ટૂંકી વાર્તા - અકળામણ
ટૂંકી વાર્તા - અકળામણ


તેને થોડી અકળામણ અનુભવાઈ, થોડી વાર તો ઊંઘના ઘેનમાં તેણે ધ્યાન ન આપ્યું, પરંતુ ગરમીના લીધે પડખાભેર સૂતો હોવાથી ગળાના ભાગે પરસેવો વધવા લાગ્યો, તે સીધો થઈને સૂતો. પંખાની હવા હડપચી અને ગળા વચ્ચે પહોંચી અને તેને રાહત જેવું લાગ્યું અને ફરી ઊંઘ આવી ગઈ. થોડી વારમાં ઉઘાડી પીઠ અને લાદી વચ્ચે ગરમાવો વધ્યો, અને તે અકળાઈને બેઠો થઈ ગયો. એક તરફ કાળી ગરમી, આંખોમાં ઘેન, પરંતુ હવે ઊંઘ નહી આવે એવું લાગતાં તેણે ઘડીયાળ તરફ જોયું. બપોરના ત્રણ વાગવા આવેલાં, બારી બહાર નજર કરી તો ભયાનક તડકો અને સુમસામ વાતાવરણ. બથરૂમમાં હાથ મોં ધોઈ, શરીરને ઠંડુ પાડવા ભીને શરીરે પંખા નીચે બેઠો. થોડી વારે રાહત થઈ પણ ઊંઘ નહી જ આવે તેવું લગતાં શોર્ટ પર ટીશર્ટ ચડાવીને બાઈક પર નજીકના ચાર રસ્તે આવેલી ચાની કીટલીએ પહોંચ્યો.