Nayana Shah

Inspirational

4.5  

Nayana Shah

Inspirational

નથી રે કોઈ ઉપકાર

નથી રે કોઈ ઉપકાર

9 mins
74


આકૃતિ દ્વિધામાં હતી. હવે શું કરીશ ? ફોન પાસે પહોંચી, પણ ફોન ઉઠાવવાની હિંમત ન ચાલી. પોતે શું કહેશે ? અને કહ્યા પછી પણ જવાબ તો નિશ્ચિત જ હતો. ગયા મહિને પણ આમ જ થયું હતું. ખરેખર તો આકૃતિ એની નાની બહેન વિભૂતિના વર્તનથી ત્રાસી ગઈ હતી. એના પતિ પણ એને ગુસ્સામાં કેટકેટલું સંભળાવતા હતા ! પોતે સાઠ વર્ષની ઉંમરે પણ આટલી બધી મજબૂરી હતી. પતિ જો સમજદાર હોત તો ? પણ આમાં એ પતિનો પણ કેટલો દોષ કાઢી શકે ? પતિના પણ અરમાન હતાં. આખી જિંદગી એને કેટલો ઢસરડો કર્યો હતો. અને હવે તો જિંદગી ભોગવવાના દિવસો આવ્યા ત્યારે....

છતાં મન મક્કમ કરી એને નાની બહેન વિભૂતિને અમદાવાદ ફોન જોડ્યો. ફરી પાછી એ જ વાત. વિભૂતિએ આ વખતે તોછડાઇથી તો વાત ના કરી પણ એટલું જ કહ્યું," આકૃતિ ! આ વિષે તું તારા બનેવી જોડે જ વાત કરને ! "આકૃતિ સમજી ગઈ હતી કે વિભૂતિને ના કહેતાં શરમ નડતી લાગે છે પણ બનેવી એ તો પારકો માણસ છે. એને વળી શરમ શી ? ત્યાં જ બનેવી નો અવાજ આવ્યો, " આકૃતિ, આપણા આ વિષે અગાઉ વાત થઈ ગઈ છે. અમને તો બાને રાખવાનું ફાવે એમ જ નથી. તું તારી મેળે એની વ્યવસ્થા કરી જજે. " અને બીજી કોઈપણ આડી- અવળી વાત કર્યા વગર ફોન કટ કરી દીધો. એ તો સારું હતું કે આ વાત પતિની ગેરહાજરીમાં થઈ હતી. બાકી પતિ ફરીથી એ જ રામાયણ ચાલુ કરી દેત. 

આકૃતિ અને વિભૂતિ બન્ને સગી બહેનો હતી. એક ભાઈ પણ હતો, જે મંદબુદ્ધિનો હતો. માતાનો ત્રણેય બાળકો પ્રત્યે સરખો પ્રેમ હતો. માતા પણ સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી. પિતા સરકારી ખાતામાં ઉચ્ચ પદ પર હતા. સમાજમાં ખૂબ માનપાન હતાં. પરિણામ સ્વરૂપ આકૃતિ અને વિભૂતિને ખુબ અમીર ઘરમાંથી માંગા આવતા અને બંને દીકરીઓ ખૂબ અમીર ઘરમાં જ પરણી હતી. 

આકૃતિની ઈચ્છા હતી કે પોતે નોકરી કરે. એને મમ્મીને નોકરી કરતાં અને ઘર સંભાળતા જોઈ હતી. તેથી એ પણ એવું જ વિચારતી હતી. પોતાના આવા વિચારો પતિ સમક્ષ રજૂ કર્યા ત્યારે એના પતિએ કહેલું કે તારી ઈચ્છા નોકરી કરવાની હોય તો જરૂરથી કર. ના કરવી હોય તો ના કરીશ. મારે કંઈ પૈસાની જરૂર નથી. પણ આકૃતિ કહેતી, " મારું ભણતર શું કામ આવશે ? આટલું બધું ભણી છું તાે નાેકરી તાે કરીશ જ. અને બીજું, તમારા ચાર ભાઈઓ અને એક બહેન છે. ઘરમાં કામ તો ક્યાંય વહેંચાઈ જશે અને આપણા ઘરમાં નોકર, રસોઈયા બધા જ છે. પછી આપણે આખો દિવસ કામ પણ શું છે ? આકૃતિની નોકરી સ્કૂલમાં હતી. સ્કૂલમાં દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન અને બીજી રજાઓ મળ્યા જ કરતી. સમય સરસ રીતે પસાર થતો હતો. એ દરમિયાન આકૃતિના પિતા અને તેના મંદબુદ્ધિના ભાઈનું અવસાન થઈ ચૂક્યું હતું. આકૃતિએ એની મમ્મીને કહેલું કે, " થોડા દિવસ મારે ત્યાં રહેવા આવ." પણ આકૃતિને મમ્મી કહેતી, " જ્યાં સુધી મારી જાતે મારું કામ કરી શકું છું ત્યાં સુધી હું ક્યારેય કોઈને ત્યાં રહેવા જવાની નથી અને બીજી વાત, જ્યારે મારાથી કંઈ પણ નહીં થાય તે દિવસે હું તમારે ત્યાં જ આવવાની છું ને ? " આકૃતિને માત્ર એક જ દીકરી હતી. બધા ભાઈઓ તથા એકમાત્ર નણંદ ઝરણાં પણ પરણી ગયાં હતાં. બધાં સુખી હતાં કયાંય દુઃખની એકમાત્ર લકીર પણ જોવા મળે એમ ન હતી. 

દિવસો પસાર થતા ગયા અને આકૃતિના સાસુની તબિયત લથડી ગઈ. આકૃતિના પતિ એની મમ્મીને પોતાને ઘેર લઈ આવ્યા ત્યારે આકૃતિને કહેલું, " આકૃતિ ! મને તારા પર મારી જાત કરતાં પણ વધુ વિશ્વાસ છે. મને ખાતરી છે કે તું મારી મમ્મીને મારા કરતા પણ વધુ સારી રીતે રાખીશ. આકૃતિ ! હું નથી ઈચ્છતો કે મારી માનું ઘડપણ બગડે." અને બીજે જ દિવસે આકૃતિએ નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. આકૃતિ જે રીતે એના સાસુ ની સેવા કરતી એ જોઈને દરેક જણ કહેતું, " વહુ હોય તાે આકૃતિ જેવી. " ઝરણા ઘણી વાર આવતી, ક્યારેક આકૃતિની ગેરહાજરીમાં એની મમ્મીને પૂછી લેતી, " મમ્મી ! તને ભાભી સારી રીતે રાખે છે ? જો સારી રીતે રાખતા ના હોય તો તું મારે ઘેર ચાલ. " ત્યારે આકૃતિનાં સાસું કહેતાં, " ઝરણાં! તારે બીજા ચાર ભાઈઓ છે, છતાં પણ હું આકૃતિ પાસે જ રહીશ. કારણ, તું કે તારી બાકીની ચાર ભાભીઓ પણ મને આકૃતિ જેટલી સારી રીતે નહીં રાખો. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે દરેકને આકૃતિ જેવી જ વહુ મળવી જોઈએ. "આ સાંભળી ઝરણાના મોં પર સંતોષ છવાઈ જતો.

આકૃતિની પુત્રીના લગ્ન પણ એન.આર.આઈ યુવક સાથે થઈ ગયાં અને એ ભારત છોડી જતી રહી. પુત્રી ઘણીવાર એની મમ્મી ને કહેતી, "હવે મારે બાળક આવવાનું છે એ વખતે મારે સૌથી વધુ જરૂર માની હોય. તું અહીં આવ ;હું તારી ટિકિટ મોકલાવું છું. પણ આકૃતિનો જવાબ હતો કે, " બેટા તું તારી સાસુમાં માનું સ્વરૂપ જોઈશ તો મારી ખોટ ક્યારેય નહીં સાલે. બાકી અત્યારે તારાં દાદીને ઘડપણમાં સૌથી વધુ જરૂર મારી છે. હા, તું તારા બાળકને લઈને અહીં આવજે. તારા બાળકનું મોં જોઈ દાદી ઘણી ખુશ થશે. " ત્યારબાદ આકૃતિની પુત્રી આવતી -જતી રહેતી પણ મા-બાપ ને બોલાવવાનો ક્યારેય આગ્રહ રાખતી નહીં. જ્યારે આકૃતિના સાસુનું અવસાન થયું કે તરત તેની પુત્રીએ કહ્યું, " મમ્મી ! તું હવે અમેરિકા આવ. એકવાર તું આ દેશમાં આવ. અહીંની જીવનશૈલી જો. હવે તો તારે કે પપ્પાએ ત્યાં રહેવાનો કોઈ કારણ જ નથી. "થોડા દિવસ આકૃતિને એના પતિએ અમેરિકા દીકરીને ત્યાં રહેવા જવાનું અને એનું ઘર જાેવા જોવાનું નક્કી કર્યું. આમ પણ સાસુના અવસાન બાદ ઘર સાવ સૂનું થઈ ગયું હતું. છ મહિના બાદ આકૃતિ ને એના પતિ અમેરિકાથી પાછા ફર્યા ત્યારે ખબર પડી કે આકૃતિનાં મમ્મીને લકવા થઈ ગયો છે, બિલકુલ પથારીવશ છે. 

આકૃતિ માને જાેવા વિભૂતિને ત્યાં અમદાવાદ દાેડી ગઈ. વિભૂતિ પોતાની બહેનને જોતાં જ ભેટી પડી અને બોલી, " આકૃતિ ! સારું થયું કે તું આવી ગઈ. મારાથી આ વેઠ નહીં થાય. " આકૃતિ સ્તબ્ધ બની ગઈ અને બોલી, " વિભૂતિ ! આપણે સંસ્કારી મા બાપની દીકરીઓ છે. અરે, આવા શબ્દ તારા મોઢામાંથી નીકળી જ કઈ રીતે શકે ? 

સાહિત્યજગતમાં મમ્મીનું નામ છે. તે ઉપરાંત શ્રેષ્ઠ શિક્ષકનાે સરકાર તરફથી એવોર્ડ મળ્યો છે. આપણી મમ્મી હજારો બાળકોને સંસ્કારનું સિંચન કરે અને આપણે...! "આકૃતિ આગળ બોલી ના શકી. પરંતુ વિભૂતિ તો બોલી, " આકૃતિ! તું કાર લઈને આવી એ સારું કર્યું. મમ્મી પાછળની સીટ પર સૂઈ રહેશે. હું તારી જ રાહ જોતી હતી કે તું ક્યારે અમેરિકાથી આવે અને આમને લઈ જાય. "આકૃતિ ચૂપચાપ બોલ્યા વગર એની માતાને લઈને વડોદરા આવી ગઈ. પરંતુ આકૃતિના પતિને આ ગમ્યું ન હતું. અને આકૃતિની મમ્મી જમાઈના મોં પરના ભાવ સ્પષ્ટ વાંચી શકતી હતી. પણ પોતે મજબૂર હતી. એટલે એને કહ્યું, " બેટા, હું તારે ત્યાં રહેવા આવું છું પણ મારા દર મહિનાના પેન્શનના પૈસા તું લઇ લેજે. મારા ખાધાખાેરાકી અને રહેવાના ખર્ચ પેટે. જો વિભૂતિને પણ પૈસા આપ્યા છે. 

"આકૃતિને થતું કે એનો પતિ કહેશે તમે પણ મારા મમ્મી છે. પૈસા શેના આપવાના ? પણ એના બદલે એના પતિએ માત્ર એટલું જ કહ્યું, " તારા મમ્મીને દર મહિને કેટલું પેન્શન આવે છે ? એમાં તારા મમ્મીનાં દૂધ અને દવાના પૈસા નીકળતાં વધશે તાે ખરું ને ? "આકૃતિને પતિના પ્રશ્નથી આઘાત લાગ્યો. અરે મૃત્યુ બાદ મમ્મી મિલકત આપવાની જ હતી ને ? અને જ્યારે એણે સાસુની આટલાં વર્ષો મન દઇને સેવા કરી ત્યારે તો પતિએ દૂધ કે દવાના પૈસાનો હિસાબ ગણ્યો ન હતો. અરે, બધા ભાઇઓએ મિલકતના ભાગ પાડતી વખતે કહેલું કે મોટાભાઈ અને ભાભીએ મમ્મીની પુષ્કળ સેવા કરી છે એમને થોડો ભાગ વધારે આપો. ત્યારે એના પતિએ કહ્યું, "મા-બાપની સેવા કરવી એ સંતાનોની ફરજ છે. " આકૃતિને થયું કે એ પતિને એના શબ્દો યાદ અપાવે, " મા-બાપની સેવા કરવી એ સંતાનની ફરજ છે. "પરંતુ આટલા વર્ષોના સુખી દાંપત્ય પછી ઝઘડો કરવાનો અર્થ ન હતો. એ મનમાં વિચારતી હતી, કે પતિ સાથે આટલા વર્ષો ગાળ્યા તો પણ પતિનો અસલ સ્વભાવ સમજી ના શકી. આજે આ એ જ પતિ છે.... જે કહેતો હતો મને મારી જાત કરતા પણ તારા પર વધુ વિશ્વાસ છે. પતિને એની સાસુના પેન્શનમાં રસ હતો. પરંતુ સાસુની સતત ચાકરી કરતી પત્ની ગમતી ન હતી. તેથી ઘણીવાર પતિ દાઢમાં બોલતો " પાછલી ઉંમરમાં લોકો દેવદર્શન યાત્રા કરે. પરંતુ અમારા નસીબમાં એવું સુખ જ ક્યાં છે ? અમારા નસીબમાં માત્ર 'ઢસરડા ' જ કરવાના છે. 

એકવાર તો પંદર દિવસ યાત્રાએ જવું છે, કહીને એકલો ફરી આવેલો. ક્યારેક કહેતા, "કેમ, તારે એકલીએ જ બધું કરવાનું છે ? થોડા દિવસ તારી બેનને ત્યાં નાંખી આવને. "આકૃતિને થતું કે આ તે કંઈ ઘરનો કચરો છે કે જાણે ઉકરડે નાંખી આવું ! પાછલી ઉંમરમાં આકૃતિને લાગવા માંડ્યું કે પોતે જીવનસાથીની બાબતમાં કમનસીબ છે. એવામાં જ અમેરિકાથી ફોન આવ્યો કે આકૃતિના જમાઈ -દીકરીને અકસ્માત થયો છે અને બંનેની હાલત ગંભીર છે. આકૃતિના પતિએ બેગ તૈયાર કરતાં કહ્યું, " તારે આખી જિંદગી અહીં રહેવું હોય તો રહેજે. હું તો આવતા અઠવાડિયાની ટિકિટ મળે કે તરત અમેરિકા જતો રહીશ. તારે શું કરવું છે એ વિચારીને કહેજે." વિભૂતિએ મોટીબેનની વાત શાંતિથી સાંભળી તો ખરી. પણ તેના પતિએ તો ના જ કહી દીધી. જિંદગીમાં પહેલી વાર આકૃતિ આક્રંદ કરી ઊઠી. એ જ સમયે અકસ્માતના સમાચાર જાણી એની નણંદ ઝરણાં મળવા આવી હતી. એને લાગ્યું કે દીકરી જમાઈના અકસ્માત ના સમાચાર જાણી ભાભી રડે છે અને રડવું બિલકુલ સ્વાભાવિક હતું. ઝરણા બોલી ઊઠી, " ભાભી! તમે દીકરી પાસે જઈ આવો. માંનુ મોં જોતા જ દીકરી નું દર્દ ભાગી જાય, " આકૃતિ ચોધાર આંસુ સાથે બોલી, " ઝરણાબેન ! મારી પણ ઇચ્છા એવી જ છે. પણ મારા મમ્મી..."ભાભી વાક્ય પુરું કરે એ પહેલાં જ ઝરણાં બાેલી ઊઠી," ભાભી ! તમારા મમ્મીને હું મારે ઘેર લઈ જઈશ. મારુ ઘર મોટું છે.આકૃતિને થયું કે કદાચ એક સ્ત્રી જ બીજી સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકે છે. ઝરણાં આકૃતિના મમ્મીને એના ઘેર લઈ ગઈ એ આકૃતિના પતિને બહુ ગમ્યું ન હતું. પરંતુ પોતાની બહેનને શું કહી શકાય ? 

અમેરિકા ગયા બાદ આકૃતિ ઝરણાને વારંવાર પૂછતી રહેતી, " તમને અઘરું તો નથી પડતું ને ? " ત્યારે ઝરણા કહેતી, " ના ભાભી ! હું તો ખૂબ ખુશ છું, તમે પણ ખુશ રહેજો. હવે દીકરી-જમાઇને પણ સારું થઇ ગયું છે તો અમેરિકામાં થોડા વધુ દિવસ રહેજો. જ્યારે આકૃતિ અને એના પતિ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે એ લોકોના ગયા બાદ પંદર દિવસ પછી જ ઝરણા દાદર પરથી પડી ગઈ હતી અને પગે સળીયાે બેસાડવાે પડેલાે. દિવસ અને રાતની જુદી જુદી બાઈઓ રાખી લીધી હતી. પણ ભાભીને વાત કરી ન હતી. કયાંય ભાભી દોડીને પાછા આવી જાય તો ! આકૃતિ આઘીપાછી થતાં જ એના પતિએ ઝરણાને કહ્યું, " તું ય શું ના જોઈતી જવાબદારીઓ લઈને ફરે છે ? વિભૂતિ કેમ ના રાખે ? તારે શા માટે જવાબદારી લેવી જોઈએ ? અને જવાબદારી લીધી તો લીધી પણ તું પડી ગઈ એ વખતે વિભૂતિને ફોન કરીને કહી દેવું હતું ને કે હવે તમે તમારી મમ્મી ને લઇ જાવ,."ઝરણા માેટાભાઈ સામે જોઈ જ રહી. 

થોડી વારે બોલી, "મોટાભાઈ! મેં તમને આવા ધાર્યા ન હતા. કદાચ તમને એ વાતની ખબર નહીં હોય કે આપણી મમ્મી ને એકાંતમાં કેટલીય વાર પૂછ્યું હતું કે તને ભાભી કેવી રીતે રાખે છે અને જવાબમાં મમ્મીના શબ્દાે અને મોં પર જે સંતોષ હતો એ હું ભૂલી શકી નથી. મોટાભાઈ, એ વખતે તો ભાભીએ તો તમને એવું કહ્યું ન હતું કે, તમારે બીજા ચાર ભાઈઓ છે તો મમ્મી એમને ત્યાં કેમ ના રહે ? તમને એ વખતે ફરવા જવાની ઈચ્છા થતી તો પણ તમે જતા ન હતા.

ભાભીએ મમ્મી ને સારી રીતે રાખ્યાં ન હોત તો હું મમ્મી ને મારે ત્યાં લઈ આવવાની હતી. મારે તો સાસુ પણ નથી. મેં તો કોઈનીય સેવા કરી નથી. ભાભીએ આપણી મમ્મી માટે જે કર્યું એના પ્રમાણમાં તો મેં કંઇ જ કર્યું નથી. મેં જે કંઈ કર્યું છે એ ઉપકાર નથી. " હું તો માનું છું ઈશ્વરે મને સેવા કરવાની તક આપી છે. મોટાભાઈ ! છેલ્લે હું એક વિનંતી કરું છું કે તમે પણ એવું જ માનજો કે એ તમારી મા છે. ભાભીએ જે કર્યું છે આપણી મા માટે તેના બદલામાં આજે તમે એમની માનું કરશો એ ઉપકાર નથી. "આકૃતિ બારણામાં ઊભી રહી ભાઈબહેનની વાત સાંભળી રહી હતી અને વિચારી રહી હતી કે સગા ભાઈબહેનોના સ્વભાવમાં કેટલું અંતર હોય છે. બહેન માને છે કે એણે ઉપકાર નથી કર્યો અને ભાઈ પૈસા લઈને પણ કહે છે અમે રાખીએ છે એ ઉપકાર જ છે ને ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational