Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

સરખો ભાગ

સરખો ભાગ

5 mins
279


ધારીણીની આંખમાં આંસુ હતાં પણ કુદરત પાસે કયાં કોઈનું ચાલે છે ! વિડીયોકોલ કરીને માનસિક શાંતિ મળે કે મેં મોં જોયું અને વાત કરી. પણ રડતી વ્યક્તિના આંસુ ક્યાંથી લૂછાય ? ઉધરસ ખાતી વ્યક્તિના બરડે હાથ ફેરવી એને પાણી ક્યાંથી અપાય ! વિજ્ઞાન ગમે તેટલી શોધ કરે પણ થોડી મિનિટોમાં પ્રિય વ્યક્તિ પાસે તો ના પહોંચાય ને !

ધારીણીની આંખમાં આંસુ આવી ગયા. કોરોનાને કારણે બધી ફ્લાઈટ બંધ હતી. એની ઈચ્છા તો દોડીને એની મોટીબહેન ધરા પાસે પહોંચી જવાની હતી. એને નાનીબહેન રંગોળીને ભારત ફોન કરીને કહ્યું, "રંગોળી, મોટીબહેનની તબિયત સારી નથી, ફ્લાઈટ ચાલુ થશે તો હું તરત આવી જઈશ ત્યાં સુધી તું મોટીબહેનને સાચવી લે. બને તો તારા ઘેર થોડા દિવસ રાખજે.

જો ધારીણી મને સલાહ આપવાની જરૂર નથી. બાજુમાં આપણા ભાઈભાભી રહે છે. તો શું એમની કોઈ ફરજ નથી ? તને શોખ હોય જવાબદારી લેવાનો તો તું આવે ત્યારે તારે ઘેર લઈ જજે. બીજું કે મોટીબહેન પર કોઈએ બળજબરી તો કરી ન હતી કે તમારે લગ્ન નથી કરવાના એ તો એમને સ્વેચ્છાએ લીધેલો નિર્ણય હતો. લગ્ન કર્યા હોત તો એના સાસરીયાં એની સંભાળ રાખત. પરંતુ એમને નોકરી કરી આપણા લગ્નનો ખર્ચ ઉપાડી સમાજમાં વાહ વાહ મેળવવી હતી. દરેકે પોતાના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ.

"રંગોળી આ તું બોલે છે ? જે બહેને આપણા સુખ માટે રાતદિવસ એક કર્યા ક્યારેય એને પોતાના સુખનો વિચાર નથી કર્યો અને.. તું !"

"જો ધારીણી મારે તારી સલાહ સાંભળવી નથી. કોરોના કાળમાં પણ ચાર્ટડ પ્લેન કરીને આવી જા. આમ પણ તારે પૈસાની ક્યાં ખોટ છે ?"

"સાચી વાત છે. ઈશ્વરે પૈસો આપ્યો છે તો સદ્કાર્ય કરવા આપ્યો છે. મોટીબહેનને જરૂર હશે અને તું,સમતા કે ભાઈભાભી કરવા તૈયાર ના હોવ તો હું ચાર્ટડપ્લેન કરીને પણ આવીશ. જિંદગીમાં પૈસો ફરીથી મળશે પણ એકવાર ગયેલું માણસ પાછું નહીં મળે. કરેલા ઉપકારનો બદલો ના વાળી શકો તો આવતા જન્મે તો તમારે એનું કરવું જ પડે. "

"હું એવું કંઈ જ માનતી નથી અને જો તું માનતી હોય તો માનજે કે મારો નહીં મોટીબહેનનો આ બીજો જન્મ મારૂ ઋણ ચૂકવવા માટે થયો છે. બસ. . . " કહેતાં સમતાએ ફોન કટ કરી કાઢ્યો.

ત્યારબાદ ધારીણીએ સમતાને ફોન કર્યો.

ત્યારે સમતાએ કહી દીધું,"ધારીણી, મારે ઘેર મારા સાસુ પથારીવશ છે. મોટીબહેનને અહીં લાવું તો મારા સાસુને નહીં ગમે અને મારી ઝગડાળુ નણંદ તો મને કેટકેટલા મ્હેણાં મારશે ! ધારીણી, મારે તને મારૂ દુઃખ કહેવું ન હતું. ધારીણી પૈસો સુખ નથી આપતો. પૈસો હોવા છતાં પણ હું દુઃખી છું. હું જાણુ છું કે મારે મોટીબહેનનું કરવું જોઈએ પણ મારી મજબૂરી છે મને બને તો મને માફ કરજે.

આખરે લાગણીથી ખેંચાઈને ભાભીને ફોન કર્યો ત્યારે તો ભાભીએ રોકડું પરખાવી દીધું,

"અમે બાજુમાં રહીએ છીએ એનો અર્થ એ નથી કે જિંદગીભર અમે નણંદના વૈતરા કરીએ. મારી મા પણ બિમાર છે. મારી ભત્રીજીના લગ્ન છે મારે તો પિયરમાં દોડાદોડી રહે છે. મને આવા બધા કામ કહેવાની તમારી હિંમત કઈ રીતે ચાલી ? મારૂ ઘર કંઈ ખોડાઢોરોનું રહેઠાણ નથી. હવેથી આ બાબતમાં મને ફોન કરવો નહીં સમજ્યા ?"

દિવસો સુધી ધરા ભૂખી રહેતી છતાંય બાજુમાં રહેતાં ભાઈભાભી એની સંભાળ લેતાં નહીં. કયારેક સાસરે ગયેલી ભત્રીજી ખબર પૂછવા આવતી ત્યારે થાળી મૂકી જતી.

ત્યારબાદ પંદર દિવસ પછી ધારીણીએ ભારત આવીને પહેલું કામ ધરાને એના ઘેર લઈ આવવાનું કર્યું. યોગ્ય સંભાળને કારણે મહિના માં જ એની તબિયતમાં ફેર પડી ગયો. તેથી તો ધરા એના ઘેર જતી રહી.

ત્યારબાદ તો ધરાએ નક્કી કર્યું હતું કે મારે મારુ વસિયતનામું તૈયાર કરી જ દેવું જોઈએ. બીજા જ દિવસે વકીલને બોલાવી વસિયતનામું તૈયાર કરાવી દીધું. બે સાક્ષીની સહી સાથે રજિસ્ટ્રેશન પણ કરાવી દીધું.

ધરા પાસે પુષ્કળ પૈસો હતો કારણ બાપદાદાનું બધુ સોનું માબાપે ધરાને એવું કહીને આપેલું કે તેં તારાથી નાનાભાઈ બહેનોના લગ્નમાં ઘણો ખર્ચ કર્યો છે ખરેખર તો એ જવાબદારી અમારી છે પણ તેં તારી બચત વાપરી કાઢી. ધરા માબાપ ભેગી રહેતી હોવાથી માબાપ એના પૈસા લેતાં ન હતાં. ભાઈબહેનોના લગ્નબાદ ઘણી બચત થવા લાગી હતી. બચત પર વ્યાજ મળતું હોવાથી સતત એની બચત વધતી જ રહેતી હતી. નિવૃતિ બાદ પેન્શન મળતું પણ સાદાઈથી રહેનાર ધરાની પાસે પૈસામાં વધારો થતો જ રહ્યો.

એક રાત્રે ધરાએ જ્યારે છેલ્લો શ્વાસ લીધો એ પહેલાં વકીલ સાથે વાત થઈ ગઈ હતી.

જયારે વકીલે વસિયતનામું વાંચવાનું ચાલુ કર્યું તો બધા કહેવા લાગ્યા,"ધારીણીએ જ કંઈક કર્યું છે. એને ત્યાં એટલે જ લઈ ગઈ હશે."

કારણ વસિયત મુજબ એની તમામ રોકડ રકમના પાંસઠ ટકા રકમ ધારીણીને મળે. બાકીના ત્રણ ભાઈબહેનોને પાંચ પાંચ ટકા મળે. બાકીની વીસ ટકા રકમ દાન કરવી.

સોનું તથા ચાંદી બધુ જ ધારીણીનું રહેશે. એની ઈચ્છા મુજબ એ બધા ભાઈબહેનોને આપે. ઘર વેચીને જે રકમ આવે એના ભાગ પણ ધારીણી એની ઈચ્છા મુજબ ભાગ પાડે.

ત્યારબાદ તો બધા ધારીણીને જેમ ફાવે તેમ બોલતાં રહ્યા. પણ વકીલે કહી દીધું ,"જેમ લખ્યું છે એ મુજબ જ વહેંચણી થશે. "

ધારીણી ઉદાસ થઈ ગઈ હતી. એને તો આ વિષે કંઈજ ખબર પણ ન હતી. ધારાની વિધિ પુરી થતાં જ એણે બધા ભાઈ બહેનોને બોલાવ્યા. બધા પૈસાની લાલચે જ આવેલા.

ધારીણીએ કહ્યું,"જુઓ મારી ઉંમર સિત્તેરથી વધુ થઈ. બધા વચ્ચે બબ્બે વર્ષનું જ અંતર છે. હવે આપણે કેટલા વર્ષ જીવીશું એ ખબર નથી. અત્યાર સુધી બધા ભાઈબહેનો વચ્ચે ઘણો સંપ હતો. તમારા બધાની ઈચ્છા સરખા ભાગે વહેંચણી કરવાની છે. એ મુજબ દરેકને ભાગે વીસ ટકા આવશે. જે આપણે એ મુજબ વહેંચી લઈશું. કાલે બધાની હાજરીમાં તિજોરી ખોલીશું. દાગીનાના પણ સરખા ભાગ તમારા બધાની ઈચ્છામુજબ કરીશું. મારો નિયમ છે કે મારા ઘરમાં કકળાટ કરીને આવેેલો પૈસો ના જોઈએ. મારા ભાગના પૈસાનું પણ હું મોટીબહેન પાછળ દાન કરી દઈશ તથા જે દાગીના મારે ભાગ આવશે એનું ગરીબોના સમુહલગ્નમાં ગરીબ દીકરીઓને દાન કરી દઈશ."

બધા ભાઈબહેનો એમના ભાગના પૈસાનો હિસાબ કરતાં હતાં. ધારણી વિચારતી હતી કે ત્રણેય ભાઈબહેનો સરખો ભાગ ભલે કરે પણ મારો અને મોટીબહેનનો ભાગ દાન માટે સરખો રહેશે.

ધારીણીની બહેનપણીઓ કહેતી,"તું તારો પાંસઠ ટકા ભાગ લઈ લે. બધાને સરખો ભાગ જોઈ છે. તો બધા સરખે ભાગે ચાકરી કરવા કેમ ના આવ્યા ? એમની ભૂલ એમને બતાવવાની બહુ જરૂર છે. "ત્યારે ધારીણી કહેતી ,"આપણે તો પામર મનુષ્ય છીએ. આપણે કોઈને ભૂલ બતાવનારા કોણ ? દરેક જણ એમને યોગ્ય લાગે એમ કરે. આપણને જે યોગ્ય લાગે તે આપણે કરવું." ધારીણીના આવા વિચારોને કારણે તો એનો મિત્ર વર્ગ વિશાળ હતો.

ધારીણીનો પતિ કહી રહ્યો હતો ,"ધારીણી મને તારા માટે ગર્વ છે. મનદુઃખ કે કકળાટથી જે પૈસો આવે એ પૈસો કહેવાય, પરંતુ આ રીતે પ્રાપ્ત થયેલો પૈસો લઈને ખરેખર તો આપણે દાન કરવાનો નિર્ણય લઈને માનસિક શાંતિ પ્રાપ્ત કરી છે. હવે મોટીબહેનના ભાગનો પૈસો થોડા સમય માટે પણ ઘરમાં રહેશે તો એ લક્ષ્મી કહેવાશે. મનુષ્ય જ્યારે સરખા ભાગે પૈસો પ્રાપ્ત કરે છે ત્યારે એ સરખા ભાગે માનસિક શાંતિ ક્યાં મેળવી શકે છે ! કે જે આજે આપણે મેળવી છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational