પરપોટો
પરપોટો
'અલી આ તો જો નીકળી પડે છે તે ફુલ ફટાક થઈને, ઉંચી એડીના સેન્ડલ, લિપસ્ટિક, ખુલ્લા ઝૂલ્ફાં અને પાછી રોજ નવા નવા પર્સ ઝુલાવે ! નક્કી કઈ ગરબડ લાગે છે' કોકીલા એ બાજુમાં બેઠેલી સુનીતાને કહ્યું.
રામનગર સોસાયટીમાં રહેતી સીમા સામાન્ય ઘરની છોકરી હતી. જ્વેલરીના શોરૂમમાં સામાન્ય નોકરી કરતી સીમા તેના માતા પિતાને હાથ લાકડી બનવાનો પ્રયત્ન કરતી. સોસાયટીમાં સહુ તેના વખાણ કરતા થાકતા ન હતા.પરંતુ કેટલાક દિવસોથી તેના દિદાર બદલાયા હતા. જે બધાનું ધ્યાન ખેંચી રહ્યા હતા. સીમાની માતાનો સોસાયટીમાં ખાસ્સો વટ હતો "
"મારી દીકરી તો દીકરાની ગરજ સારે છે એના પપ્પા ના કહે તોય કહે :પપ્પા મને મારી કમાણી ખાવા દો.' એ મોડું મચકોડતી બોલતી જાય અને સોસાયટીની બીજી મહિલાઓને ઝાંખી પાડતી જાય. તેમાંય સુનિતાબેનનું મોઢું ઘણીવાર પડી જતું. કારણ કે એમનો એકનો એક દીકરો રોનક નોકરી વિનાનો ઘરમાં બેઠો હતો.
એ તેમના દીકરાને કહેતાય ખરા. 'બાજુવાળી સીમલી જો, છોકરી થઈને સારું કમાય છે' રોનક ઊભો થઈ ચાલ્યો જતો અને બાલ્કનીની બહાર ખુરશીમાં બેસી જતો.' 'તને કશી ખ
બર ન હોય ને તો બડબડ ન કર' આટલું કહેતો. સાચે જ સુનીતા બેનને કશી વાતની ખબર પડતી નહીં. અને રોનકની વાત સમજાતી પણ નહીં. બાલ્કનીમાં બેઠો બેઠો એ પતંગિયા જેવી ઉડી નીકળતી સીમાને જોઈ રહેતો.
એક સમયે બંને એક કોલેજમાં એક જ બેંચ પર સાથે બેસીને ભણતા હતા. કોલેજમાં ભણતા અને ભણાવનાર સૌ કોઈને લાગતું નક્કી ક્યારેક તો આ પરપોટો ફૂટશે જ.!
રમીલા શાકવાળી લારી લઈને સોસાયટીમાં પ્રવેશી ગઈ હતી. આજે એ રોજ કરતા વહેલી આવી હતી કોકીલાબેન સાડીનો પાલવ સરખો કરતા કરતા તેની નજીક ગયા, રીંગણા અને તુવેરને ફેરવી ફેરવીને જોવા લાગ્યા.એ કંઈક બોલે તે પહેલા રમીલા ટહૂકી :'અરે કોકી બેન કંઈક ખબર પડી પેલા નીતુબેન નહીં, એમની દીકરી હારું બહુ ગાજર કાકડી લે....'
કોકીલાબેનના હાથ રીંગણા વીણતા અટકી ગયા અને તેમના મોઢા પરના ભાવ બદલાયા 'તેનું શું છે ? કઈ કહેશે ખરી?'
'એ તો ભાગી ગઈ પેલા જ્વેલરી શોરૂમવાળાના છોકરા હારે' એને તેના હાથની વિશિષ્ટ અદાથી કહ્યું. 'હેં... કહેતા કોકીલાબેનની આંખો પહોળી થઈ અને ધીરે રહીને બોલ્યા,
'આખરે પરપોટો ફૂટી ગયો !'