STORYMIRROR

Rajul Shah

Inspirational Others

3  

Rajul Shah

Inspirational Others

શબ્દ પ્રારબ્ધ

શબ્દ પ્રારબ્ધ

3 mins
27K


આજ સુધી આપણે સૌએ મહાભારતની કથા અને એના અંતે વેરાયેલી વ્યથાની વાતો અનેક વાર વાંચી જ હશે. આજે એમાંની એક વાત ફરી એકવાર યાદ આવી..

મહાભારતના ૧૮ દિવસના યુધ્ધ પછીનો એક દિવસ છે. દ્રૌપદીની ઇચ્છા પ્રમાણે કૌરવો સામેના પ્રતિશોધમાં પાંડવો વિજયી થઈ ચૂક્યા છે પણ વિજયની ખુમારી દ્રૌપદીના ચહેરા પર છે ખરી ? ના, આ પ્રતિશોધની આગે તો દ્રૌપદીના ચહેરા પર ઉંમરના ચાસ પાડી દીધા છે. શારીરિક જ નહીં માનસિક રીતે પણ એ સાવ નંખાઈ ગઈ છે. પ્રતિશોધ પછીના પશ્ચાતાપની આગ લીધે શ્યામવર્ણી ર્દ્રૌપદીના ચહેરા પર જાણે વધુ શ્યામલ શાહી પથરાઈ ગઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ચારેકોર લાશોના ઢગલાએ એની કશું જ વિચારવાની સમજને પણ જડતામાં ફેરવી નાખી છે. અગ્નિસંસ્કાર પણ જેને નસીબ નથી એવા પતિ કે પુત્રના વિરહમાં વિધવાઓ જાણે વગર અગ્નિએ બળી રહી હતી. બાળકો અનાથ બની ગયા છે એવા હસ્તિનાપુરની મહારાણી આજ સુધી ન અનુભવી હોય એવી વિવશતા અનુભવી રહી છે. મહાલયમાં પણ જાણે કાલિમાની છાયા ફેલાઈ ગઈ છે. વિચારશૂન્ય દશામાં બેઠેલી દ્રૌપદીને મળવા શ્રીકૃષ્ણ આવી રહ્યા છે.

કૃષ્ણને જોઈને દ્રૌપદી એમની સામે દોડી આવે છે અને એના આંસુઓનો બંધ છૂટી જાય છે. કૃષ્ણ એને સાંત્વન આપવાનો મિથ્યા પ્રયાસ કરે છે. હવે દ્રૌપદી અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે એ જોઈએ.

દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, “આ શું થઈ ગયું સખા ? આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.

કૃષ્ણ જવાબ આપે છે, “પાંચાલી, નિયતી અત્યંત ક્રુર હોય છે એ આપણે વિચારીએ એવી જ રીતે ચાલશે એવું નથી બનતું એ આપણા કર્મોને પરિણામમાં બદલી નાખે છે. તારી તો પ્રતિશોધની ભાવના હતી જે પુરી થઈ. માત્ર દુર્યોધન કે દુશાશન જ નહીં તમામ કૌરવો મૃત્યુ પામ્યા છે. તને તો ખરેખર હવે આનંદ થવો જોઈએ.”

દ્રૌપદી- “સખા, તમે અહીંયા મને સાંત્વન આપવા આવ્યા છો કે મારા ઘા પર મીઠુ ભભરાવવા ?”

કૃષ્ણ- “પાંચાલી, હું તો તને વાસ્તવિકતાનું દર્શન કરાવવા આવ્યો છું. આપણે જે કર્મો કરીએ છીએ એના પરિણામો શું હોઈ શક્શે એ પહેલેથી વિચારી શકતા નથી અને જ્યારે પરિણામ આપણી સમક્ષ આવે છે ત્યારે આપણા હાથમાં કશું જ નથી રહેતું.”

દ્રૌપદી-“ તો શું આ યુધ્ધ માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર છું ?

કૃષ્ણ-“ ના, તું તારી જાતને એટલી મહત્વપૂર્ણ પણ ના સમજ પણ જો તારા વિચારોમાં જરા પણ દૂરંદેશી હોત તો આજે તને આટલું કષ્ટ ના પડ્યું હોત એ વાત પણ નિશ્ચિત.”

દ્રૌપદી- “તો હું શું કરી શકી હોત ?”

કૃષ્ણ- “જ્યારે તારો સ્વયંવર રચાયો ત્યારે કર્ણને જો અપમાનિત ન કર્યો હોત અને સ્વયંવરમાં ભાગ લેવાનો અવસર આપ્યો હોત તો પરિણામ જુદુ હોત. એ પછી કુંતીએ તને પાંચ પતિઓની પત્નિ બનવાનો આદેશ આપ્યો ત્યારે તેમ એનો સ્વીકાર ન કર્યો હોત તો પરિણામ જુદુ હોત. તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો ચીરહરણ ન થયું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. દ્રૌપદી આપણા શબ્દો પણ આપણા કર્મો બની જાય છે. પ્રત્યેક શબ્દ ઉચ્ચારતા પહેલા વિચારવું જરૂરી છે અન્યથા એના દુષ્પરિણામ માત્ર આપણને જ નહીં આપણા પરિવેશને પણ તકલીફ પહોંચાડે છે. સંસારમાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતોમાં નહી પણ એના શબ્દોમાં હોય છે.”

સીધી વાત- શબ્દોનો ઉપયોગ એવી રીતે કરીએ કે જેનાથી કોઈની ય ભાવનાને ઠેસ ન પહોંચે. આ બાબત દ્રૌપદી જેટલી જ આપણને પણ લાગુ પડે છે ને ! શર અને શબ્દ માટે કહેવાય છે ને કે, “ભાથામાંથી છૂટેલું શર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી ફેરવી શકાતા. આપણા વિચારો શબ્દોમાં ફેરવાય છે. આ શબ્દો જ ક્યારેક આપણું પ્રારબ્ધ બની જાય છે. બૂમરેંગ માટે કહેવાય છે કે જો એને સાચી રીતે ફેંકવામાં આવે તો એ નિશ્ચિત માર્ગ પર પ્રવાસ કરીને તેના શરૂ થવાના બિંદુ પર પરત થાય છે. આપણા કેટલાક શાબ્દિક કર્મો પણ એવા જ છે જે સાચી કે ખોટી રીતે આપણા ભાથામાંથી છૂટે તો અન્યની જેમ આપણા આત્માને પણ અસર તો કરે જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational