માળો
માળો
બસ સાથ તારો દેજે, સંસાર હૂંફાળો હું ચણીશ,
ચાલ વીણી લાવીએ તણખલાં, પ્રેમથી મઘમઘતો માળો હું ચણીશ.
પર્વત શિખરે પથરાયેલી બરફની ચાદર પીગળી જાય અને જેમ કાળો ખડક ઉપસી આવે તેવા કાળા ડિબાંગ ઉઝરડાં નિયતિના ગાલે દેખાતા હતાં. આંસુથી ખરડાયેલી આંખેથી અવતરેલી ખારી ગંગોત્રી સરકીને તેના ગુલાબી સલવાર ઉપર કૂદીને આત્મવિલોપન કરતી હતી. ભગવાને જાણે હથેળીઓની ધારને જોડીને, તેમનાં ભાલથી ઊઠતાં પ્રકાશથી ઊઠતાં પડછાયાંમાં પ્રાણ પૂરીને ઘડી હોય તેવી સુઘડ મુખાકૃતિવાળી એક માસૂમ આકૃતિ ઘટાદાર વડનાં છાયામાં બેઠી અંદરથી સળગી રહી હતી. ગળામાં લટકતી ભગવાન કૃષ્ણની છબીને હાથમાં પકડીને તે બેઠી હતી. નિયતિ જયારે પણ વિચલિત થતી ત્યાર અહીં આ પથ્થરે આવીને પોતાનાં ભગવાન, પોતાના સખા એવા કૃષ્ણ સાથે ગોષ્ટી કરીને મન હળવું કરી લેતી.
આજે મનનો દરિયો તોફાને ચઢેલો. જ્વાળામુખી ફાટે તે પહેલા ધ્રૂજતી ધારા જેવું એનું શરીર ગુસ્સાથી થથરતું હતું. હાથની મુઠ્ઠીઓ વચ્ચે ગૂંગળાઈ દુપટ્ટાનું કપડું એના ગુસ્સાનો તાપ ઝીલતું હતું. સામે જમીન ઉપર વિખરાયેલા પાંદડાઓમાં નિયતિ પોતાના વીતી ગયેલા દિવસોના મૃતદેહોને જોતી આંસુ સારતી બેઠી હતી. સૂર્યોદય અનાથાશ્રમમાં વિતાવેલાં પંદર વર્ષ અને એ પહેલા કાઢેલા સાત વર્ષ જાણે પ્રેત સ્વરૂપે તેની સામે પગટ થઈ ગયાં હતા.
"હવે તો તું સાસરે જતી રહેવાની. તારા પતિનાં ઘરે ! આ સૂર્યોદય મટીને હવે જીવનની બપોર શરુ થશે તારી !" પોતાની સખીઓના કહેલા આ શબ્દો નિયતિના કાનમાં પડઘાતા હતા. જાણે અણીદાર સોયા કાનમાં ખૂંચી રહ્યાં હોય તેમ નિયતિ એ કાનને હથેળીની ભીંસ વળે દાબી દીધા. પથ્થર નીચે ફૂલ કરમાય તેમ તેની આંખોના પોપચાં આ વિચારોની ભાર સહન કરી શકતાં ન હોય તેમ મીચાઈ ગયેલા. સૂરજ જાણે ભગવાન મટીને નિયતિની અંતરાત્મા બની ગયો હોય તેમ અવિરત આગમાં સળગી રહ્યો હતો.
"ધિક્કાર અનુભવાય છે મને મારા વીતી ગયેલા જીવન ઉપર. હે ભગવાન ! આજે તને શાંતિ અનુભવાઈ હશે ને ? આ કઠપૂતળીની રમતમાં ફરી એકવાર તું જીતી જવાનો અને હું હારી જવાની." નિયતિએ હતી એટલી તાકાત વાપરીને બરાડતાં આકાશ સામે જોયું. ખરડાયેલી આંખોમાં ધૂંધળું દેખાતું આકાશ જેવું હતું એટલું ધૂંધળું એને આજે પોતાનું જીવન લાગી રહ્યું હતું.
આકાશમાં મંથર ગતિએ સરકતા વાદળાઓમાં નિયતિને ભૂતકાળનાં દ્રશ્યો દેખાવા માંડ્યા. મનની દીવાલે ટકોરા દેતી તે દુઃખનાં સાગરનું મંથન કરી તેમાંથી સુખનું અમૃત શોધવા મથતી હતી. મંથનમાંથી નીકળેલું ભૂતકાળનું ઝેર તેની આંખો, મુખ અને વિચાર થકી નીકળી રહ્યું હતું.
"કેવું વિચિત્ર છે ને ? નામ મારું રાખ્યું નિયતિ ! બોલો, જેણે હંમેશા કાળોતરો અંધારપટ જોયો છે જીવનમાં એનું નામ રાખ્યું નિયતિ. પાંખ વગરની માખી જેમ તડકાના તાપમાં તડફડે તેમ આજે હું અંદરથી અમળાઉં છું, કૃષ્ણ ! જન્મ આપીને મા-બાપ પોતે ચાલ્યા ગયા. પછી પ્રેમની નહિ પણ સહાનુભૂતિની લાગણીથી દાદા પોતાના ઘરે લઈ ગયા. દાદા ગયા એટલે એમની સહાનુભૂતિ કાકાની કામ કરાવવાની ઈચ્છામાં પરિણમી ! અને છેલ્લે જયારે કામ કરાવી લીધું ને જવાબદારી બની ગઈ ત્યારે મુકી ગયા મને આ સૂર્યોદયના અંધારિયા ભોંયરામાં અનાથ બનાવીને !" સરકતાં આંસુઓ સાથે યાદો પીગળી રહી હતી.
"આખા જીવનમાં મેં મારુ કહી શકાય તેવું ઘર જોયું જ નથી, કૃષ્ણ ! બધું જ જાણે ભીખમાં મળ્યું હોય તેવું આજે અનુભવું છું. તું જ વિચાર કર ! તે તો મારુ આખું જીવન જોયું હશે ને ? હતું કાંઈ પણ મારુ ? જન્મ પહેલાં જ્યાં બાળક બની એ ગર્ભ પણ મા નો હતો, પછી મા-બાપ ગયા એટલે જે છત મળી તે દાદાની હતી, ત્યાર પછી કાકાનાં ઘરે નોકરાણીની જેમ જીવી અને છેલ્લે અહીંયા આ સૂર્યોદયમાં રહી જે સરકારી મકાન છે. આમાં મારુ કહી શકાય તેવું શું હતું ? ખાલી અંધારપટ !" રડતી આંખોમાં હવે થાકની લાલાશ ભળી હતી.
"નાનપણમાં સરકારી સ્કૂલમાં એક વાર્તા સાંભળી હતી, ચકલી અને ચકલાની ! ચકલી અને ચકલો તણખલાં ભેગા કરીને એમનો માળો રચે છે. સાંભળ્યુંને તે, કાના ? એમનો માળો. બંનેનો ! સહીયારો ! ખાલી ચકલાનો નહિ. અને પછી ચકલો ઘઉંનો દાણો લાવે અને ચકલી ચોખાનો. બંને ભેગા થઈને ખીચડી રાંધે. ખાલી ચકલી નહિ પણ બંને રાંધે. હું આ સાંભળતી તો ખૂબ ખુશ થતી. વિચારે ચઢતી કે એક દિવસ આ ચકલીને એનો ચકલો મળશે જેની સાથે મળીને હું મારો માળો બનાવીશ. જેને હું મારો કહી શકું ! પણ કાલે... કાલે જયારે વિદિત મને જોવા આવ્યા અને તેમણે મારી સાથે લગ્ન કરવાની હા પાડી ત્યારે બધાએ કહ્યું કે હું પરણીને વિદીતના ઘરે જઈશ. એમાં પણ મારુ ઘર મને ન દેખાયું. શું કામ, કાના ? ત્યાં પણ મને ફરી એકવાર જાણે છત તો મળશે પણ મારી નહિ. કોકની !" તૂટેલા સપનાનાં કાંચ જાણે નિયતિને અંદરથી ખૂંચી રહ્યાં હતાં.
"કાકાનાં ઘરે હું તેમનાં છોકરાઓ સાથે ઘર-ઘર રમતી ! એમાં પણ ઘરનો ઈજારો કોકનો જ રહેતો. મને તો ત્યાં પણ કામવાળીનું જ પાત્ર મળતું. આંગણામાં રોપેલી તુલસીને પણ ચઢતાં તાપે ઘરનો છાંયો મળે ! અને મને ? મને મળ્યું છે છત વગરનું અવીરત ફેલાયેલું રણ ! એકલતાનું રણ, અનાથ શબ્દમાં પણ નાથ છે, કૃષ્ણ. પણ મારો નાથ કોણ ?"
"તને ખબર છે, ક્રિષ્ના... એક દિવસ મેં સૂર્યોદયના અમારા માસીને પૂછ્યું કે માસી મારે અહીંનું સરનામું જોઈએ છે. કોઈ પૂછે કે મારુ ઘર ક્યાં છે તો હું મારુ સરનામું આપી શકુને ! આ સાંભળીને માસી હસવા માંડ્યા મારા ઉપર. મને કહે તને અનાથને કોણ લખવાનું ? અને આ કાંઈ તારું ઘર થોડી છે. આ તો સરકારી મકાન છે. તારા લગન થશે એટલે તારું સરનામું બદલાઈ જવાનું. એ દિવસે ફરી એકવાર જે પોતીકું લાગતું હતું એ આ સૂર્યોદય પણ પારકું થઈ ગયું." નિઃસાસો નાખતા નિયતિ બોલી રહી હતી.
"સામાન્ય વ્યક્તિઓ માટે ઘર એટલે ચાર દીવાલ અને ઉપર ચણેલી છતથી ઢાંકેલો સંસાર. પણ એક અનાથ માટે ? એક અનાથ માટે ઘર એટલે બીજા અનાથ બાળકોની જીવનગાથાઓની ઈંટોથી ચણેલી ઈમારતો જેની ઉપર માથું મૂકીને અમે રડી શકીયે, મોટા લંબચોરસ ઓરડા મહી ગરમીમાં પરસેવે રેબઝબ અનાથ શરીર જયારે દુર્ગંધથી પર થઈને એક બીજાને ભેટીને એકલતા દૂર કરી લે એ અમારા માટે ઘર, કોઈ દાનવીરે દિલથી મોકલેલી કેક કે મીઠાઈ કે પછી પિઝાના ટુકડાઓને એકબીજા સાથ વહેંચીને અધકચરી ભૂખ મારીને પણ ઓડકાર ખાઈએ ત્યારે અમારૂ ઘર, અમારો સંસાર રચાય. અમારી આવી નિષ્પાપ, હળવી, અંધારી રાતમાં ચંદ્ર જેવી સફેદ ખુશીઓ જયારે એક ઉપર એક ગોઠવાઈને જે કલ્પનાની ઈમારત ચણેને ત્યારે અમારું ઘર રચાય. પણ અનાથનું આ કાલ્પનિક ઘર રસ્તે પથરાયેલાં મૃગજળ જેવું જ હોય છે. ચમકતું પણ ક્ષણિક !" ઊંડો ઉચ્છવાસ કાઢતી નિયતિ નીચું જોઈ રહી.
"સામાન્ય માણસોના ઘર મા ની મીઠી વાતોથી, પિતાના પ્રેમ ભર્યા વહાલથી, દાદા-દાદીની જુનવાણી વાર્તાઓથી, અગરબત્તીઓની સુવાસથી, હાસ્યથી, રંગથી મઘમઘતા ગૂંજતા હોય. જયારે અનાથનું આ ઘર અંધારિયા ખૂણે એકલતાની સામે હથિયાર મૂકી ચૂકેલા લાચાર શરીરોમાંથી આવતા રુદનનાં ડૂસકાથી ગૂંજતું હોય, આંખમાંથી સરકી ગયેલા આંસુઓ સૂકાઈને રણની નદી જેવી લીટીઓ થઈ જાય પણ તેને લૂંછવા એક હાથ સામે ન આવે એવા અવાવરા હોય, દાનમાં મળેલા ડાઘવાળા કપડામાંથી ઊઠતી પરસેવાની દુર્ગંધમાં કેદ, આકાશમાં પોતાનામાં મા-બાપને તારામાં શોધતા ભૂલકાઓની મીચાઈ ગયેલી આંખોમાં સૂતેલો સંતાપ એજ અમારું ઘર !" આંગળીના વેઢા વડે ભગવાન કૃષ્ણની છબી ઉપર ટપકેલાં પોતાના આંસુ લૂછતાં નિયતિ બોલી.
"ચાર વર્ષ પહેલાં સોમનાથ લઈ ગયાં હતાં. ત્યારે દરિયાકિનારે મેં એક ઘર બનાવેલું. માટીનું. માથે છીપલાંનાં નળિયા બનાવ્યાં હતાં. મોટો આંગણું હતું તે ઘરની બહાર. કેટલી ખુશ હતી હું. પણ તને ખબર છે ને શું થયું હતું ? મેં હજી તો તે ઘરનાં આંગણામાં મારુ નામ લખ્યું જ હતું ત્યાં એક વિશાળકાય મોજું આવ્યું અને મારૂ ઘર પળવારમાં ધરાશાયી થઈ ગયું. દરિયા ઉપર તો કોઈની માલિકી નથી હોતી ને ? તો ત્યાં પણ મારા કલ્પનાનાં માળાને સ્થાન ન મળ્યું, કેમ ? મારુ ઘર પણ માટીનું અને એવું જ મારુ નસીબ પણ માટીનું જેને સમાજરૂપી મોજાં ધરાશાયી કરતાં આવ્યા છે." ,હાથની હથેળીઓમાં પોતાની ખુશીઓ શોધતી તે થોડીવાર ચુપચાપ હાથને જોતી રહી.
"સમાજે જેટલાં સ્થાનને ઘરની વ્યાખ્યા આપી છે તે બધેથી મને અવગણના જ પ્રાપ્ત થઈ છે. કહેવાય છે કે શાળા એ બાળકનું બીજું ઘર છે પણ ત્યાં જવા માટે રૂપિયા જોઈએ જે મારા કાકા એ ભર્યા જ નહિ. મંદિરના બાંકડે જઈને બેસું તો ત્યાંથી પણ મને સંધ્યા પછી ચાલી જવાનું કહી દેવાય છે. બાપનું ઘર તો વર્ષો પહેલા જ છીનવાઈ ગયું છે. હવે આ સૂર્યોદય પણ પારકું લાગવા માંડ્યું છે" હીબકાં એટલા તીવ્ર બન્યાં કે નિયતિ વધું બોલી ન શકી.
"તારા અને મારા જીવનમાં પણ કેટલું સામ્ય છે ને, કાના ? તું મામાની જેલમાં જન્મ્યો અને રાતોરાત મા-બાપથી વિખૂટો પડી ગયો. મારી જેમ ! ગોકુળમાં રહ્યો તો ત્યાં પણ વિવિધ દાનવોએ તને રંજાડ્યો. અંતે વનમાં ગયો, વિદ્યા પ્રાપ્ત કરીને મથુરા ગયો. ત્યાંથી ફરી નાસ્યો ને છેક દ્વારકા જઈને વસ્યો. પણ તોય હસ્તિનાપુર અને પંચાલમાં વધુ રહેવું પડ્યું અને અંતે દેહ ત્યાગ પણ તું પોતાના ઘરમાં ન કરી શક્યો. એટલે તું તો મારૂ દુઃખ, મારી વ્યથા, મારી ઈચ્છા જાણે છે ને ? મને મારો માળો ક્યારે મળશે કાના ? વિદિત મને પસંદ છે પણ હું અમારા એટલેકે મારા અને વિદિતના કહેવાય તેવા ઘરે જવા માંગુ છું. મારી મદદ કર કાના ! જીવની જેમ ચાહ્યો છે તને, પિતાની જેમ પુજ્યો પણ છે. હવે મારો તું એક જ સહારો છે."
"જેમ નરસિંહ મેહતાને ત્યાં અક્ષય પાત્ર મોકલીને એનો સમય સાચવેલો અને જેમ હૂંડી લખીને મદદે આવેલો, જેમ મીરાંનો કૃષ્ણ બનીને એનું જીવન તાર્યુ અને જેમ દ્વાપર યુગમાં પોતાના બાળસખા સુદામાની દરિદ્રતા પળવારમાં દૂર કરી હતી, પાંચાલીને સાચા માર્ગે દોરવી હતી, ઉત્તરાનાં ગર્ભનું પોતાનાં પુણ્ય હોમીને પણ રક્ષણ કર્યું હતું તેમ મારી વ્હારે પણ આવ કાના ! તને આજીજી કર્યા સિવાય આ અનાથ પાસે પોતાનું કાંઈ છે જ ક્યાં કે તને દઉં ! મારા નસીબનો માળો મારી માટે રચી દે ભગવાન. હાથ જોડું છું." આટલા બોલીને પરિસ્થિતિ સામે હારી ગયેલી નિયતિ રડી પડી. બે હાથ વચ્ચે માથું નાખીને અંધારાને વશ થયેલી તે હીબકે ચઢી ગઈ.
"બેટા, લે પાણી પી લે. કાનુડો બધું ઠીક કરશે." ,અચાનક એક અનુભવી અવાજ ગુંજ્યો.
નિયતિને માથું ઊંચું કરીને જોયું તો એંશી વટાવી ચૂકેલા એક વ્યક્તિ સ્મિત વેરતાં સામે ઊભા હતા. હાથમાં પકડેલાં પ્યાલાને નિયતિ એ લીધો અને રણની રેતી પાણી પડે ત્યારે ધરાને જે હાશકારો અનુજભાવાય તેવી જ શાંતિ નિયતિ એ અનુભવી. હાથેથી મોઢે લટકી રહેલાં પાણીના ટીપાં લૂછતાં તે બોલી, "કોણ છો તમે, દાદા ? તમે મારી વાતો સાંભળતા હતાં કે શું ?
"તું આવી ત્યારનો હું અહીં ઊભો છું. મને તું કડિયો સમજ. માળા ચણનાર કડિયો." આટલું કહીને નિયતિને માથે ફેરવી તે વ્યક્તિ ત્યાંથી ચાલી ગઈ. નિયતિ મૃગજળમાં ધીરે ધીરે પીગળતી તે આકૃતિને જોતી રહી જ્યાં સુધી આંખે તેને સાથ આપ્યો.
થોડા દિવસોમાં નિયતિ અને વિદિતના ગોળધાણા નક્કી થયાં. વાજતે ગાજતે નિયતિ અને તેની સખીઓ સહીત સમગ્ર સૂર્યોદય વિદિતના ઘેર પહોંચ્યું. અચાનક નિયતિની નજર અગ્રેસર ઉભેલા પ્રૌઢ ઉપર પડી. એજ વ્યક્તિ જે તેને સૂર્યોદયનાં બગીચામાં મળ્યા હતાં, તેને દેખાયા. તે હતાં વિદિતના દાદા જે પહેલી મુલાકાત વખતે નિયતિને મળી શક્યા નહોતા તેથી જ બીજા દિવસે નિયતિને મળવા ગયા હતાં. સ્મિત સાથે હાથ જોડીને નિયતિએ પ્રણામ કર્યા અને પછી નિયતિએ નજર ઘરનાં દરવાજે લટકતી તકતી તરફ ફેરવી.
તકતી ઉપર સોનેરી અક્ષરે કંડારાયેલું હતું "નિયતિનો માળો".
(સમાપ્ત)
