STORYMIRROR

Maulik Trivedi

Drama Fantasy Inspirational

3  

Maulik Trivedi

Drama Fantasy Inspirational

આત્મશ્લાઘા

આત્મશ્લાઘા

12 mins
405

દ્વાપરયુગ સાથે સંકળાયેલી આ કથા સાવ કાલ્પનિક છે. વર્ષો પહેલા પ્રભાસ-પાટણ ગયો હતો ત્યારે પાંચ પાંડવ ગુફાના દર્શન કરવાનો દુર્લભ લ્હાવો મળેલો. ત્યારે સામે આવેલા ત્રિવેણી ઘાટ ઉપર બેઠો બેઠો હું વિચારે ચડેલો કે જો નાની નાની ઉપ્લબ્ધીઓથી છકી જઈને મારા અને તમારા જેવા સામાન્ય મનુષ્યો પણ જો ક્ષણિક કે સદંતર અભિમાનની શરણે થઈ જાય તો પછી ધર્મરાજ કહેવાતા અને હંમેશા મર્યાદામાં રહેલા યુધિષ્ઠિરને ક્યારેયક તો અભિમાન આવ્યું જ હશે અને એનું મારણ પણ થયું જ હોવું જોઈએ. અભિમાન સાથે ધર્મયુદ્ધ કરવું કોઈના પણ માટે કદાચ શક્ય ન હતું અને ના હશે. આ સંપૂર્ણ કાલ્પનિક કથાને એક વાર્તા તરીકેજ વાંચજો, વિચારજો અને બિરદાવજો.

*        

પશ્ચિમથી નાના બાળકોની જેમ ઉછળતી-કૂદતી હિરણ, કપિલા અને સરસ્વતી નદીની ઘુઘવાટા કરતી વમળો જાણે પોતાના ભરથારને આલિંગન આપવા તત્પર હોય એમ ત્રિવેણી તરફ સરકી રહી હતી. પૂનમની પૂર્ણતાથી હાથ છેટે રહેલો ચંદ્ર એની સુંદરતાનું રસપાન કરતો પૂર્વમાં પથરાયેલા અરબ સાગરની મધ્યમાં હલેચાતો તરતો હતો. દક્ષિણથી ઉત્તર તરફનો પવન સાવ પાસે આવેલા ભગવાન સોમનાથ મહાદેવના મંદિરની ધજાને ફરકાવતો લહેરાતો હતો. પાંચ પાંડવ ગુફાના પગથિયે બેઠેલો હું સામે આવેલી ત્રિવેણી અને પાછળ ચમકતા હિંગળાજ માતાના મંદિર વચ્ચે બેઠો બેઠો આ સમગ્ર વિસ્તારના પ્રાચીન કાળથી પણ પ્રાચીન વારસાથી મારી આંખોને ઠારતો બેઠો હતો.

કિનારાને પંપાળીને પાછા વળી જતા દરિયાના મોજા થકી હું આ પવિત્ર ધામ સાથે જોડાયેલા ઈતિહાસના પન્ના ઉલટાવતો રહ્યો અને ન સાંભળેલી, ન જોયેલી, ન વાંચેલી એવી કોઈ કથા, એવો કોઈ કિસ્સો, એવો કોઈ પ્રસંગ શોધી રહ્યો હતો જે આ દરિયો, આ પ્રદેશ, આ ધજાઓ, આ ત્રિવેણી એના ગર્ભમાં સમાવીને બેઠા હોય.

ઓગણીસમી સદીમાં થયેલા નવનિર્માણના દ્રશ્યોથી લઈને દસથી વધારે વખત મોહમ્મદ ગઝની દ્વારા થયેલા હુમલાથી ખંડિત થયેલા સોમનાથ મંદિરની દીવાલો ઉપર કોતરાઈ ગયેલી તિરાડો અને એથીયે પહેલા થઈ ગયેલા વિવિધ રાજાઓ અને એમના સમયના કિસ્સાઓ, ઓલા દરિયાના મોજા અથડાઈ અથડાઈને મને કહી રહ્યા હતા.

પણ મન તો તાજું માટીનું વાસણ છે, ક્યાં ધરવાનું હતું ? વિચારોની પાંખે બેસીને ઈતિહાસ ખૂંદતો હું કલિયુગ અને દ્વાપરયુગને જોડતી અદ્રશ્ય ક્ષિતિજે ઊભો ઊભો હજીયે એવો પ્રસંગ શોધતો હતો જે મારુ મન શાંત કરી શકે.

"પ્રાચીનકાળથી પણ પ્રાચીન અને પવિત્ર એવી આ લક્ષ્મી, દુર્ગા અને સરસ્વતી જેવી પવિત્ર ત્રિવેણીએ ઘણા એવા પ્રસંગો જોયા છે જે કદાચ તે ક્ષણે ઘટી ગયા અને સમય સાથે વિસરાઈ ગયા છે.", અચાનક ત્રિવેણી તરફથી અવાજ ગુંજ્યો.

"તું જે સાંભળવા માંગે છે એવી કથા હું જાણું છું. આવ મારા પવિત્ર ખોળામાં બેસ અને ફક્ત સમય, મે અને એ ક્ષણે ત્યાં હયાત એવા તમામે જીવેલા દ્વાપરયુગના એ કિસ્સાને સાંભળ." ત્રિવેણી ઘાટ તરફથી પવન ફૂંકાયો.

મનને પલાળતો એ ત્રિવેણીનો અવાજ મને પોતાની તરફ ખેંચી ગયો અને હું ક્યારે ત્રિવેણી ઘાટે પગ બોળતો બેસી ગયો મને યાદ નથી. બસ યાદ છે એ કથા જે મેં ત્યાં ત્રિવેણીના ખોળે સાંભળી હતી.

શિવલિંગ ઉપર ટપકતી જટાધારીની જેમ અવિરત, જે કર્ણપ્રિય શબ્દોના પડઘાં મારા કાનમાં ગુંજી રહ્યા હતા તે આ પ્રકારે હતા..

"દ્વાપરયુગની વાત છે. પ્રભાસ ત્યારે ઋષિઓ, યાત્રાળુઓ અને જીવન ભોગવીને પોતાનો સન્યાસ આશ્રમ આરંભી ચૂકેલા રાજાઓ અને બ્રાહ્મણોનું નિવાસ સ્થાન હતું. મહાભારતનું યુદ્ધ તો હજી વાતોમાંય શરુ નહોતું થયું. સમગ્ર સંપત્તિ હારીને ચિથરેહાલ થયેલા પાંડવોના વનવાસ પુરા થવાને અને અજ્ઞાતવાસ શરુ થવાને પુરા ચારસો દિવસની વાર હતી.

ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ, ભવિષ્યમાં થનારા મહાયુદ્ધ માટે જરૂરી જ્ઞાન, અસ્ત્ર-શસ્ત્ર અને સંધિઓ પાર પાડવા, પાંડવો તથા દેવી દ્રૌપદીએ ભારત ભ્રમણ આરંભેલું. એ ભ્રમણના એક ભાગ રૂપે ફરતા ફરતા પાંડવો, દેવી દ્રૌપદી અને દેવવ્રત ભીષ્મના પ્રયોજનથી પાંડવો સાથે તીર્થાટન માટે જોડાયેલ મહાઋષિ ધૌમ્ય; આ તમામ આ ત્રણ મહાનદીના સંગમ સ્થાને આવેલ એક મહા ખડક ઉપર આવી ને વસ્યા હતા.

પાછલી રાત્રે ગાંડો થયેલો દરિયો, દેવોના વરદાન થકી અવતરેલા પાંડવોના આગમનથી જાણે શાંત થઈ ગયો હતો. સામે જ્યાં અત્યારે પાંચ પાંડવ ગૂફા છે, ત્યાં તે સમયે મહા ખડક હતો.

ચમકતા ભાલ સાથે ભગવા વસ્ત્રોમાં પણ રાજા યુધિષ્ટિર અતિ શાંત અને સદાચારી લાગી રહ્યા હતા. અગ્નિકન્યા દ્રૌપદી પોતાના છુટ્ટા કેશ સાથે પણ અગ્નિની જવાળા સમી પવિત્ર અને પ્રકાશિત જણાતી હતી. નકુલ તથા સહદેવ; બંને માદ્રીપુત્રો મહારાજ પાંડુ જેવા જ ઘાટીલા, સુંદર અને મહાજ્ઞાની એવા તેજસ્વી દેખાઈ રહ્યા હતા. ભીમ જાણે કોઈ મહાકાય હાથી બે પગે ઊભો રહી ભૂમિ અવલોકન કરતો હોય એવો વિશાળકાય અને અતિ બળવાન જણાતો હતો. આ ચારેય દેવ પુત્રો પોતાના જીતેલા અસ્ત્રો સાથે જાણે ખડકનો મુગટ બનીને ઊભા હોય તેવા ચમકતા હતા.

અર્જુન ત્યારે યુદ્ધ માટે જરૂરી તેવા પાશુપતાસ્ત્ર, રુદ્રાસ્ત્ર શિવ પાસેથી અને ઈન્દ્રાસ્ત્ર તથા વજ્રાસ્ત્ર સ્વર્ગ સેવક ઈન્દ્ર પાસેથી મેળવવા માટે ઈન્દ્રલોક પ્રસ્થાન કરી ચુક્યો હતો તેથી તે આ સ્થળે હયાત નહોતો.

પોતાની તપોશક્તિથી ઘડપણને હરાવી ચૂકેલા એકસો ત્રણ વર્ષના ધૌમ્ય જાણે ધરતી પર જીવીત બ્રહ્માનું સ્વરૂપ જાણતા હતા.

ધૌમ્ય ઋષિના માર્ગદર્શન હેઠળ, હજાર હાથીનું બળ ધરાવતા ભીમે એકલા હાથે એક રાત્રીમાંજ એક ગુફાનું નિર્માણ કરી નાખ્યું હતું, જે આજે આ પાંચ પાંડવ ગૂફા તરીકે ઓળખાય છે.

"ત્રિવેણી કોઈ મહાન કથાકારની જેમ અમૃતવાણી વરસાવતી રહી અને હું મગ્ન થઈને એને સાંભળતો રહ્યો."

"આગળ શું થયું ?" મેં ત્યારે તરવરતા પ્રવાહમાં ચંદ્રના પ્રકાશમાં મારૂ પ્રતિબિંબ જોતા પૂછેલું.

"રાત્રીના ચોથા પ્રહરની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાને આ ત્રિ-નદીના જળમાં પવિત્ર કરી, સ્વચ્છ પિતાંબર, દરિયાના પેટ માંથી કાઢી લવાયેલા પાષાણમાંથી બનાવેલા શિવલિંગની એ તમામે ધૌમ્ય ઋષિની આગેવાની હેઠળ પ્રાણ-પ્રતિષ્ઠા કરી. માતા હિંગળાજ ના જાપ કર્યા પછી એ વખતે મહારાજ યુધિષ્ટિરે લઘુરૂદ્રી કરવાનો સંકલ્પ કર્યો અને લઘુરૂદ્રી આરંભી.

પુરી શ્રદ્ધા અને આસ્થા સાથે કરાયેલી લઘુરુદ્રીના ફળ સ્વરૂપે ભગવાન શિવ સાક્ષાત શિવલિંગમાં પ્રગટ થયા અને તમામને આશીર્વચન કહ્યા. અર્જુને કેવી રીતે કિરાટ સ્વરૂપે સામે ઉભેલા સ્વયં ભગવાન શિવ સાથે યુદ્ધ કર્યું અને બદલામાં વરદાન સ્વરૂપે પાશુપતાસ્ત્ર મેળવ્યું એની ગાથા કહી સંભળાવી અને તમામને આશીર્વાદ આપ્યા.

પૂજાવિધિ પતાવીને, આ અત્યારે તું જ્યાં બેઠો છે બસ ત્યાંથી થોડે દૂર પેલી શિલાઓ પાસે આવીને પાંડવ બંધુઓ, યજ્ઞશૈલી દ્રૌપદી અને ઋષિ ધૌમ્ય બેઠા. ધૌમ્યને શીલા ઉપર બેસાડી, પાંડવો તથા તેમની ભાર્યા નીચે દુર્વાના પ્રકૃતિક ગાલીચા ઉપર બેઠા. દૂર આકાશમાં સૂર્યનારાયણ દરિયાને કેસુડાના રંગથી રંગતા દેખાવા માંડ્યા હતા. દરિયાથી ઊડીને આવતા પારેવા લીલા ઘાંસમાં ખરેલા માંજર ચણવા બેસી ગયેલા. નદીના મીઠા પટ આ ખારા દરિયામાં ભળતાંજ હાશકારો કરતા હોય તેવો અવાજ કરતા હતા. વાદળોના સફેદ ગાલીચા આ માથે આવેલા આકાશે ક્યાંક ક્યાંક ઓઢેલા.

એવામાં સુસવાટા મારતાં પવનથી ઊડતા વાળને પોતાના ગમછા વડે બાંધતા યુધિષ્ઠિર બોલ્યા," ભગવાન ધૌમ્ય ! આ રુદ્રાભિષેક હવન થયો એનાથી જેમ વરસાદની પહેલી બુંદ શરીર ઉપર સરે અને તનને અનુભવાય એવી શીતળતા આજે મારા મનને અનુભવાય છે."

"કોઈપણ ધર્મ કાર્ય જે સાચી ભાવનાથી કરાયું હોય તેનું પરિણામ ચંદનના લેપ જેવું જ મળે છે વત્સ, શીતળ અને સુગંધિત !" બાળક જેવું નિર્દોષ સ્મિત વેરતા ધૌમ્ય બોલ્યા.

"ત્રેતા યુગમાં ભગવાન રામે પણ ભરતખંડના છેક દક્ષિણે આવેલા મહાસાગરના કિનારે આવો જ એક હવન કરેલો અને ધર્મની સ્થાપના કરવા રાવણ સામે યુદ્ધ લલકાર્યું હતું. ભગવાન, મને તો એવું પ્રતીત થાય છે કે મારા અને પ્રભુ રામના જીવન અને તેમના ધ્યેયમાં કોઈ જ અંતર નથી." યુધિષ્ઠિર અચાનક ઊભા થયા અને દૂર ક્ષિતિજે સળગતા સૂરજને જોતા ઊભા રહ્યા.

"થોડીવાર સૂર્યને નીરખીને પછી યુધિષ્ઠિર ફર્યા અને સ્મિત વેરતા ત્યાં બેઠેલા તમામ તરફ જોઈ રહ્યા. ધૌમ્ય સહીત સૌએ યુધિષ્ટિરમાં પેહલીવાર ઘમંડ જોયો, અભિમાન જોયું, આંખોના ખૂણે ઉગતું પાખંડ જોયું. યુધિષ્ટિર ફુલતી છાંતીએ દ્રૌપદી, અનુજ ભાઈઓ અને મહાઋષિ ધૌમ્યને ઊંચું મુખ રાખીને અવલોકી રહ્યા અને પછી આગળ બોલ્યા.

ત્રણ ત્રણ યુગો જોયા છે આ ધરાએ અને અનેકો જોઈ લેશે પણ ઈતિહાસ માં આવો જોગાનુજોગ બસ બે વખત જ થયો છે, જયારે કોઈ સંકલ્પ સાથે રુદ્રાભિષેક થાય અને ત્રિકાળદર્શી ભગવાન શિવ સ્વયં પ્રગટ થઈ ને આશિષ આપે. એક રાજા રામ સાથે થયું હતું અને બીજું આ યુગ માં મારી સાથે થયું, ઘમંડથી છલકાતી આંખોમાં પાણી ઉભરાઈ આવવાથી એ ધૂંધળી થઈ રહી હતી.

ત્રેતા યુગમાં રામ જેવો યુગ પુરુષ જન્મ્યો જે ધર્મની રક્ષા કરવા વનવાસે નીકળી ગયો તેમ આ યુગમાં હું પણ ધર્મ રક્ષા હેતુથી જ વનવાસે નીકળ્યો છું. રામ પણ વનવન ભટક્યા અને સાથે ચાલેલા નો ઉદ્ધાર કરતા ગયા તેમ મેં પણ તો હિડિમ્બ ને, ઘટોત્કચ્છ ને હણ્યો અને વનોમાં બીજા ઘણા અસુરોને હણી લોકોનો ઉદ્ધાર કર્યો. રામની જેમ મેં પણ કેટકેટલા અસુરોનો નાશ કરીને ધરતી ઉપર શાંતિ સ્થાપી.

"રામને મહામુનિ વશિષ્ઠ જેવા ગુરુ મળ્યા તેમ મને દ્રોણાચાર્ય મળ્યા. જેમ ગુરુકુળ ફળ્યા પછી વિશ્વામિત્રના માર્ગદર્શન હેઠળ રામે કેટલાય અસુરોનો નાશ કર્યો તેમ મેં પણ દ્રોણાચાર્યની દોરવણી હેઠળ અસુર શક્તિઓને સમાપ્ત કરી." અભિમાનથી ફુલતાં શ્વાસ વચ્ચે પણ ઉગ્ર સ્વરે યુધિષ્ઠિર બોલી રહ્યા હતા.

"ધૌમ્ય ઋષિના સ્થિતપ્રજ્ઞ સ્મિતમાં હવે ઘૃણા ભળતી દ્રૌપદીએ જોઈ લીધી હતી. નકુલ અને સહદેવ તો વેદોના જ્ઞાની હતા. તે પણ પોતાના મોટા ભાઈની આવી અહંકારીક શૈલીથી અકળાયેલા દેખાઈ રહ્યા હતા. ભીમ તો હિડિમ્બ અને ઘટોત્કચ્છ ના નામ પડતાની સાથે મનોમન પોતાની પીઠ થાબડવામાં વ્યસ્ત થઈ ચૂક્યો હતો.

યુધિષ્ટિનો અહંકાર હવે ભગવાન રામ ને રામ કહીને સંબોધતો હતો એ સાંભળીને ધૌમ્ય ઋષિના મનમાં અગ્નિ સળગી ઊઠી હતી.

રામ પણ ચક્રવર્તી હતા અને હું પણ થયો. મને તો કોઈ રાજ્ય-સામ્રાજ્ય વારસામાં મળ્યું નથી. પણ, મારી આવડત અને બુદ્ધિથી મેં ઈંદ્રપ્રસ્થનું નિર્માણ કર્યું અને જંગલોને નાગ મુક્ત કર્યા. લાક્ષાગ્રહ માં પેહલીવાર અને યક્ષની કસોટીમાં બીજીવાર; એમ બે-બે વાર મેં મારી બુદ્ધિથી મારા ભાઈઓને મહારાજ યમના પ્રકોપમાંથી બચાવ્યા છે. મારી પાસે તો હનુમાન જેવો સેવક પણ નથી તોય !" યુધિષ્ઠિર ડાબે થી જમણે એક અભિમાની રાજાની છટા થી ચાલતા બોલી રહ્યા હતા.

પાંચાલી હવે યુધિષ્ઠિરના માથે ચઢી ગયેલા અભિમાનને સાંભળી રહી હતી. એ ધર્મરાજ, જે શાંત અને સદા શબ્દોની મર્યાદામાં રહીને આચરણ રાખતા, તે આજે પોતાના જ મોઢે પોતાને ભગવાન રામ સાથે સરખાવી રહ્યા હતા. મહામુનિ ધૌમ્ય મુઠ્ઠીઓમાં પોતાનો ગુસ્સો ભરીને ફાટેલી આંખે યુધિષ્ઠિરને સહી રહ્યા હતા.

"આ આકાશ જેવો વિશાળ મારો મોભો, વિવિધ ઋષિમુનિઓ પણ મારી સાથે વિચારણા કરવા આવે એવું મારુ જ્ઞાન, ઈન્દ્રને પણ શરમાવતો મારો શાંત સ્વભાવ, સૂર્યથી પણ વધારે ચમકતું મારુ છત્ર અને મહેન્દ્ર પર્વતથી પણ ઊંચી મારી ધજા... મને તો પ્રતીત થાય છે કે હું તો કીર્તિમાં રામ ને પણ આંબી ગયો છું. રાજા રામ તો રાજસૂય યજ્ઞ ન કરી શક્યા પણ ઈંદ્રપ્રસ્થના નિર્માણ સાથે મેતો એ પણ કરી દેખાડ્યું.

"શિશિર ઋતુમાં અંગવસ્ત્ર વગર શરીર ધ્રૂજે તેમ ગુસ્સાથી ધ્રુજતા ધૌમ્ય ઋષિ પોતાના સ્થાનથી ઉઠ્યા અને ઉગ્રશ્રવાની જેમ રાડ નાખતા બોલ્યા," હે મનુષ્ય... દુનિયાભરમાં અજાતશત્રુ ગણાતા તને, તારાજ મનમાં જન્મીને મોટા થયેલો અભિમાનરૂપી અંતર શત્રુ, જેમ નાગ પોતાના જ ઈંડા ગળી જાય તેમ આરોગી ગયો છે. છેલ્લા દસ વર્ષમાં વિવિધ મહાન ઋષિઓ અને રાજાઓની કીર્તિથી પ્રાપ્ત થયેલી નાની-મોટી સિદ્ધિઓ તારા માથે ચઢી ગઈ છે."

"જે મહા પ્રભુ રામજી સાથે તું તારી જાતને સરખાવવાનું મહાપાપ કરી રહ્યો છે એમના ચરણની એક રજકણ માત્ર પણ નથી તું ... કે નથી હસ્તિનાપુરમાં હયાત અથવાતો થઈ ગયેલો કોઈ પણ રાજવી." ધૌમ્યનો ગુસ્સો એમની આંખમાંથી અંગારા બનીને વરસી રહ્યો હતો.

"સૌ પ્રથમ તું તારી જાતને યુગ પુરુષ કહે છે ? યુગપુરુષની વ્યાખ્યા શું છે એ તને ખબર છે ? યુગપુરુષ એટલે એવો પુરુષ જે કોઈપણ જાતની લાલસા - લાલચ વગર જગત કલ્યાણના કાર્ય કરવા જાત હોમી દે એવો અસાધારણ વ્યક્તિ ! રામ, ગુરુ વિશ્વામિત્ર સાથે ફક્ત એમની એક આજ્ઞાને અનુસરીને ચાલી ગયેલા જંગલોને અસુરોથી મુક્ત કરવા ! પણ તે... તે ખાંડવપ્રસ્થ જેવા પ્રાકૃતિક સ્થળને તારા અને તારી જનતાના રહેવા યોગ્ય બનાવવા માટે નાગ જાતિનો નાશ કર્યો એને તું મહાન કાર્ય કહે છે ? અરે આ નાગ જ સમય આવે તારા કુળનો વિનાશ કરશે યાદ રાખજે !" ધૌમ્ય ધ્રુજી રહ્યા હતા.

"શ્રી રામે પોતાના પિતા દ્વારા માતાને અપાયેલા વરદાનનું માન જાળવવા એકપણ પ્રશ્ન પૂછ્યા વગર, કોઈ જાતની ઘૃણા કે ક્રોધ રાખ્યા વગર એજ ક્ષણે વનવાસ સ્વીકારી લીધો. જયારે તું? તું તો રાજા હતો. તારી પોતાની ઈચ્છાથી જયંતી સભામાં જઈને દ્યૂત રમ્યો. રમ્યો તો રમ્યો, હાર્યો... રાજ હાર્યો, પ્રજા હાર્યો, સૈન્ય હાર્યો, અનુજ ભાઈઓને પણ હારી બેઠો અને એટલું બાકી હતું તો તારી ભાર્યાને પણ દાવમાં લગાવી બેઠો ? તારી જીતવાની લાલસાએ જ તને આ વનવાસે પહોંચાડ્યો છે મૂર્ખ."

"હાથ પકડીને અપહરણ કરી ગયેલા રાવણે માતા સીતાને તેમની ઈચ્છા વિરૃદ્ધ અડકવાનો પણ પ્રયાસ નહોતો કર્યો તોય રામે તેને હણી નાખ્યો. જયારે તું... તારી આંખ સામે, તારી આ ભાર્યા..આ પાંચાલીના વસ્ત્રો ખેંચાયા અને તું નપુંસકની જેમ તેને જોતો બેઠો રહ્યો ? આજે આ અભિમાનના કોળિયા ઓકતો તું એ ભૂલી ગયો કે આ વનવાસ અને તારી અને તારા પરિવારની આ હાલત નો ગુનેગાર તું પોતેજ છે કુમાર યુધિષ્ઠિર."

છેલ્લા અગિયાર વર્ષ તે અને તારા ભાઈઓએ મનમાં બદલાની બળતરા અને હારી ગયેલું રાજ્ય પાછું મેળવવાની ઈચ્છાઓને પોષવામાં ગાળ્યા. હિડિમ્બ અને ઘટોત્કચ્છ; બંને ને હણવા પાછળનો હેતુ સ્વબચાવ જ હતો ને ? પોતાની ભાર્યાને ઘરે છોડીને આવેલા લક્ષ્મણે સુર્પર્નખા નું નાક વાઢી કાઢ્યું હતું, જયારે તે તારા ભાઈ ભીમને હિડિમ્બા સાથે પરણાવી દીધો.. યાદ કર તે પરણાવ્યો ત્યારે તારા મન માં શું વિચાર આવેલો ? એજ ને કે રાક્ષસ પુત્ર યુદ્ધમાં કામ લાગશે? તો કયા હક અને તર્ક સંગત આજે તું પોતાને રાજા રામ સાથે સરખાવાએ છે ?" ધૌમ્ય હવે હાંફવા માંડ્યા હતા પણ થાક્યા નહોતા.

એક પછી એક, યુધિષ્ઠિર પોતાના કંઠેથી નીકળેલી અભિમાનની બુંદોનું બાષ્પીભવન થતા જોઈ રહ્યો હતો અને એની અભિમાની આંખોમાં હવે નાનમના છાંટણા થયા હતા. પણ ધૌમ્ય રૂપી દાવાનળ આજે યુધિષ્ઠિરરૂપી વૃક્ષને ભરખી જવા તત્પર હતા.

"સમય પહેલા જ આંબેથી વાઢી લેવાયેલી કેરી દાંત ખાટાં કરી નાખે એવા ભયંકર પરિણામ સર્જે છે, જયેષ્ટ પાંડવ ! જે રાજસૂય-યજ્ઞની તું ગાથાઓ ગાવા બેઠો છું એ રાજસૂય તો ત્યારે જ અભડાઈ ગયેલો જયારે શ્રી કૃષ્ણએ તારા જેવાજ અભિમાની શિશુપાલ નું મસ્તક કાપ્યું હતું."

"અને તું મહાગુરુ વશિષ્ટ ની સરખામણી પાખંડી બ્રાહ્મણ દ્રોણ સાથે કરે છે ? પાંડવો અને કૌરવોને વિદ્યાદાન આપવા પાછળની એની લાલસા જ આ આખી પરિસ્થિતિનું કારણ છે. દ્રુપદે કરેલા અભિમાનનો બદલો લેવા માટે આરંભેલા આ હવનમાં કર્ણની સૂતપુત્ર તરીકે થયેલી અવગણના, એકલવ્યનો અંગુઠો અને બીજી અનેક આહુતિઓ આ દ્રોણે આપી છે. તારો ગુરુ જો એટલોજ જ્ઞાની હતો તો દ્રૌપદી વસ્ત્રાહરણ વખતે કેમ દુઃશાસનને હણવા ઊભો ન થયો ? ત્યારે તો એ ગુરુ મટી ને બ્રાહ્મણ બની ગયેલો. માટે હે કુંતેય, તું આ મિથ્યાચારી દ્રોણની સરખામણી વશિષ્ઠ સાથે કરવાનું પાપ ન અચારીશ.", ધૌમ્યની જટાઓ હવે ખુલી ચુકી હતી અને યુધિષ્ઠિર સહીત પાંડવોના મન પણ.

"પ્રભુ રામે હરીવંશી કેવટ નામના નાવિક દ્વારા કરાયેલી નાનકડી મદદને ન ભૂલી ને હંમેશા એને મિત્રતા નું માન આપ્યું. જયારે તે કર્ણને હંમેશા સૂતપુત્ર કહીને એનું અપમાન કર્યું અને તારા અનુજોને પણ કરવા દીધું."

"કંટક બાવળમાં પણ હોય છે અને ગુલાબમાં પણ... તોય ગુલાબ પોતાની સુગંધથી જ પૂજાય છે... રાજા રામના ભાઈઓ ને યાદ કર. લક્ષ્મણ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર, રાજમહેલોનાં આરામ ત્યજીને મોટાભાઈ સાથે વનવાસે નીકળી ગયેલો. ભરત પોતાની માતા કૈકઈની અણઘડ માંગણી છતાં મોટાભાઈની ચરણ પાદુકાને ગાદીએ બેસાડી, પોતે ગામ બહાર રહેલો. આ ચારેય અલગ-અલગ માતાના પિતરાઈ ભાઈઓ હતા .... અને તમે... આ અવિરત ભરત ભૂમિ આખી જ હસ્તિનાપુરની ધજા નીચે હોવા છતાં નાનપણથી જ એકબીજાને હણી નાખવાની ઈચ્છાઓ સાથે જીવ્યા. લાક્ષાગ્રહ ઘટના, જયંતીની દ્યુત ક્રીડા કે પછી નાનપણમાં ભીમને હણી નાખવાના અવિરત પ્રયાસ હોય; તમે શાંતનુના વારસદારો ભાઈચારાને હંમેશા લજવતાં આવ્યા છો."

"માટે હે યુધિષ્ઠિર! આ મિથ્યા અભિમાન અને આડંબરો મારી સામે ન બતાવો. શ્રી રામ સ્વયં પોતે વિશ્વરૂપ વિષ્ણુના અવતાર હતા. અને તમે આ યુગમાં ધર્મ સ્થાપી શકો તે હેતુ થી ફરી એકવાર સ્વયં વિષ્ણુ કૃષ્ણ અવતારે તમારી મદદે આવ્યા છે."

"હે ધર્મધ્વજ રક્ષક ! આ માથે ચઢેલા અભિમાનને આ ઘડીએ સામે પેલા આકાશે સળગતા સૂર્યનારાયણના તેજની સાક્ષીએ હણી નાખો અને મનુષ્ય સ્વરૂપે, ભગવાન કૃષ્ણ દ્વારા દેખાડાયેલા ધર્મના માર્ગને અનુસરો અને મહેંદ્ર પર્વત તરફ પ્રયાણ કરો.. પ્રભુ શ્રી રામના એક મનુષ્ય સાથે થયેલી સરખામણી માત્રથી પણ હું પોતાની જાતને અભડાયેલો અનુભવું છું.. આથી ત્રીમાતાના સંગમ સ્થાને સ્નાન કરીને હું આજે ઉપવાસ કરીને શુદ્ધિના માર્ગે જઈશ. તમે પાંચેય પણ એજ અનુસરો એવી આ બાવાની સલાહ છે."આટલું કહીને ધૌમ્ય ઋષિ ત્રિવેણી ના ખોળે પવિત્ર થવા ચાલ્યા ગયા.

સૂર્યનારાયણ સમુદ્ર તથા આકાશને જોડતી ક્ષિતિજની પેલેપાર ગરકાવ ન થઈ ગયા ત્યાં સુધી યુધિષ્ઠિર પોતાના માથે હાથ દઈને એજ જમીન ઉપર બેઠા રહ્યા અને રડતાં રહ્યા. ભીમ, નકુલ અને સહદેવ નતમસ્તક, મોટા ભાઈ યુધિષ્ઠિરની ઉઘડેલી આંખોમાંથી વિલીન થતા ઘમંડને રેતીમાં ટપકતો જોતા બેઠા રહ્યા. દ્રૌપદી યુધિષ્ઠિરને રડતા જોઈ ન શકી તેથી તે ઊભી થઈ અને દૂર ખુલ્લા કિનારા તરફ ચાલી ગઈ.

હું આ બધુ જ હું પણ જોતી રહી. યુધિષ્ઠિર જયારે ઊભા થઈ ને પવિત્ર થવા મારી સમક્ષ આવેલા ત્યારે મારુ પાણી ચાર ડગલાં પાછું ખસી ગયું હતું. જયારે યુધિષ્ઠિરે ખોબામાં પાણી ભરીને પ્રભુ રામની માફી માંગી ત્યારે જ તેઓ મારા ખોળે ડૂબકી લગાવી શકેલા.

"અચાનક સંગમના વમળો શાંત થઈ ગયા. એક પવનના ધક્કાએ મને સ્વસ્થ કર્યો. હું હજી પણ ત્યાંજ ત્રિવેણીના આરે બેઠો હતો. યુગ બદલાઈ ગયો હતો. વાતો, રિવાજો, પ્રથાઓ બદલાઈ ગયેલી... પણ એ પાંચ પાંડવ ગુફા પણ ત્યાંજ હતી અને ત્રિવેણી પણ ત્યાંજ હતી અને ધૌમ્યના તર્કસંગત દાવાનળમાં પીગળી ગયેલું યુધિષ્ટિરનું અભિમાન પણ ત્રિવેણીના જ ગર્ભમાં ક્યાંક તરતું હતું".

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Drama