સહાનુભૂતિના હકદાર
સહાનુભૂતિના હકદાર
રાહુલ સ્મિતાને કહી રહ્યો હતો કે, "સહાનુભૂતિનું લેબલ ફક્ત સ્ત્રીઓ માટે જ શા માટે ? પુરુષને ક્યારેય સહાનુભૂતિની જરૂર ન પડે ? ક્યારેય તેની સંવેદનાને કેમ અવગણવામાં આવે છે ?" સ્મિતાએ તેનો વળતો જવાબ આપતાં કહ્યું કે, " કોણે કહ્યું કે સહાનુભૂતિ ઉપર ખાલી સ્ત્રીઓનો જ ઈજારો છે ? તમે પણ મુશ્કેલીમાં હોવ ત્યારે તમને પણ અન્ય વ્યક્તિ દ્વારા સહાનુભૂતિ મળે જ છે." રાહુલે સ્મિતાની વાતને તદ્દન નકારી કાઢી, પરંતુ સ્મિતા માનવા તૈયાર જ નહોતી. બંને પોતપોતાની વાત પર મક્કમ હતાં. અંતે તેમણે પોતાના સમાધાન માટે એક નાટક કરવાનું વિચાર્યું.
એક સવારે બંને પહોંચી ગયા શહેરના સૌથી વ્યસ્ત હાઇવે પર. ત્યાં જઈને બંનેએ એક-એક વાર અંધ બનીને રોડ ક્રોસ કરવાનું નક્કી કર્યું. શરૂઆત સ્મિતાએ કરી. જેવી તે રોડ ક્રોસ કરવા આગળ આવી કે તરત જ તેને મદદ કરવા માટે લાઈન લાગી ગઈ. તેમાંથી એક છોકરાનો હાથ પકડીને સ્મિતાએ રોડ ક્રોસ કરી લીધો. હવે વારો હતો રાહુલનો. રાહુલ આગળ વધ્યો.... પરંતુ કોઈ તેની મદદે આવ્યું નહીં. ખૂબ જ ટ્રાફિક હોવા છતાં પણ તેણે જાતે જ રોડ ક્રોસ કરવો પડ્યો. આ જોઈ સ્મિતાનો બધો જ ઘમંડ ઉતરી ગયો. "પુરુષ સમોવડી સ્ત્રી"નો ઝંડો લઈને ફરતી સ્મિતાનું માથું આજે શરમથી ઝૂકી ગયું. તેને પોતાના જ સમાજ અને સોસાયટી પ્રત્યે નફરત થઈ આવી. લોકોનું આવું વલણ જોઈને તેને વિશ્વાસ આવી ગયો કે આજે પણ સમાજમાં લંપટ પુરુષો હયાત છે. જ્યાં સુધી આવા પુરુષો રહેશે, સ્ત્રીઓની સુરક્ષા પર સવાલ ઊઠતાં જ રહેશે.
