Nayana Shah

Inspirational

4.5  

Nayana Shah

Inspirational

પ્રેમબેલ બોઈ

પ્રેમબેલ બોઈ

7 mins
89


‘પપ્પા ! હું પોયણીની ખબર જોવા જવાની છું. બનશે તો એને મારી સાથે જ લેતી આવીશ.’

‘કેમ ?’

‘તમેય શું પપ્પા ! તમે તો પોયણીની બિલકુલ ચિંતા જ કરતા નથી. એની તબિયત સારી નથી. મહિના સુધી આરામ કરવાનો છે. કોણ જાણે એની શું હાલત હશે ?’

‘ફુલવા ! તું પોયણીની ખબર જોવા જાય, એને આપણે ત્યાં લઈ આવે એ બધી તો સારી વાત છે, પરંતુ ત્યાં ગયા પછી તું તારા સ્વભાવ મુજબ વર્તન કરવાની હોય તો…’

‘પપ્પા ! તમેય કૃપેશકુમાર જેવા જ વિચારના છો ? શું સ્ત્રીના સ્વાતંત્ર્ય પર તરાપ મારવામાં જ તમે માનો છો ?’

‘ફુલવા ! આપણા વિચારોનો કયારેય મેળ ખાતો નથી અને જે વાત કરવાથી મનદુઃખ થવાની શકયતા ઊભી થતી હોય એ વાત જ કરવી નહીં તે વધુ સારું છે. હા, તો તું કયારે પોયણીને ત્યાં જાય છે ?’

‘કાલે સવારની ટ્રેનમાં.’ ‘સારું.’ ફુલવાને પપ્પા ખૂબ પ્રિય હતા. છતાં પણ પપ્પા સાથે અમુક વાતોમાં એ સહમત થઈ જ શકતી ન હતી. અને જયારે એ પપ્પાની વાતનો વિરોધ કરતી ત્યારે પપ્પાના મુખ પર જે વિષાદનાં વાદળો છવાઈ જતાં એ જોઈને એ દુઃખી જરૂર થઈ જતી, પણ સાથે સાથે પપ્પાના વિચારો સાથે સહમત પણ થતી નહીં. બાકી પોયણીના સ્થાને આજે એ જ હોત. કૃપેશ એ એનાં ફોઈનો દિયર હતો. એન્જિનિયર હતો. સારો પગાર હતો. તે ઉપરાંત ફોઈની ઈચ્છા પણ એવી જ હતી કે એમના દિયર સાથે એમની ભત્રીજીનું થાય. કૃપેશની નોકરી બહારગામ હતી. એકલા રહેવાનું હતું અને પપ્પાના કહેવા મુજબ કુટુંબ ખાનદાન હતું.

એક સાંજે ફુલવા ઑફિસથી ઘેર આવી ત્યારે તેના પપ્પાએ કહ્યું, ‘ફુલવા ! આજે કૃપેશ તને જોવા આવવાનો છે.’ ‘પપ્પા ! કૃપેશે મને અનેક વાર જોઈ છે. એ રીતે જોવા આવવાની પ્રથા મને પસંદ નથી.’ ફુલવાના સ્વભાવથી પરિચિત એના પપ્પા બોલી ઊઠયા : ‘ફુલવા ! તું એ લોકોને પસંદ છું પણ તારેય તારી પસંદગી હોય. તું એમની સાથે વાતચીત કર અને તને પસંદ પડે તો વાત આગળ ચાલે.’ આ વાકય સાંભળતાં ફુલવાનું અહમ સંતોષાયું હતું અને કૃપેશને જોવા તે તૈયાર થઈ હતી. કૃપેશે સૌ પ્રથમ કહેલું, ‘ફુલવા ! મને નોકરી કરતી પત્ની અનુકૂળ ના આવે. તમે નોકરી છોડવા તૈયાર થશો ?’ ‘હું મૂર્ખ નથી કે મહિને અઢી હજારની આવક જતી કરું.’

‘પણ મારે જરૂર છે એક આદર્શ પત્નીની. મારી નોકરીમાં શિફટ હોય છે. હું ઘેર આવું અને ઘેર પત્ની ના હોય તો ? આટલો વખત એકલા રહેવાથી જાતે જ રસોઈ કરું છું અને જમું છું. પણ લગ્ન પછી હું જાતે જ પીરસીને થોડું જમી લઉં ?’ ‘એમાં ખોટું શું છે ? તમે પુરુષો એવો વિચાર કરો છો કે નોકરી કરતી પત્ની પણ થાકીને આવે ત્યારે એક દિવસ પણ તમે પુરુષો રસોઈ તૈયાર રાખીને પત્નીને પીરસો છો ? એ જ કે તમે ના પીરસો, કારણ એમાં તમારા અહમ ને ઠેસ લાગે છે. બરાબર ને ?’

‘હું આવું બધું વિચારતો જ નથી. કારણ મારે નોકરી કરતી પત્ની જોઈતી જ નથી. મોંઘવારીમાં બે છેડા સાંધવા બંને જણે નોકરી કરવી જોઈએ, એ બાબતે હું સંમત નથી. કારણ જેટલી આવક થાય એના પ્રમાણમાં ખર્ચ વધવાના જ અને નોકરી કરતી પત્ની દામ્પત્યજીવનની નાની નાની કેટલીય ખુશીઓ ગુમાવતી હોય છે.’

‘અને નોકરી નહીં કરતી પત્નીઓ પૈસા માટે ટળવળતી હોય છે. મોજશોખનાં સાધનો ખરીદી શકતી નથી કે નથી….’

‘એ ખરીદી ખુરશીઓના ભોગે થાય છે.’

‘ના, એવું નથી. આ તો તમે પુરુષોએ પોતાની મહત્તા સાબિત કરવા માટે ઊભી કરેલી વાતો છે.’ ત્યાર બાદ ફુલવાએ એના પપ્પાને કહેલું, ‘પપ્પા ! મને કૃપેશ પસંદ નથી.’ ત્યારે પપ્પાએ કહેલું, ‘ફુલવા ! જિંદગીમાં પૈસા કરતાં પણ ખુશી અને ખાનદાની વધુ અગત્યની છે. તું વિચાર કર આટલું ખાનદાન ઘર…’

‘પપ્પા ! તમે કઈ રીતે કહો છો કે એ ઘર ખાનદાન છે ?’ ‘કારણ મારા પિતાએ એ ઘરની ખાનદાની જોઈ મારી બહેનને પરણાવેલી. એ ઘરમાં મારાં બહેન સુખી છે. તું પણ સુખી થઈશ. હું કોઈ પણ હિસાબે આ કુટુંબ અને આ છોકરો જતો કરવા નથી માંગતો. તને કૃપેશ પસંદ ના હોય તો પોયણી સાથે એના લગ્ન કરીશ.’ ‘પપ્પા ! એવું જ કરો. પોયણી માત્ર મારાથી એક વર્ષ નાની છે. મારી નાની બહેન સુખી થતી હોય તો મને વાંધો નથી, પણ આવા છોકરા જોડે…’

‘ફુલવા ! મારે તારો અભિપ્રાય સાંભળવો નથી. મને જે યોગ્ય લાગ્યું એ જ સાચું, સમજી ? મને સમજાવવાની કોશિશ ના કરીશ.’ ફુલવાના પપ્પા ક્રોધિત થઈ ફુલવાનું વાકય તોડી પાડતાં બોલી ઊઠયા હતા.

ત્યારબાદ પોયણી અને કૃપેશનાં લગ્ન થઈ ગયાં હતાં. પોયણીએ ઘણી વાર ફુલવાને પત્ર દ્વારા લખેલું, તું એક વાર મારે ત્યાં આવ. પણ દરેક વખતે ફુલવા પોતાની નોકરીનું બહાનું કાઢતી, કારણ ફુલવાને કૃપેશ પ્રત્યે એક જાતની નફરત હતી અને એનું ચાલત તો પોયણીનું પણ કૃપેશ સાથે લગ્ન થવા ના દેત. પણ પપ્પાના વિચારો પાસે એ મજબૂર હતી. ત્યારબાદ તો પોયણીએ પણ સમજીને ફુલવાને એને ત્યાં આવવાનું આમંત્રણ આપવાનું છોડી દીધું હતું. પરંતુ પોયણીએ છેલ્લા પત્રમાં લખેલું, ‘ફુલવા ! બસ હવે એક મહિના બાદ તું માસી બનવાની છું. પરંતુ મારી તબિયત બહુ જ ખરાબ રહે છે. એક મહિનો બિલકુલ પથારીમાં સૂઈ જ રહેવાનું છે. તું મને ખૂબ યાદ આવે છે.’

આટલું વાંચતાં ફુલવાનું મન પીગળી ગયું હતું. અને એણે તાત્કાલિક નિર્ણય લઈ લીધો હતો. એ પોયણી પાસે જશે. કોણ જાણે કૃપેશ જેવો છોકરો એને કઈ હાલતમાં રાખતો હશે ? પત્નીને ગુલામ બનાવીને રાખવામાં જ પુરુષો પોતાની જાતને ધન્ય માનતા હોય છે. સારું છે કે એણે લગ્ન કર્યાં નથી, નહીં તો એ આવી ગુલામી કયારેય સહન ના કરી શકે. બિચારી પોયણી પણ કઈ રીતે આવી તબિયતે બધું કરતી હશે ? આજે મારી મમ્મી હયાત હોત તો પોયણીને પિયર લઈ આવી હોત. પોયણીને માની યાદ આવતી હશે. સાસરીમાં એનું કોણ ?

ફુલવા આખી રાત પોયણીના વિચારો કરતી રહી. બીજે દિવસે સવારની ટ્રેનમાં એ પોયણીને ત્યાં પહોંચી. જોકે હજી પણ કૃપેશ તરફ એનું મન કડવાશથી ભરાયેલું હતું તેથી એ પ્રથમ વખત જ પોયણીને ત્યાં જતી હતી. એ પોયણીને ત્યાં પહોંચી ત્યારે બપોરે બાર વાગી ગયા હતા. ફુલવા મુસાફરીથી થાકી ગઈ હતી. એક તો શિયાળાની કડકડતી ઠંડી હતી અને સવારે વહેલી ઊઠી હતી એટલે પુષ્કળ થાક લાગ્યો હતો. પોયણી ફુલવાને જોતાં જ પલંગમાં બેઠી થઈ. ફુલવાને ભેટી પડી, બોલી : ‘આખરે તું આવી ખરી !’ ‘હા, પોયણી ! મને તારી પુષ્ક્ળ ચિંતા થઈ અને તારી પાસે દોડી આવી. પોયણી ! હું તને લેવા આવી છું. હું ઑફિસમાં રજાઓ લઈ લઈશ, મારી પાસે પુષ્કળ રજાઓ છે.’

‘મારી પાસે પુષ્ક્ળ રજાઓ છે.’ અવાજ સાંભળી ફુલવાએ પાછળ જોયું તો કૃપેશ ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈ આવ્યો હતો. મોં પર મધુર સ્મિત રેલાવતાં તે બોલ્યો, ‘મેં ગીઝર ચાલુ કર્યું છે. પાણી ગરમ થાય એટલે તમે સ્નાન કરી લો.’ ફુલવા પોયણીની સામે જોતી રહી. એના માન્યામાં આવતું ન હતું કે કૃપેશ આ બધું કામ કરે. ફુલવા સ્નાન કરીને બહાર આવી ત્યાં જ કૃપેશ બોલ્યો, ‘થાળી પીરસી છે. જમવા ચાલો.’

‘હા, તમે અમારે ત્યાં મહેમાન બની ને આવ્યા છો અને મહેમાનને અગવડ ના પડે એ જોવું અમારી ફરજ છે.’

ફુલવા કંઈ ના બોલી. ચૂપચાપ જમી લીધું. પરંતુ જમતી વખતે મનમાં વિચાર આવ્યો, રસોઈ કોણે બનાવી હશે ? રસોઈ ખરેખર સ્વાદિષ્ટ હતી. પરંતુ એણે કૃપેશને કંઈ જ ના પૂછયું. હજી પણ એના મનમાં કૃપેશ પ્રત્યે નફરત હતી. જમીને ફુલવા પોયણી પાસે આવીને બેઠી. બંને બહેનો વાતો કરવામાં મશગૂલ હતી ત્યાં જ કૃપેશ આવીને બોલ્યો, ‘પોયણી ! આ દવા અને ગાજરનો રસ લઈ લે.’ પોયણી કૃપેશ સામે જોઈ બોલી, ‘તમે શું કામ તકલીફ લીધી ? હવે ફુલવા આવી ગઈ છે. એ ગાજરનો રસ કાઢી આપત.’

‘હા, પણ એ થાકીને આવી હશે એટલે…’ ‘હું પોયણીને મારી સાથે લઈ જવા આવી છું.’

‘ફુલવા ! હું તારી સાથે કઈ રીતે આવું ? અહીં મારાં ટયૂશનો ચાલુ છે. હમણાં છોકરાંઓ ભણવા આવશે.’ ‘આ…હ, તો તેં ટયૂશન ચાલુ કર્યાં ?’ ‘હા, કારણ કે આખો દિવસ ઘરમાં સમય જતો ન હતો અને આટલા બધા ભણતરનો કંઈક ઉપયોગ થાય તો શું ખોટું ? ઘર પણ સચવાય અને સમય પણ સરસ રીતે પસાર થાય. ‘પોયણી ! તારે જવું હોય તો જા. હું તારાં ટ્યૂશનવાળાંને ભણાવીશ. તારું મન હોય એમ કર.’ કૃપેશ પ્રેમાળ સ્વરે બોલ્યો. ‘ના, મારે નથી જવું. તમને કેટલી બધી તકલીફ આપું છું. સવાર-સાંજની રસોઈ કરો છો, મારી દવાનું ધ્યાન રાખો છો અને એમાંય થર્ડ શિફટ કરો છો એટલે આખી રાતનો ઉજાગરો. પછી બપોરે સૂવાને બદલે તમે ટ્યુશન કરી તમારી તબિયત બગાડો.’

‘થોડા દિવસનો તો સવાલ છે.’ ‘ના, એના કરતાં ફુલવા જ થોડા દિવસ અહીં રહેશે. મને ગમશે અને થોડું સારું લાગશે.’

‘તારી ઈચ્છા હોય એમ કર. મને કંઈ વાંધો નથી.’ અને કૃપેશ પોતાની રૂમમાં સૂવા જતો રહ્યો. ફુલવા પોયણી સામે જોઈ રહી. એ માની શકતી ન હતી કે કૃપેશ આટલું બધું કામ કરતો હશે. પોયણી ફુલવાના મનોભાવ સમજી ગઈ હોય એમ બોલી, ‘ફુલવા ! હું તારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. તેં ના પાડી તેથી જ મને આવો પ્રેમાળ પતિ મળ્યો’ 

‘પોયણી ! એ દરરોજ આટલું કામ કરે જ છે કે, આજે માત્ર મને બતાવવા જ…’ ‘ફુલવા ! તું જોઈ તો રહી છું, મને પથારીમાંથી ઊઠવા પણ નથી દેતા.’

‘પણ મારી સાથે તો એવી વાત કરી હતી…’ ‘મને ખબર છે ફુલવા તારો સ્વભાવ. તું માત્ર સ્વાતંત્ર્યની વાતો કરે છે, પણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા યોગ્યતા કેળવવી પડે. એ યોગ્યતા પ્રેમથી પ્રાપ્ત થાય. તેં કહ્યું હતું તેમ પતિ જરૂર વખતે રસોઈ કરીને જમાડે પણ એ લાયકાત પ્રેમથી કેળવવી પડે. ઝઘડો કરીને કે હક્ક માંગવાથી ના મળે.’ ‘પોયણી ! તારી વાત સાંભળીને મને ધીરે ધીરે થોડું ઘણું સમજાય છે. ભૂલ મારી જ હતી. મારે હક્ક જોઈતા હતા, પ્રેમ આપ્યા વગર. પ્રેમ આપવાથી જ બધું મળે.’ તે વખતે જ રૂમમાં છ-સાત છોકરાંઓ ટ્યૂશન માટે આવ્યાં. પોયણી ફુલવા સામું જોઈ બોલી : ‘ફુલવા ! તું થાકી ગઈ હોઈશ. થોડી વાર આરામ કર. અને ના ગમે તો ટેપ વગાડજે.’ ફુલવા બાજુની રૂમમાં ગઈ અને ટેપની સ્વિચ ચાલુ કરી ત્યારે મીરાંબાઈનું મધુર કંઠે ગવાયેલું ભજન આવતું હતું : ‘મૈને પ્રેમબેલ બોઈ……’ 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational