STORYMIRROR

dinesh Nayak "Akshar"

Inspirational

4  

dinesh Nayak "Akshar"

Inspirational

સંવેદનાનું સરોવર

સંવેદનાનું સરોવર

3 mins
3

 અરવલ્લીની  ગિરિમાળાઓના ખોળામાં વસેલું સરડોઈ ગામ આમ તો શાંત અને રળિયામણું, પણ આજે તેની હવામાં એક અજીબ ભારેખમ મૌન વ્યાપેલું હતું. પક્ષીઓનો કલરવ પણ જાણે ક્યાંક થંભી ગયો હતો. ગામના પાદરે આવેલા સૂકાભઠ તળાવમાં પાવડા પછાડવાનો અવાજ આવતો હતો, પણ એ અવાજમાં આજે કોઈ ઉત્સાહ નહોતો. મનરેગા યોજના હેઠળ તળાવ ઊંડું કરવાનું કામ ચાલી રહ્યું હતું. પચાસ-સાઠ શ્રમિક બહેનો ધોમધખતા તાપમાં પરસેવે રેબઝેબ થઈને માટી ખોદી રહી હતી, પણ દરેકના ચહેરા પર છવાયેલી ઉદાસી વાતાવરણને વધુ તપ્ત બનાવી રહી હતી. ગઈકાલે સવારે ગામ પર જાણે કાળમીંઢ વીજળી ત્રાટકી હતી. ગામથી દૂર લગ્નપ્રસંગમાં પીરસવા ગયેલી ગામની છ-છ દીકરીઓ માર્ગ અકસ્માતનો ભોગ બની હતી. જે આંગણામાં કાલ સુધી ખુશાલી હતી, ત્યાં આજે એકસાથે છ આંગણે હૈયાફાટ રુદન હતું. આખું ગામ સ્મશાનવત બની ગયું હતું. માટીના તગારા ઉપાડતી એક શ્રમિક બહેને સાડલાના છેડેથી આંખ લૂછતા પાવડો બાજુ પર મૂક્યો. એની નજર સામે પેલી દીકરીઓના ચહેરા તરી આવ્યા. બપોરના વિરામનો સમય થયો, પણ ઝાડના છાંયે બેસીને રોટલા ખાવાનું મન આજે કોઈને નહોતું. વાતાવરણમાં માત્ર ડૂસકાંનો અવાજ હતો. ત્યાં જ જમનાએ પોતાનો પાવડો એક પથ્થર પર પછાડીને મૌન તોડ્યું, "બહેનો, પથ્થર તોડ્યે આ હૈયાની કળતર નહીં ઓછી થાય. આપણે પણ ગામની આ દીકરીઓ માટે કંઈક કરવું પડશે." ગામના સોશિયલ મીડિયા ગ્રુપમાં સવારથી આર્થિક મદદની અપીલો વહેતી થઈ હતી. કોઈ સજ્જન લખતા હતા કે પરિવારો ગરીબ છે અને દીકરીઓ જ ઘરનો આધાર હતી, હવે આ પહાડ જેવું દુઃખ એ લોકો કેમ કરી વેઠશે? આ સાંભળી શાંતાએ લમણે હાથ મૂકીને પૂછ્યું, "પણ, આપણે તે શું કરી શકીએ? આપણે તો આખો દિવસ ધૂળ ફાંટીએ ત્યારે માંડ સો-બસ્સો રુપરડી ભેગી થાય છે. આપણે તે વળી શું દાન આપવાના ?" ત્યારે જ યુવાન શ્રમિક કૈલાસે પોતાનો ફોન હાથમાં લીધો. એના હાથ માટીથી ખરડાયેલા હતા, પણ એની આંગળીઓ આજના યુગની ટેક્નોલોજીથી પરિચિત હતી. તેણે મક્કમતાથી કહ્યું, "જુઓ બહેનો, ટીપે ટીપે જ સરોવર ભરાય. આપણા મનરેગાના ખાતામાં જે મજૂરીના પૈસા જમા થયા છે, એમાંથી જેની જેટલી શક્તિ હોય એટલા રૂપિયા અત્યારે જ ઓનલાઇન મોકલીએ. આપણી આ 'મનરેગા ફેમિલી' જો ધારે તો મદદની સરવાણી વહેતી કરી શકે!" પછી તો જાણે માનવતાનું ઝરણું ફૂટ્યું. પસીનાથી રેબઝેબ હાથોએ પાવડા છોડી ફોન હાથમાં લીધા. જે ખાતામાં માંડ-માંડ રકમ જમા થતી હતી, એ જ ખાતામાંથી બહેનોએ ફંડ ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. કોઈના સો, કોઈના બસ્સો તો કોઈના પાંચસો. આંગળીના ટેરવે વહેતું એ દાન સૂકી માટી પર પડતા વરસાદના ટીપાંની જેમ એકઠું થવા લાગ્યું. એક શ્રમિકે ચિંતા સાથે પૂછ્યું, "પણ કૈલાસ, આટલા રૂપિયાથી શું વળશે? શું એમની દીકરીઓ પાછી આવશે?" ત્યારે કૈલાસનો અવાજ ભીનો છતાં મક્કમ હતો, "આ રકમ નથી, આ તો એ પરિવારોના જખમ પર આપણી છાતીની ચીસ છે. એમને એમ ન થવું જોઈએ કે આ કપરા સમયમાં એમના આંસુ લૂછનાર કોઈ નથી. આ તો આપણે ગામની દીકરીઓને છેલ્લી વિદાય આપીએ છીએ." સાંજ સુધીમાં 'મનરેગા ફેમિલી' વતી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સરાહનીય દાન જમા થઈ ગયું. કોઈ આલીશાન બંગલામાં રહેતા લોકો માટે આ રકમ કદાચ ક્ષુલ્લક હોય, પણ પરસેવાની મહેનતમાંથી નીતરેલું એ માતૃત્વ અપરિમિત હતું. સૂરજ ઢળી રહ્યો હતો ત્યારે સરડોઈના એ તળાવનો કોરો કિનારો અને આસપાસની હવા પણ જાણે સ્થિર થઈને આ ‘માનવ-યજ્ઞ’ને વંદન કરી રહી હતી. મનરેગાના એ ખાતામાંથી વહેલી કરુણાએ આજે તળાવના એ નિર્જીવ ખોદકામને સાચા અર્થમાં ‘સંવેદનાનું સરોવર’ બનાવી દીધું હતું. મુઠ્ઠી ઊંચેરા એ શ્રમિકોએ સાબિત કર્યું હતું કે પથ્થર તોડનારાઓના હૃદય ક્યારેય પથ્થરના નથી હોતા.

 -દિનેશ નાયક 'અક્ષર'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational