Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Nayana Shah

Inspirational


4.5  

Nayana Shah

Inspirational


પાણી વગર ભીના

પાણી વગર ભીના

7 mins 41 7 mins 41

હર્ષદ અને બાલુ સગાભાઈઓ છતાંય અંતરંગ મિત્ર. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં. બંનેની ઉંમર પણ માંડ દોઢ વર્ષનું અંતર.... તેથી તો બંનેને જોડે જ સ્કૂલે બેસાડ્યા હતા જેથી જોડે સ્કૂલે જાય અને જોડે સ્કૂલેથી પાછાં આવે. બંને વચ્ચે મનમેળ તો ખાસ્સો હતો જ પરંતુ બંને વચ્ચે એક વાતનું અંતર હતું અને તે, હોંશિયારીનું. બાલુ ભણવામાં કાયમ પ્રથમ આવે અને હર્ષદ માંડ માંડ પાસ થાય. હર્ષદે પોતાની હોશિયારી પહેલેથી સમજી લીધી હતી. તેથી જ એસ.એસ.સી.માં ૪૦ ટકાએ પાસ થઈ આગળ ભણવાનું છોડી દીધું અને એક ખાનગી કંપનીમાં નોકરી સ્વીકારી લીધી. જ્યારે બાલુએ તો આગળ ભણવાનું ચાલુ રાખ્યું હતું. તેથી જ બાલુને સરકારી ખાતામાં ખૂબ ઊંચા પગારની નોકરી મળી ગઈ હતી.

માબાપે બંનેના લગ્ન પણ એક જ માંડવે કરવાનું નક્કી કર્યું ત્યારે બાલુએ કહી દીધું કે મારી સાથે જ નોકરી કરતી પ્રેમીલા મને પસંદ છે. આપણી જ્ઞાતિની જ છે. મારા જેટલો જ પગાર છે. દેખાવડી પણ છે....આથી વધારે તમારે શું જોઈએ ? મા-બાપ સંમત થયાં હતાં પણ હજી હર્ષદની જવાબદારી બાકી હતી. હર્ષદ ખાસ ભણ્યો ન હતો. પગાર પણ ઓછો હતો. જો કે સંયુક્ત કુટુંબમાં પગાર વત્તેાઓછો હોય એની ચિંતા રહેતી નથી.

પરંતુ એમના મનમાં બીક હતી કે વધુ પૈસા વાળા ઘરની દીકરી આવશે તો ઓછા પગારવાળા હર્ષદ પાસે વધુમાં વધુ માંગણી કરશે અને એની માગણી નહીં સંતોષાય તો ઘરમાં ઝઘડાનું ઘર થશે. તેથી જ્ઞાતિમાં ઓછી ભણેલી, શાંત અને સંસ્કારી શાંતિ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. છતાં પણ સમજુ માબાપે શરત કરી હતી કે, " ઘરમાં બાળકોના જન્મ બાદ પ્રેમીલાએ નોકરી છોડી દેવી પડશે. અત્યારે પણ નોકરી છોડી દેશે તો અમને વાંધો નથી, " પરંતુ બાલુએ કહ્યું," સારું, બાળકો થયા બાદ પ્રેમીલા નોકરી છોડી દેશે.

દસ વર્ષના સમય દરમ્યાન શાંતિને બે છોકરા અને બે છોકરીઓ થયાં. જો કે પ્રેમીલા જ બધો સમય એની સંભાળ લેતી કે છોકરાઓએ શું કરવું જોઈએ, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ. લગ્નના એક વર્ષ બાદ જ પ્રેમીલાનાં સાસુ પથારીવશ થઈ જતાં પ્રેમીલાએ નોકરી છોડી દીધી હતી. હર્ષદને ભણેલીગણેલી પ્રેમીલા માટે ખૂબ માન હતું.જ્યારે એમના પપ્પાનું અવસાન થયું ત્યારે હર્ષદે સામેથી કહ્યું હતું કે હવેથી ઘરનો બધો કારોભાર પ્રેમીલા જ સંભાળશે. 

પ્રેમીલાને ભાગે રસોઈ આવતી. બાકીના કામ માટે બાઈ હોવા છતાંય ઘરનું બાકીનું નાનું-મોટું કામ સાસુને નવડાવવાં, ધોવડાવવાં, એમના બાથરૂમ સંડાસ સાફ કરવાં, છોકરાંઓને નવડાવવા વગેરે કામ શાંતિના માથે રહેતું. ઘરમાં બધું વર્ચસ્વ પ્રેમીલાનું જ રહેતું. ક્યારેય કોઈ શાંતિની પસંદગી પૂછતું નહીં. છોકરાઓને કંઈક જોઈતું હોય તો કાકી પાસે જ માગવાનું એવું સમજાવી દીધેલું.

દસ વર્ષ બાદ પ્રેમીલાને ત્યાં પણ એક દિકરો અને ત્યારબાદ બે વર્ષ પછી એક દીકરીનો જન્મ થયો. હર્ષદનાં બાળકોને તો જાણે રમકડું મળી ગયું હતું. શાંતિ ચૂપચાપ સાસુની સેવા કર્યા કરતી. પ્રેમીલાના બાળકોના લંગોટ પણ બદલતી. બધું ચૂપચાપ કરે જતી હતી. શાંતિ જાણતી હતી કે પ્રેમીલા પોતા કરતાં વધારે દેખાવડી છે, વધારે ભણેલી છે, બોલવામાં હોશિયાર છે, ઘરની દરેક વ્યક્તિના માેંએ પ્રેમીલાકાકી જેવા જ શબ્દો હોય છે. ઘરમાં પોતાની સ્થિતિ એક કામવાળી જેવી છે. જેની ઈચ્છા એનો માલિક ક્યારેક પૂછતો નથી. અરે ! પોતાના દિકરા -દીકરીઓ પણ કાકીની સલાહ મુજબ ચાલે છે. જાણે કે આ ઘરમાં મારું પોતાનું કોઈ જ નથી. પતિ પણ જમતી વખતે અનેક વાર પ્રેમીલાની રસોઈના વખાણ કરે જતો હોય, પતિની ખુશી જોઈ એ ચૂપ થઈ જતી. એને એક વાતનો સંતોષ હતો કે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કર્યા વગર ચૂપચાપ જીવવાથી જિંદગી શાંતિથી જો પસાર થતી હોય તો શા માટે ઈચ્છાઓ વ્યક્ત કરવી ? દિકરા અને દીકરીઓએ નાસ્તામાં મેગી લઈ જવાં કે બિસ્કીટ લઈ જવા એ નક્કી પ્રેમીલા કરતી. ઘણીવાર શાંતિના મનમાં થતું કે પોતે કહે, મેગી કે બિસ્કિટ જેવી બહારની વસ્તુઓ નાસ્તામાં આપવી એના કરતાં ઘીનું મુઠી પડતું મોણ નાખી ભાખરી આપવી વધુ સારી.

પણ જાણે એ ઘરમાં પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરવા પર પ્રતિબંધ મુકાઈ ગયો હતો. ભલે પોતે પ્રેમીલા જેટલું ભણી નથી, પણ જિંદગીનો નિચોડ શાંતિ છે એ સમજી ચૂકી હતી. લડાઈ-ઝઘડાથી કોઈ ખુશ નથી અને પ્રેમીલા એનાં પોતાનાં છોકરાઓની જેમ એનાં છોકરાઓ જોડે વ્યવહાર કરે છે. પણ પોતાના દિકરાને પાસે બેસાડી એની સાથે બે ઘડી વાતો કરવાનો લહાવો એને નથી મળતો. બાળકો ચોપડી, નોટબુકોને પૂંઠા ચડાવવાનું પણ પ્રેમીલાને જ કહે છે. અને શાંતિ પણ ઘરનાં નાનાંમોટાં કામ કર્યા કરતી છતાં એનેને ક્યારેક પ્રેમિલા જેટલું માન સન્માન ના મળ્યું. 

શાંતિની બે દીકરીઓના લગ્ન વખતે પણ બધો વહીવટ પ્રેમિલાનો જ હતો. શાંતિના પિયરીયાંઓ ઘણી વાર કહેતા, " બેન ! તું કઈ માટીની બની છું? દીકરીના દાગીનાની ડિઝાઈન, સાડીઓ તથા ડ્રેસ ની ખરીદી પ્રેમીલાની પસંદગી મુજબ જ થતું. અરે , આપવા- લેવાના રીતરિવાજની વાતો શાંતિ નહીં, પણ પ્રેમીલા જ કરતી.

ત્યારબાદ તો દીકરીઓ સાસરેથી આવતી ત્યારે સૌ પ્રથમ, " કાકી..." કહીને જ બુમ પાડતી .સાસરેથી આવેલી દીકરીને બાઝીને વહાલ કરવાનું શાંતિને ખૂબ જ મન થતું ; પણ દીકરીઓ પણ આવીને પપ્પા તથા કાકા અને કાકી ને શોધતી...જાણે કે શાંતિનું અસ્તિત્વ જ નથી ! શાંતિને મનમાં ઘણું જ દુઃખ થતું. જો કે બે દીકરીઓના લગ્ન એક જ માંડવે થયાં ત્યારે એક દીકરીને પોતે કન્યાદાન આપ્યું હતું. ત્યારે એનું પોતાનું કંઈક અસ્તિત્વ છે એવો એને અહેસાસ થયો હતો.

પરંતુ જ્યારે શાંતિના મોટા પુત્ર રુદ્નનાં લગ્ન શ્યામલી સાથે થયાં ત્યારે સમજુ શ્યામલી આખી પરિસ્થિતિ સમજી ચૂકી હતી. કદાચ એક સ્ત્રી બીજી સ્ત્રીને ખૂબ સારી રીતે સમજી શકે છે. ભલે એ સંબંધ સાસુ -વહુનાે હોય, છતાં પણ લાંબે ગાળે એ સંબંધ મા-દીકરીનો બની જતો હોય છે. શ્યામલીને કાકી માટે માન હતું, મનમાં દ્વેષ તો હતો જ નહીં, પરંતુ સસરા જે રીતે કાકી ને માન અને મહત્વ આપતા એને શ્યામલીને પસંદ ન હતું. એકવાર તો શ્યામલીએ રુદ્રને પૂછી પણ લીધું ," રુદ્ર! તમે મમ્મી સાથે ક્યારેય શાંતિથી બેસો છાે ખરા? તમારો પહેલો પગાર થયો તો તમે મમ્મી માટે શું લાવ્યા? કાકીએ તમને કહ્યું કે ઘરના રિવાજ પ્રમાણે 10% દાનમાં કાઢી નાંખ, એટલે તમે કાઢી નાખ્યા પરંતુ દેવી જેવી તમારી મમ્મી માટે તમે શું કર્યું? અરે રસોઈ કરવી એ તો એકદમ સહેલી વાત છે પરંતુ રસોડું ધાેવું , સાસુની ચાકરી કરવી, પોતાની ઈચ્છા વ્યક્ત કર્યા વગર કાકી જે લાવે તે સાડી પહેરી લેવી એવું બલિદાન મમ્મી એ શા માટે આપવુ જોઈએ? તમે મમ્મી ને માન -સન્માન કેમ નથી આપતાં? 

રુદ્ર થોડો અકળાઈને બોલ્યો ," જો શ્યામલી ? આવું બધું વિચારવાનાે મને સમય નથી. તને જે યોગ્ય લાગે તે કરજે. મને સંસારની વાતોમાં લપેટીશ નહીં. " શામલીએ તો જાણે ઘર ની કાયાપલટ કરવાનું બીડું ઝડપ્યું હોય એમ આવતાંની સાથે જ કહ્યું ," હવેથી, હું રસોઈ કરીશ. કાકી ,તમે તો બહુ વરસ બધાનું કર્યું, હવેથી તમે આરામ કરો."આડકતરી રીતે શ્યામલીએ કાકીને રસોડામાંથી તડીપાર કરી દીધાં હતાં. શ્યામલીની રસોઈ તો સારી બનતી પણ એ ક્યારેક વિચારતી કે શું મમ્મીને ક્યારેય ઈચ્છા નહીં થતી હોય કે હું મારા હાથે રસોઈ કરી પતિને જમાડું ! 

રામાયણમાં લક્ષ્મણની પત્ની પતિના વનવાસ દરમિયાન પતિને યાદ કરે છે અને શ્રી મૈથિલીશરણ ગુપ્તે" સાકેત"માં એનું વર્ણન કરતાં કહ્યું છે કે ઉર્મિલા કહે છે હું રસોઈ બનાવી બધાંને જમાડુ છું. એ કામથી મને તૃપ્તિ મળે છે, છતાંય થાય છે કે, આ કાચી-પાકી રસોઈ પતિને જમાડી શકતી નથી. ઉર્મિલા સહનશીલતાની મૂર્તિ છે , ત્યાગ એના રાેમે રાેમમાં છે. પતિ દૂર છે છતાંય સતત પતિનું રટણ કરે છે, જ્યારે મમ્મી સમક્ષ એમના પતિ હોવા છતાંય જાણે વૈરાગી બની ગઈ છે. મમ્મી તો સાક્ષાત્ કરુણામૂર્તિ છે. અરે ,એમનું હૃદય એટલું વિશાળ છે ? 

એકવાર શ્યામલી એ કહ્યું, " મમ્મી ! અમે મામાને ત્યાં ગયેલા ત્યારે મામા કહેતા હતા કે, તમારા જેવા મેથીના ગોટા કોઈ ના બનાવે. મમ્મી ! આજે તમે રસોઈ કરો ."શાંતિ પુત્રવધૂ સામે જોઈ રહી. પહેલી વાર કોઈ સ્નેહભર શબ્દોથી પોતાની સાથે વાત કરી રહ્યું હતું. જો કે કોઈ તોછડાઈથી પણ વાત કરતું નહાેતું, છતાંય શબ્દાેમાં અંતરનો ઉમળકો નહોતો. સ્નેહ ન હતો. જ્યારે શ્યામલીના શબ્દે શબ્દમાં સ્નેહ હતો .એ દિવસે જ્યારે શાંતિએ ગોટા બનાવ્યા ત્યારે બધા એવું જ સમજયા હતા કે બજારમાંથી ગોટા લાવીને પિરસ્યા છે .જયારે શયામલીએ," સાસુના હાથનો જાદુ છે", એવું કહ્યું ત્યારે મનોમન બધાને થયું કે આટલા વર્ષો અમે આ વાનગીથી વંચિત રહ્યાં ! 

ત્યારબાદ તો શાંતિ અવનવી વાનગીઓ, ગામઠી ખાસ કરીને બનાવતી. બધા વખાણ કરીને ખાતાં. શામલીએ બંને નણંદોને બોલાવી રીંગણાનો ઓળો, બાજરીની ખીચડી, રોટલો બનાવડાવ્યો. બધા દંગ થઈ ગયા કે મમ્મી આટલી સારી રસોઈ બનાવી શકે છે ! ત્યારબાદ તો શયામલી રુદ્રના પગારમાંથી થોડા રૂપિયા લઈ સાસુને પોતાની સાથે બજારમાં લઈ અને તેમની પસંદની સાડી લેવાનું કહ્યું. આ પહેલાં શાંતિને કોઈએ ક્યારેય તેની પસંદ પૂછી ન હોતી. શાંતિની આંખમાં આંસુ આવી ગયા. સાડી પસંદ કર્યા બાદ શયામલીએ કહ્યું ," મમ્મી ! આપણે કાકી માટે પણ સાડી લઈશું ?"પ્રેમીલાને સાડી ગમી તો ખરી, પણ શામલી એની સાસુ ને જોડે લઈ ગઈ એ વાત એને ગમી ન હતી. બીજા મહિને શ્યામલીએ સસરા તથા પતિ બંને પાસેથી પૈસા લઈ બે સાડીઓ ખરીદી અને સાસુને સાથે લઈ બંને નણંદને ત્યાં સાસુના હાથે સાડી અપાવી. ધીરે ધીરે શ્યામલીએ બધાનાં મનમાં સાસુનું પણ અસ્તિત્વ છે એ વાત ઠસાવવા માંડી હતી. કાકી સારા હતા પરંતુ સાસુ ખરાબ નથી, એમનું પોતાનું એક આગવું અસ્તિત્વ છે. કાકી દેખાવડા છે પરંતુ સંસ્કારમાં તો કાકી કરતાંય ચાર ચાંદ ચડે એવા એના સાસુ છે. કાકી સંસ્કારી છે પરંતુ સહનશીલતામાં સાસુ ની તોલે કોઈ ના આવે એની પ્રતીતિ બધાંને કરાવવા લાગી. ધીરે ધીરે દિકરાઓ પણ મા સાથે વાતો કરતા થઈ ગયા. કાકીનાં માન પાન ઓછાં થયાં ન હતા. પરંતુ શાંતિના માનપાન વધી ગયાં હતાં. હવે દીકરીઓ સાસરેથી આવી મા પાસે બેસતી, ઘડીક વાતો કરતી. દિકરાઓ પણ મા સાથે હસીને વાત કરતાં છતાંય પ્રેમીલાથી એ ખમાતું ન હતું. જે દિકરા-દિકરીઓ આવીને પહેલા, "કાકી " કરીને બૂમ પાડતા એ હવે "મમ્મી "કહીને બૂમ પાડે એ વાત પ્રેમિલા માટે અસહ્ય હતી.

એકવાર એણે પતિને કહ્યું ,"જોયું, જેનાં તે તેનાં આખરે છોકરા-છોકરીઓ માનાં થઈ ગયાં. શાંતિએ શું લાગણી આપી છે ? મેં છોકરાંઓને પ્રેમ આપ્યો છે છતાંય છોકરાંઓ એની લાગણીમાં ભીંજાય છે. જાણે કે લાગણી ન હોય છતાંય લાગણી છે. પાણી વિના ભીનાં ભીનાં થઈ ગયા. 


Rate this content
Log in

More gujarati story from Nayana Shah

Similar gujarati story from Inspirational