ઋત્વિક - એક રેસર
ઋત્વિક - એક રેસર
ઋત્વિક, ફોર્મ્યુલા વન રેસની દુનિયામાં લેવાતું એકમાત્ર નામ. તેણે ૧૯ વર્ષની ઉંમરે પ્રથમ ગ્રાન્ડ પ્રિકસ ટાઇટલ જીત્યું હતું. ત્યારબાદ જીતનો આ સિલસિલો સતત ચાલુ જ રહ્યો. પાંચ વર્ષ સુધી સતત ટાઇટલ જીત્યા બાદ ઋત્વિક હવે એફવન રેસનો બેતાજ બાદશાહ બની ગયો હતો. કોઈપણ રેસમાં તે ઉતરે, તેના હરીફ પહેલેથી જ હાર માની લેતાં. ત્યાં પછી રેસ પ્રથમ આવવા માટેની નહીં, દ્વિતીય આવવા માટેની બની રહેતી, કેમ કે પ્રથમ સ્થાન તો ઋત્વિક માટે ફિક્સ હતું. આટલી ફેમ અને આટલું નામ મેળવ્યા પછી ઋત્વિકે મુંબઈના પોશ વિસ્તારમાં પોતાનો સ્વતંત્ર બંગલો લીધો. 25 વર્ષની વયે તેણે રેશ્મા નામની હિરોઈન સાથે લગ્ન પણ કરી લીધાં. તેની લાઇફ એકદમ સેટ થઈ ગઈ. નામ હતું, ફેમ હતી, પૈસો ને રૂપ રૂપના અંબાર જેવી પત્ની હતી. ઋત્વિકનું જીવન સંપૂર્ણ હતું. ઋત્વિક અને તેની પત્ની રેશ્મા બંને ખૂબ જ વૈભવશાળી જીવન જીવતાં હતાં.
પરંતુ સીધી લીટીની જેમ ચાલે તો એ જિંદગી શેની ? અને વિધિના વિધાનમાંથી ઋત્વિક થોડો બાકાત રહી જાય ? એક રેસ દરમિયાન તેના હરિફે તેની કાર વડે ઋત્વિકની કારને ટક્કર મારી. ઋત્વિક ગંભીર રીતે ઘવાયો. પાંસળી, હાથ-પગ તેમજ પીઠનો ભાગ સાવ તૂટી જ ગયો હતો. ૪ વર્ષ દવાખાનામાં ગળ્યા પછી ઋત્વિક માટે રેસિંગ ટ્રેક પર પાછા ફરવું ખૂબ જ મુશ્કેલ હતું. જેમ તેમ કરીને તેણે ટ્રેક પર પાછા ફરવાનો નિર્ણય કર્યો, પરંતુ પહેલા જેટલી સ્પીડ ન મેળવી શક્યો. તેણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ એક સ્પીડ સુધી પહોંચ્યા પછી તેને એક્સિડન્ટ યાદ આવી જતો, અને એકસિલેટર પરથી તેનો પગ ઉપડી જતો. ઘણી કોશિશ કરી, ઘણાં ટાઇટલમાં ભાગ લીધો, પરંતુ બધામાં નિષ્ફળતા સાંપડી. હવે કોઈ ટીમ તેને લેવા માટે તૈયાર નહોતી. અંતે તેણે રેસિંગ છોડવાનો નિર્ણય કર્યો.
આલીશાન મહેલ ને લકઝરિયસ લાઇફ સ્ટાઇલ હવે પોસાય તેમ નહોતી. બંગલાના હપ્તા અને ગાડીઓની લોન પૂરી કરવામાં બેસી રહેવું પોસાય તેમ નહોતું. ટ્રેક છોડ્યા પછી તેની હાલત એવી થઈ ગઈ કે મકાનની પણ હરાજી કરવી પડી. હવે તે એક સામાન્ય ઘરમાં રહેવા લાગ્યો. નામ અને ફેમ ગઈ, તેની સાથે સાથે પૈસો પણ ગયો, એટલે પત્નીએ પણ સાથ છોડી દીધો. હવે ઋત્વિક એક સામાન્ય માણસની જેમ સામાન્ય ઘરમાં રહીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક સમયનો રેસિંગ કિંગ હવે મુંબઈની સડકો પર ટેક્સી ચલાવતો જોવા મળતો હતો.
પરંતુ કહેવાય છે ને કે, "માણસ ખરાબ નથી હોતો, તેનો સમય ખરાબ હોય છે, અને સમય તો ધીરે ધીરે વહી જાય છે..." ઋત્વિક સાથે પણ કંઇક આવું જ થયું. તેના એક નજીકના મિત્ર વિવેકે ફરીથી તેને હિંમત આપી. પાછો તેને રેસિંગ ટ્રેક પર લઈ આવવાની જિદ પકડી. ઋત્વિક આખો દિવસ ટેક્સી ચલાવે, અને રાત્રે વિવેક સાથે રેસિંગ ટ્રેક પર પ્રેક્ટિસ કરે. ખૂબ જ પ્રેક્ટિસ કરી પરંતુ ઋત્વિક માટે ફરીથી વિનિંગ સ્પીડ હાંસલ કરવી લગભગ અશક્ય હતી. પરંતુ વિવેક પણ ક્યાં માને તેમ હતો. તેણે પણ ઋત્વિક સાથે ઝગડી લીધું. વિવેક કહેવા લાગ્યો, " તારા માટે થઈને મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી. તું બેસ્ટ રેસર બને તે માટે મેં ટ્રેક છોડી દીધો. આજે મને મારા નિર્ણય પર અફસોસ થાય છે." આ વાતે ઋત્વિકને ખૂબ જ ઊંડી ઠેસ પહોંચાડી અને અનાયાસે જ તેણે પોતાની જૂની વિનીંગ સ્પીડથી પણ ૨૦કિમીની સ્પીડ હાંસલ કરી. આ જોઈ વિવેકની આંખમાં પણ આંસુ આવી ગયાં. હવે તેને વિશ્વાસ આવી ગયો કે, "ઋત્વિક ઇઝ બેક..."
બીજા જ દિવસે વિવેકે એક સામાન્ય રેસમાં ઋત્વિકનું નામ નોંધાવ્યું અને તેમાં તેની સ્પીડ જોઈ સૌ કોઈ ચોંકી ગયા. જ્યાં વીનિંગ સ્પીડ ૩૨૦km ની હતી, ત્યાં ઋત્વિક કે ૩૪૫km ની સ્પીડથી ગાડી ચલાવી. રેસિંગ ગ્રાઉન્ડ ફરીથી "ઋત્વિક...ઋત્વિક..." ના નામથી ગુંજી ઉઠ્યું. પછી તો ફરીથી જીતનો સિલસિલો ચાલુ થયો. એક પછી એક રેસ જીતતા જીતતા ઋત્વિક ફરીથી ગ્રાન્ડ પ્રિકસ સુધી પહોંચી ગયો. જુનો શેર ફરીથી મેદાનમાં આવી ગયો, અને એ પણ ડબલ જોમ અને જુસ્સા સાથે.....!
મિત્રો આ વાર્તા પરથી એ સીખ મળે છે કે, " ક્યારેક એવું પણ બને કે, વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય, પરંતુ આપણે વ્યક્તિને ખરાબ માની લેતાં હોઈએ છીએ. તેવા સમયે જ ખબર પડે કે કોણ આપણાં ને કોણ પારકા..." આજે વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય તો ક્યારેય તેની મજાક ન ઉડાવવી. શું ખબર ક્યારે પરિસ્થિતિ બદલાઈ જાય.
