ગ્રીષ્મા અમારી પૌત્રી
ગ્રીષ્મા અમારી પૌત્રી




શહેરના એ બે માળના મકાનમાં આજે પ્રાૈઢ પતિ પત્ની એકલાં હતાં. એક બીજાંને હુંફ આપે એવાં, એકબીજાંના સુખ-દુઃખમાં વર્ષો સુધી સાથે રહેલાં એ પતિ- પત્ની આજથી ત્રીસેક વર્ષ પહેલાં પણ એકલા જ હતાં...!
માતાના અકાળ મૃત્યુ બાદ પિતાનું અવસાન થયું એ પછી પહેલી જ વાર વીણા અને મનહરલાલ આ ઘરમાં એકલાં પડ્યાં. પરણીને વીણા એ આ ઘરમાં પગ મૂક્યો. તેના એક મહિનામાં જ તેના સસરાએ દેહ મૂક્યો. રાેગ નહીં, કોઈ ફરિયાદ નહીં. ઊંઘમાં જ એમને દેહ છોડી દીધો. ડોક્ટરે અભિપ્રાય આપ્યો કે હાર્ટએટેકે એમને ઊંઘમાં જ ઉપાડી લીધા.
એ પછી વીણા- મનહરલાલ બે વર્ષ સુધી આ ઘરમાં એકલાં હતાં. બે વર્ષ બાદ શાૈનકનો જન્મ થયો ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો. હવે આખું ઘર બાળકના કિલકિલાટ થી ભર્યું ભર્યું બની ગયું. ખૂબ જ લાડ અને પ્રેમથી એમણે શાૈનકને ઉછેર્યો અને પચીસ વર્ષે તો એને બેંકની મોટા પગારની નોકરીએ લગાડી દીધો.
શુભાંગી અને શાૈનકનું રૂપાળું અને બધી રીતે શાેભતું યુગલ. પુત્ર અને પુત્રવધુના સુખી સંસારને જોઈ મનહરલાલ અને વીણા રાજી થતાં. તેમના સગાંસંબંધીઓ પણ મનહરલાલના સુખી જીવનની ઈર્ષા કરતાં. એ સુખને જાણે છલકાવી દેતું હોય એમ ગ્રીષ્માનું આગમન થયું. શાૈનક- શુભાંગી ના લગ્નજીવનનું એ પ્રાણપ્યારું ફુલ.
મનહરલાલ અને વીણાનો સમય હવે ગ્રીષમા પાછળ પસાર થવા લાગ્યો. એમને લાગ્યું કે સ્વર્ગસુખ એમના સંસારસુખથી જુદું હોઈ શકે નહીં.
હમણાં હમણાં શુભાંગી મહિલા મંડળો અને ક્લબોમાં જવા લાગી હતી. ગ્રીષ્મા પાછળ તે કે શાૈનક હવે ધ્યાન આપતાં નહિ. આમ તો મનહરલાલ અને વીણાએ એ કામ ઉપાડી લીધું હતું. ત્યારથી બન્ને થોડાંક બેદરકાર બનવા લાગ્યાં હતાં. એમાંથી સાસુ -વહુ અને પિતા-પુત્રનાં મન ઊંચાં થયા. અવારનવાર અેકાદ-બે કડવાં વેણની આપ-લે થવા લાગી અને એક દિવસ જે બનવું જોઈએ એ બનીને રહ્યું. ગ્રીષ્માને લઈને શુભાંગી અને શાૈનક બંને નવા મકાનમાં ચાલ્યાં ગયાં.
મનહરલાલ અને વીણાને લાગ્યું જાણે કે આભ તૂટી પડ્યું ! એમની વહાલી....ગ્રીષ્મા ! આખા ઘરમાં જાણે કે એકલતા વ્યાપી ગઈ ! એક શૂન્યાવકાશ થઈ ગયો. લગ્નજીવનની શરૂઆતમાં બંને એકલાં હતાં, અત્યારે પણ એકલાં હતાં, પરંતુ અગાઉ ક્યારેય એકલતા સાલી ન હતી. એકબીજામાં ખોવાઈ જવામાં જ એ બંન્ને આનંદ માણતા અને અત્યારે?
અત્યારે તાે આ એકલતા અસહ્ય લાગતી હતી. શાૈનકના જન્મથી માંડીને એના લગ્ન સુધીનો અને ત્યારબાદ ગ્રીષ્માના જન્મથી માંડીને અત્યાર સુધીનો સમય ચિત્રપટનાં દ્રશ્યાેની જેમ તેમની આંખો આગળથી પસાર થઈ ગયો. બન્નેની આંખો આંસુથી છલકાઈ ગઈ. "વીણા, જેનો ઉપાય આપણા હાથમાં નથી એની પાછળ ક્યાં સુધી આંસુ વહાવીશ ? ગ્રીષ્માની યાદથી આંસુ છલકાવતી વીણાને મનહરલાલ વારંવાર કહેતા. વીણાનાે જવાબ એક જ હતો :" બધું જાણું છું. મનને સમજાવું છું, પણ આંખ આગળથી ગ્રીષ્મા ખસતી જ નથી. એના કિલકિલાટ વિનાનું આખું ઘર જાણે ખાવા ધાય છે. " આનો જવાબ મનહરલાલ પાસે ન હતાે. દુઃખને હૈયામાં દબાવીને બંને દિવસો પસાર કરતાં હતાં. ઘેર ફોન હતો. ફોનની ઘંટડી રણકી ઊઠે ત્યારે બંને જણ ચમકી ઊઠતાં. શાૈનક- શુભાંગીનાે ફોન હશે? ગ્રીષ્મા અંગે કંઈ કહેવાનું હશે એમ માની રીસીવર ઉંચકતાં પણ ફોન કોઈ સંબંધીનો નીકળતો.
વીણાનું દિલ ઘણીવાર અંદરથી ચિત્કારી ઉઠતું." શાૈનક તને આ શું સૂઝયું? પચીસ વર્ષ સુધી અમારાથી અળગો ન રહેનારો તું , હવે અમને સાવ ભૂલી ગયો ? શુભાંગી અમારી સાથે રહી ન શકી એ શું અમારો વાંક? અને તમે બંને ગયા તો ભલે ગયા,આમારી લાડકી ગ્રીષ્માને શા માટે લઈ ગયાં? આખો દિવસ "બા" અને "દાદા" ના નામની માળા જપનારી ગ્રીષ્મા હવે અમારા વગર કેમ રહી શકશે ?
સવારે પાંચ વાગ્યે એને હૂંફાળું દૂધ જોઈએ એ કોણ પાશે? શુભાંગી તો સાત વાગ્યા પહેલા ઉઠે જ નહીં. ગ્રીષ્મા તું રડીને ઊંઘી જાય તોય તારી ખબર લેવાની શુભાંગી કે શાૈનકને ફુરસદ નથી. તું અમારી પાસે આવી જા , ગ્રીષ્મા બેટા , અમારી પાસે આવી જા ...."
પણ આ શબ્દો સાંભળવા માટે ગ્રીષ્મા ક્યાં હાજર હતી? " મમ્મી , બા અને દાદા હવે નહીં આવે ? મમ્મી...ચાલને આપણે બા દાદા પાસે જઈએ. મમ્મી તું બા જેવું હાલરડું ગાને ?
મમ્મી આ દૂધ બહુ ઠંડુ છે, મારે નથી પીવું. બા કેવું ગરમ પાતી ? મને બા દાદા પાસે લઈ જા, મમ્મી! મમ્મી મારે અહીં નથી રહેવું. તું અને પપ્પા તો મને રમાડતાંય નથી. મારી સાથે વાતો પણ કરતા નથી. ગ્રીષ્માની આવી હઠથી ક્યારેક શુભાંગી કંટાળી જતી. વધુ તો એને સ્વમાન ઘવાયાની લાગણી જ અંદરથી કોરી ખાતી. ગ્રીષ્મા પોતાની પુત્રી અને આખાે વખત સાસુ-સસરાના નામની માળા જપે ? ક્યારેક આવી જક બદલ ગ્રીષ્માને મમ્મીના હાથની ધોલધાપટ ખાવી પડતી. જે ગ્રીષ્મા ના શરીરે અત્યાર સુધી બા- દાદાના પ્રેમાળ હાથનો જ સ્પર્શ થતો, તેને હવે મમ્મીનો માર પણ સહન કરવો પડતો. એ મૂંગી રડી લેતી. ઊંઘમાં એ ક્યારેક ક્યારેક "બા...દાદા..."એમ બાેલી ઊઠતી.
" સાંભળો છો ? આજે શાૈનકનો મિત્ર આવ્યો હતો. કહેતો હતાે કે- ગ્રીષ્માને સ્કૂલે મૂકી છે. "" કઈ સ્કૂલમાં મૂકી ? એણે સ્કૂલનું નામ કહ્યું ?"" હા ,સ્કૂલનું નામ- સરનામું બધું આપ્યું છે.આપણે છાનાં-માનાં સ્કૂલ પાસે જઈને ઊભાં રહીશું. ગ્રીષ્મા દૂરથી તો જોવા મળશે!" બીજા જ દિવસે મનહરલાલ અને વીણા સ્કૂલ પાસે પહોંચી ગયા. ગ્રીષ્મા કેટલી મોટી થઈ ગઈ હશે? સૂકાઈ ગઈ હશે? આપણા વિના કેવી હિજરાતી હશે? આવા આવા કંઈક વિચારો કરતાં બંને ગ્રીષ્માની પ્રતીક્ષા કરવા લાગ્યાં. અને એમણે ગ્રીષ્માને રિક્ષામાંથી ઉતરતી જોઈ. રીક્ષાવાળાે એને ક્લાસમાં લઈ જતો હતો. પહેલા કરતાં ગ્રીષ્મા ગંભીર લાગે છે. થોડીક સુકાઇ પણ ગઈ છે. એની આંખોમાં રમતિયાળપણું નથી દેખાતું. વીણાના મનમાં વિચારો ઉભરાયા. : મેં કલ્પના કરેલી કે, આપણી ગાડીમાં બેસાડીને, એનો હાથ પકડીને આપણે સ્કૂલમાં મુકવા જઈશું અને પ્રેમથી અેને ઘરમાં પણ ભણાવીશું. સ્કૂલ આગળ મારી સાડીનો છેડો પકડી ને એ કહેતી હશે, " બા , તું પાછી જતી ન રહીશ અને દાદા , તમે પણ બા સાથે ઊભા રહેજો. મને લઈને ઘેર જજો. " વીણાથી અચાનક ધૂ્સકું મુકાઈ ગયું અને મનહરલાલ એને આશ્વાસન આપી દૂર લઈ ગયા. ગ્રીષ્મા પાસે જઈને તેઓ વાત કરે તો શુભાંગી કે શાૈનક કંઈક બોલી શકે તેમ ન હતા પરંતુ એમના અણગમાનો ભોગ બિચારી ગ્રીષ્મા ને બનવું પડે. ઘેર ગયા બાદ એને માર પડે.
એક વાર એમ બનેલું ત્યારથી બંન્નેએ દૂરથી જોવામાં સંતોષ માનવાનું નક્કી કરેલું. એ આખો દિવસ ઘરમાં રસોઈ એમ ને એમ પડી રહી. મનહરલાલ કે વીણાને બંનેમાંથી કોઈને જમવાની ઇચ્છા ન થઈ. ચા -કોફી પીને તેમણે દિવસ પુરો કર્યો. પછી તો બંને અવારનવાર સ્કુલ પાસે જઈને ઊભાં રહેતાં અને દૂરથી ગી્ષ્માને જોઈ સંતોષ પામતા. એમ દિવસો પસાર થવા લાગ્યા.
એક દિવસ વીણાએ મનહરલાલને યાદ અપાવ્યું, " આજે ગ્રીષ્માની વર્ષગાંઠ છે. આપણે ચોકલેટાે લઈને એના ક્લાસમાં વહેંચીએ. "એ તાે હું ગઈકાલે જ ખરીદી લાવ્યો છું, તું એવું માને છે કે કાલે આપણી ગ્રીષ્માનાે જન્મદિવસ છે એ હું ભૂલી ગયો હોઈશ ? વીણા પતિ સામે જોઈ રહી. કેટલો પ્રેમ છે એમને ગ્રીષ્મા માટે ! બીજા દિવસની સવારની રાહ જોઈને બંને જણાં મોડી રાત સુધી વાતો કરતા રહ્યાં. એ રાત એમને ઘણી લાંબી લાગી. ઘડિયાળના કાંટા જાણે ખૂબ ધીમી ગતિએ ફરતા હતા. માેડેથી ઊંઘ આવી અને સવારે આંખ ખૂલી ત્યારે રોજ કરતાં મોડું થઈ ગયું હતું. સ્કૂલ શરૂ થઈ ગઈ હતી. સ્કૂલ શરૂ થયા પછી વાલીઓ દેખાતા ન હતા. અચાનક એક મોટર આવીને કમ્પાઉન્ડમાં ઊભી રહી. એમાંથી આધેડ ઊમરનું દંપતી ઉતર્યું અને પતિ-પત્ની બંને ઝડપથી કે. જી. ના વર્ગ તરફ જવા લાગ્યાં. પણ ક્લાસના દરવાજા આગળ એમના પગ જાણે થંભી ગયા ! એક બેબીના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. રડતાં રડતાં એ કંઈ કહી રહી હતી. સાંભળવાની ઇચ્છા ન હોવા છતાં બંનેના કાન સરવા થઇ ગયા. કારણ કે એ અવાજ પરિચિત હતો! રડતાં રડતાં બેબી કહી રહી હતી , "
"મેડમ ,આજે મારી બર્થડે છે પણ મમ્મી-પપ્પા ઝઘડયાં છે. ઘરમાં બીજું કોઈ નથી. મમ્મી તાે કહેતી હતી કે હું પોલીસ સ્ટેશન જવું છું. મેડમ ક્લાસમાં મારી હેપી બર્થડે બધા પાસે બોલાવો ને ? મેડમે એ વિદ્યાર્થીનીને ઊંચકી લીધી ,બચ્ચી કરી અને છાની રાખતાં કહ્યું, " ગ્રીષ્મા, હું રિસેસમાં બહુ જ ચોકલેટાે ખરીદી લાવીશ પછી આપણે બધાને આપીશું અને બધા પાસે હેપીબર્થ ડે ટુ ગ્રીષ્મા એવું ગવડાવીશું બરાબર ને? હવે હસ તાે ? મને હસતી ગ્રીષ્મા બેેટી બહુ ગમે છે. " અને ગ્રીષ્મા હસી પડી. એ જોઈ મનહરલાલ અને વીણા વર્ગ શિક્ષકની પરવાનગી લઇ અંદર દાખલ થયાં અને ગ્રીષ્મા જાણે ચિત્કારી જ ઉઠી, " બા...બા દાદા...દાદા...". મેડમ ગ્રીષ્માની વાત પરથી સમજી ગયાં હતાં કે તેના મમ્મી-પપ્પા દાદા-દાદી જુદાં રહે છે. તેથી બોલ્યાં, "ગ્રીષ્મા, બેટી! બા દાદાને પગે નહીં લાગે ? "બા અને દાદાનું હૈયું ભરાઈ આવ્યું. મનહરલાલે ગ્રીષ્માને ઊંચકી લીધી પણ બીજી જ પણે પોતે સ્કૂલના વર્ગમાં ઊભા છે એ વાત યાદ આવતાં ગ્રીષ્માને નીચે ઉતારતા બોલ્યા, " બેટા ગ્રીષ્મા, બર્થડે છે એટલે અમે ચોકલેટાે લઈને તારી બર્થડે મનાવવા આવ્યાં છીએ. તું આ બધાને તારાં હાથે ચાેકલેટાે વહેંચી દે. " અને મેડમ તરફ ફરી વીણાએ કહ્યું," માત્ર દસ મિનિટ માટે ગ્રીષ્માને અમારી જાેડે બહાર માેકલશાે? માત્ર... દસ મિનિટ...આટલું બાેલતા એનાે સ્વર રુંધાઈ ગયાે. અને સ્કૂલના નિયમ વિરુદ્ધ જઈને પણ મેડમમાં રહેલી મા બોલી ઊઠી, " હા... હા...જરૂર...જરૂર, " અને બાળકો તરફ ફરીને કહ્યું ," બાેલાે ,હેપી બર્થડે ટુ... ' સાૈ બાળકો બાેલી ઊઠયાં: " ગ્રીષ્મા..."ગ્રીષ્મા પોતાનાે એક ટચુકડાે હાથ બાના હાથમાં અને બીજો ટચૂકડો હાથ દાદાના હાથમાં રાખીને બહાર જવા ડગલાં ભરી રહી. મેડમ એ મંગલ દ્રશ્ય સજલ નેત્રે જાેઈ રહ્યાં.