શક્તિરૂપા
શક્તિરૂપા


નવરાત્રી શરૂ થઈ ગઈ હતી બે દિવસ તો માંડ માંડ પોતાના મન અને તનને ગૌરીએ રોકી રાખ્યા હતા. પણ હવે તેનું મન ગરબે ઘૂમવાને અધિર બન્યું હતું. સાસુ અને નણંદની સાફ ના હતી. 'આપણા ઘરની વહુઓ આમ હલકી કોમના લોકો જોડે ગરબે રમવા ન ઉતરે' ગૌરીની નણંદે કડક શબ્દોમાં કહ્યું. ગૌરી હાઈ સોસાયટીમાં પરણેલી સ્ત્રી હતી. પોતે સામાન્ય ઘર અને ગામમાંથી આવી હતી. તેને મન ઉચ્ચ નીચના ભેદ જેવું કશું જ ન હતું. તેના પિતાને ઘેર એના ફળિયામાં તેની સમોવડી જોડે મોડી રાત સુધી ગરબે રમતી, પણ લગ્નનાં બે વર્ષ દરમિયાન એના મનને મારતી રહી હતી.
તેમની સોસાયટીની સામે મોચીવાડ હતો. ત્યાં શેરી ગરબા થતા હતાં. તથા મોડી રાત સુધી લાઉડ સ્પીકરના અવાજ ગુંજી રહેતા હતા. બેડરૂમની બારી ઝાલી ગૌરી એ તરફ મીટ અને કાન માંડી રહેતી. તેના પતિને એ કશું પણ કહી શકતી ન હતી. કારણ કે તેના પતિને આ બધું "વેસ્ટ ઓફ ટાઈમ" જેવું લાગતું હતું. એમની સોસાયટીની બીજી બધી સ્ત્રીઓ જુદા જુદા ગરબા ગ્રુપમાં રમવા જતી હતી. ગૌરી એ બધાની સાથે ભળવાનો પ્રયત્ન કરતી પણ એ બધી તેને ગામડીયન કહી મોઢું ચડાવતી. એટલે ગૌરી તેનાં મનને કોઈ પણ રીતે વાળી લેતી હતી. પણ આ વખતે એ કોઈની પણ રોકી રોકાય એમ ન હતી. મા આદ્યશક્તિને મનોમન પ્રાર્થના કરતી "હે શક્તિ સ્વરૂપમા મને હિંમત આપ, શક્તિ આપ, હું આ કુવિચારધારાના કોચલાને વિંધી શકું" માતાના દીવાને નમીને એ પ્રસન્ન ચહેરે એ પૂજા ઘરની બહાર આવી. એની નણંદનું મોઢું ઝંખવાયું. "આ કેમ બહુ મલકાય છે ?"
પિયરથી હોશભેર લાવેલી ગરબા સાડી ઉપર તેણે પ્રેમથી હાથ ફેરવ્યો. સોળે શણગાર સજીએ તેના બેડરૂમમાંથી બહાર આવી. સાક્ષાત મા દુર્ગા જેવી લાગી રહી હતી. "વહુ તમને ના પાડી ને ! આપણાથી ત્યાં રમવા ન જવાય. સમાજમાં આપણી ખરાબ વાતો થાય" તરલાબેન ભવા ચડાવતા બોલ્યાં. ગૌરીનો પતિ આજે રોજ કરતા વહેલો આવી ગયો હતો. તેની માતાનો ઊંચો સ્વર સાંભળી તેના પગ ઉંબરે જ થંભી ગયા. એની નજર ગરબા રમવા સજજ થયેલી ગૌરી ઉપર પડી અને ગળે આવેલા કટુ વચન ગળી ગયો.
"બા માના દરબારમાં ઊંચનીચ, અમીર ગરીબ એવો કોઈ ભેદ નથી હોતો. વળી આપણે તો તુચ્છ મનુષ્ય જાત. આપણને એ હક કોણે આપ્યો ? બે વર્ષથી હું મારા મનને મારીને જીવી રહી છું પણ આજે હું નહીં રોકાઈશ. તમારાથી રોકાય તો રોકી લો." એણે ઉંબરો ઓળંગ્યો અને પતિ તરફ સ્મિતભરી દ્રષ્ટિ નાખી. "ક્યાં સુધી મારે આમ જીવવાનું ?" એનો પતિ નિરુત્તર રહ્યો. એને રોકવા આવેલી તેની માતાને વાળી અને કહ્યું "મમ્મી એને જવા દે એની વાત સાચી છે આપણી જિદ ખોટી છે." તરલાબેન નિ:શબ્દ બની એનાં દીકરાના મુખને તાકી રહ્યા.