સાગબારા
સાગબારા
સાગબારા
અબડાસા કચ્છના એક નાનકડા ગામમાં મીઠી રહેતી હતી. તેના ઘરની દીવાલો જૂની થઈ ગઈ હતી, આંગણાનું લીમડું વૃક્ષ પણ વૃદ્ધ થઈ ગયું હતું, પરંતુ તેની આંખડીની એક રાહ ક્યારેય જૂની થઈ નહોતી.
એ રાહ હતી તેના ભાઈ કરજણની.
પંદર વર્ષ પહેલાં સાતમ આઠમના ગામના મેળામાં કરજણ અચાનક ગુમ થઈ ગયો હતો. આખું ગામ શોધ્યું, પોલીસ પટેલ પસે ફરિયાદ થઈ, સગાં-સંબંધીઓએ પ્રયત્નો કર્યા, પરંતુ કરજણનો કોઈ પત્તો મળ્યો નહીં.
વર્ષો વીતી ગયા.
માતા-પિતા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, પણ મીઠીએ આશા છોડી નહોતી. દર વર્ષે બળેવના દિવસે સજાવેલી થાળી માં નવી રાખડીએ તે થાળીમાં ગયા વરસની રાખડી સાથે સાચવીને મૂકી દેતી.
"આ વર્ષે નહિ તો...કદાચ આવતા વર્ષે ભાઈ જરૂર આવશે..."
પણ આવતું વર્ષ પણ ખાલી જ પસાર થઈ જતું રહેતું .
એક દિવસ સ્થાનિક FM રેડિયોના કાર્યક્રમમાં મીઠીને પોતાના અવાજમાં લોકગીત ગાવા માટે આમંત્રણ મળ્યું.
માઇક સામે બેઠેલી મીઠીની આંખોમાં વર્ષો જૂનું દરદ ભરાયેલું હતું.
કાર્યક્રમના સંચાલકે પૂછ્યું,
"આજે તમે કોના માટે ગાઈ રહ્યા છો?"
મીઠી હળવું સ્મિત કરીને બોલી,
"એક એવા માણસ માટે... જે કદાચ મને સાંભળે છે, પણ મને શોધી શકતો નથી."
સ્ટુડિયોમાં નિઃશબ્દ શાંતિ છવાઈ ગઈ.
મીઠીએ આંખો મીંચી.
અને બાળપણનો ભાઈનો એ જ સૂર અચાનક તેના હોઠ પર આવી ગયો...
"જીવીશું સાથ, સાગબારા ના છોડીશું,
બેની મારી પ્યારી, ભઇલો ઝુલાવે ઘોડિયું...
મીઠી ને આખુ ગીત યાદ નહોતું..
તેને દિલના દર્દ ને જુબાન આપી ગીત આગળ વધાર્યું....
વાટ તારી જોઉં રે, દીવો રોજ કરિયું,
તારા વગર આંગણે, સૂનું સૂનું ઘોડિયું..."
ગીત આગળ વધતું ગયું.
દરેક શબ્દમાં વર્ષોની રાહ હતી.
દરેક સૂર પાછળ એક બહેનનું તૂટતું અને ફરી ઊભું થતું હૃદય હતું.
એ જ સમયે...
ભુજની એક હોસ્પિટલમાં એક મધ્યવયસ્ક દર્દી પથારી પર બેઠો હતો.
અકસ્માત બાદ સારવાર લઈ રહેલો એ માણસ રેડિયો સાંભળી રહ્યો હતો.
અચાનક તેના કાનમાં એ ગીત પડ્યું.
તેનું શરીર સ્થિર થઈ ગયું.
આંખો પહોળી થઈ ગઈ.
ગીતની ધૂન...
આવાજ...
અને "ભઇલો ઝુલાવે ઘોડિયું"
સાંભળતા જ વર્ષોથી બંધ પડેલા સ્મરણોના દરવાજા ખૂલી ગયા.
તેની આંખોમાંથી આંસુ સરકી પડ્યાં.
હોઠ કંપ્યા.
"મીઠી..."
તેનું હૃદય ધબકવા લાગ્યું.
પંદર વર્ષ પહેલાંનો મેળો.
ભીડ.
વિખૂટો પડેલો હાથ.
અને એક નાની બહેનનો ચહેરો.
બધું પાછું યાદ આવવા લાગ્યું.
તે કોઈ બીજો નહોતો.
તે કરજણ જ હતો.
વર્ષો પહેલાં અકસ્માતમાં ગંભીર ઈજા થતાં તેણે પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. જીવતો રહ્યો, મહેનત કરતો રહ્યો, શહેરો બદલતો રહ્યો, પરંતુ પોતે કોણ છે તે જ ભૂલી ગયો હતો.
આજે પહેલી વાર તેને પોતાનો ભૂતકાળ પાછો સંભળાયો હતો.
અને એ અવાજ તેની બહેનનો હતો.
બીજા જ દિવસે કરજણ હોસ્પિટલમાંથી રજા લઈને સીધો પોતાના ગામ તરફ નીકળી પડ્યો.
સાંજ ઢળી રહી હતી.
મીઠી ઘરના ઓટલે દીવો કરી રહી હતી.
દરવાજા પર ટકોરા પડ્યા.
તેણે દરવાજો ખોલ્યો.
સામે એક અજાણ્યો માણસ ઊભો હતો.
થાકેલો.
ધૂળથી ભરાયેલો.
આંખોમાં વરસોની શોધ લઈને.
મીઠી કંઈ પૂછે એ પહેલાં તે ધીમેથી બોલ્યો,
"બેન... હજુ પણ સૂતા પહેલાં તકીયા નીચે ઓલુ મોરપીંછ રાખે છે?"
મીઠી જાણે પથ્થર થઈ ગઈ.
આ વાત દુનિયામાં માત્ર બે જ લોકો જાણતાં હતાં.
એક તે.
અને...
"કરજણ...?"
માણસની આંખોમાંથી આંસુ વહી પડ્યાં.
"બેન..."
પછી કોઈ શબ્દ બોલાયા નહીં.
પંદર વર્ષથી વિખૂટા પડેલા બે આત્માઓ એકબીજાને વળગી પડ્યાં.
આંખોમાંથી વર્ષોનો વરસાદ વરસી પડ્યો.
મીઠી રડતાં રડતાં બોલી,
"તું આવી ગયો ભાઈ... મને ખબર હતી... એક દિવસ તું જરૂર આવીશ..."
કરજણે ધીમેથી જવાબ આપ્યો,
"મને ઘરનો રસ્તો યાદ નહોતો બેન...
પણ તારો અવાજ ઓળખી ગયો."
તે રાત્રે બંને ઓટલા પર બેઠા.
પહેલી વાર તેમણે સાથે મળીને ફરી એ જ ગીત ગાયું.
"જીવીશું સાથ, સાગબારા ના છોડીશું..."
આકાશમાં ચાંદ હતો.
આંગણે દીવો હતો.
અને વર્ષો પછી એક ઘર ફરીથી ઘર બન્યું હતું.
કહે છે કે કેટલીક વાર માણસ રસ્તો ભૂલી જાય છે, નામ ભૂલી જાય છે, ઓળખ પણ ભૂલી જાય છે.
પણ પ્રેમ...
પ્રેમ ક્યારેય ભૂલાતો નથી.
એ કોઈ ગીત બનીને જીવતો રહે છે.
અને જ્યારે સમય આવે...
એ જ ગીત ખોવાયેલા લોકોને પાછા પોતાના લોકો સુધી લઈ આવે છે.
---
વાંચન વિશેષ
સાગબારા - અર્થ
"સાગબારા" એટલે જીવનભરનો અતૂટ સાથ, એવું વચન કે ભલે સમય, અંતર કે સંજોગો બદલાય, પરંતુ સંબંધનો હાથ ક્યારેય છોડવામાં નહીં આવે.
"જીવીશું સાથ, સાગબારા ના છોડીશું..."
પ્રસ્તુત વાર્તા માં રજુ કરેલ કડી એ માત્ર એક ગીતની એક લીટી નથી, તેમાં ભાઈ-બહેનના અવિનાશી પ્રેમનું વચન છે.
કલ્પેશ પટેલ © 2026
