Harish Mahuvakar

Children Inspirational

3  

Harish Mahuvakar

Children Inspirational

સાઇકલ

સાઇકલ

7 mins
7.8K


સાઇકલ આવી ત્યારની બિચારી  ઝંપ વાળીને બેસી શકતી નથી. રાત સિવાય એને સ્થિરતા નહિ. વેકેશન એટલે સવારથી લઈ સાંજ સુધી ઢસડાતી રહે – શેરીમાં. શેરીમાંથી મેદાનમાં, મેદાનમાંથી બાજુના રસ્તા પર, બાજુના રસ્તા પરથી મેદાનમાં, મેદાનમાંથી શેરીમાં અને ઘરનું ફળિયું શીદને બાકાત રાખવું ?

 

બે અઠવાડિયા માંડ ગયા હશે. ભિખારી થઈ ગઈ. આગળ બાસ્કેટ અર્ધું તૂટી ગયું. વળીને આગળ આવી ગયું. આમથી તેમ હલબલે. બેલનો ઉપલો ભાગ ન મળે. સ્ટેન્ડ તૂટી ગયું. પંખા સાથે ચેઇન ઘસાય. આગળનો પંખો ડખડખી ગયો. પાછળના વ્હીલમાંથી થોડાક આરા બહાર આવી ગયા કે વળી ગયા. આગલી બ્રેક તૂટી ગઈ. પેડલના રબ્બર ઘસાઈ ગયા. પાછળની લાલ લાઇટ ગાયબ. સીટ કવર ફાટી ગયું. બંને વ્હીલ કાદવ – કાદવ.

 

મેં કહ્યું, ‘ધીર તું કેમ સાઇકલ ચલાવે ? સાવ નવી નક્કોર સાઇકલની દશા તે કેવી કરી નાખી !’ એ ચૂપ. ‘મારે જોવા આવવું પડશે તું શું કરે છે.’

 

ખરેખર મેં નજર રાખી. સવારના એ ગયો. ફાસ્ટ સાઇકલ સ્પર્ધા જાણે ! ઊભો થઈને ચલાવે મારંમાર. અને ફટ્ટાક બ્રેક. ઢસડાતી બિચ્ચારી સાઇકલ ખીલો થઈ જાય. પાછી ચાલે. બમ્પ ઉપર એજ ત્વરીત ગતિથી જાય ને ધબ્બ કરતીક પેલી બાજુ સરકી જાય. મેદાનમાં ટર્ન લેતી વખતે જબરદસ્ત રીતે નમે ને વળી ઊભા ઊભા મારંમાર પેડલ ફરે. પથ્થર આડો આવે કે ન આવે આગળનું વ્હીલ ઊંચું કરે ને ધબ્બ પડતું મૂકે. વળી એક ઘરની દિવાલ સાથે અથડાવીને ઊભી રાખે. બાજુમાં બ્લોક પાથરેલ નાનો ઓટલો. એના નાનકડા સ્ટેપ પર સીધી જ ચડાવે – થડકાર સાથે ને એવા જ સ્પીડવાળા થડકાર સાથે પગથિયા પરથી નીચે. મેદાનમાં બેઠેલા કૂતરા પાસેથી સટ્ટાક કરતીક પસાર. ગાય તરફ દોડાવે ને પૂંછડી પાસે જઈ એકદમ ઊભી રાખે. 

 

ઘરે આવ્યો એટલે મેં ધમકાવ્યો. સાંજ સુધી પૈડા થંભી ગયા. પણ ચંચળ હાથ, ચંચળ પગ, ચંચળ આંખો ને ચંચળ મન કેટલો સમય બંધનમાં રહે ! ઊપડ્યો એ. પાછળ હું ચોર બની જોવા. ઘડીભર આમથી તેમ વ્યવસ્થિત સાઇકલ ચાલી. મન હરખાયું. થોડીવાર આમતેમ સાઇકલ ચાલીને ઘર તરફ પાછી વળી, અને વ્યવસ્થિત ગોઠવાઈ.

 

એને બહુ મજા ન આવી. ઘરમાં આવી એણે બાસ્કેટમાં હતા એટલા બધા રમકડાનો નીચે ઢગલો કર્યો. નાની આંગળી જેવી, પીળા, વાદળી, લાલ, સફેદ જ્યાં ત્યાંથી ઉખડી ગયેલા રંગોવાળી મોટરોને દિવાલો તરફ બળપૂર્વક ધક્કાવીને ભટકાડી. રીમોટ કાર ચાલતી ક્યારની બંધ થઈ ગઈ હતી. એ કારને હાથમાં લઈ આમતેમ જોઈ. આગળના જમણા અને ડાબા વ્હીલને હલાવ્યા અને વ્હીલકેપ કાઢી નાખી. એના ડોરને અલગ કરવા ખેંચ્યું ને અલગ કરી પણ નાખ્યું. રીમોટ કંટ્રોલમાંથી સેલ કાઢી નાખ્યા. એરીયલ વાયરનું ગૂંચળું કર્યું. પછી બાસ્કેટમાં ફેંક્યું. તૂટેલા ક્રેયોન હાથમાં આવ્યા. એના રેપર્સ દૂર કર્યા. દિવાલે લીટા કરવા જતો હતો કે મને જોઈ ગયો. મારી સામે મલકીને વળી વ્યવસ્થિત થઈ ગયો.

 

‘કેમ ભાઈ, હજુ દિવાલો બગાડવી છે?’, એણેમારી સામે ન જોયું. ‘ધીર, તું કંઈ સરખું રાખતો નથી. આ તારું પ્લેન ચાલતું બંધ ઈઇ ગયું. સ્પાઇડરમેનનો પગ ક્યાં છે ? રોબોટનું માથું જ નથી. અને આ બાસ્કેટમાં કેરમની કૂકરીઓ કેમ રાખી છે ? ચેસ બોર્ડ અહીં નથી રાખવાનું.’

 

‘મેં નથી રાખ્યું. દીદીએ મૂક્યું છે. ને ડેડ્ડી દીદીએ મારી પિક્ચર બુક ફાડી નાખી.’

 

‘દીદી એમ ન કરે. તે ફાડી નાખી અને નામ એનું ?’

 

એ મૂંગો રહ્યો. બાસ્કેટમાંથી ડ્રોઈંગબુક કાઢી. પાના ઉથલાવ્યા. ફળો સામે તાકી રહ્યો. રસ ન આવ્યો. પાછી ગોઠવાઈ ગઈ બાસ્કેટમાં. હેલીકોપ્ટરનો પંખો હાથમાં આવ્યો. ફુદરડી જેમ ફેરવવા કોશિશ કરી, ન ફર્યો. મૂક્યો. સ્લેટ હાથમાં આવી. ચોકથી લખે. અત્યારે હાથમાં ન આવ્યો. સ્લેટ મૂકી રૂમમાંથી બહાર આવ્યો. પછવાડે હું પણ.

 

ટી.વી. સ્ટેન્ડ નીચે રહેલા ડ્રોઅર પર હાથ અજમાવ્યો. ગુલીવર ટ્રાવેલ્સ થાકેલો બહાર નીકળ્યો. ચોપડીનું પૂઠું અલગ. પાના અલગ-અલગ. રસ્કિન બોન્ડ બહાર આવ્યો. બધા કાન વળી ગયેલા. મીન્સ દરેક પાનું ઇયર ડોગ્સ ! એમાંથી થોડા સ્કેચ જોયા. વળી પંચતંત્ર લીધું, ને તુરંત તંત્ર અટકી ગયું. ડ્રોઈંગબુક ખોલી ને સટ્ટાક સટ્ટાક પાના ફેરવ્યા.

 

‘ધીર એમ પાના ફાટી જશે.’

 

‘કાંઇ ન ફાટે.’

 

 અર્ધું ફાટેલું પાનું મેં એને દેખાડ્યું. ‘જોયું ?’

 

પણ એ તો દીદીએ. ‘હરેક વાતમાં દીદી નહિ ધીર.’ એણે બુક મૂકી. કાતર હાથમાં આવી. ડ્રોઅરમાંથી ખાંખાખોળા કરી પૂઠું હાથમાં લીધું અને કાતરવા માંડ્યો. ‘ધીર, કાતર વાગી જશે. અને ઘર આંખમાં કચરો કચરો થઈ રહે છે. કાતરને એક બાજુએ મૂક.’

 

એણે મૂકી. મને એની દયા આવી. એ કરેય શું બીજું ? મેં એને કહ્યું, ‘ચાલ, આપણે કેરમ રમીએ.’ એ ઊભો થયો. બોર્ડ લઈ આવ્યો. ‘ધીર, આની કૂકરી ક્યાં ?’

એણે ડ્રોઅર જોયું. બે ત્યાંથી નીકળી. બાસ્કેટમાં તપાસ્યું. કિંગ કવર સ્ટ્રાઇકર મળ્યા. બાકીની માટે આમતેમ ભમ્યો પણ કંઇ હાથ ન આવ્યું. ઠાલો આવેલો જોઈ મેં કહ્યું, ‘રહેવા દે. ચાલ આપણે બેડ-મિન્ટન રમીએ.’

 

‘હા, એમ કરીએ.’

 

એ લઈ આવ્યો. એકની જાળી તૂટી ગઈ. મોટું કાણું પડી ગયેલું. બીજાનું હેન્ડલ નીકળી જતું. શટલ લગભગ નહિવત્.

 

‘આમાં કેમ રમવું ? એકેય વસ્તુ ઠેકાણે રહેવા દીધી નથી.’ એ પડતું મૂકવું પડ્યું. એને કોઈ રસ રહ્યો નહિ. એના કોઈ વર્તન-વ્યવહારમાં ઉત્સાહ ન મળે. ધીર ખરેખર ધીર થઈ ગયો. મને પણ મજા આવતી નહોતી. ઇન્ડોર એક્ટીવીટી કરતા આઉટડોર એક્ટીવીટીને પ્રાધાન્ય આપતા મેં એને કહ્યું, ‘ ઠીક જા. ચલાવ તારી સાઇકલ.’

 

‘એ... એ...’ કરતો ખુશખુશાલ હાથે ખુશખુશાલ પગે સાઇકલને દોડાવી. મારે પણ જોવો હતો એનો ઉત્સાહ. એને ખાનગી રહી જોઈ શકું તેમ હું નીકળ્યો અને ઝાડ પાછળ સંતાયો. મેદાન ખાલી હતું. એણે ત્રણ-ચાર રાઉન્ડ માર્યા હળવે-હળવે. શેરીમાં જઈ આવ્યો. રસ્તા પર ન ગયો. ઓટલા પાસે આવ્યો. પગથિયું ચડાવવા ગયો કે અટક્યો. સાઇકલ પાછી વાળી ચક્કર માર્યું. કૂતરું એક આવી રહ્યું હતું તે તરફ ત્વરિત સાઇકલ ધસી ને નજીક જતા સાઈડમાં કરી લીધી. હવે ગતિ વધી. પેડલ પર બળ કર્યું. સીટ ઉપરથી ઊભા થઇ ઔર બળ કર્યું ને વેગ પકડ્યો. ધડામ... કરતીક સામી દિવાલે અથડાવી. ટર્ન લઈ, ઝડપભેર આવ્યો ઝાડ તરફ – મારા તરફ ને ધડામ અથડાવી. હું ખસી ગયો ઝાડ પાછળથી, કે એ બોલી ઊઠ્યો, ‘ડેડ્ડી ?! તમે અહીં શું કરો છો ?’

 

મારે જવાબ આપવાની જરૂર ન રહી. એ સમજી ગયો. સાઇકલ ફરી ધીર ગંભીર રીતે ચાલવા લાગી. એને મજા ન આવી. મને કહે, ‘ચાલો, ઘરે.’ અમે ઘરે આવ્યા.

 

બીજે દિવસે સાંજે હું ઘરે આવ્યો. આશ્ચર્યકારક ઘટના બની હતી. ચા પીતાં પીતાં મેં ધીરની મમ્મી પાસેથી દિવસભરનો રીપોર્ટ સંભાળ્યો હતો. આખો દિવસ ઘરમાં ભરાઈ રહ્યો. આજે એણે એનું ડ્રોઅર સાફ કર્યું. બુક્સ એક બાજુએ રાખી. ભણવાની ચોપડીઓને એકબાજુ મૂકી દીધી. વિખરાયેલા ક્રેયોન્સને એના બોક્સમાં રાખ્યા. બાસ્કેટ વ્યવસ્થિત ગોઠવ્યું. ‘બધી કૂકરી મળી ગઈ છે. તમારા માટે તૈયાર રાખી છે. દીદીને ચેસ બોર્ડ પાછુ આપ્યું છે. અને અત્યારે બાજુના ઘરે નીતિન સાથે રમકડાથી રમે છે.’

 

થોડીવાર પછી મેં એને સાદ પડ્યો. ડોકું કાઢી કહે, ‘ઓ ડેડ્ડી ! આવી ગયા ? હું અહીં રમું છું. કંઈ કામ છે ?’

 

‘ના રે ના. જા રમ.’

 

સાલ્લું આઠ નવ વરસના છોકરાં માટે મારી આ બળજબરી કહેવાય. છોકરો મોટો થઈ ગયો અને હું નાનો ! મન કોસવાયું. ખૂંચવા લાગ્યું. અકળામણ થઈ. મારા ખુદમાં અજાણી ચટપટી થઈ રહી. સોફામાં બેસી પડ્યો. આખરે મેં એને સાદ પાડ્યો. એ આવ્યો.

 

‘ચાલ, આપણે મેદાનમાં જઈએ. તું સાઇકલ ચલાવજે. હું તારી પાછળ દોડીશ. હું તને પકડવા આવીશ. તું દોડાવજે.’

 

અમે નીકળ્યા. મેં કહ્યું, ‘ હવે હું તને પકડવા આવું. ચાલ જોઈએ કોનામાં કેટલું બળ છે ?’

 

એણે ચલાવી. હું દોડ્યો. સો મીટર પછી થાક્યો. હું ઊભો રહ્યો. ‘એમ ન ચાલે ડેડ્ડી. ઊભું નહિ રહેવાનું.’

 

‘ઓ.કે.’

 

‘હવે તમે દોડો હું તમને પકડવા આવું.’ હું દોડ્યો. પચાસ-સાઈઠ મીટરે એણે મને પકડી લીધો. બાળકોની અનિયંત્રિત શક્તિનો પરિચય મને થઈ રહ્યો. ધીરની ઝડપ વર્તાઈ મને. સામે છેડે એક ઘર હતું. સોસાયટીના નાકે. બસ્સો-ત્રણસો મીટર દૂર. મેં એને કહ્યું, ‘હું દસ ગણું એ પહેલા સામે ઘરે જઈને આવ.’

 

એ ગયો. દસ તો પળવારમાં ગણાઈ જાય. પણ એની ઝડપ મેં જોઈ, એનો ઉત્સાહ જોયો. બદલાયેલો ધીર જોયો. ‘કેટલા થયા ડેડ્ડી ?’ એના હોશને બરકરાર રાખવા મેં કહ્યું, ‘સાત.’ ‘જોયુંને ડેડ્ડી. મારામાં સુપેરમેન જેટલી શક્તિ છે.’ હેન્ડલ ઉપરથી ડાબો હાથ લઈ, સ્લીવ ચડાવતાં, હાથ ઉંચો કરી ગોટલો બતાવતા મને કહ્યું. એના નાનાશા સ્નાયુ ગોટલાને જોઈ મનમાં હસવું આવી ગયું.

‘અરે તું તો સુપર -સુપેરમેન છો, હો ભાઈ !’

 

‘એમ વાત છે ડેડ્ડી.’

 

‘હંઅઅ... એટલે જ સાઇકલના આ હાલ છે ખરું ને ?’

 

‘થોડુંક તો એવું થાયને ડેડ્ડી.’ એ મરક મરક હસતા કહે.

 

મારા આછા સ્મિતને એણે પારખ્યું. મને કહે, ‘હવે તમે બેસો. જુઓ હવે હું સાઇકલ ચાલવું.’

 

પછીની થોડી મિનિટો મીની વાવાઝોડું રચાઈ રહ્યું. એની તમામ તરકીબો ખૂલી આવી. તમામ કૌશલ્યો લગાડ્યા. તમામ શક્તિ કામે લગાડી. જાત-જાતની રીતે સ્ટંટ થયા. ભાતભાતની રીતે સાઇકલ ચાલી, ધીમી પડી, અટકી. ઝટકા સાથે ભાગી, ત્વરિત ગતિએ ગઈ, હળવી પડી જ નહિ, બ્રેક મારી, ઢસડાઈને ઊભી રહી. સામેની દિવાલ, પગથિયા, ઝાડ, પથ્થર કંઈ ભેદ ન રહ્યો ચલાવવા માટે. મને એ જોતો રહ્યો. અને હું એને.

 

ખરેખર, હવે જ સાઇકલ ગોઠવાઈ છે ‘સાઇકલ’ના સ્થાને. 


Rate this content
Log in

Similar gujarati story from Children