સૌથી મોટો દુશ્મન : ધુમ્રપાન
સૌથી મોટો દુશ્મન : ધુમ્રપાન
શ્વાસ લેવો એ સૌથી સરળ અને સાદી પ્રક્રિયા લાગે છે, પરંતુ જયારે ફેફસા જ શ્વાસ માટે સંઘર્ષ કરવાં લાગે ત્યારે શ્વાસ આસાનીથી લઈ શકાતો નથી. આ સરળ વાક્ય એ હજારો, લાખો પીડિતોની ઝાંખી છે. હવે તો શ્વાસ પણ ડરીને લેવો પડે છે. કારણ કે ફેફસાના કેન્સર જેવી ઘાતક અને જીવલેણ બીમારી સામે લડવા માટે સજાગ અને સાવચેતી રાખવી અત્યંત આવશ્યક છે. દર વર્ષે 1 ઓગસ્ટનાં રોજ ઉજવાતા વિશ્વ ફેફસાનાં કેન્સર દિવસનો હેતુ જ એ છે કે, "લોકોમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવી, સમયસર તપાસ કરાવવી અને સારવાર મેળવવી, ઉપરાંત ભવિષ્યને ઉજળું બનાવવા આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી ખૂબ જરૂરી છે."
ફેફસાનાં કેન્સરનો સૌથી મોટો દુશ્મન હોય તો તે છે ધુમ્રપાન. આજે તો દરેક પાનના ગલ્લે કે નાના મોટા કેફેમાં સિગરેટ, બીડી, હુક્કા કે ઈ - સિગારેટ જેવી અનેક નશીલી વસ્તુઓ આસાનીથી મળી રહે છે. તેના ધુમાડાથી ફેફસાનાં રૂટિન કાર્યમાં ખલેલ પહોંચે છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. વડીલો કરતાં આજે યુવાનોમાં આ ચલણ દેખાદેખીના લીધે અનહદ વધતું જોવા મળે છે. ઘરથી બહાર જવા માટેની સ્વતંત્રતાનાં લીધે યુવાનો આજે અવળી દિશા તરફ દોટ મુકતા થયાં છે. પોતે પોતાના જ પગ પર કુહાડો મારી રહ્યા છે એનું ભાન ખુદને પણ નથી. દેખાદેખી અને ફેશન એટલી ઝડપી ગતિએ ફૂંકાય રહી છે કે તેના પ્રકોપથી લગભગ 70% જેટલાં યુવાનો ઝપેટે ચડવાં લાગ્યા છે. દેશના યુવાનો પોતાની કારકિર્દીને નેવે મૂકીને બીડી ફૂંકવાના રવાડે ચડવા લાગ્યા છે.
અંદાજે દર વર્ષે દુનિયામાં 20 લાખ કેસ નવા નોંધાય છે. આજે ભારત પણ આ ચિંતાજન્ય રોગથી મુક્ત નથી. સમયસરની તપાસના અભાવે મોટાભાગના દર્દીઓને આ બીમારી અંગે મોડી ખબર પડે છે, તેથી જ તેની સારવાર ખર્ચાળ અને મુશ્કેલ બની જાય છે. ધુમ્રપાન બિલકુલ બંધ કરવું જોઈએ, તેમજ દર વર્ષે આરોગ્યની તપાસ થવી જ જોઈએ. ઉપરાંત યોગ, પ્રાણાયામને દૈનિક જીવનમાં પ્રાથમિકતા નહીં પરંતુ પ્રાધાન્ય આપો. સાથે સાથે રોજિંદી ખોરાકની શૈલીમાં ફેરફાર લાવીને તંદુરસ્ત અને નિરોગી રહો.
આજે યુવાનો વિદ્યાર્થી અવસ્થામાંથી જ ધુમ્રપાન કરતાં થઈ જાય છે. એમાં પણ ઘણાં યુવાનો કહેતા ફરે છે કે, "અમને સ્ટ્રેસ આવી જાય છે તો આવા નસીલા પદાર્થો લેવાથી સ્ટ્રેસ ભાગે છે." હવે, મા બાપના પૈસે જલસા કરતાં છોકરાઓને શાનો સ્ટ્રેસ?? નાની ઉંમરે આવા વ્યસન શરીરને અંદરથી ખોખલુ અને માયકાંગલું બનાવી નાખે છે. જો રખડવાની ઉંમરમાં જ સ્ટ્રેસ આવતો હોય તો કારકિર્દી ઘડવામાં કે ઘરની જવાબદારીઓ સંભાળશે ત્યારે શું થશે? ઉપરાંત આજે યુવાનો દારૂ, સિગરેટ, ડ્રગ્સ કે આવા નશીલા પદાર્થોનું સેવન કરવામાં સૌથી સારુ સ્ટેટસ પણ સમજી બેઠા છે. આવાં ભૂલભરેલા વિચારોને આધારે યુવાઓનો બહોળો વર્ગ મોતના મોમાં જઈ રહ્યો છે.
ફેફસાનાં કેન્સરની એક સત્ય હકીકત એ પણ છે કે, "ફેફસાનાં કેન્સરના 80% થી વધુ કેસો તો ધુમ્રપાનથી જ થાય છે." આમ છતાં શિક્ષિત લોકો પર આવી ટકાવારીની કોઈ અસર થતી નથી. પોતાના સ્ટેટ્સને જાળવવામાં તેમજ મિત્રો સાથેની દેખાદેખીથી પોતાના જ જીવની આહુતિ આપી દેતા હોય છે. ઉપરાંત આજના પ્રદુષણયુક્ત વાતાવરણથી અને ઉદ્યોગોમાંના રાસાયણિક પદાર્થો પણ કેન્સર માટે કારણભૂત ગણી શકાય.
આ દિવસને માત્ર કેલેન્ડરનાં પાનાની જેમ ના ઉથલાવતા એક મહા સંકલ્પ લેવા માટે છે. સંવેદના અને શ્વાસની લડત છે. આપણે જ આપણા પરિવારનાં લોકોને, મિત્રોને, આસપાસના પાડોશીઓને કે નજીવી કોઈપણ વ્યક્તિને આ ખતરનાક બીમારીથી બચાવવાં મદદરૂપ થઈએ. ઘરના દરેક બાળક કે યુવાનને સંદેશો આપો કે, "સિગરેટ નહીં પણ સંસ્કાર મેળવો, ધુમ્રપાન નહીં પણ દીર્ઘ અને નિરોગી આયુષ્ય મેળવો, ફેફસા સહીસલામત તો શ્વાસ સલામત."
- રાજેશ્રી ઠુંમર
