સંઘર્ષનો વિકલ્પ
સંઘર્ષનો વિકલ્પ
સૂરજના પિતા હસમુખલાલ, ગર્ભશ્રીમંત હતા, તેથી સૂરજનો ઉછેર પણ તેવી જ રીતે થયો હતો. ક્યારેય પણ કોઈ વસ્તુની ઉણપ નહીં. જરૂર પહેલાં, અથવા તો તે માંગે તેના પહેલા વસ્તુ ઘરમાં હાજર થઈ જતી. હસમુખલાલની આ આદતના કારણે સૂરજના મમ્મી, તરલાબેન ક્યારેક ગુસ્સે થઈ જતાં અને હસમુખલાલને કહેતાં, " તમે જ છોકરાને બગાડો છો. બહુ છૂટછાટ આપી દીધી છે તેને. દરેક વસ્તુ થાળીમાં પીરસીને આપો છો, તો તેને સંઘર્ષ કરવાની ખબર ક્યારે પડશે ?" અને પછી હસમુખલાલ અને તરલાબેન વચ્ચે સૂરજને લઈને મીઠી નોકઝોક શરૂ થઈ જતી, અને સૂરજ ધીરે રહીને રૂમની બહાર નીકળી જતો. સૂરજને પણ એમ જ લાગતું કે, મમ્મી નાહકની ચિંતા કરે છે. બધું જ તો છે આપણી પાસે. નોકર ચાકર, ગાડી, બંગલો અને પપ્પાનો વેલસેટ બિઝનેસ. હું ભણીશ નહીં, તો પણ પપ્પાના બિઝનેસમાં સેટ થઈ જઈશ.
આમ ને આમ વિચારવામાં સૂરજનું ૧૦મું ધોરણ પૂર્ણ થયું. જેમ તેમ કરીને ૬૫% આવી ગયા હતા, એટલે સ્ટેટસ ખાતર પપ્પાએ સાયન્સ લાઈન લેવડાવી. ૧૧ સાયન્સમાં બે વાર પ્રયત્ન કર્યા પછી, ત્રીજી વારે ૧૨ સાયન્સમાં આવવા મળ્યું. હસમુખલાલને એમ કે ગમે તેમ કરીને સૂરજ સિવિલ એન્જિનિયર બની જાય એટલે ગંગા નાહ્યા. પછી એ આગળ ભણે કે ના ભણે, પણ પોતાનો કન્સ્ટ્રકશનનો બિઝનેસ તો સંભાળી લેશે. હસમુખલાલે સૂરજને ૧૨ સાયન્સમાં પાસ કરાવવા માટે પણ ફૂલ સેટિંગ કરી રાખ્યું હતું, એટલે બાપ - બેટા બંને ને કોઈ ચિંતા હતી નહીં. આખા ગામનો ભાર હતો, તો ખાલી તરલાબેનના માથે. તે સૂરજની ચિંતામાં ને ચિંતામાં અડધા થઈ જતાં, અને સૂરજ તેમજ તેના પપ્પા બંને ખાઈ પીને તાજા માજા રહેતા.
૧૨ સાયન્સની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. સૂરજને તેના પિતા પર પૂર્ણ ભરોસો હતો. પરંતુ કહેવાય છે ને કે, "વિધિના લેખ કોઈ જાણી શક્યું નથી." સૂરજના બે પેપર પૂરા થયા અને ત્રીજા પેપરમાં જ હસમુખલાલને હૃદયનો હુમલો આવ્યો અને તે મૃત્યુ પામ્યા. સૂરજને આ ઘટનાની જાણ પેપર પત્યા પછી થઈ. પોતાના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવું તેને લાગ્યું. સૂરજ બાકીના પેપર પણ ન આપી શક્યો. હવે તેને જિંદગીની વાસ્તવિકતા સમજાઈ. તેને મમ્મીનાં શબ્દો યાદ આવવા લાગ્યા. બિઝનેસ ઓછો થઈ ગયો અને આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નહિ. ઘરમાં ખાવાના ફાંફાં પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. આવા સમયે સૂરજને તેના પપ્પા યાદ આવ્યાં અને થયું કે, "આજે જો પપ્પા જીવતા હોત તો અમારે આ દિવસ ક્યારેય ન જોવો પડતો." તેને રડતો જોઈ, તરલાબેન તેને હિંમત આપતાં, "કે હજુ કંઈ વીતી ગયું નથી. તારા પપ્પાનો બિઝનેસ તો છે જ. બસ તારે સારું ભણવાનું છે, અને તારા પપ્પાની જેમ બિઝનેસમાં નામ કમાવવાનું છે." તેમણે સૂરજને એ પણ સમજાવ્યું કે બેટા, "કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. અથાગ મહેનત અને મજબૂત મન, આ બંને ને તારા હથિયાર બનાવ, તને સફળતા ચોક્કસ મળશે."
બસ આ વાત સૂરજના મનમાં વસી ગઈ. તે દિવસથી તેણે નક્કી કર્યું કે પોતાની પાસે ૧ વર્ષનો સમય છે, ૧૨ સાયન્સમાં પાસ થવા માટે. આજથી જ તેણે મહેનત શરૂ કરી દીધી. આર્થિક કટોકટીના કારણે કોઈ જ ટ્યુશન નહીં, ઘરે જાતે જ મહેનત કરતો. ના સમજાય કે ના ખબર પડે તો ૧૦ વાર લખી લખીને પણ તૈયાર કરતો. સૂરજની મહેનત જોઈ, તરલાબેન પણ હરખાતાં. ક્યારેક હસમુખલાલના ફોટા આગળ દીવો કરતી વખતે તેમની સામે જોઈને કહેતાં પણ ખરા, "આપણો દીકરો ખૂબ જ સમજદાર બની ગયો છે. હવે ફરી સુખના દિવસો બહુ દૂર નથી." એક વર્ષ પછી ફરીથી પરીક્ષા આવી. આ વખતે સૂરજની પાસે મમ્મીનાં આશીર્વાદ અને પોતાનો અથાગ પરિશ્રમ બંને હતાં. બધા જ પેપર ખૂબ સરસ ગયા, અને પરિણામ પણ તેટલું જ ઉત્તમ આવ્યું. તે સમગ્ર જિલ્લામાં ૮મા નંબર અને સ્કૂલમાં દ્વિતીય નંબર સાથે ઉત્તીર્ણ થયો. તરલાબેન તો રાજીના રેડ થઈ ગયા. તે સાંજે સૂરજ અને તરલાબેન મીઠાઈ બનાવીને જમ્યા.
સૂરજે જીવનમાં નિષ્ફળતા ખુબ નજીકથી જોઈ હતી, અને સફળતાનો સ્વાદ પણ ચાખ્યો હતો. હવે તેને સફળતા ગમવા લાગી હતી. તેને પોતાને પણ સમજાઈ ગયું હતું કે, "સફળતાનો કોઈ વિકલ્પ નથી, બસ પરિશ્રમ એકમાત્ર તેનો ઉપાય છે." આજે સૂરજ ખૂબ જ મોટો સિવિલ એન્જિનિયર બની ગયો છે. તેની ડિઝાઇન દેશ વિદેશમાં મોટા મોટા બિલ્ડિંગ બનાવવા માટે વપરાય છે. હવે તરલાબેનને પણ નિરાંત છે, અને તે સૂરજ માટે એક સુંદર છોકરી શોધે છે. જેની સાથે સૂરજને પરણાવી અને પોતે આ જવાબદારીમાંથી નિવૃત્ત થઈ જવા માંગે છે.
આ પ્રસંગે એક વાક્ય અવશ્ય યાદ કરવું રહ્યું કે,
" સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત તેના નકશામાં નથી હોતી..."
