Ichcharam Desai

Action Classics

2  

Ichcharam Desai

Action Classics

શિવાજીની સુરતની લૂટ-૨

શિવાજીની સુરતની લૂટ-૨

8 mins
7.9K


[આ પ્રકરણનો વૃત્તાંત ઐતિહાસિક છે, અને તેનો આધાર, મિ. ડફના મરાઠાનો ઈતિહાસ, સુરતનો જુનો ઇતિહાસ, કવિ નર્મદાશંકરની સુરતની હકીકત, મેડોસ ટેલરનો તથા એલફિન્સ્ટનનો હિંદુસ્તાનને ઈતિહાસ,-તેનાપર છે.]

તા.

૭મી ડીસેમ્બરની ને ૧૬૬૩ ની સાયંકાળે એક દક્ષિણી સવાર, ઘણી ફાંકડી ઘોડી કુદાવતો અને ઝળાંઝળાં મારતો પોશાક સજી, ડાબી બાજુએ મ્યાનમાં ઘાલેલી ચળકતી તરવાર સાથે, છડે દોપટે સુરત શહેરની પૂર્વ દિશામાં આવેલા સહરાના મોરચા બહાર, દુમાલના હનુમાન છે ત્યાં આગળ આવીને, વીસામો ખાવા બેઠો. તેની ચોતરફ ફરતી આંખો, તેની ચપળતા, મોંપર આવતો ક્ષણે ક્ષણે પસીનો, તે કંઈ ગભરાટ-ભયમાં છે એમ તેની મુખમુદ્રા જોનારની ખાત્રી કરાવતું હતું. ચહેરાની આકૃતિ જણાવતી હતી કે, તે દુનિયા ખાધેલ, કોઈ પ્રપંચી પુરુષ છે. ઉમર માત્ર ૩૫-૪૦ ની હતી.

પાસે ચમચી હતી તે કહાડીને પાનની બે પટ્ટી બનાવી, પાસેની ઝુંપડીમાં બેઠેલા એક સાધુરામને આપી, પછી પોતે ખાધી; અને જોડા ઉતારીને હનુમાનનાં દર્શન વાસ્તે ગયો. હનુમાનની મૂર્તિ જોઈ તે એટલો તો પ્રસન્ન થયલો દેખાયો કે, તુરત દશ શેર તેલ ચઢાવવાની પેલા સાધુરામને વરદી આપી ને ખિસામાંથી ઝટ કહાડીને એક સુના મ્હોર બાવાજીના હાથમાં ધરી દીધી. બાવાજી ઘણા પ્રસન્ન થઈ ગયા. તેણે જાણ્યું કે, આ કોઈ બડો પરમ ભાવિક ભક્ત છે. તુરત આ દક્ષીણીને આદર સન્માન આપ્યું ને પોતાની જાયગામાં બે દિવસ ઇચ્છા હોય તો રહેવાને વિનતિ કીધી. મરાઠાને તો એ જ જોઈતું હતું. તે સુરતથી તદ્દન બીન માહિતગાર હતો, અને શહેરમાં પ્રવેશ કર્‌યા પહેલાં ક્યાં જઈને ઉતરવું, તેના વિચારમાં હતો. તેવામાં આવી ઉત્તમ તક હાથમાં આવી તે ઝડપવાને તે કેમ ચૂકે? પોતાની ઘોડીને પાસેના છાપરા નીચે બાંધી,

ઘાસ પાણી નીરી, બાવાજીની પાસે આવી વાતોના તડાકા મારી, રાત ગુજારવાનો વિચાર કીધો, પણ તેટલામાં બાવાજીએ સવાલ કીધો કે, “લડકા કુછ ખાનેકી ઇચ્છા હૈ કે, નહિ ?" “નહિ મહારાજ ! આપની પાસ કોરા કોરા હૈ, ઓ ખાકર રાત ગુજારેંગે, ફીર પ્રભાતમેં દેખલેંગે.” તુરત પોતાની પાસેનો દાબડો ઉઘાડીને મગદળ ને સિંગા લાડુ કહાડી, બે લાડવા ને થોડુંક અથાણું બાવાજીને આપી, પોતે બાવાજી સાથે ખાવા બેઠો.

આ બે સોબતી કોણ હતા? એક ત્યાગી ને બીજે રાગી-'સંસારી' છે!

જે સમયની આપણે વાત કરીએ છીયે, તે સમય આર્યભૂમિના ઇતિહાસમાં ઘણો તેજસ્વી હતો. આર્ય મહારાજ્યમાં એ સમયે દિલ્લીના તખ્ત૫ર આલમગીર જુલમગાર બિરાજતો હતો. તેની હાક દરેક દેશી રાજ્યમાં એવી તો વાગતી હતી કે, તેનું નામ સાંભળતાં ચોબાજુથી ભય ને હાયનો શબ્દ નીકળતો હતો. મુસલમાન પ્રજા પણ તેના આ જુલમથી ત્રાહે ત્રાહે પોકારે તો બીજાની વાત જ શી ? મુસલમાનો હિંદુ લોહીના તરસ્યા હતા, તેથી પ્રજા, ઐક્ય, શક્તિ અને કીર્તિને માટે વલખાં મારતી હતી. એ સમયમાં ચિતાગોંગ, મછલીપટ્ટન, મદ્રાસ અને બીજે કેટલેક ઠેકાણે અંગ્રેજોએ કોઠી થાપી હતી; મેવાડમાં રજપૂતો ટમટમતા હતા; દક્ષિણમાં મરાઠાઓ જાગતા થયા હતા; રોહિલખંડમાં રોહિલા અને જાટ લેાકેા પણ તૈયાર હતા. એ સઘળાને ચૂર્ણ કરવાને ઔરંગજેબ પૂર્ણ શક્તિમાન્ હતો. તે તે કાળનો પ્રચંડ ક્રોધિષ્ટ નારસિંહ હતો. તેની સામા થાય એવું કોઈ પણ તે કાળમાં હતું નહિ. વિજાપુર અને અહમદનગરનાં દક્ષિણનાં રાજ્યો માત્ર સહજ મરાઠા સરદારોને આશ્રય આપતાં, તે માટે તે રાજ્યો પણ ભયમાં હતાં.

તે જ વખતમાં રામદાસ સ્વામીનો ત્રિકોણાકૃતિનો-સત્વ, રજ ને તમ શક્તિથી ભરેલો, હવામાં ઉડતો ભગવો વાવટો લઈને, રાયગઢના કિલ્લામાંથી શિવાજી મેદાન પડ્યો હતો. પ્રથમ તો પોતાનો પિતા જે સ્થળે નોકર હતો, તે જ રાજ્યનાં નાનાં ગામો લૂટી, તે લૂંટનાં નાણાં

વડે હલકા પણ શક્તિવાળા લોકનું એક સૈન્ય સ્થાપ્યું. દહાડાપર દહાડો ચઢતો ગયો, તેમ શિવાજીની ચઢતી થતી ગઈ. તેણે પોતાના સૈન્યને આગળ વધારી નાનાં નાનાં રાજ્યોપર હલ્લા કરવા જારી કીધા. અને તેવે તેવે સ્થળે પોતાનો જાપતો બેસાડી, ખંડણી કે ઘાસદાણાને પેટે વાર્ષિક કંઈ લવાજમ લેવા માંડ્યું. આ રીતે શિવાજીની શક્તિ વધેલી જોઈને ઉત્તરમાં આલમગીર પહેલાને ઘણી ચટપટી લાગી; અને આ બંડખોર લૂટારાને જેર કરવા માટે તેણે કમર કસી. વિજાપુરના રાજાએ કંઈ પણ દરકાર ન કરી અને શિવાજીને બલવત્તર થવા દીધો, એટલે ઔરંગજેબનું સરળતાથી કંઈ ઝાઝું વળ્યું નહિ. તે તેને જેમ જેમ સપડાવતો ગયો, તેમ તેમ તે વધારે દૃઢ થતો ગયો. અંતે થાકીને ઔરંગજેબ અને વિજાપુરની સરકારે તેને સ્વતંત્ર થવા દીધો. આવી રીતે પોતાનો જય મેળવતાં તે અગાડી વધ્યો; તોપણ પોતાની લૂટફાટની રીતિ છોડી દીધી નહિ, અને તેથી હજી પણ અંગ્રેજી ઇતિહાસ કર્તા તેને પિંડારા સિવાય બીજી ઉપમા આપતા નથી. તેનાથી પ્રજા ઘણી પીડાવા લાગી. તેથી અૌરંગજેબે તેની સામા પોતાનું સૈન્ય મોકલ્યું. સાષ્ટિખાન, ઔરંગજેબનો મામો હતો તેને, પોતાના દીકરા મોયાઝીમના હાથ નીચે કેટલુંક સૈન્ય આપી, શિવાજીને જેર કરવા મોકલ્યો; અને જ્યારે તેનાથી કંઈ પણ વળ્યું નહિ, ત્યારે જેપુરના જશવંતસિંહને લશ્કરમાં બીજા જનરલની પદવી આપી તેને સહાય કરવા મોકલ્યો. સાષ્ટિખાન ઘણો તોછડો, ઉદ્ધત, મૂર્ખ, બડાઇખોર હોવાથી જશવંતસિંહ સાથે બન્યું નહિ. શિવાજીના પેદલનો* ઉપરી મોરોપંત હતો ને હેદલસેન નાથજી પલકરના ઉપરીપણા નીચે હતું. તેણે જોયું કે મોગલો સામા જોઈયે તેવી સારી રીતે લડી શકાવાનું નથી, તેથી તા. ૧૨ મી એપ્રિલ ૧૬૬૩ ને દિને થોડું પેદલસેન પોતાના સૈન્યાધિપતિપણા નીચે રાખી, તાનાજી મુલસરે ને હાસાછ કંકને લઈ, જ્યાં સાષ્ટિખાન પડેલો હતો ત્યાં તૂટી પડ્યો અને તેને નસાડ્યો. તેણે મોગલોની પૂઠ એવી તો સજડ પકડી કે, એના જેવો નાશ તેમનો ભાગ્યે જ થયો હશે. કરતોજી ગુંઝરના ઉપરીપણાની કેવલરી (ઘોડેસ્વારો) મોગલોપર ઉતરી પડી, ને મોગલોને નામોશી સાથે નસાડ્યા, આ જય જેવો તેવો નહતો. સાષ્ટિખાને ઔરંગજેબને આ હારથી ખીજવાઈને લખી વાળ્યું કે, જશવંતસિંહ શિવાજીનો મારેલો છે, તેથી તે જોઈયે તેવો આશ્રય આપતો નથી. ઔરંગજેબે બંનેને બોલાવી લઈને મોયાઝીમને દક્ષિણનો સરસુબો કરીને મોકલ્યો, ને તેના હાથ નીચે પાછો જશવંતસિંહને પણ સૈન્ય આપીને મોકલ્યો, જશવંતસિંહે સીંહગઢપર ઘેરો ઘાલ્યો, પણ ઘણો સમય ટકાવી શકાયો નહિ, ને આખરે તેને પોતાનું સૈન્ય ખેંચી લઇને ઔરંગાબાદ આવવું પડ્યું.

ઔરંગજેબે આ નવા દુશ્મનને ઘણો મતબાલો જોઈને, તેને જેર કરવાની ઘણી ગોઠવણ કીધી; પણ એકે ફેરે રામદાસ સ્વામીના શિષ્યે તેનો જય પાકો થવા દીધો નહિ. જ્યારે ઔરંગજેબનું સૈન્ય નિયમિત યુદ્ધ કરવા આવતું, ત્યારે શિવાજી નાસભાગ કરતો. સિંહગઢમાં જશવંતસિંહને તોબા પોકરાવી તે ત્યાંથી નાઠો. પોતાના સૈન્યના એક ભાગને, થાણા જીલ્લાના કલ્યાણીની પડોસમાં લાવીને પડાવ નાંખ્યો; બીજો વિભાગ રાજાપુરમાં હતો. અૌરંગજેબને તે જણાવતો હતો કે, તેની મરજી વસઈપર ચઢાઈ કરવાની છે, પણ એ ગલત વાત હતી.

આ કાળે સુરતમાં પુષ્કળ દોલત અને સંપત્તિ છે એમ એના જાણવામાં આવ્યું. શિવાજીએ એ નગર લૂટવાનો વિચાર નક્કી કીધો. પણ શહેરની વ્યવસ્થા જાણ્યા વગર, વખતે જોઈએ તેટલો લાભ ન થાય એમ ધારી, ક્યાં ક્યાં, કોણ કોણને ત્યાં ધન છે, તેની છુપી શોધ કરવાનો વિચાર રાખ્યો. પોતાના એક પ્રખ્યાત મશહુર જાસૂસને મોકલવાનો ઠરાવ કીધો. આ પ્રકરણના પ્રારંભમાં જે દુનિયા ખાધેલ ઘોડેસ્વાર દેખાયો છે, તે શિવાજીનો દૂત બહિરજી નાયક છે. એ સૂર્યપુરની સ્થિતિ ને રંગ જોવાને આવ્યો છે.

સત્તરમી સદીમાં હિંદુસ્તાનમાં ચાલતા કાવાદાવા અનેક પ્રકારના હતા. અગરજો દિલ્લીના તખ્તપર પ્રતાપી મોગલવંશના રાજાઓ બિરાજતા અને તેમની હાક ચોમેર ગાજી રહી હતી, તોપણ નાનાં નાનાં રાજ્યો પણ પોતાનો સત્તાપ્રતાપ દાખવતાં હતાં. કોઈ કંઈ રીતે તો કોઈ કંઈ રીતે એક બીજાના વિરોધી હતા, અને તેવા જ કોઈ કારણસર સુરતના નવાબને પણ કોઈ પક્ષ તરફથી આપત્તિ વેળાએ આશ્રય મળે તેમ નહતું. ત્યારે શિવાજી-કે જેને પૈસાની સૌથી પહેલી જરૂર હતી, તે કેાઈ તેવાં ઝાહોઝલાલીવાળાં નગરને લૂટવાને પછાડી કેમ પડે ?

બહિરજીને સુરતની તપાસમાટે મોકલવાનો હેતુ એ જ હતો કે કોઈ પણ પ્રકારે નાણાં મેળવવાં. સુરતનો હાકેમ નબળો હતો. તેને સહાય કરનાર કેાઈ નહતું; અને શિવાજીએ પૂરતી તૈયારી કીધી હતી. તેને ખોવાનું કંઈ જ નહિ હતું, મેળવવાનું જ હતું. માત્ર જોવાનું એ જ હતું કે, ક્યાંથી વધારે મત્તા મળશે તે જ. તેણે પોતાના નાયકને ઘણું શીખવી મોકલ્યો હતો. અગરજો નાયક કુશળ હતો, તેને શિવાજીના બોધની કંઈ જરૂર નહતી, તોપણ જે હેતુ શિવાજીએ રાખ્યો હતો, તેને માટે તેને જેટલી કાળજી હોય, તેવી બીજાને ન હોય, માટે ટોકી ટોકીને તેને મોકલ્યો હતો. આપણે જોયું કે જે દક્ષિણી દુમાલના હનુમાનની જાયગામાં આવીને બેઠો છે, તે એક મહા અઘોર કાવતરાંના કામ માટે આવ્યો હતો. પણ એ બેરાગી કેાણ ?

* * * *

બેરાગી સુરતનો જ રહીશ હતો. તે વેદમાં કર્મકાંડ સૂધી સારી રીતે પહોંચેલો હતો. જાતે ઘણો નિખાલસ તેથી પૂર્વાશ્રમમાં કંઈક સહેજસાજ વેપાર કરીને પોતાનો નિર્વાહ કરતો. તેની ન્યાતિમાં કન્યાની અછત તેથી કુંવારો હતો અને ચાળીસ વર્ષની ઉમ્મર થઈ તોપણ પરણ્યો નહતો; અને તે પછી પરણવાની આશા પણ નહતી. તેટલામાં ભોગ ચોઘડીએ અકસ્માત્ પ્રસંગે એક તરુણ વિધવાનો પ્રસંગ થયો. બાઈબહુ ક્રાંતિવાળી, લજજાળ અને શિયળ સાચવનારી હતી. નાનપણમાં જ તેનાં માબાપ ગુજરી ગયાં હતાં, અને તેના ભાઈએ ઘરમાંથી વિના પ્રયેાજને કહાડી મૂકી હતી. જો કે ગુજરાન કરવાને તેને મહામહામુસિબત પડી હતી, તો પણ એક પણ દિવસે પાપ વાસના કરી નહતી. મહામહા કષ્ટે તે દહાડા ગુજારતી હતી. ઉમ્મર માત્ર સત્તર વર્ષની હતી. આવો તરુણાવસ્થાનો કાળ તે કેમ દુઃખે નિકળે ? સાધુ સંતને સમાગમ રાખે, પણ વિરહપીડા તો ન વેઠાય, ભણેલી ગણેલી હતી, તેથી ધર્મશાસ્ત્રથી જાણ્યું હતું કે, પતિ મરણ પામે તો સ્ત્રીથી બીજો પતિ ન થાય; છતાં વિરહથી પીડાવાને લીધે ફરી લગ્ન કરવાનો વિચાર કીધેલો ! તે જ્ઞાતે વીશનગરી નાગરાણી હતી. તેને આ ગૃહસ્થ નાગર હરિપ્રસાદ સાથે પ્રસંગ પડ્યો બંનેની સંપૂર્ણ ઈચ્છા લગ્ન માટે થઈ. અન્યોન્ય કોલથી બંધાયાં. જો કે કંઈક રીતે નિકટનાં સંબંધી હતાં, તે છતાં આપણે પરણવું સાથે ને મરવું સાથે એમ એકેકે કસમ ખાધા. પણ માણસ ધારે છે શું ને ઈશ્વર કરે છે શું ! એ સમયે નવાબ આગળ નાગર કાયેચોનો ભારે દોર હતો. તારાગવરી જે એ બાઈનું નામ હતું તેનો ભાઈ નવાબ સાહેબનો હજુરિયો હતો. તારાગવરી અને હરિપ્રસાદનાં પુનર્લગ્ન થનાર છે એમ જાણી તેણે નવાબને ભંભેર્યો. ઘણા રાજાઓને કાન હોય છે, પણ સાન હોતી નથી. તે પ્રમાણે નવાબે બંને જણને એકદમ પકડી મંગાવ્યાં. તારાને કેદખાનામાં રાખી, જ્યાં તેના ભાઈએ ઝેર આપી મારી નાંખી. હરિપ્રસાદને પણ બહુ રિબાવ્યો, પણ દહાડાના જોગે તે કેદખાનાના ઉપરીને કંઈ દાન દક્ષિણા આપી નાસી ગયો. પોતાની પ્યારીના બૂરા હાલ થવાથી, તેની છાતીમાં મોટો ઘા પડ્યો ને તેની ઉદાસીનતામાં સર્વસ્વ ત્યાગ કરીને વૈરાગ્ય ધારણ કર્યો. પણ મનમાં એવી ઈચ્છા ખરી કે, નવાબ અને તેના કારભારીને તેમની કરણીનાં ફળ ચખાડવાં. છએક વર્ષ હિંદુસ્તાનમાં રઝળી રખડીને ત્રણ વર્ષ થયાં પાછો પોતાનું વૈર લેવાને સુરતમાં આવીને પડેલો હતો. તેનું મન મોટું હતું અને તે તેજ પ્રમાણે મોટું વૈર લેવાને ધારતો હતો !! બહિરજીને પ્રથમ પરદેશી ધારી તેને આશ્રય આપ્યો, પણ જ્યારે તેણે જોયું કે આ પ્રપંચી છે, ત્યારે તે તેનો મળતિયો થયો; તે શું કરે છે તે આપણે હવે પછી જોઈશું.



Rate this content
Log in

Similar gujarati story from Action