Hardik Prajapati

Romance Thriller

2  

Hardik Prajapati

Romance Thriller

ત્રિભેટે

ત્રિભેટે

5 mins
672



લગ્નમંડપ ખીચોખીચ ભરાયેલો હતો. ચારેય બાજુથી લગ્નના ગીતો મોટે મોટેથી ગવાતા હતા. કોઈ કોઈની વાત પણ સાંભળી શકતું ન હતું. મહારાજ લગ્ન વાંચતા હતા, તે સ્ત્રીઓને બે હાથ જોડીને શાંતિ રાખવા કગરતા હતા.સૌ પોતાના આનંદમાં અને મસ્તીમાં મગ્ન હતા. હરેશ વરરાજાના પોશાકમાં સુંદર લાગતો હતો. મા એ સવારે જ પરણવા નીકળતા હરેશની નજર ઊતારેલી, કાન પાછળ કાળું ટીલું કરલું તે પણ દેખાતું હતું. હેત્વાના માતાપિતા હમણાંજ હેત્વાનો હાથ હરેશના હાથમાં મૂકી કન્યાદાન કરી ઊભા થતા હરખાતા હરખાતા સૌને મળતા હતા. ગોરમહારાજે લગ્નની આગળની વિધિના ભાગરૂપે વર કન્યાને ફેરા ફરવા માટે ઊભા થવા કહ્યું, હેત્વા ફટાક દઈને ઊભી થઈ. તેનો લગ્નનો ઉત્સાહ તેના આંતર બાહ્ય વ્યક્તિત્વમાંથી સતત પ્રગટતો જોઈ શકાતો હતો. પરંતુ હરેશ વચ્ચે વચ્ચે ઉદાસ ગમગીન અને વિચાર મગ્ન થઈ જતો હતો. લગ્ન જાણે યંત્રવત કરતો હોય તેવું લાગતું હતું. હમણાંજ યજ્ઞકુંડ લાવવામાં આવ્યો, અગ્નિ પ્રગટાવ્યો અને પ્રથમ મંગળિયું વર્તાવવાના ગીતો શરુ થઈ ગયા. “ પહેલું પહેલું મંગળિયું વર્તાય રે....” ફોટોગ્રાફર હાર્દિકે વરકન્યાને સરખા ગોઠવાઈ એકબીજાનો હાથ પકડવાનું ઈશારામાં સમજાવ્યું. હેત્વાએ ઝડપથી પોતાનો હાથ હરેશને આપ્યો. હરેશે જેમતેમ હેત્વાનો હાથ પકડી ફેરા ફરવાનું શરુ કર્યું. પ્રથમ ફેરો પુરો થયો, ને બીજો ફેરો શરુ થતાં અચાનક જ આખા મંડપમાં ધરતીકંપ વ્યાપી ગયો. હરેશે અચાનક જ પોતાના ખભાનો ખેસ જોરથી ખેંચીને નીચે પાડ્યો ને તાડુકી ઉઠ્યો, “નહીં નહીં, હું આ લગ્ન નહીં કરી શકું, હું મને, હેત્વાને અને..... અન્યાય નહીં કરી શકું.” આ શબ્દો સાંભળતા જ ગોરમહારાજ સ્તબ્ધ, ફોટોગ્રાફર સ્તબ્ધ, વરકન્યાના માતાપિતા સ્તબ્ધ અને આખો મંડપ સ્તબ્ધ !!

હરેશની મા હરેશ પાસે આવી બહુ પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી પૂછ્યું, “ બેટા હરેશ , શું થયું તને ? કેમ અત્યારે આમ ? ત્યારે હરેશ જાણે કે બધાની માફી માગતો હોય તેમ રડવા જેવા અને ગળગળા અવાજે બોલી ઉઠ્યો, “ મા, તમે તો તમારો દિકરો પરણાવાના હરખમાં મારું હેત્વા સાથે નક્કી કર્યું, પણ મારો વિચાર જરા પણ ન કર્યો. તમે તો જાણતા જ હતા કે હું હેત્વા સાથે પરણું તે પહેલા મનોમન રવીના સાથે પરણી ચૂક્યો હતો !

અને હરેશના માતાપિતા સામે છ મહિના પહેલાંનો એ ભૂતકાળ તાદૃશ્ય થયો. હા બરાબર યાદ છે. છ મહિના પહેલાંની એ કાળમુખી રાતે ગામના સરપંચ અને સમાજના લોકો પોતાના ઘરમાં ઉભરાતા હતા. ઘરના ખૂણામાં કે ચોકમાં મગ કે રાઈ મૂકવાની પણ જગ્યા ન હતી. વાત એમ હતી કે, હરેશ અને રવીના શૈશવકાળથી જ એક જ મહોલ્લામાં રહેતા હોઈ, સાથે મોટા થયા હોઈ, સાથે ભણતા જોઈ એક બીજાથી આકર્ષાયેલા. પણ કરમની કઠણાઈ એ નીકળી કે પહેલા આ મહોલ્લો એક જ જાતિ કે સમુદાયનો હતો, પરંતુ ધીમે ધીમે વાડાઓ તૂટતા અને ધંધા વ્યવસાયની અદલાબદલીના કારણે આ મહોલ્લો અનેક જાતિઓનો સહિયારો બન્યો હતો. હરેશ અને રવીના જાતિએ જુદા હોવાથી હરેશનો સમાજ કે જાતિના લોકો આ સબંધ સ્વીકારવા તૈયાર નહોતા. પણ કોમળ હૈયું, નાદાન હૃદય પ્રેમ કરતા પહેલાં નાત-જાતના ભેદને ક્યાં પારખી શકે છે!! જે કહેવાતા દંભી સમાજે ઊભા કર્યા છે.

દસ દસ વર્ષથી સમજતા અણસમજતા થઈ ગયેલા હૈયાના દાન હરેશ અને રવીના આપી ચુક્યા હતા. અને હવે બંનેને એકબીજા વગર રહેવું દુષ્કર હતું. પરંતુ સમાજ તેનો સ્વીકાર કરવા તૈયાર નહોતો. ભવિષ્યની પેઢી પર આવા પ્રેમ સંબંધોની કેવી ખરાબ અસર પડે કે ‘આવું તો આપણા સમાજમાં થાય જ નહિ.’ એવા તકલાદી અને પોલા નીયમ અનુસાર કહેવાતા સમાજના મોટેરાઓએ સગી મા ની આંખ આગળથી હરેશને છ મહિના માટે તડીપાર કરીને આંખ સામેથી ઓજલ કર્યો ને રવીનાની આંખ આગળથી ય !

મા તો આંસુઓને આંખના કૂવામાં ધરબી છ મહિના ગણવા લાગી પણ રવીનાને હવે ગામ સામે રહેવું દુષ્કર હતું. અને એનાથીયે વધારે દુષ્કર હતું હરેશ વિનાના ગામમાં રહેવું. તેના માટે ગામની શાળા, ગામની ગલી અને હરેક વળાંકો, ગામનું ગોદરું હરેશના પર્યાયો હતા. આથી તે હરેશની યાદોને ભૂલવા આગળ ભણવાનું બહાનું કાઢીને ગામ છોડીને પોતાના કોઈક સગાને ત્યાં ચાલી ગઈ.

તડીપાર થયેલા હરેશને કે સગાને ત્યાં ગયેલી રવીના જેમ દૂર થયા તેમ વધુ પાસે આવ્યા. ભૌગોલિક દિવાલો કે અંતરની દિવાલો હૃદયનું અંતર ઓછું કરી શક્યા નહિ. સમાજને એમ હતું કે બંને દૂર થશે એટલે એકબીજાને ભૂલી જશે. પરંતુ આ નિષ્ઠુર સમાજને કે સમાજની કહેવાતી વ્યવસ્થાને એ ખબર ક્યાંથી હોય, સારસ બેલડી જેવો પ્રેમ એક ઝાટકે જુદો કરી શકાતો નથી.

ધીમે ધીમે સમય વહેતો ગયો. છ મહિના પવનની પાંખે પસાર થયા અને હરેશ ગામમાં પરત ફર્યો. ઘરના સૌ રાજી થયા અને મા બાપે હવે તેના હાથ પીળા કરવાનું નક્કી કર્યું. હરેશે ત્યારે તો મને-કમને હા પાડી ને સગાઈના ગોળ-ધાણા વહેંચાયા અને બધું ઝડપથી હરેશના મા-બાપે પતાવ્યું. લગ્નની કંકોત્રી છપાઈને ગણેશ પણ બેસાડ્યા. વાજતેગાજતે મંડપ સુધી પહોંચ્યોને હેત્વાનો પતિ બનવા જઈ રહ્યો હતો.

મંડપમાં સૌ કોઈ ગુસપુસ કરવા લાગ્યું. કોઈ સારી તો કોઈ નરસી વાતો કરવા માંડ્યા. હેત્વા અને હેત્વાના માતા-પિતા પર તો જાણે આભ તૂટી પડ્યું. દિકરી સૌભાગ્યવતી થતાં જ......, હેત્વાના પિતાનો પિત્તો ગયો. દિકરીની કરુણ સ્થિતિ જોઈ જોરથી બરાડી ઉઠ્યા, “ હરેશકુમાર..., શું માંડ્યું છે આ બધું ? બોલતા જરા તો વિચારો ....” અને છેક હરેશ પાસે આવીને હાથ ઉપાડવા જાય ત્યાં જ હેત્વા વચ્ચે આવીને ઊભી રહી, બોલી, “ બસ પિતાજી, મારા નસીબમાં જે હતું તે થયું એમાં કોઈનો દોષ કાઢવો યોગ્ય નથી.” અને હરેશ સામે જોઈને બોલી, “ મને તમારા ઉપર ખૂબ માન છે, પણ આ માન બેવડાયું હોત જો તમે અહીં સુધી આવ્યાં એ પહેલાં આ બહાદુરી ભર્યો નિર્ણય જાહેર કર્યો હોત.” આ સાંભળી હરેશ હેત્વાના હાથમાં હાથ લઈને બોલ્યો, “ હા હેત્વા, તારી વાત સાચી છે હું ખૂબ મોડો પડ્યો પણ શું કરું? મજબૂર હતો, હું ત્રિભેટે આવીને ઉભેલો એક માણસ, એક તરફ સમાજના બંધનો, બીજી તરફ જેને સાચો પ્રેમ કર્યો છે તે રવીના અને ત્રીજી તરફ તું. આ અસમંજસમાં નિર્ણય કરતાં મને ખૂબ વાર લાગી, પણ આજે મને જીવનની સાચી દિશા મળી ગઈ છે.”

હરેશ શરમિંદો થઈને ભોંય ઊપર જોઈ રહ્યો. હેત્વા એની પાસે આવી. પ્રેમથી હાથ પકડીને બોલી "હરેશભાઈ, મૂંઝાતા નહીં હું તમારી સાથે છું. રવિના સાથે તમારા લગ્ન કરાવીને જ જંપીશ...." એમ કહીને એણે પોતાના ખભા પરનો ખેસ ફંગોળીને ધીમેથી કહ્યું, "તમારા લગ્ન વખતે હું તમારી લુણારી બનીશ...બનાવશો ?" તે વખતે મંડપને પવનનો હડદોલો વાગ્યો ને મંડપ હિલ્લોળાયો, સાથે સાથે જુવાન હૈયા પણ..!


Rate this content
Log in

More gujarati story from Hardik Prajapati

Similar gujarati story from Romance