સાથે ઘરડાં થઈશું
સાથે ઘરડાં થઈશું
સુનીતાના લગ્નને હજુ માંડ એકાદ વર્ષ જેવું થયું હશે, અને તે પોતાના પિયર આવતી રહી હતી. તેની ફરિયાદો પણ સાવ સામાન્ય હતી. ઘરે આવી ત્યારે શરૂઆતમાં તો કોઈએ કંઈ કહ્યું નહિ, પરંતુ થોડા દિવસ પછી સુનીતાના માતા પિતાએ તેને પૂછ્યું કે બેટા તને શું તકલીફ છે ત્યાં ? તો સુનિતા એ કહ્યું કે, "મારી નણંદ મને કામ નથી કરાવતી, સાસુ વાત વાતમાં ટોકે છે, પતિ પાસે સમય નથી ને હું તેમને ફરિયાદ કરું તો વાંક મારો જ કાઢે છે." સુનીતાના માતા પિતાએ તેને ખૂબ સમજાવી કે, "બેટા ! દરેક ઘરમાં આવા પ્રોબ્લેમ તો હોય જ છે, એટલે કંઈ ઘર છોડીને થોડું આવતા રહેવાય. તે સુમિતને પસંદ કર્યો છે, બધું જોયું હતું, તો પછી હવે આવી ખામી કાઢીને શું મતલબ ?" પરંતુ સુનિતા એકની બે થવા તૈયાર નહોતી. હજુ થોડી નાદાન હતી, અને બાળક બુદ્ધિમાં આવા નિર્ણયો લેવાઈ જતા હોય છે. પરંતુ આવા સમયે મા બાપે જ સમજદારી કેળવી પોતાની દીકરીનો સંસાર હર્યોભર્યો કરવાં પ્રયત્નો કરવા જોઈએ.
અત્યારના સમયમાં આપણે જોઈએ તો દરેક વ્યક્તિ પોતાનો ઈગો લઈને બેસી જાય છે કે, હું શું કામ પહેલ કરું ? આપણી દીકરીનો કોઈ વાંક નથી, આપણી દીકરી તો ભણેલી છે, એનાં પૂરતું તો એ કરી લેશે...વગેરે...વગેરે... પરંતુ ત્યારે આપણે એક જ વસ્તુ વિચારવી જોઈએ કે આપણે જે કંઈ પ્રયત્નો કરીએ છીએ તે આપણાં માટે જ. આપણો સંસાર સુખી રહે તે માટે. આપણા માટે પણ આપણે પહેલ નહીં કરીએ તો કોણ કરશે ? આજના સમયમાં લગ્નજીવન ટકાવી રાખવું ખરેખર આટલું બધું અઘરું થઈ ગયું છે, કે પછી આપણે તેને અઘરું બનાવી દીધું છે ? તે જ નથી સમજાતું. દરેક વ્યક્તિ સ્વતંત્રતા ઈચ્છે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ. પરંતુ આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, "આપણે સ્વતંત્રતાના નામે ક્યાંક સ્વચ્છંદી તો નથી બની ગયા ને ?" સુનીતાની વાતમાં પણ ક્યાંક ને ક્યાંક આ જ તકલીફ હતી, કેમ કે તે ભણેલી હતી અને નોકરી કરતી હતી. સુનિતાએ કોઈનું કહ્યું માન્યું નહીં ત્યારે આ બીડું દાદા દાદીએ ઝડપ્યું.
એક દિવસ અચાનક દાદીએ સુનીતાને કહ્યું કે, "તારી બેગ પેક કરી લે, કાલે સવારે આપણે આઇલેન્ડ પર ફરવા જવાનું છે, એક વીક માટે." સુનિતા ખુશ થઈ ગઈ, તેને ફરવું ખૂબ જ ગમતું હતું. બીજા દિવસે સવારે દાદા દાદી અને સુનિતા, ફરવા માટે નીકળી ગયા. ત્યાં પહોંચી થોડો રેસ્ટ કર્યો અને પછી બીચ પર ગયા. બીચ પર પહોંચી દાદા દાદીએ ઘણા રોમેન્ટિક ફોટો પડાવ્યા. આ ફોટો સુનિતા જ પાડી આપતી હતી. અમુક ફોટો તો એવા પડાવ્યા જે હજુ સુનિતાએ પણ નહોતા પડાવ્યા. એક સમય માટે તો સુનીતાને પણ એમ થઈ ગયું કે, દાદા દાદી ગજબના છે. આ ઉંમરે પણ આટલા રોમેન્ટિક ? જાણે હનીમૂન પર આવ્યા હોય તેવું લાગે છે. તેનાથી રહેવાયું નહિ એટલે તેણે દાદીને પૂછી જ લીધું કે, "દાદી તમે આટલા વર્ષે પણ આટલા રોમેન્ટિક કેવી રીતે ?" ત્યારે દાદીએ ખૂબ જ સુંદર જવાબ આપ્યો. દાદીએ કહ્યું કે, "બેટા ! હું ને તારા દાદા અમારી જુવાનીમાં ક્યાંય ફરવા જઈ શકીએ તેટલા પૈસા નહોતા. અને અમારી વખતે આવું ફરવાનું પણ એટલું નહોતું. તારા દાદાને ચાર ભાઈ અને પોતે સહુથી મોટા. એટલે ઘરની જવાબદારી પણ તેમના માથે જ હતી. ત્રણ ભાઈઓના પ્રસંગો કાઢવા અને બધાને સેટ કરવામાં જ સમય પસાર થઈ ગયો. ક્યારેક તો એવું બનતું કે બે ત્રણ દિવસ સુધી મારી ને તારા દાદાની કોઈ વાતચીત પણ ન થઈ હોય. ઝગડા ના કારણે નહિ, પરંતુ ઘરના કામની વ્યસ્તતાના કારણે. તો પણ મેં ક્યારેય એમને ફરિયાદ નથી કરી. હું પણ સમજુ કે તેમની પર કામનો ને જવાબદારીનો કેટલો બોજ હોય. અને આપણે જ આપણા માણસને ના સમજીએ તો બીજું કોઈ થોડું સમજવાનું. પરંતુ તારા દાદાએ મને પ્રોમિસ કર્યું હતું કે, અત્યારે યુવાની છે, કમાવવાની ઉંમર છે મને કમાવા દે. નિવૃત્તિ બાદ આપણે ખૂબ ફરીશું અને મજા કરીશું. તો જો, અત્યારે કરીએ છીએ ને મજા ! લોકો નક્કી કરતાં હોય કે, "સાથે જીવવું છે", અમે નક્કી કર્યું હતું કે, "સાથે ઘરડા થવું છે અને ખૂબ જીવવું છે." બસ એ જ કરીએ છીએ અમે.
સુનીતાને જિંદગીની વાસ્તવિકતા સમજાઈ ગઈ અને તેણે ઘરે જઈને તરત જ સુમિતને ફોન કરીને પોતાને લઈ જવા બોલાવ્યો. સુમિત પણ એટલી જ અધીરાઈથી તેને લેવા આવી ગયો. બંને જણા દાદા દાદીને એક પ્રોમિસ આપીને છૂટા પડ્યા કે, "સાથે ઘરડા થઈશું, અને ખૂબ જીવીશું...".
