સ્પર્ધા પેજ લઘુકથા સ્પર્ધા
સ્પર્ધા પેજ લઘુકથા સ્પર્ધા
બારી (લઘુકથા ૨)
નવા ફ્લેટમાં દાખલ થઇને સૌપ્રથમ બારી ખોલી. ખાસ એટલા માટે કે નવા ફ્લેટમાંથી બારી બહાર કેવી દુનિયા દેખાય છે? અને સામેના ફ્લેટની ખૂલતી બારીમાં કોઇ જોવા જેવું રહે છે કે નહીં? જેથી આ કુંવારા દિલને ઝડપથી ધડકવાનું કારણ મળે!
થોડી વાર સુધી કોઈ દેખાયું નહીં. પણ અચાનક અેક ખૂબસૂરત ચહેરો દેખાયો. અમારી ચાર આંખોનું તારામૈત્રક રચાયું પળ-બેપળ અને જાણે વીજળી દોડી ગઈ શરીરમાં. બે-ત્રણ દિવસ આવું અલપઝલપ ચાલ્યું પણ પછી ના દિવસોમાં સામેની બારી ખૂલવાની બંધ થઇ ગઇ. મારી બારી જાણે મારુ કાયમી નિવાસસ્થાન થઇ ગઇ પણ સામેની બારી ન જ ખૂલી.
એક દિવસ ન રહેવાયું. ખાંડ માંગવાના બહાને મારા એપાર્ટમેન્ટના ત્રણ માળ ઊતરીને સામેના એપાર્ટમેન્ટના ત્રણ માળ ચડીને પહોંચી ગયો સામને વાલી ખીડકીના ફ્લેટમાં. ફ્લેટ ખુલ્લો હતો. આગલા રૂમમાં એક માજી બીજી બાજુ પડખું ફરીને સૂતા હતા. અને મારી પ્રિય બારીવાળા રૂમમાં જઈને જોઉં છું તો......
મારી બારીમાં મારી હાજરી શોધતી બે આંખો ચકળવકળ થઈને પોતાની બંધ બારીની તિરાડમાંથી મને શોધી રહી હતી..!

