સારું સ્વીકારો, તો સારું થાય
સારું સ્વીકારો, તો સારું થાય


ઘણીવાર એવું બનતું હોય છે કે, સારી વાત પણ સ્વીકારાતી નથી. તે ફાયદાકારક હોય તો પણ તેને બેધ્યાન કરી દેવામાં આવે છે. પણ આ ગાંધીભકત એવું કયારેય વિચારતા નહિ. જે સારું લાગે તેને અપનાવવામાં જરાય વિલંબ કરતા નહિ. તેઓ તો મસ્તી-મજાક કરતા જાય અને કામ કરતા-કરાવતા જાય.
ગાંધીજીએ ચરખો કાંતવાનું કહેતા તેઓ કલાકો ચરખો કાંતવા બેસી જતા. પોતે કામ કરે અને સૌને કામે લગાડે. આ રીતે અનેક ગરીબોને આજીવિકા મળવા લાગી. આવા જ હેતુથી તેઓએ ગ્રામોદ્યોગ પ્રવૃત્તિને પણ વેગ આપ્યો. ગાંધીજીએ ખાદીનો કાર્યક્રમ હાથ ધર્યો, તો તેમણે પણ તે અપનાવી લીધો. સાથે સાથે હરિજનપ્રવૃત્તિમાં પણ પૂરો સહકાર આપ્યો. જે બીજાને લાભ કરે એવી પ્રવૃત્તિ તેઓ અપનાવે જ.
ગાંધીજીની રાહબરી હેઠળ અમદાવાદમાં મજૂરોની ચળવળ થઈ. તો આ ભકતે પણ તેમાં સક્રિય સાથ આપી આ ચળવળને યશસ્વી બનાવી દીધી. ગાંધીજીએ વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે તેઓએ પણ પોતાનાં સંતાનોને રાષ્ટ્રીય શિક્ષણ લેવા તેમાં મોકલી દીધાં. આ વિદ્યાપીઠ માટે રંગૂન સુધી જઈને દસ લાખ રૂપિયાનો ફાળો પણ કરી આવ્યા. ગાંધીજીએ અહિંસાનો ઉપદેશ આપ્યો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ વખતે તેઓ પણ અમદાવાદની શેરીએ શેરીએ જઈ લોકોને શાંત કરવા લાગ્યા. અંગ્રેજ સરકારે મીઠું મોંઘું બનાવ્યું ત્યારે ગાંધીજીએ મીઠાના આ કાયદાનો ભંગ કરવા દાંડીકૂચનો કાર્યક્રમ આપ્યો. ત્યારે આ ભકતે કાર્યક્રમ શરૂ થયા પહેલા જ અનેક જગ્યાએ જઈને પ્રચાર શરૂ કરી દીધો. લોકો માટે જે સારી પ્રવૃત્તિઓ લાગી તે પૂરી નિષ્ઠાથી સ્વીકારી અને તે આગળ વધારી.
લોકોને પોતાના હકોની માગણી કરતા શીખવ્યું. ગામડાંમાં જાગૃતિ આણવાની સાચી સમજ આપી. ખેડૂતોમાં કામ કરી ગામડાંમાં નવું ચેતન આણ્યું. કંઈક પોતાના ગુરુ ગાંધીજીની પ્રેરણાથી, તો કંઈક પોતાની આત્મસ્ફૂરણાથી લોકોમાં સારી પ્રવૃત્તિઓનો ફેલાવો કર્યો. આ સારી પ્રવૃત્તિઓને વેગ આપનાર ગાંધીભકત સરદાર વલ્લભભાઈ પટેલ હતા.
જે સારું હોય તે સ્વીકારવામાં સંકોચ ન કરવો જોઈએ અને જે ખરાબ છે તે છોડવામાં વાર ન લગાડવી જોઈએ. સારું અપનાવવાથી સંસાર સુંદર બની જશે.