STORYMIRROR

Rajul Shah

Inspirational Others

3  

Rajul Shah

Inspirational Others

સંબંધોની ગરિમા

સંબંધોની ગરિમા

3 mins
30.1K


સંબંધોની દુનિયા કેટલી નિરાળી છે નહી ? મન મેળ હોય ત્યારે મહિનાઓ સુધી મળવાનું ન થાય તો ય કોઈ ફરિયાદો નથી હોતી પણ મળીને જો મનદુઃખ થાય તો કાચની જેમ તિરાડ પડતા પણ વાર નથી લાગતી અને પછી તો મન-મોતી અને કાચ તુટ્યા પછી એ ક્યાં સંધાય છે અને માટે જ આપણે એની નાજુકતા પારખીને એનું જતન કરીએ છીએ ને ?

અહીં વાત કરવી છે બે મિત્રોની. બંને વચ્ચે અત્યંત ગાઢી મૈત્રી. દોસ્તીની મિસાલ આપી શકાય એવી. બંનેની પ્રકૃતિ પણ લગભગ એક સમાન. હવે એકવાર એવું બન્યું કે બંને જણ પ્રવાસાર્થે નિકળ્યા. વચ્ચે રસ્તામાં રેતાળ વિસ્તારમાંથી પસાર થતા હતા. કોઈપણ કારણસર બંને ચર્ચા પર ઉતરી પડ્યા. આવું તો ઘણી વાર એમની સાથે બન્યું હતું એટલે એમાં કોઈ નવાઈની વાત પણ નહોતી. બંને વચ્ચે વાદ હતો, સંવાદ હતો પણ ક્યારેય વિવાદ નહોતો. પણ ક્યારેય નહોતું બન્યું એવું એ દિવસે બન્યું. ચર્ચામાંથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને એક મિત્રએ ઉશ્કેરાઈને બીજા મિત્રના ગાલ પર તમાચો માર્યો.

બીજા મિત્રએ જરાય અકળાયા વગર રેતી પર લખી દીધું, “આજે મને મારા સૌથી જીગરી મિત્રએ તમાચો માર્યો.”

અને બંને મિત્ર આગળ ચાલ્યા. થોડીવારના મૌન પછી બંને વચ્ચે સમાધાન પણ થઈ ગયું અને વાત પતી ગઈ. આગળ જતા નદી આવી. નદી પાર કરવા જતા બીજા મિત્રનો પગ પાણીમાં લપસ્યો અને એ પાણીના વહેણમાં તણાવા લાગ્યો. પહેલા મિત્ર કે જેણે ઉશ્કેરાઈને તમાચો મારી દીધો હતો એણે પોતાના જીવની પરવા કર્યા વગર વહેણમાં તણાતા મિત્રને બચાવી લીધો.

કિનારે આવીને થોડીવાર શ્વાસ હેઠો બેસતા પેલા બીજા મિત્રએ એક શિલા પર અણીદાર પત્થરથી કોતર્યું, “ આજે મારા સૌથી જીગરી મિત્રએ મારો જીવ બચાવ્યો.

આ જોઈને પહેલા મિત્રને નવાઈ લાગી. એને થયું કે પહેલા રેતી પર લખ્યું અને હવે શિલા પર કોતર્યુ કારણ?

બીજા મિત્રને કારણ પૂછતાં એણે જવાબમાં શું કહ્યું એ આપણે એના જ શબ્દોમાં જાણીએ.

“તેં મને તમાચો માર્યો ત્યારે મને ખરેખર ખૂબ દુઃખ થયુ હતું. તું મારી સાથે આવો વ્યહવાર કરે એ મારા માન્યમાં આવતું નહોતું. આઘાત પણ ઘણો લાગ્યો જ હતો. મારે મારા આઘાતને, મારા ઉભરાને ઠલવી દેવો હતો જેથી મારું મન હળવું થઈ જાય આથી મેં મારા દુઃખને રેતી પર લખીને વ્યક્ત કર્યું. રેતી પરનું લખાણ પવનના સપાટાની સાથે ઉડી જાય છે ને ? એની પરનું લખાણ ભૂંસાઈ જાય છે ને ? એવી રીતે સમયના સપાટાની સાથે મારું દુઃખ પણ ઉડી જાય અને મનમાંથી ભૂંસાઈ જાય એવું હું ઇચ્છતો હતો. જ્યારે તેં મારો જીવ બચાવ્યો ત્યારે એ ઉપકાર મારે હંમેશ માટે યાદ રાખવો હતો. કોઈ આપણી પર ઉપકાર કરે એ પથ્થરની લકીરની જેમ આપણા હ્રદયમાં કાયમી અંકિત થયેલું રહેવું જોઈએ, હંમેશ માટે મનમાં જડાઇ રહેવું જોઈએ ને ? આથી મેં એને શિલા પર કોતરી દીધું.

કેવી સરસ વાત ! સંબંધોના વ્યહવારો પણ રેતી અને પત્થર પરના લખાણની જેવા જ હોવા જોઈએ. તકલીફ કે દુઃખની વાત મનમાંથી જેટલી જલદી વિસરી જઈએ એટલું આપણા માટે અને આપણા સંબંધોની સાચવણી માટે જરૂરી છે. પ્રસિધ્ધ અમેરિકન મોટીવેશનલ સ્પીકર અને લેખક એન્થની રોબીન્સ કહે છે એમ આપણા જીવનની ગુણવત્તા એ ખરેખર તો આપણા સંબંધોની ગુણવત્તા કેવી છે એના પર આધાર રાખે છે .

સીધી વાત- સંબંધોની ગુણવત્તા, સંબંધોની ગરિમાનો આધાર આપણા પર છે. એ ગુણવત્તા- એ ગરિમા સાચવવા શું યાદ રાખવું અને શું વિસારે પાડવું એ આપણે નક્કી કરવાનું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational