Rajen Mehta

Drama Thriller Tragedy

3  

Rajen Mehta

Drama Thriller Tragedy

સ્પર્ધા પેજ લઘુકથા સ્પર્ધા

સ્પર્ધા પેજ લઘુકથા સ્પર્ધા

2 mins
7.3K


માટી (લઘુકથા ૧)

રામુઅે પોતાના ખેતરની કોઈ મરેલા ઢોરના ફાટી ગયેલા ડોળા જેવી તરડાયેલી માટી જોઈને નિસાસો નાંખ્યો. પોતાના બાકી રહેલા એક માત્ર બળદની રાશ પકડીને મનોમન એક નિર્ણય કરી લીધો. હજુ ગયા મહિને જ તેણે ઢોરના દલાલને એમ કહીને ભગાડ્યો હતો કે "ભલે ગામના મોટા ભાગનાઓએ પોતાના ઢોર કતલખાને વેચી ખાધા હોય પણ મારે મારા બળદને વેચીને પરમાટી નથી ખાવી."

પણ દુકાળની થપાટે અને દેવાના ડુંગરે રામુને અને તેના કુટુંબને એક જ મહિનામાં દાણા દાણા માટે વલખા મારતા કરી દીધા.

કતલખાને બળદ વેચવાથી વધારે ભાવ મળતો હતો. દલાલ સાથે વાત થઈ ગઈ હતી. તેણે બાજુના શહેરની એક ચોકડી પાસે બળદને લઈને રાત્રે આઠ વાગે જવાનું કહ્યું હતું. ત્યાંથી દલાલ બળદને ટેમ્પામા ચડાવીને તેની આખરી મંજીલે લઈ જનાર હતો.

અંધારૂ થવા લાગ્યું હતું. બળદ ચુપચાપ તેની પાછળ ચાલતો હતો. આવનાર પૈસાથી શું કરવું તેની ગડમથલમાં ચોકડી પણ આવી ગઈ. દલાલ અને ટેમ્પો રાહ જોઈને જ ઊભા હતા. બળદને બળજબરીથી ચડાવાયો. દલાલે નક્કી કરેલી કિંમત ચૂકવી આપી. બળદનો છેલ્લો ભાંભરવાનો અવાજ અને તેની લાચાર નજર રામુથી સહન ન થઈ એટલે તેણે દોટ મૂકી. સામે એક ઢાબા પર નજર પડતા જ તેને થયું કે ચાલ, આજે પત્ની અને છોકરાઓ માટે પેટ ભરાય એટલું ખાવાનું પાર્સલ લઈ લઉ. આવેલા પૈૈસામાથી તેણે પરોઠા શાક ભાતનું પાર્સલ બંધાવી લીધું.

ઘરે આવતા જ બધા તેના હાથમાં પાર્સલ જોઈને ઘેરી વળ્યા. પણ તરત જ બધાની નજર બળદની કોઢમાં રહેલી ખાલી જગ્યા પર ગઈ. બધાથી મોટો નિસાસો નંખાઈ ગયો.

બધા કુંડાળુ વળીને જમવા બેઠા. હજુ પહેલો કોળિયો લીધો ત્યાં જ પડોશના ફળિયામાંથી જોરથી કોઈના ઢોરનો ભાંભરવાનો અવાજ આવ્યો.

-અને એકસાથે જ બધા 'થૂ થૂ' કરતા ભાણા પરથી ઊઠી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama