Nayana Shah

Inspirational

4.7  

Nayana Shah

Inspirational

સરવણી

સરવણી

8 mins
312


હેમાંગના ચહેરા પર જોતાં મને અત્યંત દુઃખ થયું. હેમાંગ એટલે હાસ્ય. શબ્દનો પર્યાય. અમે કૉલેજમાં હતાં ત્યારે હું ઘણીવાર કહેતી, ‘હેમાંગ, તમારા કુટુંબમાં એક ભૂલ થઈ ગઈ છે. તારી ફોઈબાએ તારું નામ હેમાંગને બદલે હાસ્ય રાખવા જેવું હતું. પરીક્ષાનું ટેન્શન હોય કે તબિયત સારી ના હોય, કંઈ પણ મુશ્કેલી હોય તો તું હસતો ને હસતો જ હોય.’

અમે બધાં ભેગાં થઈ ઘણીવાર હેમાંગને કહેતાં, ‘હેમાંગ લગ્ન બાદ પણ તારું હાસ્ય જળવાઈ રહેવું જોઈએ. પછી હસબન્ડ બન્યો એટલે હસવાનું બંધ એવું ના થવું જોઈએ.’ 

પણ હેમાંગ તો કહેતો મારું હાસ્ય તો પુષ્પોની ખુશ્બૂ જેવું છે જે ચારેબાજુ ફેલાતું જ રહે. 

કોલેજના ચારેય વર્ષો દરમિયાન હેમાંગને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારબાદ તો એ આગળ ભણતો જ રહ્યો. જેમ જેમ ભણતો રહ્યો તેમ તેમ ગોલ્ડ મેડલ વધતા જ ગયા. જ્યારે હું મારા લગ્નની કંકોતરી આપવા ગઈ ત્યારે પણ કોઈ પરીક્ષાની તૈયારીમાં જ પડેલો. મને જોઈને બોલ્યો, ‘લગ્નની તારીખ સારી પસંદ કરી છે. જ્યોતિષને બતાવવા પહેલાં યુનિ.વાળાને પરીક્ષાની તારીખ પૂછવી જોઈએ ને. આખરે તેં મને નહીં બોલાવવા માટેની યુક્તિ શોધી લીધી.’ મેં પણ હસીને એવો જ ઉત્તર આપ્યો. ‘વાંધો નહીં એક પરીક્ષા નહીં આપે તો તને ઘણાં બધા ગોલ્ડ મેડલ મળ્યા છે એના વ્યાજમાંથી તારું ગુજરાન ચાલશે.’

થોડાં વર્ષો પછી મને લગ્નની કંકોતરી મળી ત્યારે મેં પણ હેમાંગને કહ્યું, ‘તેં પણ મને નહીં બોલાવવાની યુક્તિ શોધી કાઢી. લગ્નની તારીખ કઢાવતાં પહેલાં મારા ગાયનેકને મળીને તારીખ તો પૂછી લેવી હતી.’ જો કે થોડા વખત પછી મને ખબર પડી કે અમારી સાથે કોલેજમાં અભ્યાસ કરતી હેતવી સાથે જ એને કોલેજથી સંબંધ હતો અને એની સાથે જ એના લગ્ન થવાના હતા. અમારા મિત્ર વર્ગમાં ખુશીનું મોજું ફરી વળ્યું. હેતવી ખૂબ પ્રેમાળ હતી. સંસ્કારી હતી. હા, પણ ખૂબ ઓછું બોલતી હતી. પણ બોલતી ત્યારે એટલી મિઠાશથી વાત કરતી કે સાંભળનારને એની પર સ્વાભાવિક પ્રેમ ઉપજે.

લગ્ન બાદ હેતવી અને હેમાંગ મને મળવા આવ્યા હતા. અને સાથે સાથે એક ખુશખબર પણ આપવા આવેલા કે તેઓ અમદાવાદ છોડીને કાયમ માટે મુંબઈ જાય છે. મુંબઈમાં એક ઈન્ટરનેશનલ કંપનીમાં એને તગડા પગારની નોકરી, રહેવાની વ્યવસ્થા, કાર બધું જ મળ્યું છે. હું ખુશ હતી. બોલી ઊઠી, ‘હેમાંગ, જો મારી બહેનપણીના પગલાં કેટલાં શુકનિયાળ છે અને તેં પણ લગ્ન બાદ વ્યવસ્થિત રીતે જુદાં થવાની યુક્તિ શોધી લીધી છે.’

ત્યારે પહેલીવાર એ મજાક કર્યા વગર બોલ્યો, ‘તારી વાત બિલકુલ સાચી છે. તું તો જાણે છે કે મારા મોટાભાઈ અને ભાભી જુદા રહે છે કારણ છે પપ્પાનો થોડો ગરમ સ્વભાવ. ભાભી બધું સહન ના કરી શક્યા એના પરિણામે એમને નાની ઉંમરમાં બી.પી. હાઈ થઈ ગયું. હું તો નાનપણથી જ મોસાળમાં ઉછર્યો છું. પપ્પા મમ્મી પર શાબ્દિક જુલમ જે કરે છે તે માત્ર મારી મમ્મી જ સહન કરી શકે. હેતવી કે મારા મોટાભાઈ નહીં.’ ત્યારબાદ હું અને હેતવી મહિને એકાદવાર નિયમિત ફોન પર વાતો કર્યા કરતાં, હેતવીનું અમદાવાદ આવવાનું ઓછું થતું ગયું. છોકરાંઓ ભણતાં હોય અને મુંબઈમાં વેકેશનમાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતાં છોકરાંઓને અમદાવાદ ગમતું પણ નહીં. હેમાંગ એની જ કંપનીમાં વાઈસ પ્રેસિડન્ટ બની ગયો હતો.

હેતવી મને ઘણીવાર કહેતી, ‘હેમાંગ પહેલાં જેટલો જ પ્રેમાળ છે. હસમુખો છે. પણ એની પાસે સમય નથી. અત્યારે હું બે હાથે વાપરું તોય ખૂટે નહીં એટલો પૈસો છે. મુંબઈમાં હમણાં જ દોઢ કરોડનો ફલેટ લીધો. ખૂબ સુખી છું. પણ ઘણીવાર થાય છે કે વેકેશનમાં હિલસ્ટેશને કે ક્યારેક દરિયાકિનારે જઈને એકલા બેસીએ. પણ હેમાંગને ફોરેન ટૂરો ચાલુ જ હોય છે. એકાદવાર મને કહેલું કે, ‘ચલ તારે ન્યુઝિલેન્ડ આવવું હોય તો… હું ખુશ થઈ ગઈ. હું હેમાંગની સાથે ગઈ. પણ તને ખબર છે એણે ડ્રાઈવર સાથેની કારની સગવડ કરી આપી કારણ કે એ તો કંપનીના કામે સવારથી જાય તો રાતના મોડો ઘરે પાછો આવે ત્યારે એટલો બધો થાકેલો હોય કે મને થાય કે આજે હું ક્યાં ક્યાં ગયેલી અને ક્યાં ક્યાં શું જોયું એ બધી વાત કરું. પણ પથારીમાં પડતાં સાથે જ એ સૂઈ જતો. પણ એક વાત જરૂર હતી કે એ આવીને તરત મને પૂછતો કે, ‘હેતવી તને કંઈ તકલીફ તો નથી પડતી ને ?’ ઘણીવાર થાય કે કહી દઉં કે તું સાથે ના હોય એનાથી મોટી તકલીફ બીજી કઈ હોઈ શકે ? પણ આટલા બધા પ્રેમાળ માણસનું દિલ તોડતાં મારો જીવ ચાલતો ન હતો.

ત્યારબાદ એના બાબા બેબીના લગ્ન થઈ ગયા. ત્યારે હું મુંબઈ ગઈ. હેમાંગનાં મોં પર એ જ હાસ્ય. પણ હેતવીએ મને કહ્યું : ‘માત્ર બે જ દિવસની રજા મળી છે લગ્ન અને રિસેપ્શનની. દોડાદોડ, લાવવું, મૂકવું બધા કામ માટે કંપનીએ અમને માણસો આપ્યા છે. પણ હેમાંગની ગેરહાજરી ખૂંચે છે.’

‘હા પણ હેતવી, એક વાત જરૂર છે. આટલા બધા કામ વચ્ચે પણ એ પહેલાં જેટલો જ પ્રેમાળ રહ્યો છે. એના મોં પર પહેલાં જેવું જ હાસ્ય છે અને હેતવી, અત્યારે પણ હું જોઈ રહી છું કે વચ્ચે વચ્ચે એ ફોન પર કંપનીની વાતચીત કરી રહ્યો છે….’

એક સવારે હેતવીનો મારા પર ફોન આવ્યો કે ‘અમે થોડા મહિનાઓ માટે અમદાવાદની બ્રાંચમાં આવીએ છીએ, જે તારા ઘરની ઘણી જ નજીક છે અને હવે તો તારા ઘરથી નજીકમાં અમે ઘર પણ લઈ લીધું છે. થોડાં મહિનાઓ માટે માંડ માંડ અમને અમદાવાદની બ્રાંચમાં મૂક્યા છે. મુંબઈવાળા તો એમને છોડવા તૈયાર જ નહોતા. હવે બાકીની વાતો રૂબરૂ અમદાવાદ કરીશું. મારું સરનામું લખી લે….’ હેતવી અમદાવાદ કેમ આવે છે ? અને અમદાવાદ બદલી કેમ કરાવી ? ત્યાં વર્ષો પહેલાં દોઢ કરોડનું મકાન લીધું છે, મુંબઈની સરસ મજાની જિંદગી છોડીને કેમ આવે છે ? મારે ઘણું બધું પૂછવું હતું પણ હવે અમદાવાદ આવવાની જ છે અને ઘરથી નજીક છે તો શાંતિથી વાતો થશે. અને બધી વાતોનો જવાબ મળી જશે. હું જ્યારે હેમાંગને ઘરે પહોંચી ત્યારે બધી વાતોનો મને એક સાથે જવાબ મળી ગયો. હેમાંગની સાથે એના મા-બાપ હતા અને હેમાંગની મા લકવાગ્રસ્ત હતી. પછી તો અવારનવાર હેમાંગ-હેતવીને મળવા જતી હતી ત્યારે મને ધીમે ધીમે બધી વાતો જાણવા મળે કે હેમાંગના પિતાજીના સ્વભાવને કારણે ત્યાં કોઈ બાઈ કામ કરવા તૈયાર થતી ન હતી. હેમાંગના મમ્મીને કલાકો સુધી ભીનામાં સૂઈ રહેવું પડતું હતું. એ જાતે ઊઠબેસ કરી શકતા ન હતાં. હેમાંગના પપ્પાના સ્વભાવમાં સહેજ પણ બદલાવ આવ્યો ન હતો. હેતવી ચોવીસ કલાક સાસુની ચાકરી કર્યા કરતી. અરે, આટલી મોટી ઈન્ટરનેશનલ કંપનીનો વાઈસ પ્રેસિડન્ટ હોવા છતાંય હેમાંગ જે રીતે એની મમ્મીની ચાકરી કરતો એ મારા માન્યામાં આવતું ન હતું. રિસેસના સમયમાં હેમાંગ અચૂક ઘરે આવે એના મમ્મીને એના હાથે જ જમાડે. જમાડતી વખતે મોબાઈલની સ્વીચ બંધ રાખે.

હું તો ઘણીવાર જોતી કે હેમાંગને મમ્મીને જમાડતાં મોડું થાય તો પોતે જમ્યા વગર ઓફિસે જતો રહેતો. હેતવી જમવાનું કહે તો કહેતો, ‘હેતવી, ઓફિસવાળા જે પગાર આપે છે એના બદલામાં કામ પણ કરવું પડે. 

સમયસર જવું પણ પડે.’ ક્યારેક તો હેમાંગના મમ્મી આખી રાત જાગતા પડી રહેતા ત્યારે હેમાંગ એની મમ્મી પાસે બેસી એના માથે હાથ ફેરવતો રહેતો. હેતવી ઘણું કહેતી, ‘તમારે ઓફિસમાં આખો દિવસ કામ પહોંચે છે. તમે સૂઈ જાવ, હું મમ્મી પાસે બેસું છું.’ ત્યારે પણ હેમાંગ કહેતો, ‘હેતવી, મમ્મીનો સાથ હવે થોડો વખત છે. નાનપણથી મોસાળમાં રહ્યો છું. 

પણ હવે મને માનો પ્રેમ અનુભવવા દે. મારી મા બોલી નથી શકતી. જે થોડું બોલે છે એ કોઈ સમજી નથી શકતું. પણ એની આંખોમાં માત્ર મમતા જ ભરેલી છે જે હું જોઈ શકું છું અને અનુભવી શકું છું.’ રાત્રે પણ ઘરમાં રાખેલા ફેક્સ મશીન પર ફેક્સ આવ્યા જ કરે. મમ્મી સૂઈ જાય ત્યારે એ ઓફિસનું કામ કરી લે. 

ઘણી વાર તો મને થતું કે હેમાંગ આટલી બધી હાડમારી કઈ રીતે સહન કરી શકે છે. ઓફિસમાંથી સતત ફોન ચાલુ રહેતાં. મમ્મીને જમાડતી વખતે જ સ્વીચ બંધ કરી દેતો. આ બધા વચ્ચે પણ હેમાંગનો સતત હાસ્ય શોભિત ચહેરો જોવા મળતો.

મને હેતવી કહેતી કે, ‘કંપનીમાંથી તો એવું પણ કહેવડાવેલું કે અમે તમારા મમ્મી માટે કોઈ બાઈ મોકલી આપીશું, એના પૈસા પણ કંપની ચૂકવશે પણ તમે અમદાવાદ ના જતાં પણ મને હેમાંગ તરફ જોઈને લાગતું કે એના મોં પર ઘણો સંતોષ છે.’ હું ઘણીવાર કહેતી, ‘હેમાંગને જોઈને મને આનંદ થાય છે કે ભગવાન કળિયુગમાં પણ શ્રવણને મોકલે છે, કૃષ્ણે ગીતામાં ભલે કહ્યું, ‘હું યુગે યુગે જન્મ લઈશ પણ આવા શ્રવણો જે ઘરોમાં હોય ત્યાં સ્વર્ગ જ છે અને આવી સ્થિતિમાં ભગવાને યુગે યુગે જન્મ લેવાની જરૂર ના પડે.’ 

હેમાંગના આવ્યા બાદ બે મહિના બાદ એની મમ્મીનું મૃત્યુ થયું પણ મૃત્યુ સમયે હેમાંગની મમ્મીના ચહેરા પર પૂર્ણ સંતોષ દેખાઈ રહ્યો હતો.

બે દિવસ બાદ હેમાંગનો એ જ ક્રમ ચાલુ થઈ ગયો. ઓફિસમાંથી સતત ફોન આવતાં રહેતાં હતાં. મુંબઈ ઑફિસવાળા પણ હેમાંગ પર મુંબઈ ઓફિસ આવી જવા દબાણ કરતાં હતાં અને હેમાંગની ફોરેન ટૂર તો ઊભી જ હતી. ત્રીજા દિવસે બેસણું હતું ત્યારે જ અંદર અંદર હેમાંગનાં સગાંઓ વાત કરી રહ્યા હતા.

‘દિકરો આટલું બધું કમાય છે તો પણ દસમાની વિધિ ચાણોદ કરવા જશે અને એ જ દિવસે તેરમાની વિધિ અને વરસી પણ વાળી દેશે.’ કોઈ પાછળથી બોલી રહ્યું હતું, ‘આવા છોકરાને શું કરવાનું ? વરસી તો બાર મહિને વાળવાની…દરેક માસિયા કરવાના, બ્રાહ્મણ જમાડવાના… એ સિવાય માને પહોંચે કઈ રીતે ?’

એક બાજુ બેસણામાં ધીમે અવાજે ભજનની ટેપ ચાલુ હોવા છતાં પણ જેટલાં મોં એટલી વાતો ચાલુ હતી. હું સાંભળીને સખત ગુસ્સે થઈ ગઈ હતી. બેસણું પૂરું થવાની તૈયારીમાં હતું અને મારાથી રહેવાયું નહીં. મારો તો હેમાંગ-હેતવી સાથે મિત્રતા સિવાય કોઈ જ સંબંધ નહોતો. છતાં પણ હું ઊઠી, માઈક પાસે ગઈ, ટેપ બાજુએ મૂકી બોલી, ‘આવનાર દરેક વ્યક્તિને લાગે છે કે હેમાંગ મરણોત્તરક્રિયા-સરવણી બધું એક જ દિવસમાં પતાવી દેવાનો છે તો આવનાર દરેક વ્યક્તિને હું પૂછું છું કે મૃત્યુ પછી બ્રાહ્મણ જમાડવા, ક્રિયા કરવી…. એ કરવાથી શું મૃતાત્માને શાંતિ મળે છે ? કદાચ મળતી પણ હશે તો કોણ જોવા ગયું છે ? પણ જીવતા મા-બાપની સેવા એ જ ઉત્તમ સરવણી છે. હેમાંગ મુંબઈની આટલી મોટી જગ્યાએ કામ કરે છે. એ ઈન્ટરનેશનલ કંપનીમાં વી.પી. છે. જવાબદારીથી ભરપૂર જિંદગી છે. એમાંય સમય કાઢીને એણે એની માની સેવા કરી છે. સેવા કરવા પગારદાર બાઈ પણ મળી શકત. પણ જાતે મા-બાપની સેવા કરવી એ જ મા-બાપને કરેલું તર્પણ છે. એ જ સાચી સરવણી છે. જય શ્રી કૃષ્ણ.’ આટલું બોલતાં હું મારી જગ્યાએ બેસી ગઈ. આવેલાં દરેક મહેમાન શાંત થઈ ગયા હતા. જીવતેજીવ મા-બાપને ત્રાસ આપીને ધૂમધામથી જમણવાર કરનાર મેં ઘણાં જોયેલા પણ હેમાંગે તો એક આદર્શ પૂરો પાડેલો. કારણ એ કહેતો હતો કે મમ્મી પાછળ સગાંવહાલાંને વાસણો વહેંચવા કે જમાડવાની જરૂર નથી. પણ આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં જરૂરિયાતવાળી ઘણી વ્યક્તિઓ છે. ઘણી સંસ્થાઓ છે ત્યાં હું દાન કરીશ. સગાંવહાલાંઓને મારા દિકરા-દીકરીના લગ્ન વખતે જમાડેલા જ છે. એમને ભેટ-સોગાદો પણ આપેલી છે. પણ હવે હું મમ્મી પાછળ દાન કરીશ. મને હેમાંગના વિચારો ગમતાં હતાં પણ આ સમાજ કે જેમાં મૃત્યુ પામેલાની પાછળ સરવણી કરી કે નહીં એવું પૂછનાર ક્યારે એવું પૂછશે કે મૃત્યુ પામેલા મા-બાપની દિકરાએ સેવા કરી કે નહીં ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational