આશાનું કિરણ
આશાનું કિરણ


આજે પાંચમી સપ્ટેમ્બર હતી. તેના મનમાં ઘણો તરવરાટ થઈ રહ્યો હતો, પણ એ મનમાં જ શમી જશે એ આશા જાણતી હતી. એના માટે પાંચમી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિનનો ઉમંગ ઉત્સવોની ઉજવણીથી ઓછો નહોતો. પરંતુ હવેના દિવસો જુદા હતા. વિદ્યાર્થીઓ પરીક્ષામાં માત્ર ગોખણપટ્ટી કરીને વધુ ગુણમેળવવાની હોળમાં ઉતરી ગયા હતા. ગુરુપૂર્ણિમા, વસંત પંચમી, પાંચમી સપ્ટેમ્બર જેવાં દિવસોની ઉજવણી ફોર્માલિટી બની હતી. જે માત્ર કેમેરામાં કેદ થઈને રહી જતી હતી. અંતરનો કોઈ ઉમળકો નહતો.
ગણ્યા ગાઠ્યા પાંચ સાત વિદ્યાર્થીઓને લઈને એ 'વિસામો' વૃદ્ધાશ્રમ પર પહોંચી. છેલ્લા દસ વર્ષથી પાંચમી સપ્ટેમ્બરના દિવસે આશા વિદ્યાર્થીઓ સાથે આ વૃદ્ધાશ્રમની અચૂક મુલાકાત લેતી હતી. પણ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હતી. ખૂબ જ વિનવણી કર્યા બાદ એને આખરે વિદ્યાર્થીઓને સાથે લઈ જવાની પરવાનગી મળી હતી. વિદ્યાર્થીઓને સાથે લઈ જવાનો આશય માત્ર એટલો જ હતો કે બાળકોમાં કરુણા અને પરોપકારનો ગુણ કેળવાય સાથે સાથે માતા પિતાને સન્માન આપતા શીખે. પણ એ મૂલ્યો ધીરે ધીરે કચડાઈ રહ્યા હતા.પરંતુ એ કશું પણ કરી શકી નહીં. એની શિખામણ કેળવણી બધું જાણે પાણીમાં રેલાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું !
'વિસામો' વૃદ્ધાશ્રમના કમ્પાઉન્ડમાં આશા દાખલ થઈ. એક યુવાન ત્યાં બાંકડે બેઠેલા વૃદ્ધોને ફળો અને સ્વેટર આપી રહ્યો હતો, એ જોઈ આશાના મનને ટાઢક વળી. મર્યાદિત સમયમાં કાર્ય પૂર્ણ કરી શાળાએ પહોંચવાનું હોઈ, આશા ઝડપભેર વહીવટી ઓફિસમાં ગઈ. ઓફિસના કર્મચારીએ આશાને એક નોટબુક આપી તેને એમાં હસ્તાક્ષર કર્યા અને વૃદ્ધોના રહેવાના ઓરડા તરફ આગળ વધી. તેની સાથે આવેલા વિદ્યાર્થીઓને આગળ કરી રહી હતી. તેમાનાં બે વિદ્યાર્થીઓએ મોઢા પર રૂમાલ બાંધી દીધો હતો. માત્ર કહેવા પૂરતા એ વિદ્યાર્થીઓ તેની સાથે આવ્યા હતા.
વિદ્યાર્થીઓને જરૂરી સૂચન આપી રહેલી આશાને પેલો યુવક આવી વાંકો વળી પગે લાગ્યો. તેને નવાઈ લાગી "આ મને શું કામ પગે લાગી રહ્યો છે ?"
તેની મૂંઝવણ દૂર કરતા આલોક બોલ્યો 'મેમ હું આલોક ચોકસી આપના ૯- બનો સૌથી તોફાની વિદ્યાર્થી. આશાની આંખોમાં ચમક અને વાણીમાં ઉત્સાહ આવ્યો. તું અહીં....., આજે .?'હા મેડમ તમે અમને એક દિવસ અહીં લઈ આવ્યા હતા, પરંતુ હું અહીં દર વર્ષે પમી સપ્ટેમ્બરના દિવસે આવું છું. આ વૃદ્ધોની મારાથી થાય એટલી સેવા કરું છું. તમારા ભણાવેલા શિખામણના બધા જ પાઠ મને બરાબર યાદ છે. હું કમાણી પણ કરું છું અને સેવા પણ કરું છું.
આલોકના શબ્દો સાંભળી, આશામાં નવા આશાના કિરણો પ્રગટ્યા. મારો શિક્ષક તરીકેનો જન્મ સફળ થયો!' તેને મનોમન ઈશ્વરનો આભાર માન્યો.