાત કિ.મી. દૂર એની શાળા. મૂકી આવ્યો. અને વાણીની સેવા બાકી ઊભી જ હતી. એ નજીકના શહેર નોકરી કરે. એમને રોજિંદું મૂકવા અને લેવાનું માથે. રેલ્વેસ્ટેશન પણ ઘરથી સાત – આઠ કિ.મી. પાક્કું !

સવારના નવ સુધીમાં આટલું પતાવ્યું. હું પણ મારી નોકરીએ ઉપડ્યો. ખાસ્સી એવી પળોજણ ત્યાં પણ. કાગળો લખવામાં અને ઉકેલવામાં, જુનિયર્સને સૂચના આપવામાં સમય ક્યાં ગયો તે ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી. બે વાગ્યા. વ્રતને સ્કૂલ લેવા જવાનો હતો. એ બિચારો પ્રિન્સીપાલ ઓફિસ પાસે રાહ જોતો બેઠેલો; ખીજાયો, ‘ પપ્પા તમે ક્યાં ગયા હતા ?’

એને ઘરે મૂકી વળી ઓફિસ. પહોંચ્યો ત્યાં સાહેબ કહે, ‘તમે કલેક્ટર ઓફિસ અત્યારે જ પહોંચો. વી.સી. છે.’ જમવાનું ઠેકાણે. વી.સી.માં હતું નહિ કંઈ. આવેલાને માત્ર ખખડાવવાના હતા. સામાન્ય માણસને સંજય તેવી સૂચનાઓ વારંવાર માથે ઝીંકાણી. એક ટેલિફોનથી થતા કામે કેટલાયના બબ્બે કલાક ને કેટલાકના દિવસો બગાડ્યા.

ઘરે પહોંચ્યો. રસોઈ કરનાર બહેને આવતાવેંત કહી દીધું, ‘ સાહેબ કંઇ શાકભાજી નથી. શું બનાવું ?’ થેલો લઈ ઉપડ્યો. શાકભાજી અને કરિયાણું લઈ આવી હજુ ઘરમાં પ્રવેશું એ પહેલા ઓફિસથી ફોન આવ્યો – પ્યૂનનો, ‘ સાહેબ, તમારી ઓફિસમાં ટ્યુબલાઈટ પંખા ચાલુ રહી ગયા છે.’ બહારથી બંધ થઈ શકે તેમ નહોતું. નીકળ્યો ત્યારે લાઈટ જતી રહેલી એ યાદ આવ્યું નહોતું. પ્રમાણમાં નજીક છતાંય ઠીક અંતરે આવેલી ઓફિસ પહોંચ્યો.

ઘરે આવતા મેં હિંચકે પડતું મૂક્યું. ઝૂલું હું તો ગમે. થાક ઉતરે. હળવું થાય. ઝૂલો મારો સાથીદાર છે. ત્યાં રહીને ઘણું પામી શકાય છે. નવું મળે છે. ત્યાં વ્રત આવ્યો. એ મારી બાજુમાં બેસી વાર્તાનું પુસ્તક વાંચવા લાગ્યો.

‘ પપ્પા, બોલો આમાં પાંખવાળા ડાઇનાસોરની વાત છે. આપણને હોત તો કેવી મજા આવત. પપ્પા ઉડવાની મજા આવે નહીં ?’ આજની ભાગદોડ જોઈ મનેય થયું વાત સાચી ! હું એની સામે જોઈ મરક્યો.

‘ પપ્પા, આજે મારો દોસ્ત આર્યન ઢોકળા લાવ્યો હતો. બહુ મજા આવી. અમે બધાએ શેર કર્યા. કાલ તમે મને ઢોકળા બનાવી દેજો ને !’ એની મમ્મી રાત્રે મોડી આવે ને સવારે જતી રહે. કૂક પણ જતી રહે વહેલી. વળી એના માટે પૂર્વ તૈયારી કરવી પડે. એ અશક્ય હતું. એને સમજાવવા મેં માત્ર ડોકું હલાવીને હા પાડી.

‘ પપ્પા, મારી સાઇકલ ક્યારે રીપેર કરાવી દેશો ? મેં તમને ગઈકાલે કહ્યું હતું. તમે મને પ્રોમિસ આપ્યું હતું.’ એની વાત સાચી હતી. મેં કહ્યું, ‘ હવે આવતી કાલે પાક્કું.’

‘ પણ તમે કાલ...કાલ કર્યા કરો છો. કરાવતા નથી...’

‘ એવું નથી બેટા.’

‘ તો કેમ નથી રીપેર કરાવતા ?’

‘ કરાવી દઈશ.’

‘ કરાવી દેશો ને ?’

‘ હા બાબા, હા.’

એણે પુસ્તકમાં મોઢું નાખ્યું. બે – ત્રણ લાઈન વાંચી હશે કે ‘ પપ્પા, ઝાડ કેટલા ઊંચા થાય ?’

‘ ઘણા.’

‘ પણ કેટલા ?’

મારો મૂડ નહોતો. છતાં મેં કહ્યું, ‘ અલગ અલગ ઊંચાઈ હોય. પાઇન, ઓક ખૂબ ઊંચા હોય. પાંત્રીસ – ચાલીસ મીટર જેટલા ઊંચા પણ થાય.’

‘ પણ પપ્પા આમાં રેડવૂડ ટ્રી છે ને એ બહુ ઊંચું થાય એવું લખ્યું. તો કેટલું ઊંચું ?’

‘ ઘણું જ.’

‘ પણ કેટલું ??’ ચીડાતા એ બોલ્યો.

‘ સાઠ – સિત્તેર મીટર જેટલું.’

‘ પણ આમાં તો સો મીટર લખ્યું છે.’

‘ તો મને શું કામ પૂછે છે ?’

‘ તમને આવડે છે કે નહિ એ પૂછવા. કેવા ચિડાઈ ગયા ?’ એ ફ્હ ફ્હ હસવા માંડ્યો. મને મજા ન આવી.

મેં દરવાજાની બહાર નજર દોડાવી. એક કૂતરાએ દરવાજા પાસે આવીને લંબાવ્યું. એણે મારી સામે જોયું. આંખો બંધ કરી, કાન ઢાળી દઈ આગળ લંબાયેલા પગ પર માથું ઝૂકાવી દીધું. સ્થિર અને શાંત. દિવસભર એ પણ રખડ્યું.

દરવાજાની ઉપર નજર ઉઠાવી. યૂકેલીપ્ટસ ઝૂલતું નથી માત્ર ટટ્ટાર થઈ ઊભું છે – મારી શેરીના નાકે. પડોશીના ઘરનો ચંપો વરસાદને લઈ ઘેરો લીલો બની ગયો છે. બાજુની બદામડી પર પોપટની વસાહત છે પણ એમનો એકેય અત્યારે હલતો નથી. કાં તો હજુ ઘરે આવ્યા નથી. આંબો કોયલ ચોવીસે કલાલ ઝાડવગી હોય છે અને તે અનુઆધુનિકા છે એટલે ગમે તે સમયે એના સૂરને વહેતા મેલે છે પણ અત્યારે તો એ પણ...

‘ પપ્પા મને સાયન્સમાં થર્ટી નાઇન એન્ડ હાફ માર્ક મળ્યા. ગઈ કાલે અમારી યુનિટ ટેસ્ટ હતી.’ વ્રતે કહ્યું.

હું ઝબક્યો. ફીડબેક માઇન્ડમાં નાખ્યો. પ્રોસેસ થઈ. સ્હેજ વાર લાગી. ‘ પપ્પા, તમને કહું છું.’

‘ હા, બેટા. એક્સેલન્ટ. પણ કેટલામાંથી ?’

‘ ફોર્ટી.’

‘ અરે વાહ !’ કહી મેં એને થપથપાવ્યો.

‘ પપ્પા, કીડી કૂંડાની માટીમાં રહે છે તો એ મરી કેમ જતી નથી ?’ એણે અમારા બગીચાના કૂંડામાંથી કીડીઓની આવનજાવન જોઈને કહ્યું.

‘ એ છે ને....’

‘ પપ્પા, ક્લોરોફીલ આપણને નુકસાન કરે ?’

‘ હા, ના. ખબર નથી.’ સાલ્લું આ સાયન્સ સતાવે છે. એને જવાબ આપવો રહ્યો. પણ પછી એણે જ મને એની પ્રક્રિયા સમજાવી અને મારી મૂંઝવણ દૂર કરી.

‘ પપ્પા, તમને ખબર છે સ્કૂટરમાં રીવોલ્યૂશન આવ્યું ?’ વળી નવું સાંભળવા મન તૈયાર ન હતું. વળી મને કૂતરા સામે જોવાઈ ગયું. દીકરો મને કહેવા માંડ્યો, ‘ પહેલા છે ને પેલું લૂના આવ્યું, પછી સ્કૂટી આવ્યું, પછી તમારું બાઈક...’ એ બોલ્યે જતો હતો. કેટલુંક કાને પડ્યું ને કેટલુંક નહિ. મારું મન વળી બીજી કોઈ દિશા તરફ ફંટાતું લાગ્યું.

આકાશ અંધારું ઢોળવા ઉતાવળમાં હતું. થોડીવાર પહેલાનો ઉજાસ ગાયબ થઈ ગયો હતો. પંખીઓની હાર નીકળી હતી તે દેખાઈ હતી. હવે દૂર જતી રહી. ત્યાં ખાલી જગ્યા થઈ ગઈ છે. સૂરજના થોડાક કિરણો એની જગ્યા લેવા ઉતરી પડ્યા છે. હવે એક વિમાન પૂર્વ દિશા તરફ વધતું દેખાય છે. એની પાછળ ધૂમાડાનો લીસોટો...

વળી એણે મને કહ્યું, ‘ પપ્પા, ઇન્ડિયન રેલ્વેમાં પહેલા બ્રાઉન ડબ્બા જ હતા બોલો. મને નથી ગમતા. મારા ટીચરે મને કહ્યું છે હવે રંગીન ડબ્બા આવે છે. વ્હાઇટ, બ્લૂ, ગ્રીન ને એવા બધા. સાચું છે ડેડ્ડી ?’

એ હવે મને વધુને વધુ ખેંચવા માંડ્યો. દિવસભરની એકઠી થયેલી વાતોનો ખજાનો મારી સામે મજેથી ખોલી રહ્યો હતો. અચાનક મારા માથામાં સણકો ઉપડ્યો. માથું ખૂબ ખેંચાયું. હું એને કંઈક કહેવા જતો હતો પણ એવા વખતે આંગણામાં રહેલા ગુલાબના છોડ પર એક બુલબુલ આવીને બેઠું. એણે અમારી નોંધ લીધી હશે કે કેમ પણ આમથી તેમ ડોકી હલાવી. પાંખોને હલાવીને માંડ્યું કરવા ‘ ટ્વીટ્ ટ્વીટ્ ટ્વીટ્...’

મેં વ્રતને કહ્યું, ‘ સામે જો. કેવું મજાનું પંખી બેઠું છે..’

‘ ઓહ યસ ડેડ્ડી. નાઇટીન્ગલ. મસ્ત મજાનું ટ્વીટર છે. પપ્પા મને બહુ ગમે છે હોં ! કેટલું નાનકડું છે તોય કેવું મજાનું ગાય છે.’

મેં એની સામે જોયું. બુલબુલ સામે જોયું.

મારા દિમાગમાં સાવ અચાનક ફેર થવા લાગ્યો. એક ટ્વીટરે આવી બસ જરા બે ત્રણ વાર ટ્વીટ્ ટ્વીટ્ ટ્વીટ્... કર્યું ને તરત ધ્યાન ગયું. એનું એક ટ્વીટર માત્રથી કેટલો ફરક પડી શકે ! મારી બાજુમાં રહેલું ટ્વીટર ક્યારનુંય ટ્વીટ્ ટ્વીટ્ ટ્વીટ્ કરે છે. એની મને ખબર જ ન પડી. એ સાથે જ થાકને ઠંડુ પાણી સ્પર્શી ગયું.

હવે બગીચામાં નાનું બુલબુલ અને પપ્પા બુલબુલ ટ્વીટ્ કરવા માંડ્યા ટ્વીટ્... ટ્વીટ્... ટ્વીટ્...


Rate this content
Log in

Similar gujarati story from Children