સબસે ઊંચી પ્રેમ સગાઈ*
સબસે ઊંચી પ્રેમ સગાઈ*


મારી બદલી સુરત થઈ છે એવા સમાચાર જ્યારે મેં સાંભળ્યા ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. મારી સામે સુમેધાનો સંસાર ખડો થઈ ગયો. મેં અનેક વાર સુમેધાના સુખી સંસારમાં આતિથ્યનો લહાવો માણેલો પણ હવે કાયમ સુમેધાની નજીક રહેવાનું થશે એ વિચારથી જ મારું મન હર્ષિત થઈ ઊઠ્યું હતું. મને સુમેધાની તેના સાસરે થયેલી પહેલી મુલાકાત બરાબર યાદ હતી. સુમેધાના જ્યારે જ્યારે પત્રો આવતા ત્યારે તેમાં તેના જીવનમાં પરમ સંતોષની મને ઝાંખી થતી. પત્રમાં એ મને એને ત્યાં આવવાનું નિમંત્રણ ઘણીવાર આપતી.
એક વાર જ્યારે મારે સુરત જવાનું થયું ત્યારે હું સીધી સુમેધાને ત્યાં જ ગઈ. હું સુમેધાને મળવાનો મારો લોભ રોકી ના શકી. સુમેધાને ત્યાં ઘણા જ પ્રેમથી મારું સ્વાગત થયું. મને હતું કે તેના ઘરના પાંત્રીસ માણસોના સંયુક્ત પરિવારમાં મને કોણ જાણે કેવો આવકાર મળશે ! મારું મન ખચકાતું હતું. અંદરથી કોઈક ભય મને સતાવી રહ્યો હતો. પણ જ્યારે મારી ધારણાથી વિપરીત પરિણામ આવ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. હું એ વાત ભૂલી ગઈ કે હું આ ઘરની સભ્ય નથી. મને એમ જ લાગવા માંડ્યું કે આ જ મારું ઘર છે. અહીં કોઈ પરાયું નથી અને જ્યારે મારું કામ પૂરું થયું ત્યારે સુમેધાએ આગ્રહપૂર્વક મને બેચાર દિવસ વધારે રોકી રાખેલી અને હસતાં હસતાં કહેલું પણ ખરું, ‘અમારા ઘરમાં ગમે તે ઉંમરની વ્યક્તિને ‘કંપની’ મળી જ રહે – તરત જન્મેલા બાળકથી માંડીને વૃદ્ધ સુધી.’ આ મારી સુમેધાનાં સાસરિયાં સાથે પ્રથમ મુલાકાત હતી.
ત્યારબાદ ઘણી વખત હું સુરત જતી અને સુમેધાનો સુખી સંસાર જોયાની સંતોષની લાગણી અનુભવતી. દિવસો પસાર થતા ગયા તેમ અમારી પણ અનેક વખત બદલીઓ થતી ગઈ. અને સુમેધા એ વર્ષો દરમ્યાન બિલકુલ ભુલાઈ ગઈ હતી. જ્યારે અમારી બદલી સુરત થઈ ત્યારે મારું મન હર્ષથી નાચી ઊઠ્યું. મારું મન તો મારાથી પણ પહેલું સુમેધાની પાસે પહોંચી ગયું હતું પરંતુ વચ્ચે વીસ વર્ષોનો સમય વીતી ગયેલો. છતાં પણ મને લાગતું હતું કે, મારો અને સુમેધાનો પ્રેમ હજી પણ એટલો જ છે. હા, અમે સંજોગોના કારણે મળી શકતાં ન હતાં, સંસારમાં એવાં તો ગૂંથાઈ ગયાં હતાં કે દિવાળી કાર્ડ પણ ધીરે ધીરે લખાતાં બંધ થઈ ગયેલાં. પણ સુમેધા જ હતી નમ્ર, વિવેકી અને લાગણીશીલ. મારું મન કહેતું હતું કે, સુમેધા પણ આટલાં વર્ષો પછી મને જોઈને પહેલાંના એટલા જ ઉમળકાથી મારું સ્વાગત કરશે. સુરત અમે અમારો સામાન બીજા એક નજીકના મિત્રને ત્યાં મૂકી સુમેધા પાસે ગયાં. સુમેધા તો ઘરમાં જ હતી. જતામાં જ રામુકાકાએ અમારું સ્વાગત કર્યું. રામુકાકા આટલાં વર્ષો પછી પણ મને ઓળખી ગયા હતા. મને આશ્ચર્ય થયું કે રામુકાકા, કે જે સુમેધાના ઘરમાં નોકર હતા, હજી આટલાં વર્ષો પછી પણ અહીં જ છે.
અમે દીવાનખંડમાં બેઠાં ત્યાં જ એક ગૌરવર્ણી સ્ત્રી આવી અને અમને કહેવા લાગી, ‘સુમેધાભાભી હમણાં જ આવશે. પણ તમે સામાન લીધા વગર કેમ આવ્યાં છો ?’ અમે એને માંડ માંડ સમજાવવામાં સફળ થયાં કે મારા પતિના એક નિકટના મિત્રને ત્યાં સામાન મૂક્યો છે. ત્યાં તો દીવાનખંડમાં પાંચેક છોકરાઓ રમતા રમતા આવી ચઢ્યાં. પેલી ગૌરવર્ણી સ્ત્રીએ કહ્યું, ‘આ તમારી મમ્મીનાં ખાસ બહેનપણી છે.’ છોકરાંઓ વારાફરતી આવી અમને પગે લાગ્યાં. ત્યાં એ ફરી બોલી, ‘જાવ, તમે જઈને બીજાને મોકલો. કહેજો કે મમ્મીનાં બહેનપણી આવ્યાં છે.’ ત્યાર બાદ બીજા છ છોકરાંઓ આવ્યાં અને અમને પગે લાગીને ગયાં. હું વિચારતી હતી કે, સુમેધાને કેટલાં છોકરાં-છોકરીઓ હશે ? અરે ! આટલી મોંઘવારીમાં આટલાં બધાં છોકરાંઓ કઈ રીતે પોસાય ? – ત્યાં જ સુમેધા આવી અને મને જોઈને જ વળગી પડી. થોડી વારમાં જ એક છોકરી હાથમાં આઠ-નવ મહિનાના છોકરાને લઈને આવી અને બોલી, ‘મમ્મી, તમારા વગર આ બહુ જ રડતો હતો.’ અને એ બાળક સુમેધાના હાથમાં આવતાવેંત ચૂપ થઈ ગયું. હવે તો મારા આશ્ચર્યની સીમા જ ના રહી.
હું કંઈક પૂછવા જતી હતી ત્યાં જ રામુકાકા હાથમાં ચા-નાસ્તાની ટ્રે લઈને આવ્યા. રામુકાકાના હાથમાંથી ટ્રે લેતાં સુમેધા બોલી, ‘રામુકાકા, મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમે આ હવે ઘરનાં કામ ના કરો. તમે આરામ કરો.’ સુમેધાના સ્વરમાં લાગણી નીતરતી હતી.
પણ રામુકાકાએ એવો જ લાગણીભર્યો જવાબ આપ્યો, ‘બેન, વર્ષો પછી તમારાં બહેનપણી આવ્યાં છે. એટલે મને થયું કે મારા હાથનો ચા-નાસ્તો આપું. બાકી આજે રવિવાર છે એટલે બધાં બહાર ગયાં છે અને મને કંઈ આટલું કામ કરવામાં થાક થોડો લાગવાનો છે ?’ સુમેધાએ જ્યારે જાણ્યું કે અમારી બદલી સુરત થઈ છે ત્યારે એ ખૂબ ખુશ થઈ ગઈ. પછી તરત જ ગુસ્સો કરતાં બોલી, ‘તો તું એટલી પારકી બની ગઈ કે તારો સામાન લઈને અહીં ના આવી ? હવે તો તમે સામાન લઈને અહીં જ આવો.’ વાતો દરમ્યાન પણ મારા મગજમાં એક જ વાત ઘુમરાતી હતી કે સુમેધાને કેટલાં બાબા-બેબી હશે ? હું વિચારમાં પડી ગઈ, એ જોઈ સુમેધાએ મને પૂછ્યું, ‘તું શું વિચારે છે ?’ મેં પૂછી જ નાખ્યું, ‘સુમેધા, તારે કેટલાં બાબા-બેબી છે ?’
મારો પ્રશ્ન સાંભળી એ ખડખડાટ હસી પડી, બોલી, ‘તું અહીં જુએ છે એટલાં.’ હું કંઈ બોલું એ પહેલાં સુમેધાએ ગંભીર બની કહ્યું, ‘નિશા, તું તો મારી ખાસ બહેનપણી છે, એટલે તને કહું છું. મારે એક જ પુત્ર છે –સંકેત. પણ અહીં અમારા ઘરમાં હું સૌથી મોટી છું. એટલે દરેક જણ મને મમ્મી જ કહે છે, જેથી કોઈનાય મનમાં એવો ભાવ ઊભો ન થાય કે તેઓ સગાં ભાઈ-બહેન નથી, પણ કાકા-કાકાનાં છે. આ ઘરમાં તો દરેક જણ વચ્ચે એક જ સગાઈ છે અને તે પ્રેમની.’ હું સુમેધાને જોઈ જ રહી. થોડીવાર અટકીને મને ફરી વાર સામાન સાથે પોતાને ઘેર રહેવા આવવાનો આગ્રહ ચાલુ રાખ્યો. મેં એને સમજાવી કે સામાન મારા પતિના નિકટના મિત્રને ત્યાં મૂક્યો છે. સુમેધાએ કહ્યું :
‘સારું, એમનું સરનામું આપો. હું જ ત્યાં જઈને તમારો સામાન લઈ આવીશ.’
મેં હસતાં હસતાં કહ્યું, ‘સુમેધા, સામાન ભલે ત્યાં રહ્યો. હવે તો અમે અહીં જ છીએ. હા, પણ હું તને ત્યાંનું સરનામું આપું છું.’ જ્યારે મેં કાગળ ઉપર સરનામું લખીને સુમેધાના હાથમાં આપ્યું ત્યારે સુમેધા સરનામા સામે જોઈ જ રહી. બોલી,
‘તમે ખરેખર ડૉ. દલાલને ત્યાં જ રહ્યાં છો ? પેલા કીડની સ્પેશિયાલિસ્ટ છે તે જ ને ?’
મેં હકારમાં માથું હલાવ્યું. એ બોલી, ‘તો તો હું જરૂરથી આવતી કાલે ત્યાં આવીશ. એ બહાને ડૉ. દલાલને પણ મળાશે અને તારી સાથે પણ શાંતિથી વાતો કરીશું.’
અમને સુમેધા ઝાંપા સુધી મૂકવા આવી. છેલ્લે બોલી, ‘ડૉ. દલાલને કહેજો કે સુમેધા તમને ખૂબ યાદ કરે છે.’ મને પૂછવાનું મન તો થયું કે સુમેધા, તું ક્યાંથી ઓળખે ? પણ પછી તરત મને વિચાર આવ્યો કે એક જ શહેરમાં રહેતી વ્યક્તિ એકબીજાને ઓળખતી હોઈ શકે અને સુમેધાનું કુટુંબ જ પચાસ માણસોનું છે એટલે ઓળખાણ હશે. માટે આ પ્રશ્ન પૂછવો અસ્થાને છે. અમે રાત્રે જ્યારે જમવા બેઠાં ત્યારે મેં જ વાત શરૂ કરી અને કહ્યું :
‘અમે સુમેધાને ત્યાં ગયેલાં. એ તમને ખૂબ યાદ કરે છે.’
મારું વાક્ય સાંભળતાં જ ડૉ. દલાલના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. બોલ્યા, ‘ભાભી, સુમેધા તમારી બહેનપણી છે એ પણ તમારે ગૌરવ લેવા જેવી વાત છે.’ થોડી વાર અટકી એ બોલ્યા, ‘મારી ત્રીસ વર્ષની પ્રેક્ટિસ દરમ્યાન મેં ઘણાં ઓપરેશન કર્યાં છે. હું ઘણાં કુટુંબોના પરિચયમાં આવ્યો છું. પણ સુમેધાના કુટુંબની વાત જ જુદી છે. હું એ કુટુંબને ક્યારેય ભૂલી નહીં શકું. આ કુટુંબને હું ઓળખું છું એ પણ મારે માટે ગૌરવ લેવા જેવી વાત છે.’ હવે હું અકળાઈ ઊઠી. બોલી, ‘પણ તમે એની કંઈક વાત તો કરશો કે પછી વખાણ જ કર્યા કરશો ?’
ડૉક્ટર બોલ્યા, ‘વાત બહુ લાંબી છે. એમ.એસ. કર્યા પછી મેં સુરતમાં હોસ્પિટલ શરૂ કરવાનું નક્કી કર્યું. અને સુરત સાથેની મારી લેણાદેણી પણ કેવી ! પહેલે જ દિવસે હું અને તરુ મકાન શોધવા નીકળ્યાં. પહેલાં મકાન પછી હોસ્પિટલ અથવા મકાન અને હોસ્પિટલ બંનેનો સમાવેશ થાય તેટલું વિશાળ મકાન, એમ મનથી નક્કી કરેલું. શરૂઆત થઈ જ સુમેધાના લત્તાથી. બેચાર ઘરે પૂછપરછ કરતાં અમે સુમેધાના ઘર પાસે પહોંચ્યા ત્યારે એક જ મકાનમાં પચીસ-ત્રીસ માણસોને જોઈ અમને નવાઈ લાગી ! આટલાં બધાં માણસો અહીં શી રીતે રહી શકતાં હશે ! એમના ચહેરા જુઓ તો બધે જ આનંદ આનંદ ! નાનાં બાળકો પણ આનંદથી કલ્લોલતાં ! બારણામાં સુમેધા જ ઊભી હતી. અમે મકાન બાબત પૂછ્યું એટલે એણે કહ્યું, ‘તમે અંદર આવો એટલે વ્યવસ્થા થઈ શકશે.’ ત્યાં અમે જે આતિથ્ય જોયું, જે લાગણીસભરતા જોઈ, અજાણ્યા માનવીનેય મદદરૂપ થવાની જે તત્પરતા જોઈ, એ જોઈ અમે તો આભાં જ બની ગયાં. ઘરનાં બધાંનો વર્તાવ એવો કે અમે જાણે એમનાં જ કુટુંબનાં માણસો હોઈએ ! ત્યાં અમને ચા-પાણી તો પાયાં જ ઉપરાંત મકાન ન મળે ત્યાં સુધી અમારો ઉતારો પણ એમને ત્યાં જ રખાવ્યો. સુમેધાએ કહ્યું, ‘અમારા કુટુંબના વડીલો ગમે ત્યાંથી સગવડવાળું મકાન શોધી આપશે. બનશે તો હોસ્પિટલના મકાન માટે વ્યવસ્થા કરી આપશે.’
અને તમે માનશો, ભાભી ! અઠવાડિયામાં જ મકાન અને હોસ્પિટલ બંનેની વ્યવસ્થા થઈ ગઈ. ખૂબ ભાવપૂર્વક અમે એ કુટુંબની વિદાય લીધી અને ત્યારથી જ એ કુટુંબ પ્રત્યેનું મમત્વ અમારા દિલમાં બંધાયું છે.’ ડૉક્ટરનાં પત્ની ચારુબહેને પણ વાતમાં સૂર પુરાવ્યો. આટલું કહીને ડૉક્ટર થોડી વાર અટક્યા અને બોલ્યા : ‘ત્યાર પછીનો એક હૃદયસ્પર્શી પ્રસંગ તમને કહું. સુમેધાનો એકનો એક પુત્ર સંકેત અચાનક માંદો પડી ગયો. સાધારણ તકલીફની એ ઘણી વખતથી ફરિયાદ કરતો હતો પણ એમના ડોક્ટરે એ વાત ગંભીરતાથી લીધી નહીં. સુમેધા સાથે એમના પતિ અને બે-ત્રણ વડીલો હતા. સૌના ચહેરા પર ચિંતા હતી. સંકેતને મેં તરત જ તપાસવા માંડ્યો. મેં એના બ્લ્ડ, યુરીન વગેરેના ટેસ્ટ લીધા અને અચાનક જ મને સમજાઈ ગયું કે એની બંને કિડની નકામી થઈ ગઈ છે !
બાળકો પ્રત્યે જ્યાં પ્રેમની સરવાણી વહે છે તેવા ઘરમાં આ રોગ ! આ વડીલો અને આત્મજનોને કઈ રીતે એની વાત કરું ! ઘડીક હું મૂંઝાયો. પણ આખરે મન મક્કમ કરીને બોલ્યો, તમારાથી કંઈ છુપાવું તો ઈશ્વરનો અને તમારો બંનેનો ગુનેગાર બનું. સંકેતની બંને કિડની ફેલ થઈ ગઈ છે. તાત્કાલિક કિડનીની વ્યવસ્થા કરવી પડશે.’ એક ક્ષણ માટે બધાં ચોંકી ગયાં પછી તરત જ સ્વસ્થતા પ્રાપ્ત કરીને બોલ્યાં, ‘અમે બધાં કિડની આપવા તૈયાર છીએ…. અત્યારે જ એની વિધિ શરૂ કરી દો.’
પણ ખરી મુશ્કેલી ત્યાર બાદ શરૂ થઈ. દરેક જણ પોતાની જ કિડની આપવા આગ્રહ કરવા લાગ્યું. આટલી સહેલાઈથી આટલા બધા માણસો કિડની માટે તૈયાર થાય છે એ જોઈ મને તો નવાઈ જ લાગી, પણ ત્યાં તો સુમેધા બોલી, કોઈની વાત સાંભળો નહીં. હું સંકેતની મા છું. મારા હાડચામમાંથી એનો દેહ બંધાયો છે. એના પર પ્રથમ હક્ક મારો છે. મારી કિડની લઈ લો.’ હું મૂંઝાયો. જ્યાં દરેક જણ કિડની આપવા તત્પર હોય ત્યાં શું કરવું એ મને સમજાયું નહીં. વચલો માર્ગ કાઢતાં મેં કહ્યું : ‘જ્યારે જરૂર પડશે ત્યારે હું સંદેશો મોકલીશ. તે વખતે તમો આવી જજો.’
સુમેધા તો અન્નપાણી વિના સંકેતની સારવારમાં પડી ગઈ. સંકેતની પથારી પાસે જ એણે આસન જમાવી દીધું. ઘરનાં બીજા માણસોને સમજાવીને પાછાં મોકલતાં મને ઠીક ઠીક મુશ્કેલી પડી. રાત્રે દસેક વાગ્યે ઘરનો નોકર રામુ આવ્યો. ઘરમાં બધાં એને રામુકાકા કહેતાં. આવીને એણે સુમેધાને કહ્યું, ‘બહેન, તમે સવારથી કાંઈ ખાધું-પીધું નથી. તમારે માટે હું કોફી અને બિસ્કિટ લાવ્યો છું.
થોડી વાર આરામ કરો ત્યાં સુધી હું અહીં બેઠો છું.’ આ ક્રમ પાંચેક દિવસ ચાલ્યો. રોજ રાત્રે દસેકના સુમારે રામુકાકા આવે અને સુમેધાને સહેજ આરામ મળે. ઘરની દરેક વ્યક્તિ સંકેતની સેવામાં ખડે પગે રહેતી. દવાની સારવારની સંકેત ઉપર થોડીઘણી અસર થઈ પણ એક દિવસે અચાનક એની તબિયતે ઊથલો ખાધો. તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ. મેં રામુકાકાને બોલાવીને પરિસ્થિતિ સમજાવી અને સુમેધાને જાગ્રત કરવા કહ્યું. પણ તમે માનશો ? એ વૃદ્ધ નોકર મારે પગે પડ્યો અને પોસપોસ આંસુ સારીને એના દિલની એક વાત મને કહી. હું એની લાગણી ઉવેખી ન શક્યો. થોડા દિવસ પછી સંકેતને સારું થવા લાગ્યું. પણ રામુકાકાની તબિયત લથડવા માંડી. એનું કારણ હું જાણતો હતો પણ એ સંબંધી કાંઈ ન કહેવાનું રામુએ મારી પાસે વચન લીધું હતું. બધાંએ માન્યું કે વધુ પડતા ઉજાગરાથી રામુકાકાની તબિયત લથડી છે. આ ઉંમરે એણે ઉજાગરા કરવા જોઈતા ન હતા. પણ ખરી વાત જુદી જ હતી. આ બાજુ સંકેત માટે કિડનીની વાત ફરી વાર નીકળી. અને દરેક જણ પોતાની જ કિડની લેવાનો આગ્રહ કરવા લાગ્યું. પણ મેં કહ્યું કે હવે એની જરૂર નથી, ઈશ્વરકૃપાએ સંકેતને કાંઈ વાંધો નહીં આવે. થોડા દિવસ આરામ પછી સંકેત તો સાજો થઈ ઘેર ગયો.
બીજી બાજુ રામુકાકાની તબિયત સુધરતાં ઠીક ઠીક સમય ગયો. સુમેધા તથા ઘરના અન્ય વડીલો વારંવાર ચિંતા કરતાં કે છેલ્લાં ત્રીસ વર્ષથી અમારે ત્યાં રામુકાકા રહે છે. ઘણી વાર ગજા ઉપરાંત કામ કરે છે. છતાં કોઈ વાર આટલો લાંબો સમય એની માંદગી ચાલી નથી.
‘ડૉક્ટર સાચું કહો, રામુકાકાને ખરેખર શું રોગ છે ? એમને શું થઈ ગયું છે ?’ આખરે મારે ઘટસ્ફોટ કરવો પડ્યો. જે રાત્રે સંકેતની તબિયતે ઊથલો ખાધો તે વખતે રામુકાકાએ જ કિડની આપવાનો આગ્રહ રાખ્યો. આંસુભરી આંખે મને અનેક આજીજીઓ કરી અને મારે એને તાબે થવું પડ્યું ! વાત સાંભળી આંખમાં આંસુ સાથે સુમેધા બોલી, ‘રામુકાકા, તમે આ શું કર્યું ? સંકેત માટે અમને આટલું નાનું કામ પણ કરવા ન દીધું ?’
રામુકાકાએ કહ્યું : ‘બેટા, સુમેધા ! સંકેત જેટલો તમારો છે તેટલો જ મારો છે. એનો ઉછેર મારા હાથે જ થયો છે. તમારે ત્યાં હું નાનપણથી જ ઊછર્યો છું અને જે લાડકોડ તમારા ઘરમાં મને મળ્યા છે, તેટલા જગતમાં ક્યાંય મળે નહિ. આટલું અમથું કામ કર્યું તેમાં શું થઈ ગયું છે ?’
આ પ્રશ્નનો શો જવાબ હોઈ શકે ? કુટુંબીજનોના આવા પરમ કલ્યાણકારી સંબંધોનું દર્શન બીજે ક્યાં થઈ શકે ?