સિક્કાની બે બાજુ
સિક્કાની બે બાજુ
દરેક વ્યક્તિના જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ માટે બે વિકલ્પ હોય છે. હા કે ના અને સાચું કે ખોટું એ સનાતન સત્ય ચાલતું જ રહ્યું છે. એક વ્યક્તિને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે જ્યારે બીજો તેને હતાશા અને નકારાત્મકતા તરફ પ્રેરે છે. વ્યક્તિના પોતાનાં પર આધાર રાખે છે કે તે કઈ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે. આશાવાદી બનીને આગળ વધે છે કે નિરાશ થઈને પોતાના નસીબનો વાંક કાઢે છે.
સુખ અને દુઃખ એ વ્યક્તિના જીવનમાં સિક્કાની બે બાજુ સમાન છે, જે ક્યારે એકબીજાથી અલગ નથી. બંને સાથે જ રહે છે. જેમ સિક્કાની ક્યારેક હેડ બાજુ આવે તો ક્યારે ટેલ એમ મનુષ્ય જીવનમાં પણ ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવતા રહે છે.
વ્યક્તિના જીવનમાં સફળતા એ તેના જીવનનાં ઉદ્ધારની સીડી છે, જ્યારે નિષ્ફળતા એ જીવનને વધુ ઉન્નત બનાવવા માટેની જીવાદોરી સમાન છે. સફળતા વ્યક્તિને જીવનમાં આગળ વધારે છે, સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. જ્યારે નિષ્ફળતા એ વ્યક્તિને વધારે મજબૂત બનવા માટે પ્રેરકબળ પૂરું પાડે છે. વ્યક્તિમાં હિંમત, ઊર્જા અને સંઘર્ષ કરવા માટે પ્રેરણા આપે છે.
વ્યક્તિને જીવનમાં મળતી સફળતા ક્યારેક અણધારી નિષ્ફળતામાં પલટાઈ જાય છે, તેની તેને ખબર પણ નથી હોતી. જીવનમાં મળતી નિષ્ફળતા એ કંઈક વધારે સારું કરવા માટે પણ હોય છે, પરંતુ જો વ્યક્તિ એ સમજીને આગળ વધે જીવનમાં એ પોતાનાં લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
દુનિયામાં માત્ર 5% વ્યક્તિ જ આવો વિચાર કરીને આગળ વધીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે. 10% વ્યક્તિ માત્ર વિચાર કરીને જ બેસી રહે છે, અને 85% વ્યક્તિ નિષ્ફળતાને પચાવી શકતા નથી. વ્યક્તિ હતાશ બની આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે.
આ જગતમાં ઘણી વ્યકિતઓએ નિષ્ફળતા એક, બે, કે ત્રણ વાર નહીં પણ ઘણી વાર સહન કરી છે. છતાં પણ પોતાની હિંમત અને સંઘર્ષ વડે પોતાનું લક્ષ્ય મેળવી શક્યા છે.
મિસાઈલ મેન તરીકે જાણીતા આપણા સૌના માનીતા એવાં ડૉ. કલામ પણ એક જ વખતનાં પ્રયત્નમાં મિસાઈલને અવકાશમાં મોકલવાના પ્રયોગમાં સફળ નહોતા થયા. ઘણાં પ્રયત્નો કર્યા પછી પોતાનું સપનું પૂર્ણ કરી શક્યા હતા.
જાણીતા વૈજ્ઞાનિક એવાં એડિસન કે જે બાળપણથી જ સંશોધનવૃત્તિ ધરાવતાં હતાં. તેમની માતાએ ખૂબ જ સંઘર્ષ કરીને તેમને જીવનમાં આગળ વધાર્યા હતાં. એડીસનની એક અતિ મહત્વની શોધ કે જેનાં માટે તેમણે 9999 વખત પ્રયત્નો કર્યા હતા અને 10,000 માં પ્રયત્ને તેમને પોતાનું લક્ષ્ય મળ્યું. 9999 વખત જ્યારે પ્રયત્નો નિષ્ફળ થયાં ત્યારે તેમણે સકારાત્મક વિચાર કર્યો કે મારા પ્રયોગ માટે 9999 પ્રયત્નો ઓછા હતાં. આટલા બધાં પ્રયત્નો કરવાં કંઈ નાની વાત નહોતી. આપણે કોઈ પણ કામ માટે જો 10 વખત પ્રયત્ન કરીએ તો પણ 11 મી વખત કરતાં થાકીને હારી જઈએ છીએ. જો એડિસન આટલા બધાં પ્રયત્નો કરવા છતાં હાર માની લીધી હોત તો આજે આપણે પ્રકાશ ના મેળવી શક્યા હોત, અંધારામાં રહેતાં હોત.
આ જગતમાં ઘણી વ્યક્તિઓ છે કે જેમણે પોતાનાં જીવનની શરૂઆતમાં ગમે એટલી નિષ્ફળતા મેળવી હોય તો પણ હતાશ થઈને બેસી રહેવાની બદલે હિંમત રાખી સંઘર્ષપૂર્વક આગળ વધતા રહ્યા છે. એક સફળ વ્યક્તિ તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
મહાન ગણિતશાસ્ત્રી આઈન્સ્ટાઈન જેમની ઓળખ એક મંદબુદ્ધિના બાળક તરીકે થતી હતી છતાં પણ હતાશ થયાં વિના પોતાનો અભ્યાસ કરતાં રહ્યા. શાળામાંથી બહાર કાઢી મૂકતાં તો પણ હતાશ થયાં વિના અભ્યાસ કરતાં રહ્યાં અને જીવનમાં એટલી સફળતા મેળવી કે E=mc² દ્રવ્યમાન ઊર્જા સમીકરણની રચના કરી જેના માટે 14 મી માર્ચ તેમની યાદમાં જીનીયસ ડે તરીકે ઉજવવામાં આવે છે. તેઓ કહેતા કે શિક્ષા એવી હોવી જોઈએ જે તમને ત્યારે પણ યાદ રહે જ્યારે તમે બધું જ ભૂલી ગયા હોય જે યાદ હતું.
અભ્યાસ જ સફળતાનો મૂળમંત્ર છે. વ્યક્તિનાં જીવનમાં મળતી નિષ્ફળતાને માત્ર વારંવારના અભ્યાસ વડે જ પાર પાડી શકે છે, અને પોતાનાં લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. કોઈ પણ વસ્તુનો સતત અને નિરંતર અભ્યાસ તેને સફળતાના દ્વાર સુધી પહોંચાડે છે.
"સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય"
