STORYMIRROR

Ichcharam Desai

Action Classics

2  

Ichcharam Desai

Action Classics

શિવાજીની સૂરતની લૂંટ-૯

શિવાજીની સૂરતની લૂંટ-૯

6 mins
14.7K


દિલ્લીમાં રાતના શહેરના સર્વે અમલદારો ને નવાબ, શહેરના રક્ષણ માટે વિચારમાં બેઠા હતા. નવાબ આખો દિવસ પોતાની મૂર્ખાઈનો પશ્ચાત્તાપ કરતો હતો. જો તેણે તે દિવસનું મોતીનું બેાલવું લક્ષમાં લીધું હોત અને શહેરના રક્ષણ માટે ઉપાય યોજ્યા હત તો આજની વિપત્તિ આવી પડત નહિ. પણ “શહેરમાં આફત નથી, એ તો મોતીની ભ્રાંતિ છે.” એ વિચારથી આજે શહેરનું સત્યાનાશ વળ્યું છે, કિલ્લા નજીકની ખાઈનો પુલ ઉપાડી લીધો હતો, નવાબે પોતાના રક્ષણ માટે ઘણા પઠ્ઠા પઠાણ રક્ષકોને સાથે રાખ્યા હતા. પોતાના મહેલના રક્ષણ માટે પણ પાકો બંદોબસ્ત એક જ રાતમાં કરી દીધો હતો, તથાપિ નવાબને ઘણી ભીતિ હતી કે, રખેને શત્રુઓ કિલ્લામાં દોડી આવે. નવાબને વારંવાર મોતી ધીરજ દેતી હતી કે જે થયું તે ન થયું થનાર નથી; પણ હવે કેમ વર્તવું તેનો વિચાર કરવા માટે સૌ પશ્ચિમ બાજુના કિલ્લાના ભાગમાં બેઠા. સૌ મળીને બાર સરદાર, ચાર સ્ત્રીઓ, સાત હિંદુઓ, પાંચ ખેાજા ગુલામ અને બે લોંડીઓ, એટલાં જણ તે સ્થળે હાજર હતાં.

“સરદાર નવરોઝ, તું હવે શું કરવાની સલાહ આપે છે ?” નવાબે ઘણી ગમગીનીથી પૂછયું.

“મારી તરફથી હવે કંઈ નહિ.”

“દુશ્મનો મારી રાંક પ્રજાને રંજાડે તે મારે સુખેથી જોવું ?”

“તેનું જેવું નસીબ, ખુદાવંદ મારો શો ઉપાય ?”

“એ મરાઠા સરદાર કોણ છે તે માલુમ છે ? કદાચિત્-”

“નવો લૂટારો શિવાજી હશે.”

“તે તો ઘણું સત્યાનાશ વાળશે ને મારી પ્રજા ખેદાનમેદાન થશે !”

“ખરેખર, ખુદાવંદ !”

“નવરોઝ, અત્યારે આપણે મરાઠા લુટારાની હીલચાલ જાણવી જોઈયે.”

“હા, ખુદાવંદ ! પણ તમને પ્રજાની ઘણી થોડી કાળજી છે. જો તેમ ન હત તો તમે ઘણી સારી રીતે પ્રજાના રક્ષણના ઉપાય યેાજત. ખેર, જે તકદીરમાં હોય છે તેના આગળ તદબીર નાચાર છે. રાતના મરાઠાની યુક્તિ જાણીને બનતા ઉપાય કરીને એ સૌને જલદીથી દેશ છોડાવાની યુક્તિ કરવી જોઈયે.”

“રાસ્ત છે !” નવાબે કહ્યું, “કોણ એ ખબર લાવે એવો માયનો પૂત છે ? આ પરાક્રમના બદલામાં એક હજાર મહોરનો આ કંઠો પ્રથમ તેના ગળાને સુશોભિત કરશે.”

બીજા સરદારો એક બીજાનું મુખ જોઈ રહ્યા, કોઈ હીમતથી બહાર પડ્યું નહિ. નવાબ પણ આવી રીતભાતથી બહુ આશ્ચર્ય પામ્યો. દરેકે દરેક સરદારના મ્હોંપરની લાલી જતી રહી હતી અને માત્ર નવરોઝ સરદાર શિવાય સૌ શબવત્ થઈ પડ્યા હતા, સૌના મનમાં એવો ધ્રાસકો પેઠો કે, જો આપણને બાતમી મેળવવા મોકલ્યા તો નક્કી પાછા બચ્ચાં છોકરાનું મ્હોં જોવા પામનાર નથી.

“શું સઘળા મારા નોકરો જનાની, હીચકારા, બાયલા છે ?” રુમીએ ખિન્ન મને પ્રશ્ન કીધો. “ મારા સરદારો જેએા મોટા મોટા પગારો ખાય છે અને મોટા સીપેહસાલારના ઇલકાબ ધરાવે છે, તે નામર્દ સ્ત્રીઓથી લજાય તેવા છે ? તોબાહ ! તોબાહ ! હું મોટો મૂર્ખ કે નામર્દના સમૂહમાં વાસ કરી નચિંત જીવે રહ્યો. “મર્દકી ગર્દમેં રહેના, નામર્દકી સરહદમેં ન જાના.” પણ શરમ મને કે, મારા સરદાર બકરાં ચરાવવાને લાયક છે તે મે જાણ્યું નહિ.”

“ખુદાએ હાફેઝ ! મને એવા અપમાનમાંથી બાતલ કરજો. આ બાલ તદ્દન ભુરા થઈ ગયા છે, તો પણ દિલોજાનથી જીવ દેવાને તત્પર છું;” નવરોઝ સરદારે કહ્યું.

“મારા ખાતર અને ખુદાને ખાતર, શાહજાદા, તારે શાંતિ ધરવી. તું હવે વૃદ્ધ છે અને આ કાર્ય તરુણ પુરુષનું છે. તું આ કામમાં ઝીંપલાવશે તો ખચીત તારો જાન જોખમમાં આવી પડશે. ભયને સમયે બચાવ કરવાની અને કમભાગ્યને સમયે નાસવાની શક્તિ હવે તારામાં રહી નથી, તો તું શું કરીશ ?”

“હારક સમયે રાહ દેખાનેવાલા જવાંમર્દ ચૈયે.”

“જો મર્દ નામર્દ બને ! તો હું ને મણી એકવાર મર્દ બનીને “હાર”માંથી “રાહ” દર્શાવીશું?” મોતીબેગમ આગળ વધીને બોલી.

“નહિ, નહિ, એમ નહિ જ બને !” પાંચ સાત અવાજનો સામટો જ કોરસ થયો.

“મોતી ને મણીની જીંદગી ઘણી કીમતી છે, તે આ કામને લાયક નથી;” નવાબે કહ્યું.

“પ્રિય પતિ ! નહિ, અમને હુકમ આપો, પછી જે કામ તમારા સરદાર કરી શકતા નથી, તે અમે બજાવીશું;” મોતી જોસ્સાથી ઉભી થઈ બેાલી.

“અને ખુદાવંત ! મારા દેશને માટે એકવાર ખરી સેવા બજાવવાને હું તૈયાર છું. તે માટે આજ્ઞા દીજીએ;” મણી જે મોતીની સાથે પોતાના પતિ સહિત કિલ્લામાં આવી ભરાઈ હતી તે બોલી.

“તમે જઈને શું કરશો ?” નવાબે પૂછ્યું.

“જે કોઈ નહિ કરશે તે !” મણી બોલી.

“ભયને સમયે સ્ત્રીઓ બ્‍હીક ધરે છે.”

“ને તેવા જ સમયે સૌને બચાવી પણ લે છે.”

“મોતી, જે કામ તું કરવા તૈયાર થઈ છે, તે કેટલું જોખમ ભરેલું છે, તે જાણે છે ?”

“મને જાણવાની શી જરૂર છે ! મોત ને લજજા એ બે કરતાં કંઈ વધારે નથી, તે આ૫ જાણો છો, પ્રિય; ને તેને માટે આપ શંકાશીલ ન થશો ! ! બહાર ગયા પછી કેમ વર્તવું તે કહેવાની કંઈ જરૂરત નથી. 'શેઠની શીખામણ ઝાંપા સુધી' કિલ્લો છોડ્યા પછી અમારી અક્કલે લડત કરવાની છે.”

“આલમેપનાહ ! યાદ રાખજો કે અમે અમારા રક્ષણ સાથે લજ્જા નીતિનું ને રાજ્યનું રક્ષણ ઘણી સારી રીતે કરી શકીશું. એકવાર સ્ત્રીના પરાક્રમનો ઇતિહાસ જુઓ;” મણીએ, નવાબના ચરણ નજીક પડીને વિંનતિ કીધી.

“એકવાર, હાલ તો તમારો ભોગ આપવાને હું તૈયાર છું;” એક ક્ષણ મૌન ધરી નવાબે અવાજ કહાડ્યો - લગાર પણ બેચેની કે દિલગીરી બતાવ્યા વગર, પોતાના દરજ્જાને શોભે તેવી રીતે. “અગર જો કે તમારે બદલે દશ હજાર માણસના જાન જાય તે જોવાને રાજી થઈશ, પણ તમે જાઓ, એમ કહેવાની મારી જીભ ચાલે નહિ ! મારા સરદારો ! તમે ઘુઘરા બાંધીને મારી દરબારમાં નાચવાને લાયક છો ! જ્યારે હું સરદારને જવાંમર્દ જોવાને ઈચ્છું છું, ત્યારે તેઓ રામજણીનું કામ કરે છે !”

મણીગવરી અને મોતીબેગમ આ હુકમ મળતાંની સાથે બહુ આનંદથી ઉઠ્યાં, કિલ્લાના પાછલા ભાગપર સરદારો અને નવાબ સાથે મોતી ને મણી આવ્યાં કિલ્લાની આસપાસની ખાઈમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું; ને નદીને જોબનના બહારમાં ઉછાળા મારતી જોઈ મોતી બોલી; “ બહેન! તું તારા પતિને તૃપ્ત કરવા ઉછળતી ઉછળતી જાય છે, તેમ અમારી પ્રજાના રક્ષણ માટે અમે પણ દોડિયે છિયે, તેમાં તું આશ્રય આપજે.” તુરત પાછલા ભાગનો છુપો દરવાજો ઉધાડી બહાર નીકળી, મણીએ સીસોટી વગાડી. બે ખારવા હલ્લેસા મારતા એક નાની હોડી લઈ આવ્યા. સૌના દેખતાં ઘણા હર્ષથી બંને નવજોબના હોડીમાં કુદી પડી. તેમની સાથે એક હબસી પણ ચાલ્યો. તેણે જણાવ્યું કે, “હું હંમેશ તમારી સાથે રહીશ.” સરરર કરતી હોડી ચાલી ને પૂંઠનો પવન હતો તેથી પાંચ મિનિટમાં લક્કડકોટ આગળ આવી પહોંચ્યાં. ત્યાં બે ઘોડા તૈયાર હતા. બંને શૂરી સ્ત્રીઓએ, સ્ત્રીનો પોશાક તજી મરાઠા પુરુષના જેવા પોશાક પહેરી લીધો ને ઘોડાપર બેસી કોટના એક તૂટેલા ભાગમાંથી શહેરમાં પેઠાં. હબસી, જે ખરો નિમકહલાલ હતો, અને જે મોતીનો હંમેશનો અંગ રક્ષક હતો, તે વરીઆવીના દરવાજા નજીક દોડી ગયો ને બક્ષીની પાયગામાંથી એક ઘણો સરસ ઘોડો લઈ આવી, આ બે વીરાંગના સાથે ત્રીજો ઉમેરાયો. બંને જણે આ વેળા કોઈ પણ પ્રકારનું ભય બાજુએ મૂકી દીધું હતું. ઉભયે ફરીને પોતાના પતિઓને મળવાની આતુરતા જરેજર મનમાંથી કહાડી નાંખી હતી. થોડીકવાર વિચાર કરી બંને જણે નક્કી કરી લીધું કે, મરાઠાની હાલત કેવી છે તે પ્રથમ જાણવી. સહેજ દૂર ગયા, એટલે મરાઠા ઘોડેસ્વાર મળ્યા. તેએાએ મરાઠીમાં બીજી બાજુના ખેરઆફીયતના સમાચાર પૂછ્યા ને મણીએ તેનું જોઈતું ઉત્તર આપ્યું. મણી ઘણી સારી રીતે મરાઠી બોલી શકતી હતી; તેથી બંને મરાઠી સ્વારોએ ધાર્યું કે રોન ફરતો આપણામાંનો કોઈ સ્વાર હશે. મણીએ કિલ્લામાં પેસવા પહેલાં પોતાના એક માણસથી સારી પેઠે મરાઠાઓની ખબર કહાડી હતી, ને જે કાંઈ અધુરું હતું તે મોતીથી જાણ્યું હતું; એટલે આ પ્રસંગે વાતચીત કરવાનું તેને ઘણું સુગમ પડ્યું, અગર જો સર્વના મનમાં ભય હતો, તથાપિ બહારથી યત્કિંચિત્ પણ બતાવ્યા વગર મરાઠીમાં વાતચીત કરવા માંડી.

“તમે ક્યાંથી આવ્યા, ને કંઈ નવા જુના સમાચાર દોસ્ત ?” મણીએ પૂછ્યું.

“નવા સમાચારમાં જાણવા જોગ એ છે કે, કિલ્લાનો ભેદ જે કોઈ બતાવે તેને વીશ હજારનું ઈનામ મહારાજ આપશે, એમ તાનાજી મુલેસરે લશ્કરમાં જણાવ્યું છે,” એક ઘોડેસ્વારે જણાવ્યું.

“તેને માટે તમે ઉમેદવાર છો ? કિલ્લાનો ભેદ મેળવવાવો, એ શું બહુ ભય ભરેલું નથી ?”

“છે, પણ તે અમે બે જણ શોધી કહાડીશું.”

“શાબાશ ! તમારા જેવા મહારાજના લશ્કરમાં છે, તો મહારાજનો જય છે. પણ મોટા ભયમાં જતાં બહુ સંભાળ રાખજો.”

“તમે ક્યાંથી આવ્યા ! આ શોધ માટે તમે કંઈ કરશો નહિ ? તમારો સોબતી કેમ મૌન ધરી રહ્યો છે !” બીજા ધોડેસ્વારે પૂછયું.

“એને જ માટે, અમે નદીતટપર ગયા. ત્યાં કંઈ એમ જોવામાં આવ્યું કે, કિલ્લામાંથી કોઈ બેજણ બહાર નીકળી શહેરમાં ગયા, એ બંનોની અમે પૂંઠ પકડી, પણ તે ક્યાં સંતાયા તે જણાયા નથી; તમે કોઈને જોયા ?”

"નહિ, પણ હવે અમે જઈશું ને આ રેશમની નીસરણીથી કિલ્લાપર ચડીને મહિનો ભેદ મેળવીશું, રામરામ !”

“રામરામ ! તમે તમારું કામ યથાર્થ બજાવો ને અમે પણ આમારા કામમાં પાર પડીએ, એટલે મહારાજનો જય l રામરામ !”

આટલું બોલતાં ચારે સ્વાર જુદા પડી ગયા ને બે પશ્ચિમ બાજુએ ને બે પૂર્વ બાજુએ ચર્ચા જોવાને ચાલ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Action