'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

સાચું કામ એ જ ધર્મ

સાચું કામ એ જ ધર્મ

2 mins
541


તેઓ ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. આ હોદ્દો તો તેમને આઝાદી મળ્યા પછી મળ્યો હતો, પરંતુ તે પહેલા પક્ષનાં અનેક કાયોઁ હોદ્દા ઉપર રહીને કે હોદ્દા વગર પણ કરેલાં. કયારેય કોઈ કામની 'ના' નો'તી પાડી. સાચા કામને તેઓ ધર્મ માનતા. ધર્મનું અપમાન તેઓને પસંદ નો'તું. પછી કામનું અપમાન તેઓ પસંદ કરે ખરા !

તેઓએ પોતાનું જીવન દેશને સમર્પિત કરી દીધું હતું. હવે તેમને અંગત જીવન જેવું કશું હતું જ નહિ. છતાં સરકારી કામકાજ, પક્ષનાં કાયોઁ અને અંગત કામ વચ્ચે અલગપણું રાખતા. તેઓ પ્રધાન બન્યા. સરકારી નિવાસસ્થાન મળ્યું. તેમાં અનેક સવલતો મળી. પણ અંગત કામ માટે સરકારી સુવિધાનો કયારેય ઉપયોગ કર્યો નો'તો. આવી તો તેઓની દેશ પ્રત્યેની વફાદારી હતી.

કયારેક કામસર બહાર જવાનું પણ થાય. સરકારી કામ માટે બહાર ગયા હોય તોયે ખિસ્સામાં એક ડબી હોય જ અને તેમાં જુદી-જુદી ટિકિટો હોય. જ્યારે સરકારી કામ હોય ત્યારે સરકારી સવલતનો ઉપયોગ કરે અને જ્યારે અંગત કામ હોય ત્યારે અંગત વસ્તુનો ઉપયોગ કરે. આવું જ તેઓએ ટેલિફોન બાબત પણ રાખેલું. પોતાને મળેલ સરકારી ફોનનો ઉપયોગ સરકારી કામ હોય તો જ કરે. પોતાના અંગત કામ માટે ફોન કરવો હોય ત્યારે પોતાના અંગત ખર્ચે ફોન કરતા.

તેઓનાં માતા-પિતાની મહેનત-ધર્મનો પ્રભાવ તેઓ ઉપર ખૂબ હતો. નવરા બેસવું જરાય ગમતું નહોતું. ઘણા તો એમને સર્વગુણ સંપન્ન કહે છે.

આઝાદી પછી દેશમાં થયેલાં ઝંઝાવાત સામે તેઓ અભેદ દીવાલ બનીને રહ્યા અને ઝંઝાવાતને કાબૂમાં લીધો. શરીર બીમાર હતું, પણ કામ ન મૂકયું. જ્યારે પથારીવશ હતા ત્યારે પણ સૂચનાઓ આપીને કામ કરાવતા રહ્યા. મહાભારતના યુદ્ઘ વખતે યુદ્ઘ પૂરું ત્યાં સુધી ભીષ્મ પિતામહ બાણશૈયા પર જીવતા રહ્યા હતા, તેમ ભારતના બધાં રાજ્યોનું ભારતસંઘ સાથે જોડાણનું કામ પૂરું થયું ત્યાં સુધી અને ભારતને શાંતિના પથ સુધી પહોંચાડી તેઓએ અંતિમશ્વાસ લીધો. કામને ધર્મ માનનારા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ.

આજે માનવ-મનમાં આળસ વધારે આવી જાય છે. કામ કરવું કોઈને ગમતું નથી. કદાચ આ જ કારણથી દેશમાં ભિખારીઓની સંખ્યા વધતી જાય છે. પરંતુ કામ કરનાર જ સાચું માનવ-જીવન જીવ્યો એમ કહેવાય.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational