STORYMIRROR

Maulik Trivedi

Tragedy Inspirational

4  

Maulik Trivedi

Tragedy Inspirational

તારા છાંયડાની હૂંફ

તારા છાંયડાની હૂંફ

9 mins
496

ડગશે નહિ પગ મારા, પછી એ આપઘાત હોય કે આચમન,

તું નદી બની તો જા... હું કૂદવા તૈયાર તત્પર છું.

વૈતરણી નદીના કિનારે પહોંચે તે પહેલા જ જેના નસીબમાં પૂ નામનું નર્ક લખાઈ ગયું હોય તેવા પરિવાર વિહોણાં અને ચેતના વિનાની આત્માને શરીર નામનો ધાબળો ઓઢાડી ફરતા લોકોને, જ્યાં સુધી જીવ સાથ છોડી ન દે ત્યાં સુધી સથવારો પૂરો પાડતું ધામ એટલે વારાણસીમાં આવેલું મુક્તિ ભવન !

રાતના અંધારામાં આ મુક્તિ ભવનના ઉંબરે ઉભેલું એક ઘરડું શરીર, પાંપણોના નહોર વડે આકાશ ખોતરીને ચંદ્ર શોધવા મથતું હતું. તારીખિયું ભૂતકાળની ખીંટીએ ટીંગાડી આવેલો આ આત્મા એ વિસરી ગયો હતો કે આજે અમાસ હતી. અહીંતહીં પ્રગટેલા દીવડાનાં આછા પ્રકાશમાં એક કાળો પડછાયો ગંગાના પ્રવાહની દિશામાં આગળ વધતો હતો. ચાલતા ચાલતા અટકીને થોડી થોડી વારે આકાશ તરફ જોઈને રાતનો સથવારો હોવાની ખાતરી કરી લેતું આ ઘરડું શરીર એટલે વસંતલાલ ભટ્ટ !

શિશિર ઋતુમાં અનુભવાય એવી ધ્રુજારી અનુભવતું આ ઘરડું શરીર વારાણસીમાં આવેલા મણિકર્ણિકા ઘાટ પાસે આવીને ઊભું રહ્યું.

ગાય માતાના આંચળમાંથી ઝરતું દૂધ જેમ ઘડામાં સમાઈને શાંત થઈ જાય તેમ અવિરત વહેતો માતા ગંગાનો પ્રવાહ ક્ષણિક થાક ખાવા શાંત થઈ ગયો હતો. અલાહાબાદનાં સરસ્વતી ઘાટની આરતી દરમિયાન વહેડાવેલા આસ્થારૂપી દીવા તો ધરાઈ જવાય એટલું ઘી પીને ઓલવાઈ ચૂક્યા હતાં પણ તેમાં રહેલા પુષ્પો તણાઈને છેક અહીં વારાણસી આવી પહોંચ્યા હતાં.

ઉત્તરાંચલથી આવતાં પવનના સુસવાટા વસંત ભટ્ટની સફેદ દાઢીને પંપાળી આગળ વધી જતા હતાં. જીવવાની ઈચ્છા ત્યજી ગયેલી આંખો પણ અમાસનાં આકાશનું પ્રતિબિંબ ઝીલતી હોય તેવી નિસ્તેજ હતી. ધ્રુજતા હાથે વસંતજી ગંગાના પ્રવાહને તાકી રહ્યાં હતાં. 

"આવી જ તો વહી ગઈ છે જિંદગી આખી. રંગ વગરની, ભીડ વગરની, અંધારપટ ઓઢેલી !" વસંતલાલ મનોમન બબડી ગયા.

બહાર સામે ગંગાનો પ્રવાહ ઘુઘવાટ કરતો ઊભો હતો જ્યારે અંદર એકલતાનાં વમળો વચ્ચે ફસાયેલી જીવનની નાવડી વર્ષોથી ગોથા ખાતી ફંગોળાતી હતી જે હવે ડૂબી જવા મથતી હતી. શ્વાસ અનુભવ્યા તે દિવસથી આજ સુધી પોતાનો કહી શકાય એવો એનો બાપ જ હતો જે વસંતને છોડીને વર્ષો પહેલા દેવ થઈ ગયેલો. 

મા તો છ મહિનાનો છોડીને ચાલી ગયેલી. જીવન આખું બાપની સેવાને ભજન સમજી, પોતાની ઈચ્છાઓને ઉંબરાની બહાર મૂકીને જીવી ગયેલા વસંતલાલ, બાપના મૃત્યુ પછી સંસાર માંડી ન શક્યા. પત્નીના અપમૃત્યુ પછી દારૂની લતે ચઢી ગયેલા વસંતલાલના પિતા, જીવનના પાછલા વર્ષોમાં માનસિક બીમારીથી પીડાવા માંડ્યા હતા. દારૂની લતે સંબંધીઓને સાવ અળગા કરી દીધેલા, ઉપરથી સ્ત્રી વગરનું ઘર, બાપની બીમારી અને દારૂની લત; આ બેડીઓથી બંધાયેલા વસંતલાલને ના કોઈએ દીકરી આપી કે ના વસંતલાલ કોઈને પ્રેમ કરવાની હિંમત કરી શક્યા.

જીવનનો સૂર્ય બાપના મૃત્યુની લાલઘૂમ સંધ્યા વસંતલાલની આંખોમાં પાથરીને એકલતાનો અંધકાર પાથરતો અસ્ત થઈ ગયો. આ પથરાયેલો અંધકાર અજગરની જેમ ભરડો લઈને આખી જિંદગી વસંતલાલના જીવનમાં પથરાઈ રહ્યો. એકલતા ઘરની ભીતે લટકીને વસંતલાલ ઉપર હસતી રહી. વધતી ઉમર સાથે જયારે ઘરનો ખાલીપો ભળ્યો ત્યારે ધીમે ધીમે વસંતલાલના જીવનમાં હતાશા પ્રવેશી. ખાલી ઘર ધીમે ધીમે કરડવા માંડ્યું. કાગળનાં ડૂચો થાય અને જેટલી કરચલી ઉપસી આવે એટલી જ કરચલીઓ વસંતલાલના એકલતાથી પીડાતા હૃદય ઉપર પડી ચૂકી હતી.

ઘણીવાર વહેલી સવારે અને ઢળતી સાંજે ઘર પાસેના બગીચાના બાકડે અજાણી આંખોમાં પોતાના માટે મુઠ્ઠીભર આત્મીય ઉજાસ શોધતા આ આધેડ ક્યારેક કોઈ સાથે ઘડી-બેઘડી વાતો કરી લેતા અને સૂરજ ડૂબે અને ફરી બીજો દિવસ આવે નહિ ત્યાં સુધી આ વાતચીતનું મૃગજળ તેઓ બદલતા પડખે વાગોળ્યા કરતા અને બીજા દિવસની રાહ જોયા કરતા.

આમ ને આમ દિવસ વર્ષોમાં પરિણમ્યા અને એકાંત એકલતામાં ! જાણે બારી-બારણાં વાળી ખુલ્લી કબરમાં ધબકતું હૈયું દફન હતું. એવામાં કાળમુખો કોરોના આવી ચઢ્યો. વસંતલાલની ક્ષણિક સાંસારિક પળો પણ બંધ દરવાજા પાછળ રૂંધાતા શ્વાસે દમ તોડી ચૂકી હતી. જીવન જીવવાની ઈચ્છાનું હતાશાની ઉષ્મા થકી બાષ્પીભવન થઈ ગયું.

એવામાં એક દિવસ ટી.વી ઉપર વારાણસીમાં સ્થિત મણિકર્ણિકા ઘાટ વિષે જોયું, સાંભળ્યું અને અનુભવ્યું. મરનારનું મૃત્યુ પહેલાનું સરનામું એટલેકે મુક્તિ ભવન વિષે વિસ્તૃત માહિતી મેળવી. જીવન નામના માટલામાં રહેલી ઈચ્છાઓનું પાણી શોષાઈ ચૂક્યું હતું. વસંતલાલે મનોમન નક્કી કરી લીધું કે મુક્તિ ભવન જઈ શરીરથી, એકલતાથી, એકાંતથી મુક્ત થઈ જવું અને બાબા મશાનનાથ મંદિરનાં પ્રાંગણમાં લાકડે બળી આત્માને પણ મુક્ત કરી લેવી.

પણ બીમારી વગરનું શરીર દાંત વગરનાં સાવજ જેવું બની રહ્યું. રોજ રાત્રે બસ આજની રાત છેલ્લી એવું વિચારીને વસંતલાલ પોઢી જતાં અને સવારની આરતીના ઘંટનાદ સાથે ફરી હતાશાની હથેળી તેમને પથારીમાંથી બેઠા કરી દેતી. આવું ઘણા દિવસ ચાલ્યું. મૃત્યુને પામવાની ઈચ્છાએ જોર પકડ્યું. બસ પછી શું ? હારેલો, થાકેલો, એકલતાથી કંટાળેલો આ આત્મા નીકળી પડ્યો સ્વહસ્તે જ મોતને ભેટી જવા, આત્મહત્યા કરવા !

ગંગાને જ વૈતરણીની જેમ વેઠી લેવાની હઠ સાથે ઘાટ સુધી આવી પહોંચેલા વસંતલાલ ભૂતકાળની ભૂમિ ઉપર વિચારો સાથે દ્વંદ્વ કરી રહ્યા હતા.

દૂર બાબા મશાનનાથ મંદિરનો ઘંટ રણક્યો ત્યારે ભૂતકાળની ધૂળ ખંખેરીને વસંતલાલ વર્તમાનને વશ થયા.

અંધારિયા આભનાં પ્રતિબિંબ જેવો ગંગાનો પટ નિહાળતા વસંતલાલ આગળ વધ્યા. જીવનની પરિસ્થિતિઓ સામે દબાવેલ તમામ ફરિયાદો ઘરડી આંખોમાથી કૂદીને જીવન ટૂંકાવી રહી હતી. ધ્રુજતા પગે વસંતલાલ ગંગામાં ભળી જવા આગળ વધ્યા. મૃત્યુનો ડર ધબકારાનો ધોધ બનીને ઘોંઘાટ કરી રહ્યો હતો. સામે ફરકતી મંદિરોની ધજાઓના ફફડાટ સામે વસંતલાલે બે હાથ જોડ્યા, પોતાના બાપને એકવાર ફરી યાદ કરી લીધા પછી, મુઠ્ઠીઓમાં બળ બાંધી, આંખો મીંચી ગયા.

"હવે બસ એક પગલું અને આ અંધારી એકાંત દુનિયાથી છૂટકારો થઈ જશે, વસંત. વધી જા આગળ અને માર કૂદકો." વસંતલાલ થથરતા હોઠે બોલ્યા.

એક પગ હવામાં ઉગામ્યો જ હતો ને ત્યાં જાણે ગંગાએ જ એમનો બીજો પગ ખેંચ્યો હોય એવું ખેંચાણ પગમાં અનુભવ્યું. ડરનો કોળિયો છેક પેચોટીને અડકીને પાછો આવ્યો હોય તેમ ડઘાયેલા વસંતલાલ આંખ ખોલી ગયા. ગંગાનો તટ હજી આંખ સામે હતો. ધબકારા હજી સંભળાતા હતા. એક હાથે પરસેવો લૂછીને હાશકારો અનુભવ્યા પછી વસંતલાલે નીચે પગ તરફ જોયું.

દસેક વર્ષનો ચીંથરેહાલ ચેહરો વસંતલાલ સામે જોતો બેઠો હતો. ભભૂત લગાડેલા શિવલિંગ જેવો ચમકતો ચહેરો પણ અંદર ઉતરી ગયેલી આંખો કૂપોષણની ચાડી ખાતી હતી. તૂટેલા બટનવાળો બુસ્કોટ શરીરને ઢાંકવાનો વ્યર્થ પ્રયત્ન કરતો હતો. પેહલી નજરે આત્મીયતા બંધાઈ જાય એવો માસૂમ ચેહરો વસંતલાલ કેટલીય ક્ષણો જોઈ રહ્યા.

"દાદા, તમે દર્શન કરવા આવ્યા છો ને આ ગંગા માતાના ? તો દક્ષિણા નાંખો ને ? પણ હા, રૂપિયો, બે રૂપિયા નાખશો તો માતાને નહિ ગમે હો ! પેલો દસનો સિક્કો નાખજો. હું આમ ડૂબકી મારીને બહાર લઈ આવીશ એને. પછી એ દસ રૂપિયા મારા. બોલો છે મંજૂર ?" ભોળી આંખોએ વસંતલાલ ઉપર સવાલોની હેલી વરસાવી.

આપઘાતના ભીષ્મ સંકલ્પ સાથે આવેલા વસંતલાલ માસૂમ બાળકના સવાલો સાંભળીને હેબતાઈ ગયા.

"સિક્કો ? આ...આ... અરે... સિક્કો તો નથી. લે આ પચાસ રૂપિયા. કાંઈક ખાઈ લેજે." પહેરેલા કપડે આપઘાત કરવા આવેલા વસંતલાલ ખિસ્સા ફંફોસતા બોલ્યા.

"અરે દાદા ! મારે ભીખ જોઈતી હોત તો પેલા સામે મંદિરના દાદરે બેઠો હોત. પૈસા કમાવા છે એટલે અહીં બેઠો છું. ગંગામાં પધરાવશો તોજ પૈસા લઈશ બાકી જવા દો !" ભૂખથી કણસતાં પેટમાંથી અવાજ ખુદ્દારી બનીને ગુંજ્યો.

જવાબ સાંભળીને વસંતલાલ ડઘાઈ ગયા.

"તને આ ગંગામાં ડૂબવાનો ડર નથી લાગતો ? આ ગંગા કેટલી ઊંડી છે ખબર છે તને ? અને આ અંધારામાં તને પાણીમાં ઝંપલાવતા ડર નથી લાગતો ?" વસંતલાલે સામે સવાલ કર્યો.

"આ પેટનો ખાડો જુઓ દાદા ! જયારે પેટનો ખાડો ઊંડો થઈ જાય પછી બીજું બધું છીછરું લાગવા માંડે ! ભૂખ એ મોટો ધક્કો છે મારા માટે, દાદા. અને આ ગંગા તો મા છે મારી ! માતાનો ખોળો ખૂંદવામાં શાનો ડર ?" જમીન ઉપર બેઠેલો બાળક શબ્દોની તલવારે યુદ્ધ જીતી રહ્યો હતો.

"બહુ મોટી મોટી વાતો કરે છે. ક્યાંથી આવી છે આટલી સમજણ !" વસંતલાલ એક સ્મિત સાથે ત્યાંજ પાળી ઉપર બેસતાં બોલ્યા.

"દાદા, તમે ચારેકોર નજર ફેરવો. જટાઓમાં, ભભૂતમાં, પીતામ્બરમાં લપેટાયેલા ઉપદેશકો જ ફરે છે અહીં ચોતરફ ! આશીર્વાદ સાથે ઉપદેશ મફતમાં મળે છે અહીં પ્રસાદ સ્વરૂપે ! ઉપરથી અહીં દર મહિને કથા બેસે જ્યાં સેવા આપવા જાઉં એટલે કથા પણ સાંભળવા મળે અને પ્રસાદી પણ મળે. આ બધું ભેગુ થઈને સમજ કહેવાતું હોય તો એવું જ હશે." લુચ્ચું હસતો માસૂમ ચહેરો વસંતલાલને જોઈ રહ્યો.

"નામ શુ છે તારું ? મા -બાપ ક્યાં છે ?" વસંતલાલ હસતા મોઢે પૂછી બેઠા.

"મારા તો ઘણા નામ છે દાદા ! કોક છોટુ કહે, કોક ડૂબકી કહીને બોલાવે, કોક લંગડો કહીને પણ બોલાવે. પણ એક સાધુ બાવાએ મને કીધું તું કે તું ગંગામાં તરતો મળ્યો છે તો તને હું વસુ કહીશ ! બસ મને એ નામ ગમી ગયું એટલે હું મારી જાતને વસુ તરીકે ઓળખું છું. બાકી મા-બાપને ક્યારેય જોયા નથી. જે ગંગામાં લોકો અસ્થિ વહેવડાવે ત્યાં એમણે મને વહેવડાવી દીધો હશે. એટલે આ ગંગા ને માતા માની લીધી છે અને ભગવાન શંકરને પિતા !" આટલું કહીને વસુનો ચેહરો કરમાઈ ગયો.

"તું પગેથી લંગડો છે, વસુ ? ઘરમાં કોઈ નથી ?" ભીની આંખે વસંતલાલ આટલું જ પૂછી શક્યા.

"લંગડો ? હા કદાચ થોડો લંગડાઉ છું. એક દિવસ ડૂબકી મારતા પગ લપસ્યો હતો ત્યારથી એક પગ લંગડાય છે. પણ તરવામાં મારે એક પગ જ પૂરતો છે. અને ઘર... ઘર હોય તો ઘરમાં કોઈ હોય ને, દાદા ! મારે તો આ અમાપ આકાશ જ છત છે અને માણિકર્ણિકાનો ઘાટ મારી પથારી. ઠંડીમાં પેલા મશાનનાથ મંદિરની નજીક પોઢી જાઉં એટલે ચિતાઓની ગરમી આ ટાઢથી બચાવી લે અને ઉનાળામાં ગંગા માતા પવનનો પંખો નાખે એટલે ઊંઘ આવી જાય. એટલે આમ કહો તો હું એકલો છું ને આમ કહો તો ભીડમાં !" આટલું બોલતા બોલતા વસુ ફિક્કું હસ્યો.

અતિભારે વરસાદ પછી વાતાવરણમાં વર્તાય એવો સન્નાટો ત્યારે હવામાં પ્રસરી ગયો હતો.

"દાદા, તમે કેમ અહીંયા આવ્યા છો ? તમારો પરિવાર ક્યાં છે ?" વસુનો માસૂમ ચેહરો સવાલ પૂછી બેઠો.

"હું... અહીંયા ? હું... હું તો... દર્શન કરવા આવ્યો હતો. પરિવાર......" શબ્દો શોધતા વસંતલાલની આંખ ભીની થઈ ગઈ.

"તને એક સવાલ પૂછું, વસુ ?" , વસંતલાલે પેહલીવાર વસુને માથે હાથ ફેરવતા પૂછ્યું.

"તને એકાંત કરડવા નથી દોડતું ? આ એકલતા તને અંદરથી અકળાવતી નથી ? તને ક્યારેય મર...." આખો સવાલ બાળક સામે વસંતલાલ પૂરો ન કરી શક્યા.

"મારવાનો વિચાર આવે છે કે નહિ એવું જ પૂછતાં અટકી ગયા ને, દાદા ?" વસુ હસતા હસતા બોલ્યો.

"આપઘાતની વ્યાખ્યા સમજી શકું એટલો મોટો હજી થયો નથી, દાદા. પણ હા ઘણીવાર એકલું લાગે છે. રડું પણ આવે. ભૂખ લાગે ત્યારે તો મા-બાપ પણ યાદ આવે. કોક મારી ઉંમરના છોકરાને એના મા-બાપ સાથે જોઉં તો મનોમન વિચારું લઉં કે મારી મા કે પિતા કદાચ આવા જ દેખાતા હશે. રાત્રે અહીં પડ્યા પડ્યા ઉપર આકાશમાં તારાઓને ભેગા કરી પોતીકાંઓના ચેહરા બનવાનો પ્રયત્ન કરી લઉં. એમ પણ એકલતા કોને નથી નડતી, દાદા ?" વસુ ગંગાના પ્રવાહ તરફ જોતો બોલ્યો.

"મને જ્યારે એકલું લાગે ત્યારે આ માતા ગંગા તરફ જોઉં. વિચાર કરો એકવાર. આ ગંગા હિમાલયમાંથી એકલી નીકળે ને છેક પેલા દરિયામાં ભળીને વિલીન થઈ જાય. પર્વતો ઉપરથી નીચે પડે, ભેખડો વચ્ચે ઘસાય, અંધારામાં પણ એકલી સરકે ને તોય મીઠી ની મીઠી. ગામ હોય કે ધામ, સામે ચાલીને ગંગા પાસે આવે, નમેય ખરા ને નહાય પણ !" આટલું બોલીને વસુ અટક્યો અને પછી આગળ બોલ્યો.

"આપણે પણ આવા જ છીએ ને, દાદા ? ગર્ભ નામની તળેટી પરથી એકલા નીકળીએ અને એકલા આગળ વધીએ. ગામ, શહેર, લોકો, વાયકાઓ; તમામ પાછળ રહી જાય પણ આપણે વધતા રહેવું પડે, સરકતા રહેવું પેડ, ભળી જવું પડે. સંસાર નામના દરિયામાં. આ ગંગા ભૂખ્યું હોય તેને ભોજન પણ આપે અને હોડીને તરતી રાખી અસહાય ને સહારો. આપણું પણ આવું જ છે ને, દાદા ?" વસુએ વસંતલાલનો હાથ પકડીને પૂછ્યું.

વસંતલાલ વિચારમાં પડી ગયા અને મનોમન બોલ્યા, "આખી જિંદગી હું જે સવાલોના જવાબ શોધતો ફરતો રહ્યો એ આ દસેક વર્ષના છોકરાએ આ રાતના અંધારામાં સમજાવી દીધો. હું તો સમજતો હતો કે આ જીવન તળાવ જેવું છે, બંધિયાર, વાસી, બંધનોમાં જકડાયેલું, સાવ એકલું. પણ ખરેખર જીવન નદી જેવું નીકળ્યું. અવિરત, સરકતું, સહારો બનતું અને એટલે જ કદાચ નદીને લોકમાતા કહેવાય છે. હા... કદાચ એટલે જ."

"વસુ, તને ખબર છે હું અહીંયા આપઘાત કરવા આવેલો. જીવનની એકલતાથી થાકી-હારીને. પણ કહેવાય છે ને કે ગંગા કાંઠે મુક્તિ પામનારને તરત નવું શરીર, નવો જન્મ, નવો અધ્યાય મળી જાય છે. બસ એજ રીતે મારુ તળાવ રૂપી જીવન આજે એકલતાના બંધનમાંથી મુક્ત થઈ ગયું. હું તારી નદી બનીશ, જો તું ફરી એકવાર એમાં કૂદકો મારવા તૈયાર હોય તો. તારી ડામાડોળ હોડીને આ દાદા રૂપી નદી સહારો આપશે અને કિનારો પણ. બોલ છે તૈયાર ?" વસુના માથે હાથ ફેરવીને વસંતલાલ રડતી આંખે પૂછી રહ્યા હતા.

રડતી આંખે વસુ પણ વસંતલાલને ભેટી પડ્યો. જીવનમાં પહેલીવાર કોકની આંખમાં દયાની જગ્યાએ દાનત દેખાઈ. પ્રેમ આપવાની દાનત, સ્નેહ આપવાની દાનત, ઉજળું ભવિષ્ય ઘડવાની દાનત.

પથ્થરનો તકિયો કરી ઊંઘ શોધતો વસુ કરુણાના ખોળામાં માથું ઢાળી ગયો. સવારની આરતીના શંખ ગુંજવા માંડ્યા. અતીતનું અંધારું આંખમાંથી ચમકતા મોતી સ્વરૂપે વરસતું રહ્યું. સામે પૂર્વાંચલ તરફથી ચમકતું ભવિષ્ય આંખ આંજતું ઊગી નીકળ્યું.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy