Nayana Shah

Inspirational

2.5  

Nayana Shah

Inspirational

ન સલાહ, ન શિખામણ

ન સલાહ, ન શિખામણ

9 mins
999


“વૈભવની વાત મને ગમી નથી.” બેલાબહેન ગુસ્સે થઇ પતિને કહી રહ્યાં હતાં.

“જિંદગીમાં દરેક કાર્ય આપણી પસંદનું થાય એ જરૂરી નથી.” બેલાબહેનના પતિએ શાંતિથી જવાબ આપતાં કહ્યું.

“હજી તો વિશાલની બાબતમાં ઠોકર ખાધે વરસ માંડ થયું છે ત્યાં વૈભવ પણ આ રીતે કરે એ હું નહીં જ ચલાવી લઉં.”

સ્વીકાર તો આપણે હસીને પણ કરવાનો છે અને ઝઘડીને પણ... હવે તારે વિચારવાનું કે તારે શું કરવું છે ? અને આ બધુ જો તને સ્વીકાર્યજ ના હોય તો તારી પાસે ઘણાબધા રસ્તા છે. દીકરાઓને જુદા કાઢી મૂક અને પાછલી ઉંમરમાં એકલા જીવવાની તૈયારી રાખજે. પરંતુ બંનેમાંથી એક પણ દિકરો ઘર છોડીને જવા તૈયાર નથી. એટલે બીજો રસ્તો પણ છે કે તું વૃદ્ધાશ્રમમાં જતી રહે. પરંતુ મારી તને સલાહ છે કે વૈભવે જે છોકરી પસંદ કરી છે એને તું હસીને સ્વીકારી લે અને ઘરમાં સાસુ થઈને ફરજે.

મને સાસુ થઈને ફરવાના અભરખા પૂરા થઇ ગયા છે. મને તો હતું કે વિશાલની પત્ની આવશે અને હું ઘરનો તમામ વહીવટ એને સોંપીને ભગવાનની ભક્તિમાં લીન થઇ જઈશ. પરંતુ મારું નસીબ તો જુઓ... આ સારંગી આવી અને જાણે ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું. વિશાલની પત્ની સારંગી એના નામ પ્રમાણે વર્તનમાં જાતજાતના સૂર લહેરાવે છે જે કર્કશજ હોય છે અને બાકી હોય એમ વૈભવે ધર્માને પસંદ કરી છે. અરે, સારંગીને તો આપણે પ્રેમથી સ્વીકારી લીધી હતી અને જયારે સારંગીને વળાવી ત્યારે એની મા એને શિખામણ આપતી હતી, “બેટા, સારંગી સાસરીમાં તું બધાની થઈને રહેજે.” આપણે ત્યાં કોઈ ફરિયાદ આવવી ના જોઈએ. મારા સંસ્કાર લજવાય નહીં. એની તકેદારી રાખજે. બંને કુટુંબનું નામ ઉજાળજે. 

સારંગીની માએ તો એને સારી શિખામણ આપી હતી. પરંતુ સારંગીએ તો ઘરમાં આવતાની સાથે જ કર્કશ સૂર રેલાવા માંડ્યા. સવારે દસ વાગ્યા પહેલાં ઊઠવાનુંજ નહી. રાત્રે મોડે સુધી ફરવાનું અને મોડી રાત સુધી ટી.વી. પર પિકચરો જોવાનાં. જે ઘરમાં સવારે સાત વાગ્યા પહેલા બધા નાહીધોઈને તૈયાર થઈને સૂર્યની પૂજા કરતાં હોય. સ્નાન કરતાં પહેલા પાણી પણ પીતા ન હોય એ જ ઘરમાં સારંગી ઊઠીને કહેતી, “મમ્મી, ચા નથી બનાવી ? મને તો ‘બેડ ટી’ ની આદત છે. એટલું જ નહી ચા જોડે બિસ્કીટ પણ ખાધા બાદ જ સ્નાન કરવાનો નિત્યક્રમ બની ગયો હતો.

વિશાલનું લંચબોક્સ પણ બેલાબહેન તૈયાર કરતાં. મનમાં હતું કે લગ્ન બાદ વિશાલની પત્નીજ એનું લંચબોક્સ તૈયાર કરશે. અને પોતે સૂર્યનારાયણની પૂજા કરી અને ઘરમાં ઠાકોરજીની સેવા કરશે ત્યારબાદ મંદિરમાં રાજભોગનાં દર્શન કરવા જશે...”

એક વાર તો ગુસ્સામાં એમણે વિશાલને કહી પણ દીધું કે, “વિશાલ, હવે તારું લંચબોક્સ તૈયાર કરવાની જવાબદારી તારી પત્નીની છે મારી નહીં. તારા ઓફિસ જવાના સમયે એ ઊઠે છે. અરે, આપણા ઘરના સંસ્કાર તો જો અને ક્યાં આ સંસ્કાર વગરની સારંગી...”

સારંગીના કાને આ શબ્દ પડતાંજ લાવારસ ભભૂકી ઊઠ્યો. એ ગુસ્સે થતા બોલી, “હું તો આ જ રીતે જીવવા ટેવાયેલી છું. તમારા સંસ્કાર તમારી પાસે રાખો, તમારે લંચબોક્સ ના બનાવવું હોય તો તમારી પર ક્યાં કોઈ બળજબરી કરે છે ? કાલથી વિશાલ ઓફીસમાંજ જમી લેશે. તમારે કોઈ તકલીફ ઉઠાવવાની જરૂર નથી.”

અને ખરેખર બીજા જ દિવસે વિશાલે કહી દીધું, “મમ્મી, તું લંચબોક્સ તૈયાર ના કરીશ, હું ઓફીસમાં જમી લઈશ.”

આ વાક્યમાં પુત્રની વેદના હતી એ તો એક માજ સમજી શકે. કારણ વર્ષોથી વિશાલ ઘરનું ખાવાજ ટેવાયેલો હતો. એને કેન્ટીનનું ખાવાનું ભાવતું જ નહોતું. એ જ પુત્ર ઘરમાં કંકાસ ના થાય એ બીકે કહી રહ્યો હતો કે હું કેન્ટીનમાં જમી લઈશ. 

ત્યારબાદ તો જમતી વખતે બેલાબહેનના હાથમાં કોળિયો રહી જતો અને આંખમાં આંસુ આવી જતાં. એમને એજ વિચાર આવતો કે દીકરાને કેન્ટીનમાં ખાવું પડે છે. પરંતુ જો એ લંચબોક્સ બનાવે તો દીકરાને એની પત્ની સાથે કંકાસ થાય. અને એક મા પુત્રનું વેરવિખેર લગ્નજીવન સ્વાભાવિક રીતેજ જોઈ ના શકે. પુત્ર ભૂખ્યો રહેતો હશે એ વિચારે જ એમની આંખમાં આંસુ આવી જતાં. પણ એ મજબૂર હતા.

બાકી હતું એ વૈભવે પૂરું કર્યું. વૈભવે તો કહી જ દીધું. “મમ્મી-પપ્પા, મને ધર્મા ગમે છે એ મારી સાથે નોકરી કરે છે. આપણી જ્ઞાતિની નથી. મને ગમે છે. ગઈકાલે ધર્માએ એનાં મા-બાપને વાત કરી. એમણે સંમતિ આપી દીધી છે. હવે તમારે સંમતિ આપવાની છે. કાલે આપણે ધર્માનાં મમ્મી-પપ્પાને મળવા જવાનું છે. સાંજે તમે તૈયાર રહેજો. હું ઓફીસથી આવું એટલે ધર્માને ત્યાં જઈ આવીશું.”


વૈભવના બોલવામાં ક્યાંય પ્રશ્નાર્થ ચિહ્ન ન હતું કે તમારી સંમતિ છે કે નહીં એ પણ પૂછ્યું નહીં. કાલે સાંજે તમને અનુકુળ છે કે નહીં એવું પણ પૂછ્યું નહીં. એના દરેક વાક્યને અંતે પૂર્ણવિરામ જ હોય. ક્યાંય મા-બાપ માટે બોલવાની તક જ રાખી ન હતી.

બેલાબહેન બળાપો કાઢતાં રહેતાં હતા કે નોકરી કરતી લાવશે એટલે સાસુ નોકરડી બની જશે. સવારે દસ વાગ્યામાં ખભે પર્સ લટકાવીને પતિ સાથે સ્કૂટર પર બેસી જતું રહેવાનું. કોઈ જવાબદારી જ નહીં ને ? ભગવાને બબ્બે દીકરાઓ આપ્યા છતાંય પાછલી ઉંમરમાં હું ભગવાનની ભક્તિ કરી શકતી નથી. મારી જિંદગી તો આમ જ જતી રહેવાની. જવાનીમાં જવાબદારીનો ખડકલો હોય. સાસુ-સસરાની જવાબદારી, પુત્રોને ભણાવવાની જવાબદારી. પતિનો ઓફીસનો સમય સાચવવાની જાવાબદારી. ઈચ્છા હોવા છતાંય હું ભગવાનનું નામ ના લઇ શકી.

વૈભવનાં લગ્ન ધર્મા સાથે કરાવી પણ દીધાં. પરંતુ ધર્માની માએ દિકરીને શિખામણ આપવાને બદલે કહ્યું કે, “બેટા, ક્યારેક ક્યારેક આવતી રહેજે.” બેલાબહેનને થયું કે, કહી દે, “ક્યારેક ક્યારેક શા માટે ? દરરોજ બોલાવો ને ? મારે શું ? મારા નસીબમાં હવે એક વહુને બદલે બબ્બે વહુઓનાં વૈતરાં કરવા પડશે. જેવું મારું નસીબ.”

ધર્માનાં આગમનથી સારંગી બહું જ ખુશ થઇ ગઈ હતી. બોલી, “ધર્મા, તું એટલું યાદ રાખજે કે આપણા પતિઓ ઘણું કમાય છે એટલે આપણે કંઈ કામ કરવાની જરૂર નથી. કામ ના થતું હોય તો નોકર રસોઈયા રાખીને રહેવું જોઈએ. હવે તો તું પણ ઘરમાં આવી ગઈ છું અને તે પણ કમાતી. આપણે તો નક્કી જ કર્યું છે કે કંઈ જ કામ કરવું નહીં. મારી આ સલાહ તું ગાંઠે બાંધી દેજે.”

ધર્માએ કંઈ જ પ્રત્યુત્તર આપ્યો નહીં પણ ચૂપચાપ પોતાની રૂમમાં જતી રહી. સારંગી ખૂબ ખુશ હતી કે ધર્માને એણે જે સલાહ આપી એનો એણે વિરોધ કર્યો ન હતો. હા, પહેલાંનો જમાનો જુદો હતો કે સાસુનો હુકમ ચાલતો હતો. વહુઓ ચૂપચાપ ત્રાસ સહન કરતી રહેતી હતી. હવે તો જમાનો બદલાઈ જ ગયો છે.

શરૂઆતમાં તો વૈભવ અને ધર્મા બહારગામ ફરવા નીકળી પડ્યાં. બંનેએ સાથેજ રજાઓ લીધી હતી અને બંનેની રજાઓ સાથે જ પૂરી થતી હતી. રજા પૂરી થવાના આગલા દિવસે જ બંને જણા પાછા ફર્યા. આવ્યા બાદ ધર્મા એના તથા પતિના કપડા ધોવામાંજ પડી હતી.

બીજા દિવસે સવારે રસોડામાં અવાજ આવતા જ બેલાબહેન જાગી ગયા. જોયું તો ધર્મા રસોડામાં હતી. એટલું જ નહી, ધર્માએ નાહી ધોઈ સવારના છ વાગ્યામાં ચા બનાવી રહી હતી. તેથી તો ધર્માને જોઈ એના સાસુએ પૂછ્યું, “તને સવારના વહેલા ચા પીવાની ટેવ છે ?”

“ના, મમ્મી, હું નાહી ધોઈનેજ ચા પીવું છું. પરંતુ ઓફીસ જતા પહેલા રસોઈ કરીને જવાય અને અમારા બંને જણાના ડબ્બા બની જાય અને સાથે સાથે વિશાલભાઈનો ડબ્બો પણ બનાવી દઉં ને ?”

બેલાબહેન જાણતા હતા કે એમની હા ના કારણે સારંગી ઘરનું વાતાવરણ બગાડશે તેથી જ કહ્યું, ‘તને જેમ યોગ્ય લાગે તેમ કર.’

બેલાબહેનની ઈચ્છા હતી કે પુત્રવધું આવે તો એ દેવદર્શન પૂજાપાઠ બધુજ કરી શકે. પરંતુ નોકરી કરતી પુત્રવધુ શું કામ લાગે ? એવી એમની માન્યતા ધીરે ધીરે ખોટી ઠરતી ગઈ. રસોડું તો ધર્માએ સાચવીજ લીધું હતું. એની રસોઈ પણ સ્વાદિષ્ટ બનતી હતી. એની સામે ફરિયાદ કરવાનું કશું કારણ જ ન હતું. એમને થતું કે ધર્માનું જોઇને સારંગી પણ એની જવાબદારી સમજે. પરંતુ સારંગી તો ખુશ હતી. અત્યાર સુધી સાસુ કામ કરતી હતી હવે દેરાણી પણ એમાં જોડાઈ ગઈ. હવે તો એને કોઈ કહેનારજ ન હતું.

જોકે એ વારંવાર ધર્માને સલાહસૂચનો આપતી કે કમાતી વ્યક્તિએ ઘરનું કામ કરવાની શું જરૂર છે ? સવારની રસોઈનો ડબ્બો કરવા રસોઈવાળી બાઈ રાખી લેવાની. ધર્મા તને તો વૈતરાં કરવાની ટેવ પડી ગઈ છે. યાદ રાખજે તારી આ ટેવને લીધે તું દુઃખી થઇ જઈશ. પછી તો તારી ઈચ્છા.

ધર્મા હસીને બધુ સાંભળી લેતી. પરંતુ સારંગીએ થોડા જ સમયમાં અનુભવ્યું કે ધર્માનાં ચારેબાજુ વખાણ થાય છે. સાસરીપક્ષમાં કોઈ પણ મહેમાન આવે તો બેલાબહેનને અચૂક કહે, “તમે નસીબદાર છો કે તમને ધર્મા જેવી પુત્રવધુ મળી છે.”

સારંગીએ શરૂઆતમાં તો બહું ધ્યાનના આપ્યું. પરંતુ સારંગી ઘરમાં હોવાછતાં બધા પૂછતાં, “ધર્મા ક્યારે આવશે ?” ધર્મા આવે એટલે બધા એની સાથે હસી હસીને વાત કરે અને ધર્મા પણ આવનાર વ્યક્તિને એટલું જ માન આપતી. સારંગી મનમાં અકળાતી.

ધીરે ધીરે એને લાગવા માંડ્યું કે જાણે કે એનું આ ઘરમાં અસ્તિત્વજ નથી. જે માન ધર્માનું છે એ એનું નથી. એ કામ કરે તો પણ ઠીક, ના કરે તો પણ એને કોઈ કશું કહે નહીં. સાસુ પણ હવે એને કામ કરવાનું કહેતી ન હતી. પરંતુ એવામાં એક દિવસ બેલાબહેન દર્શન કરીને આવતા હતા ત્યારે રસ્તામાં પડી ગયા અને હાથે તથા પગે બંને જગ્યાએ ફ્રેકચર થઇ ગયું,

સમાચાર મળતાં જ ધર્મા દોડી આવી. ઘેર આવ્યા બાદ ધર્માએ સાસુને ઘણું આશ્વાસન આપ્યું હતું. એ તો એવું જ કહેતી હતી કે, “મમ્મી, તમે બચી ગયા એ જ બસ છે, દોઢ મહિનામાં પાટો છૂટી જશે. થોડા દિવસ કસરત કરવી પડશે પછી બધું પહેલા જેવું થઇ જશે. આ દિવસો તો તમે આંખો બંધ કરીને ખોલશો ત્યાં તો પસાર થઇ જશે.”

બીજા જ દિવસથી ધર્મા રજા ઉપર ઊતરી ગઈ હતી. સવારે સાસુને સ્નાન કરાવવું, માથું ઓળવું, કપડાં બદલાવવાં બધુ કામ ધર્માએ સહજ રીતે ઉઠાવી લીધું હતું. ક્યારેક તો બેલાબહેન બોલી ઊઠતાં, “ધર્મા, મારી દિકરી હોત તો પણ એણે તારા જેટલું ના કર્યું હોત, મારે કંઈ બોલવાની જરૂર જ નથી પડી. તું સહજ રીતે બધુ સમજી જાય છે.”

“મમ્મી, મારા દાદીને લકવો થઇ ગયેલો, ત્રણ વર્ષ સુધી મારી મમ્મીએ દાદીની સેવા કરી. હું એ બધુ જોતી હતી એટલે મને ખ્યાલ હતો જ કે બીમાર માણસ કે જે પથારીવશ છે એની જરૂરિયાત શું હોય !”

બેલાબહેન વિચારતાં હતા કે સારંગીને તો એની માએ શિખામણ આપેલી કે તું સાસરીમાં ભળી જજે. પરંતુ પાછળથી એમને ખબર પડેલી કે સારંગીની દાદીનું મૃત્યુ વૃદ્ધાશ્રમમાંજ થયું હતું. શિખામણ આપવી સહેલી છે પરંતુ ચાકરી કરવી અઘરી છે. ધર્માએ એની માને દાદીની ચાકરી કરતાં જોઈ એજ સંસ્કાર આવ્યા તેથી તો એને કોઈએ શિખામણ આપવી પડી નથી. સારંગીએ કેટલી બધી વખત કહેલું કે, “તું ઘરની જવાબદારી ઉઠાવી લે. પણ એને જવાબદારી સ્વીકારી ન હતી. એની મમ્મી મોડી જ ઉઠતી હતી. એના પપ્પા કેન્ટીનમાં જ જમી લેતા હતા. આજ એના ઘરનું વાતાવરણ હતું. હા, સારંગીનું રૂપ સ્વર્ગની અપ્સરાને પણ શરમાવે એવું હતું.”

સારંગી ઘરમાં બધુ ચૂપચાપ જોયા કરતી હતી. એક દિવસ ધર્માને ફોન પર વાત કરતાં સારંગીએ સાંભળી લીધું, ‘જુઓ, હું હજી એક મહિનો નથી આવવાની. કપાત પગારે રજા આપો અને રજા મંજુર કરવી ના હોય, તો હું મારું રાજીનામું મોકલી દઈશ. મને પૈસા કરતાં વધું મહત્વ મારી સાસુની દેખરેખનું છે. તમે વિચારી જોજો, બાકી મારા સાસુ ચાલતા નહીં થાય ત્યાં સુધી હું ઓફીસ નહી આવું. નહીં તો હું રાજીનામું મોકલાવી દઈશ.’

સારંગી સ્તબ્ધ બની ગઈ. તગડો પગાર મેળવતી ધર્મા રાજીનામું આપી દેશે ? ઘરમાં તો બધા કંઈ પણ કામ હોય તો ધર્માને બૂમ પડે છે. અત્યાર સુધી સારંગી માનતી હતી જે જિંદગી જીવવા માટે પૈસો જ સર્વસ્વ છે. એના દાદાની મિલકત માટે એના પપ્પા ને ફોઈઓ કોર્ટમાં ગયા હતા. પપ્પા તો વારંવાર કહેતાં, “પૈસો સર્વસ્વ છે. એ ગુમાવવાનું પાલવે એમ નથી. આ જમાનો જ એવો છે.” અને આ ધર્મા પૈસાને ઠોકર મારે છે. શું સાસુ પાસે કોઈ બાઈ ના રાખી શકાય ?

થોડી વારે એનું મન બોલી ઉઠ્યું, ધર્મા કરી શકે તો હું પણ કરી શકું ને ? આ ઘરમાં જે સ્થાન ધર્માનું છે એ જ સ્થાન મારું છે. અને હું આ ઘરમાં સૌથી મોટી છું. બીજા દિવસે સવારે સારંગી વહેલી ઊઠી ગઈ હતી. એને ત્રણ લંચબોક્સ તૈયાર કર્યા હતા અને ધર્માને કહી રહી હતી, “તમે ઓફીસ જાવ, હું છું, ને મમ્મીને સંભાળીશ.” બધા આશ્ચર્યથી સારંગી સામે જોઈ રહ્યા.

ધર્મા ઓફીસ જતા પહેલા સાસુને મળવા ગઈ ત્યારે એ બોલ્યાં, ‘આ શું જાદુ થઇ ગયો ?’

ધર્મા હસતા હસતા બોલી, ‘આ જાદુ નથી. કોઈને પણ તમે સલાહ આપો કે શિખામણ આપો એની અસર ના થાય. પરંતુ ઘરના વાતાવરણની અસર થાય. સારા સંસ્કારને અનુસરવું બધાંને ગમતું હોય, પણ ક્યારેય કોઈ વ્યક્તિ આપણા કહેવાથી સુધારશે એ વાત ભૂલી જવાની.’

ધર્મા ઓફીસ જવા નીકળી ત્યારે એને વિશ્વાસ હતો કે સારંગી એના સાસુની મન દઈને ચાકરી કરશે. જોકે ધર્માની ખાતરી હતી કે હવે સારંગીના સૂર કર્ણપ્રિય અને મધુર હશે જ નહીં કે કર્કશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational