Hiral Pandya

Inspirational Others

5.0  

Hiral Pandya

Inspirational Others

તમે છો મારી ઈંસ્પીરેશન!

તમે છો મારી ઈંસ્પીરેશન!

6 mins
15K


તમને હું જોવું છું અનુદિન.

ઘડિયાળમાં ચારના ટકોરે તમે તમારી ટુકડી સાથે બૉર્ડર તરફ જવા જોશભેર નિકળો છો. અને તમારા ત્યાં પહોંચ્યા પછી કાલે સાંજે ગયેલી ટુકડી પાછી આવવા નીકળે છે. કારણ આ ગામ હિમાચલના કિન્નોર જિલ્લામાં આવેલું ઇન્ડો -તિબેટ બૉર્ડર નજીકનું છેલ્લું ગામ છે. અહીં એક મીલેટ્રી યુનિટ છે અને બોર્ડર અહીંથી પાંચ-છ કિ.મી છેટે છે. મારી નાનીએ કહ્યું કે, હમણાં થોડા સમયથી ચીન સાથે કોઈક મુદ્દે ચકમક થવાથી પેટ્રોલિંગ(ચોકીદારી) વધી ગયું છે એટલે દરરોજ સેનાના જવાન જોવા મળશે. આ સાંભળી મારી તો ખુશીનો પાર ન રહ્યો.

હું રોશન! મારી ઉનાળાની રજા ગાળવા પહેલી વાર નાના-નાનીના ગામે આવ્યો છું. મમ્મી અને પપ્પા બન્ને કામ કરતા હોવાથી એમને મને અહીં લઈ આવવાનો સમય મળતો નથી. પણ હવેે હું ૧૨ વર્ષનો થઈ ગયો છું! સમજણો થઈ ગયો હોવાથી મમ્મી વગર એકલો નાના-નાની પાસે બે મહિના રહેવા આવી ગયો છું. શહેરમાં રહેતો હોવાથી પહાડોનું મને બહુ આકર્ષણ છેે. સાથે અહીં તો ખીણો અને ખળખળ વહેતી નદી પણ છે પણ અહીં આવ્યા પછી મારા આકર્ષણના બાર ગ્રાફ(સ્તંભ આલેખ) પર આ ક્ષણનો સૌથી ઊંચો બાર(સ્તંભ) સેના જવાનોને નિહાળવાનો છે. હું સૌથી છેલ્લા ઘરના ઓટલે બેસી તમને આવતા- જતા જોવું છું અને મારા હૃદયમાં ગર્વ મિશ્રિત ભયની લહેરખી વહી જાય છે(ભય તમારી બન્દૂકનો).

તમારું કામ અત્યંત શિસ્તબદ્ધ હોય છે. મુખ પર કંઇક કરી બતાવાની ધગશ, માતૃભૂમિ માટે કંઈક કરવાનું ગૌરવ, આંખોમાં તેજ, ખભા પર મોટી ભારી બન્દૂક સાથે એક મોટી બેગ અને દેશવાસીઓના રક્ષણની જવાબદારી! કંઈ કેટલુંય વજન ખભા પર લાદી તમે જતા હોવ છો, છતાં પણ તમારા ખભા ઝુકતા નથી. તમારા પોશાકનો રંગ આપણા માટીના રંગ અને પ્રકૃતિ જેવો જ છે. જાણે યુનિફોર્મ તમારું ઓળખપત્ર હોય કે બધા જવાન આજ ભૂમિની શાળાના વિદ્યાર્થીઓ છો. તમારા બુટ કેટલા ખડતલ દેખાય છે. મને યાદ છે, બે વર્ષ પહેલા હું પપ્પા પાસે જિદ કરી સ્પોર્ટસ બુટ લઈ આવ્યો. એ એટલા વજનદાર નિકળ્યા કે ચાર દિવસ પછી એ માળીયા ભેગા થઈ ગયા.

નાની કહેતા હતા અહીં હાડ ગાળી દે એવી ઠંડી હોય છે. બે ત્રણ મહિના તો માઇનસમાં ટેમ્પરેચર હોય છે. અમારા માટે આટલી ઠંડીમાં પણ તમે નિઃસ્વાર્થ ભાવે તમારી સૌથી મોટી દોલત જે છે- તમારો જીવ, તેને જોખમમાં મૂકો છે. આવી બર્ફીલી રાતોમાં જરૂર તમારા ખિસ્સામાં સચવાયેલી પ્રિયજનની હસતી તસવીર તમને હૂંફ અને સાંત્વના બક્ષતી હશે ને? ફક્ત પોતાના માટે ન વિચારતા દેશના દરેક નાગરિક શાંતિથી ઊંઘી શકે તેના માટે તમે કાર્યશીલ હોવ છો, તમારી હિંમતની દાદ દેવી પડે. નાની તો કહે છે આપણે જવાનોના જેટલા ઓવારણાં લઈએ એટલા ઓછા, જવાનોએ કેટલાય આંતરીક અને બાહ્ય વાવાઝોડા પોતાની અંદર સમાવી લીધા હોય છે.

આમતો મને બધા જવાન માટે આદર છે પણ તમારા પ્રત્યે થોડું વધારે છે. એક દિવસ હું અને નાના શહેર તરફ જવા નીકળ્યા હતા. ખીણના એક વળાંક પર નાનાએ ગાડીની ગતિ ધીમી કરતા મને કહ્યું, "ત્યાં રોડ પરથી ખીણ તરફ કંઇક ફંગોળાયુ ને?" હું જોવા માટે ફાંફા મારવા લાગ્યો, એટલી વારમાં નાના એ ગાડી બાજુમાં રોકી. અમે બહાર નીકળી જોયું તો એક ટુરિસ્ટ વેન ખીણ તરફ ઘસડાઈ ને બે વૃક્ષની વચ્ચે અટકી હતી. હું તો દ્રશ્ય જોઈ હતપ્રભ થઈ ગયો. પણ નાનાએ ત્વરિત નજીકના ગામના લોકોને મદદ માટે ફોન કરવાના શરૂ કરી દીધા. એટલામાં જ દૂરથી એક મીલેટ્રી ગાડી આવતી જણાઈ, નાનાએ તેમને મદદ માટે અટકાવાનો પ્રયાસ કર્યો. અકસ્માત વિશે જણાવતા ગાડી માંથી ફટાફટ બે જવાન ઊતર્યા. બે માંથી એક તમે હતા! તમે એક લાબું ઝાડનું ડાળખુ તોડ્યું અને સમય ના વેડફતાં ખીણમાં તેની મદદથી ઉતરવા લાગ્યા. તમારા સાથીએ ગાડી માંથી એક દોરડું કાઢ્યું અને થડ પર મજબૂત બાંધી મને કહ્યું, "છોકરા, આ દોરડું છૂટે નહીં તેનું ધ્યાન રાખજે" પણ હું તો મૂઢની જેમ ત્યાં ઉભો જ રહ્યો. થોડી વારમાં નજીકના ગામવાસીઓ અને પોલીસ ત્યાં આવી પહોંચી. પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા. તમને થોડી ઇજા થઇ હતી પણ તમે તેના તરફ ધ્યાન ન આપતા પ્રવાસીઓને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રબન્ધ કરવા લાગ્યા. મેં તમારા સાથી એ તમને કહેતા સાંભળ્યું હતું કે, "સર, તમે હવે નીકળો. તમારી ફ્લાઈટ છૂટી ગઈ તો ઘરે કેવી રીતે જશો? બે વર્ષ પછી તમને બે દિવસની રજા મળી છે. સમયસર નહીંં પહોંચો તો પાછી કયારે રજા મંજૂર થશે કોણ જાણે" પણ તમે! તમે તો તમારી ફરજ નિભાવવામાં જરા પણ પાછી પાની ન કરી. આ બધુ જોતા મારી આંખો શરમથી ઝૂકી ગઇ હતી. હું કેટલો ડરપોક છું! તમે જીવની પરવા ન કરતા, પરિવારથી દૂર નિસ્વાર્થ કર્મ કરી રહ્યા છો અને હું!...

હું અહીં ગામમાં નવો હોવાથી ક્રિકેટમાં દર વખતે મારે ફિલ્ડિંગ જ કરવી પડતી. એક વાર બોલની પાછળ પથ્થરાઓમાં ભાગતા-ભાગતા હું પડવાનોજ હતો ને તમે મને પકડી લીધો હતો. અને કહ્યું પણ હતું," સંભાળીને દોસ્ત!". "દોસ્ત" બસ એ દિવસથી તમે મારા હૃદયમાં તમારા માટે સ્પેશિયલ જગ્યા બનાવી દીધી હતી.

થોડા દિવસ પછી ક્રિકેટ રમતાં રમતાં મેં તમને પાંચ-છ જવાનો સાથે એક ખેતર પાસે વાતો કરતા જોયા. હું બોલની પાછળ ત્યાં ભાગતો પહોંચ્યો, અને મેં ઉત્સાહમાં કીધું, "સર, એક બોલ રમોને! " પણ તમે કશે જવાની જલદીમાં હોવાથી કહ્યું, "દોસ્ત, હમણાં નહિ. હું ચાર-પાંચ દિવસ માટે બોર્ડર પર જઈ રહ્યો છું, આવ્યા પછી પાક્કું" અને હું તે ઉમ્મીદમાં રાહ જોતા દિવસો ગણવા લાગ્યો.

નાના-નાનીના ગામમાં ૨૫-૩૦ ઘરો જ હતા, ગામ નાનું પણ રમણીય હોવાથી પ્રવાસીઓ આવતા રહેતા. અડધાથી વધારે ઘરોમાં ઉપરનો માળો હોમસ્ટે માટે વપરાતો. અમારા પાડોશી પોતાના ઘરનો એક રૂમ હોમસ્ટે માટે આપતા. ત્યાં બે મહિનાથી એક ભાઈ રિસર્ચ અને હવાફેર માટે આવ્યા હતા. ઘણી વાર બધા બાળકોને કુંડાળામાં બેસાડી નવી નવી રમતો રમાડતા. આજે સવારે તેમણે જતા પહેલા અમને એક કામ સોપ્યું કે કાલે બધાએ પોતાને ઇન્સપાયર્ડ(પ્રેરિત) કરતી એક વ્યક્તિ વિશે જણાવાનું છે.

મેં આખી બપોર ઘણું વિચાર્યું. ગુલાબના છોડમાંથી એક ગુલાબ ચૂંટવા જતા કાંટો વાગ્યો, થોડું આંગળીમાંથી લોહી પણ નીકળ્યું. એ સાથે મને વિચાર આવ્યો ગોળી વાગતી હશે તો તો કેટલું દર્દ થતું હશે ને! મારા નાના સવારે કામ માટે શહેર ગયા હતા, તો કાલનું ન્યૂઝપેપર લઈ આવ્યા હતા તે બાજુના ટેબલ પરથી ઉઠાવી મેં ગુલાબની દાંડી પર વીંટાળી દીધું અને છેલ્લા ઘરના ઓટલે જવા દોડ્યો. તમારું નામ પૂછીને તમને આ ગુલાબ આપીશ એવું વિચારી ગુલાબને ખોળામાં મૂકી હું તમારા આવવાની રાહ જોવા લાગ્યો. દૂરથી તમારી ટુકડીને આવતી જોતા હું ઉછળીને ઉભો થવા ગયો એમાં ગુલાબ નીચે પડી ગયું. ગુલાબ ઉઠાવતા જોવું છું તો આ શું!? ન્યૂઝપેપરના એક કોલમમાં ફોટો જોતા મારી આંખો ફાટી ગઈ. એક ક્ષણ પણ ના ગુમાવતા પેપર ખોલ્યું. લખ્યું હતું, "બોર્ડર પરની ફાયરિંગમાં એક મેજર અને બે જવાન શહીદ થયા છે." નામ વાંચતા સુધીમાં તો આંખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા.

ના સમય મળ્યો તમને જાણવાનો,

ના સમય મળ્યો તમને કાંઈ કહેવાનો,

છતા પણ તમે ઘણું શીખવી ગયા.

સ્વાર્થભરી દુનિયામાં તમારા જેવા જવાનો,

વિશ્વાસનો રંગ પુરી ગયા.

તમારા કાંડે ધાગા બાંધ્યા છે રક્ષા માટે,

તમે તો સરહદ પર પ્રેમ અને બલિદાનના

તાર વીંટાળી બધાને સુરક્ષિત કરી ગયા.

અમે ભયમુક્ત આકાશ આંબી શકીએ માટે,

તમે તો અડીજડીને પોતાનો કર્તવ્ય નિભાવી ગયા.

કહી ને નીકળ્યા હતા ઘરથી, રાહ જોજો મારી!

પણ તમારી રાહમાં ઝુરતી નજરોને તમે તો

હંમેશ માટે ગર્વના આંસુથી પલાળી ગયા.


બીજા દિવસની સવારે મારા બધા મિત્રો મારા પાડોશીના ઘરે મારી રાહ જોતા બેઠા છે. પણ એમને ક્યાં ખબર છે કે હું તો આખી રાત નાનીના ખોળામાં પોક મૂકી રડ્યો છું અને સવારે આંખ ખૂલતાં એક નિશ્ચય પર પહોંચી મીલેટ્રી યુનિટના ટ્રેનિંગ સેન્ટર પર આવી ગયો છું. મીલેટ્રીમાં ભરતી થવા શું તયારીઓ કરવી અને બારમાં ધોરણ પછી કઈ પરીક્ષા આપવી તેં વિશે જાણકારી લેવા. તેઓ બધા ઇન્સપાયર્ડ(પ્રેરિત) વ્યક્તિ વિશે વાત કરવા જમા થયા છે, જ્યારે હું ઇન્સપાયર્ડ વ્યક્તિ જેવો(તમારા જેવો) બનવા તરફ મારું પહેલું પગલું ભરી ચુક્યો છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational