સંમોહન
સંમોહન
ઇશ્વરે આ જગતમાં અનેક જીવનું સર્જન કર્યું. પશુ, પંખી, માનવ…
કહેવાય છે કે માનવ એ ઈશ્વરનું સૌથી અનોખુ સર્જન છે. દિલ અને દિમાગનો અદ્ભૂત સમન્વય ધરાવતી માનવજાત આજે લગભગ દુનિયા પર પોતાનું સામ્રાજ્ય સ્થાપી ચૂકી છે. મનોવિજ્ઞાન મુજબ માનવીના ઘડતરમાં વારસાની સાથે વાતાવરણ પણ એટલી જ મહત્વની ભૂમિકા ધરાવે છે. બાળકના માનસિક-શારીરિક ઘડતર પર એને વારસામાં જે જિન્સ મળ્યા છે એ તો અસર કરવાના જ છે પણ સમજણું થાય ત્યારે આસપાસનું-બહારનું વાતાવરણ પણ એના ઘડતરને અસર કરવાનું. આપણા પર- આપણી સમજણ પર, આપણા મન પર પણ આસપાસનું વાતાવરણ અસર કરે જ છે. એના અનુસંધાનમાં આજે જ વાંચેલું એક દ્રષ્ટાંત અહીં ટાંકવાનું મન થાય છે.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સમાન બુધ્ધિ પ્રતિભા ધરાવતા હોય એવા એક વર્ગના વિદ્યાર્થીઓ પર એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ કરવામાં આવ્યો. આ વર્ગના વિદ્યાર્થીના બે જૂથ પાડવામાં આવ્યા.
પ્રથમ જૂથને એક અલગ ખંડમાં લઈ જઈને બ્લેકબોર્ડ પર એક ગણિતનો ગૂંચવણભર્યો પ્રશ્ન લખીને એને ઉકેલવાનું કહેવામાં આવ્યુ. સાથે એવું પણ જણાવવમાં આવ્યું કે આ પ્રશ્ન ખરેખર એટલો ગૂંચવણભર્યો છે કે તમારામાંથી ભાગ્યેજ કોઈ એનો ઉકેલ શોધવમાં સફળ થશે. તમારાથી પણ ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ પણ માંડ આનો ઉકેલ શોધી શક્યા હતા એટલે તમને પણ સફળતા મળશે કે કેમ એ શંકા તો છે જ પણ તેમ છતાં તમારી પાસે સમજી વિચારીને આનો ઉકેલ લાવવાની તક છે. અજમાવી જુઓ.
આ જૂથે ખૂબ મહેનત કરી પરંતુ એ પંદર વિદ્યાર્થીઓના જૂથમાંથી ત્રણ જ વિદ્યાર્થીનો જવાબ સાચો પડ્યો.
હવે બીજા જૂથને ગણિતનો આ જ પ્રશ્ન ઉકેલવાનું કહેવામાં આવ્યું.
સાથે એમને એમ કહેવામાં આવ્યું કે આ એકદમ સહેલો પ્રશ્ન છે. આનો ઉકેલ લાવવામાં ભાગ્યેજ કોઈ નિષ્ફળ જશે. તમારાથી નીચલા વર્ગના વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નનો ઉકેલ શોધી શક્યા હતા. જ્યારે તમે તો એમનાથી બુધ્ધિશાળી વિદ્યાર્થીઓની ગણતરીમાં આવો છો.
હવે જોવાની મઝા એ છે કે આ જૂથના પંદર વિદ્યાર્થીઓમાંથી બાર જણ એનો સાચી રીતે ઉકેલ લાવી શકયા હતા.
સીધી વાત- જો આપણી આસપાસનું વાતાવરણ જો મનને સકારાત્મક રીતે ઊર્જિત કરનારું હોય તો મન સાચે જ સકારાત્મક બનશે પણ જો આપણા મનને નિર્બળ બનાવે એવું વાતાવરણ હશે તો ચોક્કસ એની અસર આપણા મન અને પછી વર્તન પર થવાની જ. કોઈપણ બાળક કે વ્યક્તિને પણ સતત એમ કહેવામાં આવે કે આ કામ તો તું કરી જ શકીશ. એ કાર્ય કરવા એ ઉત્સાહિત તો જરૂર થશે જ અને એમાં સફળ થવાની શક્યતા વધી જશે.
હિપ્નોટિઝમ શું છે ? આપણે ઘણીવાર સ્ટેજ પર પણ એવા હિપ્નોટિઝમનના પ્રયોગો જોયા હશે. એ હિપ્નોથેરેપિસ્ટ સતત એકધારી સૂચનાથી આખા વૃંદને સંમોહિત કરતા હોય છે. જો આપણા મન પર કોઈના કીધાથી સારી કે ખોટી, સકારાત્મક કે નકારાત્મક અસર થતી હોય તો એ જ બાબતને આપણે જાત અનુભવમાં પણ મૂકીએ, આપણા મનને સતત એવા આદેશ આપીએ કે જે આપણી સકારાત્મકતાને ઊર્જિત કરે. જે કામ કોઈ હિપ્નોથેરાપિસ્ટ કરી શકે એ જ રીત આપણે પણ અમલમાં મૂકી જ શકીએ ને ?
