પનિહારીઓ
પનિહારીઓ


એ નાવમાંથી ઉતર્યો પરંતુ પાછુ વળીને રેવાના પટને જોઈ રહ્યો. દૂર દૂર સુધી પથરાયેલી લીલી વનરાજી એના મનને રાજી કરી રહી હતી "ક્યાં શહેરના વાહનોનો ઘોંઘાટ ! મીલના ભુંગળાના ધુમાડા....! અને અહીં અહાહા.. નીરવ શાંતિ. મન તો થાય છે અહીં જ રોકાઈ જાઉં" તેના મનની કલ્પના અટકી અને મોબાઈલની રીંગ રણકી, એ ચોંક્યો. "સંકેત, થેપલાં સવેળા ખાઈ લેજે. નહીં તો બગડી જશે ને હા, ગામડાંના લોકો જોડે વધુ પડતી લપ્પન છપ્પન કરતો નહીં. ક્યાંક વાતોમાં " સંકેતે અધવચ્ચેથી મોબાઇલ બંધ કરી દીધો. એની નજર સામેથી પાણીના ઘડા લઈને નદી તરફ આવી રહેલી કેટલીક સ્ત્રીઓ તરફ મંડાઈ. જોરજોરથી હસી મજાક કરતી આ સ્ત્રીઓ ઝડપથી પગ પણ ઉપાડી રહી હતી.
તેને કોલેજની બહાર ઊભી રહીને કલાકો ગપ્પા મારતી કેટલીક છોકરીઓ યાદ આવી ગઈ. કોઈકના હાથમાં એક મોટો દેગડો અને નાનો ઘડો લટકતો હતો. કોઈક બે નાના ઘડા લઈને આવી 'તી. એક તો વળી કાંખમાં દેગડો ને' બે હાથમાં એક એક ઘડો પકડીને ચાલતી હતી. સંકેતને આ સ્ત્રીઓમાં રસ પડ્યો. એ પોતાનો સામાન બાજુ પર મૂકી એક વૃક્ષનો ટેકો લઈને બેઠો. પોતાની બેગમાંથી પેન્સિલ અને ડ્રોઈંગ શીટ કાઢી તથા જાડા પૂંઠા જેવું કંઈક સપોર્ટ માટે લીધું અને પેલી પનિહારીઓને પોતાના ચિત્રમાં કેદ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો.
હળવેથી સહેજ વાંકી વળીને પિત્તળનો ઘડો નદીમાં ઝબોળી જરાક વારમાં બહાર કાઢી લેતી આ સ્ત્રીઓ પાણીના ઘડા ભરી બાજુએ મૂકી વાતોએ વળગી. સંકેતને નવાઈ લાગી. 'આટલી બધી શાંતિથી બેસીને વાતોના વડા કેમ કરવા લાગી ?' એની જિજ્ઞાસા વધવા લાગી. તેને ચિત્ર બનાવવાનું પડતું મૂક્યું અને એ લોકોની વાતો સાંભળવાનું મન થયું. એપોતાની બેગમાંથી પાણીની ખાલી બોટલ કાઢીને પેલી સ્ત્રીઓ તરફ ચાલવા માંડ્યો. 'એ પેલા ભ'ઈ, આપા આવી રી'યા છે' જમની બોલી. અને બધી સ્ત્રીઓએ ઉતાવળે માથું ઓઢી લીધું. એમની આવી પ્રતિક્રિયાથી એ જરાક ખંચાયો પણ અટક્યો નહીં.
'ચાલને રોટલા નહીં ઘડવાના ?' મણી ઊભી થતા બોલી.
"ઘડાય છ અવે એ તો રોજનું છ. આવો ટેમ ક્યારે મલવાનો છ.! બૈસ છોની મોની."કહેતા મીઠીએ તેનો હાથ ખેંચી નીચે બેસાડી દીધી.
માટી ખોતરતી એ બોલવા લાગી. "આ વાત તો તારી હાચી. ઘેરથી ખેતર 'ને ખેતરથી ઘેર બો.. બો.. તો નદી કિનારે પાણી ભરવાને બા'ને. ભઈ આપરો તો કય અવતાર સે ?"
મેં તો મારા બાપાને બો ના પાડી 'તી કે મારે તો ભૈનવું છ.
'પન મારી એકય ન ચાલવા દીધી. અન મુને પરણાઈ મેલી, બાકી ઉતો બવ હુશિયાર અતી..... મણી અવિરત બોલ્યે જતી હતી.
'આ કલકીનું એવું જ અતું ને એટલે તો તપાલી હાથે નાહીં છૂટી. સુખી થઈ બચારી. જમની બોલી.
'મનેય કો'કએવું મલે તો બે ચોપડી ભનવી છ. માથે પાણીનો ઘડો ચડાવતી જમની બોલી. આ સુંદર દ્રશ્ય અને સંવાદ સંકેતના મન પર અંકિત થઈ ગયા, પણ એ કેનવાસ પર ઉતારી શક્યો નહીં.
અને પશ્ચિમ દિશામાં નજર કરી હજી સૂર્યાસ્ત થયો ન હતો.