STORYMIRROR

Bhaliya Ghanshayam

Romance Action Inspirational

4  

Bhaliya Ghanshayam

Romance Action Inspirational

રહસ્યમય ફૂલકડી

રહસ્યમય ફૂલકડી

23 mins
244

એક મધ્યમવર્ગીય નાનકડું કુંટુંબ. મહેશ અને આરતી શ્રેષ્ઠ દાંપત્ય જીવન જીવી રહ્યાં હતાં. કપાળે લખાયેલા લેખ સામે તો સર્વને ઝૂકવું જ પડે છે. દુનિયાના કડવા ઘૂંટડા પી ને જુગ જેવા દિવસો પસાર કરી રહ્યાં હતાં.

લગ્ન પછી ત્રીસ વરસનાં વાણા વાયા હતાં. આ ઘરનું ફળીયું અને પારણું બંને ખાલી જ રહ્યાં હતાં. કહેવાય છે કે દુનિયાના દરેક માણસને પોતાનાં ઘરે જાય પછી શાંતિ થાય પણ આ દંપતી માટે તો એમનું ઘર ભેંકાર બની વાગોળતું હતું. એમના આંસુડાની ખારાશ સમુદ્રના નીરને મીઠા કહેડાવતી હતી, કારણ કે સમુદ્રના આંગણે અનેક જીવો જન્મે છે.

("મોત આપો તો હું સામૈયા કરું પ્રભુ પડી જાઉ પગમાં,

વાંઝણી જેવા બોલ કાળજાને જીવતા બાળે જગમાં." )

 " સાંભળો હવે આમ રડવાનું બંધ કરો કદાચ ભગવાન આપણી સામું જોતા જ ભુલી ગયાં હશે. આમ નસીબ પર રડવાથી કાંઈ દુ:ખ ઓછું નહીં થઈ જાય. એક મરદ થઈ બાયલાની જેમ રડો છો ?...તમે તમારોય જીવ બાળો છો અને સાથે સાથે મારો પણ-" આરતીએ રડતા રડતા કહ્યું. "હવે તો આ આંગણાંમાં ફૂલ-છોડે પણ ખીલવાનું બંધ કરી દીધું છે. આ આંગણું મને કરડવાં દોડે છે. કોઈ આપણાં ઘરે આવવા પણ ખુશી નથી. લોકો કહે કે વાંઝીયાનું મોઢું જોવું પણ પાપ છે."

આરતીએ દરરોજની જેમ આજે પણ મહેશનો હાથ પકડી ધ્રુજતાં અવાજે રડતાં રડતાં એમનાં પર વરસેલાં દુ:ખના વાદળોની વાત કરી. બોલતા બોલતા જાણે હમણાં જ પ્રાણ પંખીડું ઊડી જશે એવી પરિસ્થિતિમાં એ ખૂદને સંભાળી શકતી ન હતી.

"જમુના ડોશીએ આવીને મને ગાળો દીધી અને પથ્થરો પણ માર્યાં કહે છે કે, વાંઝણી મરી જા પાપણી હજુ ગામનાં કેટલા છોકરા ભરખવા છે તારે ? હવે બીજાને હેરાન કરમા, ચુડેલ લોહી પીણી ઝેર ખાઈ જા. તે મારા કાળુના છોકરાને નજર લગાડી દીધી છે ત્રણ દિવસથી સતત તાવ આવે છે એને."

" પણ જમુના બા પણ મે શું કર્યું ?"

"શું કર્યું ! વાહ નાદાની તો જો ડાકણની ? કાલે છોકરો રમતા રમતા ભૂલથી તારા ઘર સામે શું આવી ગયો તે તો નજર લગાડી દીધી. ડાકણ તું મેલી છો. એ બિચારા બાળક પર તને જરાય દયા ન આવી ?" બિચારી અબળાના હૃદય પર મ્હેણાઓનાં વ્રજ્રપ્રહાર થઈ રહ્યાં હતાં.

રડતાં રડતાં આરતીએ કહ્યું "મે કાંઈ નથી કર્યું આવા ખોટા અને ખરાબ શબ્દો ના બોલો. તમને મારો વાંક દેખાતો હોય તો મારી નાખો. મને મારી નાખો પણ ભગવાન માટે મ્હેણા ન મારો. મારો જીવ નીકળી જાય છે."

જમુના ડોશી કહે કે "જો મારા ફૂલ જેવા છોકરને કાંઈ થયું તો તારી ખેર નથી વાંઝણી. હું તારું મોઢુ પકડીને ઝેર ખવડાવી દઈશ. તારા જ ઘરમાં જીવતી સળગાવી દઈશ. તને તો મહાણે પણ ના બળાય પાપીઓના પેટની."

મહેશના મરેલા શરીરે આરતીને સાચવતા કહ્યું "જો તું જ આવી રીતે ભાંગી પડીશ તો મને કોણ સંભાળશે ? તારા સિવાઈ કોઈ મારું નથી. તને તો ખબર જ છે આ દુનિયા આવી જ છે આપણા ઘરે સંતાન નથી ને એટલે સૌ બોલે.

આપણે કાંઈ દુનિયાને બોલતા બંધ નહીં કરી શકીએ. મને તો ભગવાન પરથી જ શ્રધ્ધા ઊડી ગઈ છે. કાં તો ભગવાન છે જ નહીં દુનિયામાં અથવા તો પોતે પોતાનો ધર્મ ભુલી ગયો છે."

મહેશ ઘરમાં રહેલા ભગવાનના ફોટા સામે ગયો અને અસહ્ય ગુસ્સાથી રડતા રડતા બોલ્યો" ભગવાન મેં તો સાંભળ્યું કે તું શરણે આવેલા પાપીનો પણ ઉદ્ધાર કરે છે. જો મારાથી કંઈ પાપ થઈ ગયું હોય તો હું તારા શરણે છું, પણ મારા બાપ હવે હદ થાય છે. મારાથી સહન નથી થતુ. દુનિયાના કેટલા મ્હેણા ખવડાવવા છે તારે ? એક સંતાન તો ના આપ્યું પણ દુનિયામાં સરખી રીતે જીવવા પણ નથી દેવા તારે ? તું સાંભળે તો છે ને હું કહું છું એ ? જો અમને દુ:ખી કરીને તને ખુશી મળતી હોય તો આજે ફેસલો થઈ જાય કે આ દુનિયામાં તું નથી અથવા હવે હું નથી. મારી એકપણ અરજ તે સાંભળી નથી."

ભાન ગુમાવેલો મહેશ હિંમત પણ હારી ગયો હતો."ભગવાન અમને દુ:ખી કરીને તને શાંતિ મળે છે ને તો લે હવે મને ભરખી જા,તું ભરખી જા મને."

મંદિર સામે શ્રીફળ વધેરવા એક પથ્થર પડ્યો રહેતો. મહેશ અતિ જોરથી પથ્થર પર માથુ પછાડવા લાગ્યો. "ભરખી જા મને ભરખી જા. જોઈ લીધો ભગવાન તને. દરરોજ દુનિયાના મ્હેણા ખાઈને મરવા કરતા તો તારી સામે માથુ પછાડીને મરી જાઉં." પથ્થર વાગવાથી માથામાં લોહી વહેવા લાગ્યું.

જોર જોરથી પથ્થર પર માથુ પછાડવાનો અવાજ સાંભળી દુ:ખથી મૂર્તિ બની ગયેલી આરતી દોડીને આવી. પોતાના પતિનું લોહી વાળું માથુ પકડી રડતી રડતી ખીજાવા લાગી- "આ શું કરો છો ? ભાન ભુલી ગયા છો કે શું ? અને જગતના પાલનહારને આવા કડવા વેણ કહેતા શરમ નથી આવતી ? આમ ગાંડા બની માથુ પછાડો છો. તમને કંઈક થઈ જાય તો મારે કોના આધારે જીવવું ?... હા એને આપણી સામે નથી જોયું પણ એને આપણા જેવાના અનેકના ઘરમાં અંજવાળું કર્યું હશે. આપણને બે ટંકનો રોટલો એ જ આપે છે"

પોતાના સાદલાના છેડેથી લીરો ફાડી મહેશના માથા પર પાટો બાંધ્યો. મહેશ ગુસ્સામાં જોરથી બોલ્યો "શા માટે બાંધે છે પાટો ? મારે જીવવું નથી. લોકોના મ્હેણા સાંભળીને મરવું એના કરતા ભગવાન સામે શાંતિથી મરવું સારું."

પાડોશમાંથી અવાજ આવ્યો ''અલ્યા મુઆ તારે શું કામ મરવું છે ? પેલી ડાકણને માર. એની સાથે લગ્ન કર્યાં ત્યારથી તારા ઘરમાં અંધારુ કરી નાખ્યું છે. ઈ તો મરશે નહીં પણ બીજાને મારી નાખશે. વાંઝણી તારા પતિ ઉપર તો થોડી દયા ખા. તે એની સાથે લગ્ન કરી એની જિંદગી ઝેર કરી નાખી છે. કાળના પેટની તને તારા બાપે અહીંયા શું કામ ગુડી અમારા ગામમાં ? ગળાપો ખાયજા."

આરતીને મૃત્યું કરતા પણ મ્હેણા વધારે કડવા ઝેર લાગતાં હતાં. મહેશ ગુસ્સામાં બોલ્યો "ડોશી તમે તમારા ઘરનું ધ્યાન રાખો, બીજાને મારવા કરતા તારા કાંધીયાને ગોત. આખી જિંદગીમાં કોઈદી સારું બોલી છો ?...હું મારી વહુ પેલા તારા માટે ભગવાને દુઆ કરું કે તારુ મોત સરખું આવે. મહેરબાની કરીને અમારા ઘરમાં ડખલગીરી કરવાની બંધ કરો. તમારા રોટલા નથી ભાંગતા અમે."

"લ્યો ડાકલે એના ઘરવાળાને પણ વશમાં કરી લીધો છે મહેશીયા હું તો સાચું કઉં છું,સાચી સલાહ આપું છું. તારે હાથે કરીને મરવું હોય તો મર."

આરતી નિસાસો નાખી બોલી "હવે મારાથી નહીં જીવાય,હું થાકી ગઈ છું,ભાંગીને મરી ગઈ છું, મને રજા આપો હું આ ગામ અને ઘર છોડીને બહુ દૂર જતી રહું, અને મારા જીવનનું કલ્યાણ કરું, હવે સહન કરવાની શક્તિ મારી પાસે નથી."

મહેશ ગભરાયને બોલ્યો "જો તું અહીયાં નહીં રહે તો હું પણ નહીં રહું, તારા વગર હું ના જીવી શકું, અને જો જીવતે જી તારો ત્યાગ કરુને તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. અગ્નિની સાક્ષીએ સાથ ફેરા લઈ તને મેં વચન આપ્યું હતું કે જિંદગીના દરેક સુખ-દુ:ખ,તડકા છાયામાં તારો સાથ કદી નહીં છોડું. હું જીવીશ તો તારી સાથે અને મરીશ તો પણ તારી સાથે જ. મને કોઈ કાંઈ બોલશે તો મને દુ:ખ નહીં થાય પણ તારી આંખમાં આંસુ જોઈને મારા હૃદયમાં આગ લાગી જાય છે. મને એકલો મુકીને તને હું ક્યાંય નહીં જઉં. એક કામ કરીએ આપણે બંને આ ગામ છોડીને જતા રહીએ."

આરતીએ પોતાના સાદલાના છેડાથી મહેશના આંસુ લુછતા વિચારોમાં ખોવાય ગઈ. જેમ પાણીમાં તરંગો ઉત્પન્ન થાય એમ આરતીના મનમાં અનેક સવાલો થવા લાગ્યાં. " ક્યાં જઈશું ? કોણ મદદ કરશે ? લોકો સાથ નહીં આપે તો ? જ્યાં પણ જઈશું લોકોને ખબર પડશે કે આપણે વાઝીયાં છીએ કોઈ પાણી પણ નહીં આપે."

"ભગવાનના દરબારમાં જઈશું એતો ના નહીં પાડે ને ? આખી જિંદગી ચાલતા રહીશું. એક ધામથી બીજે ધામ,હવે તો ધરતીમાતા જ આપણું ઘર અને અંબર જ આપણી છત, જ્યાં રાત પડે ત્યાં રોકાઈશું અને ચાલતા થઈશું. લોકોના મ્હેણા સાંભળવા કરતા તો ભગવાનના પંથે ચાલીને કષ્ટો સહન કરવા વધારે ભલું."

આરતી પાસે બુટ્ટી,અણવટ,વીંછીયા અને ઝાંઝર,વીંટીઓ આટલા ઘરેણાં હતાં, એ એક કપડામાં બાંધી એક નાની માટલીમાં મુકી દીધા. ચુલો ઠારી મહેશે થઈ શકે એટલો ઊંડો ખાડો કરી ઘરેણાં વાળી માટલી ખાડામાં મુકી ઉપર માટી વાળી દીધી. ઘરમાં એક વાટકો તેલ હતું એનો ભગવાન સામે દીવો પ્રગટાવી છેલ્લા પ્રણામ કરી કહ્યું- "હે પ્રભુ !..હવે જ્યાં તું લઈ જાય ત્યાં જઈશું. તું જીવાડે તો જીવીશું અને તું મારે તો મરશું." સાથે એક-એક જોડ ફાટેલા કપડાં લઈ ઉઘાડા પગે અડધી રાત્રે એકબીજાનો હાથ ઝાલી આ દંપતી હળવે પગલે ગામ છોડી ચાલી નીકળ્યાં હતાં.

ચાલતા ચાલતા અનેક તીર્થધામો અને નદીઓના દર્શન કર્યાં હતાં. જે ધામમાં જમવાનું મળે એ ધામમાં આ દંપતી સ્વયં સેવક બની ભાવનાથી સેવા કરતા પછી જમતાં. ક્યાંક ગૌશાળા આવે તો ત્યાં જઈ છાણ-વાછીંદા કરતા અને ભગવાનનુ નામ લઈ. શિયાળો,ઉનાળો અને ચોમાસુ ત્રણેય ઋતુઓમાં સામે આવતી મુશ્કેલીનો સામનો કરી પોતાની યાત્રા નિરંતર ચાલું રાખી હતી.

ઘણીવાર કોઈ યાત્રાળુનો સથવારો મળી જતો એમની પાસેથી માહિતી મળી જતી કે કઈ દિશામાં ક્યું ધામ આવેલું છે. આમ આ યાત્રાના સાડા ચાર વર્ષ થઈ ગયાં હતાં.

એક વખત વગડામાં ચાલતા ચાલતા થાકી ગયાં હતાં, પણ કોઈ ગામડું કે ધામ ન આવ્યું હતું. બંને એક ઝાડ નીચે વિસામો ખાવા બેઠાં, આરતીએ સાદલાનાં છેડે એક મુઠી જેટલો પ્રસાદ બાંધ્યો હતો એ છોડ્યો. આરતીએ ઈશ્વરનું નામ લઈ ખાવા માટે એક કોળીયો મોઢામાં મૂકવા ગઈ ત્યાં આચાનક કોઈ નાનું બાળક રડતું હોય એવો અવાજ આવ્યો, આસપાસ જોયું તો કોઈ દેખાતું ન હતું. ફરી રડવાનો અવાજ આવ્યો. પ્રસાદની પોટલી પાછી બાંધી આરતી અને મહેશ ક્યાંથી અવાજ આવે છે તે આસપાસ શોધવા લાગ્યાં. અવાજ તિવ્ર બની રહ્યો હતો. "હે ભગવાન કોઈ બાળકનો રડવાનો અવાજ આવે છે તો કોઈ દેખાતું કેમ નથી ?" આરતીએ બે હાથ જોડી અને આકાશ તરફ મીત માંડી. અચાનક એની નજર ઝાડની એક ડાળ પર પડી તો એક લીલા રંગની ઓઢણીની ખોઈ બાંધેલી હતી અને એમાંથી કોઈ બાળકનો અવાજ આવતો હતો.

મહેશ ઝાડ પર ચડી એ ઓઢણી છોડી બાળકને નીચે લાવ્યો. એ બાળકી હતી જોતા જ માલુમ પડતું હતું આજે જ જન્મેલી હોય. આરતીએ બાળકીને છાંતીએ છાંપી મમતાની હૂંફ આપી. એના ગળામાં એક ચબરખી બાંધેલી હતી મહેશે ચબરખી ખોલીને વાંચી તો એમા લખેલું હતું કે "સમાજનાં ભયથી અમે અમારી દીકરીને અનાથ કરીએ છીએ."

એ ચબરખીમાં આ છોકરી કોણ છે ?, કઈ જ્ઞાતિની છે ?,ક્યાં ગામથી છે ?,કોણ એના મા-બાપ છે ? એવું કંઈ લખ્યું ન હતું. અને મહેશની આંતરડીમાંથી શબ્દો સરી પડ્યાં " હે મારા નાથ આ દીકરી તો તે અમને આપી" આ સાંભળીને આરતીની આંખોમાંથી મોતી જેવા દડ દડ આંસુ સરવા લાગ્યાં. "ભગવાને મારા જીવતરની લાજ રાખી, હે કરુણાંનિધાન ! તારી લીલા તો અકળ છે તે મને આજે મા બનાવી મારી સેવા અને ભક્તિની લાજ રાખી. તમારા ચરણોમાં કોટી કોટી વંદન."

બંને દંપતીએ નક્કી કર્યું કે આજથી આ આપણી દીકરી છે,આપણે એનું પાલન-પોષણ અને જતન કરીશું. આરતી કહે હું જગતને એમ જ કહીશ કે આ ફુલ જેવી દીકરી મારા પેટથી જન્મેલી છે.

બાળકીની હાલત બહું ખરાબ હતી તેથી બંને દંપતી ઉતાવળાં પગે ચાલીને દવાખાને લઈ ગયાં , મોટી સારવાર બાદ ડૉક્ટરે જણાવ્યું કે આ તમારી બાળકીને હૃદયમાં કાણું છે. આરતીના હૃદયમાં ધ્રાજકો પડ્યો કે હે ભગવાન સંતાન દીધું તો પણ આવડી પરીક્ષા સાથે ?

 મહેશે સમજાવતા કહ્યું કે "તું રડીશ નહીં ભગવાન ભલે ગમે એવી પરીક્ષા લેશે પણ હું પેટે પાટાં બાંધીને પણ મારી દીકરીને સાજી કરીશ. એને કંઈ નહીં થવા દઉં." મહેશના કહેવાથી આરતીને પણ હિંમત વધી અને કહ્યું કે "મારી દીકરી હજારો સંતાનો કરતાં પણ વહાલી છે હું એને કંઈ નહીં થવા દઉ. આપણી દીકરી ભાગ્યનો સૂરજ બની હોય એમ આપણા જીવનમાં પ્રકાશના દ્રાર ઊઘાડ્યાં છે એટલે એનું નામ પ્રણાલી રાખીએ."

"વાહ મારી ફૂલ જેવી ફૂલકડીનું કેટલું સુંદર નામ રાખ્યું પ્રણાલી ! પણ સાંભળ હું તો છે ને મારી દીકરીને ફૂલકડી જ કહીશ" મહેશે પ્રેમ ભર્યા શબ્દોમાં કહ્યું.

" હા હા મારી પ્રણાલી દીકરી ફૂલકડી જ છે કેટલી સુંદર,કોમળ ફૂલ જેવી છે !"

" બસ હવે નજર ના લગાડીશ મારી દીકરીને !"

આઠ દિવસ પછી ડૉક્ટરે દવા આપી રજા આપી. આરતી કહે "આપણી દીકરી બહું નાની છે એને વગડામાં ન રખડાવાય ક્યાંક ઘર શોધીને વસવાટ કરી લઈએ."

"અજાણ્યા પ્રદેશમાં આપણને કોણ ઘર આપે. એક કામ કરીએ આપણે આપણા વતન પાછા જઈએ અને દેખાડીએ કે અમે વાંઝીયાં નથી. નહીં તો આપણે મરી જશું ને તો પણ એ લોકોને મન તો આપણે વાંઝીયા જ રહેશું, એ બધાનો ભ્રમ દુર કરી દઈએ."

"સાચું કહ્યું તમે જે લોકો મને જોઈને મોઢુ ફેરવી લેતાં હતાં એ લોકો સામે મારે છાતી ઠોકીને કહેવું છે કે આ મારી દીકરી છે." બંને દંપતી પોતાના ગામ પહોંચી ગયાં.

 ( "હે જગદીશ્વર !..પ્રભુ પરમ કૃપાળું

ક્ષમા કરી ભૂલ દયા કરો દયાળું

ઘોડીયું બંધાવો કરુણાના દાતાર

પ્રભુ બસ અમારે તમારો આધાર")

(હે કરુણાંનિધાન પરમાત્માં અમારા પર થોડી દયા કરો આવી દરરોજ થતી પ્રાર્થના ભગવાને અંતે સાંભળી લીધી.)

આજે ઘણાં વર્ષોથી અને સૂનકાર બની ગયેલ અંધારી ઓરડીમાં ભાણનો સુવર્ણ પ્રકાશ અનેક દિવડાઓની જેમ પ્રગટી રહ્યો હતો ! દિવડાઓ ઘેનથી નહી મનવેગે ખીલતા ખુશીના અરમાનો અને પવનવેગે ખરતા આંસુના અમૃતથી પ્રગટી રહ્યાં હતાં ! નજર એક ફરે ત્યાં સાવ ઉજ્જડ વનો તથા વારિ રહિત રણો પલવારમાં સ્વર્ગથીય સુંદર નવપલ્લિત પુષ્પોનાં બાગમાં ફેરવાય જાય એવો આ દંપતિના હૃદયમાં બદલાતો ફેરફાર જોઈ શકાતો હતો. જાણે એમની આંખમાંથી ખરતાં ખુશીનાં આંસુઓ સોનાના બની નયનમાંથી નીતરી રહ્યાં હતાં.

આરતીએ પોતાની સોનાની બુટ્ટીઓ અને વીંટીઓ વેંચી નાખી અને આ નવા મહેમાનની આવવાની ખુશીમાં આખા ગામમાં જલેબી વહેંચી હતી. ઘરમાં માતાજીના નીવૈધ થયાં, વ્રતો ઉજવાયાં,માનતાઓ આખડીઓ ઉતરાવી, મહેશે આખા ગામમાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપતા કહ્યું કે મારા ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે અને કાલે માતાજીની પ્રસાદી લેવા આવજો. આખા ઘરને સુંદર ફૂલોથી સજાવ્યું હતું. જે આ દંપતીનું મોઢુ જોવા પણ નહોતા માંગતા એ લોકો લક્ષમીજીની વધામણીઓ લઈ ને આવી રહ્યાં હતાં.

"અરે...ક્યાં...ગયા મહેશભાઈ...વધાઈ હો તમને...તમારી ઘરે તો સાક્ષાત લક્ષ્મીનું આગમન થયું છે હો."

"અરે મહેશીયા...એ...મહેશીયા" હોશથી બુમો પાડતા એમના પાડોશી જમુના ડોશી આવ્યાં.

"મને બે-ત્રણ જલેબી ના આપીશ મારે હજી કાંઈ દાંત પડી નથી ગયાં ખોબો ભરી જલેબી અાપ તું ભાળે એમ ખાઈ જાઉ" એમ કહી હસી પડ્યાં.

"સાચું કઉં મહેશીયા મને ખબર જ હતી કે ભગવાન એક દિવસ તારી પ્રાર્થના જરુર હાંભળશે. ઈશ્વર સર્વ જીવોના દુ:ખડા ભાંગનાર છે, તો તારું કેમ ન ભાંગે ? "મહેશ આ ડોશીના ખોટાં નાટકોથી અજાણ ન હતો છતાં વડીલ જાણી પગે લાગી મધુર કટાક્ષ પીરસ્યું"

"અરે જમુના બા આ બધું તમારા આશિર્વાદનું જ ફળ છે" પછી બંને હસી પડ્યાં.

"અરે...તારી ફૂલકડી ક્યાં છે ? આરતી...એ...આરતી હરખમાં ને હરખમાં બહેરી થઈ ગઈ છો કે શું ? લાવ ફૂલકડીને કાળું ટપકું લગાડી દઉં એને નજર ના લાગી જાય કોઈની."

 મહેશને આજે એનું ઘર સૂવર્ણ મહેલ જેવું લાગી રહ્યું હતું. જાણે ઘરની નિર્જીવ દિવાલોમાં પણ જીવ આવી ગયો હતો. આખા ઘરમાં મનોહર લાગણીઓનું સંગીત વહી રહ્યું હતું. જાણે વેરણ ખારા રણમાં મીઠા પાણીનો વિરડો ફુટી નીકળ્યો હોય, એમ આ દંપતી એકબીજાને વળગીને રડી પડ્યાં હતાં. આરતી ભૂતકાળમાં સહન કરેલા સર્વ દુ:ખોને ભૂલી,વર્તમાનના સુખમાં મહેકી રહી હતી. મહેશ આરતીને જોઈને ખુશ થતો અને વિચારમાં પડી જતો જાણે કે આ એ આરતી નથી જે પહેલા હતી.

 લોખંડને પારસમણીનો સ્પર્શ થતા એ સોનું બની જાય છે એમ પ્રણાલીના વ્હાલમાં આરતી દુનિયાની સૌથી અમીર મા બની ગઈ હતી અને આપમેળે એના મુખમાથી શબ્દો સરી પડતા હતાં ! "મારી ફૂલકડી, મારી દીકરી,મારી પ્રણાલી,મારો કાળજાનો કટકો ! મારુ સર્વ....મારુ સર્વ..." આમ બોલીને પોતાની આંખમાંથી દડ દડ વહીં આવતા ખુશીના આંસુ રોકી શકતી ન હતી. જાણે જગતની સર્વ ખુશી પ્રણાલી સ્વરૂપે મળી ગઈ હતી.

મહેશ શહેરની બજારે જઈ એક સુંદર ઘોડીયું લઈ આવ્યો હતો . જાણે મોરલાએ કળા કરી હોય અને અતિ સુંદર એમના પંખ ચમકતા હોય એમ એ ઘોડીયું ચમકી રહ્યું હતું,વચ્ચે એક મધૂર અવાજ કરતો ઘૂઘરો બાંધેલો હતો, ઘૂઘરાની બંને બાજુ પોપટ અને સફેદ રૂપાળા કબુતર લટકતા હતાં. મોતીઓથી હાથે ગુંથેલી દોરી હતી,જોનાર વ્યક્તિ જોતા જ રહી જાય એવુ રૂડું ઘોડીયું શણગાર્યું હતું. આજે તો એની માવડીને આનંદના ફૂલો ન સમાતા હતાં.

પ્રણાલીને એ સુંદર ઘોડીયામાં સુવડાવી પોતાને દુનિયાનો સૌથી ભાગ્યશાળી બાપ સમજતો મહેશ બાળકની માફક મરક મરક હસતો ઘોડીયાની પાસે ઊભો રહી પ્રણાલીને પવન નાખવા લાગ્યો હતો,આરતી સર્વ ભાન ભુલી પુત્રીના મોહમાં સર્વત્ર રીતે ભળી ચુકેલી એના અંતરમાંથી આપોઆપ હાલરડાનાં શબ્દો નીકળી રહ્યાં હતાં. એ હાલરડું સાંભળીને ઝાડવા પણ એક-બે ઘડી આંખ મીછીને સુઈ જાય એવા નાભીમાંથી નીકળતાં સુર ખાલી વાદળાઓને પણ વરસાવી નાખે એવા પ્રેમ ભર્યાં હતાં.

હાલરડું

મારા મંદિરયે અમૃતનો સૂરજ બની કળા કરીને ઉગનાર,

પોઢી રે જાઓ બાળા મારી આંખોની અણસાર ફૂલકડી !

આરતીમા ઝણણણ ઘેઘુર વડલો બની હિંચકાવનાર,

પોઢી રે જાઓ ઝણકાર મારા હૃદયનું રુધિર ફૂલકડી !

માતાના આત્માની નદીના મીઠા નીર બની તું પથરાતી,

પોઢી રે જાઓ એના બાપુની પાઘડીનું સન્માન ફૂલકડી !

તું છે ચંદ્ર અવકાશ બની તારા બાપુજી પવન નાખનાર,

પોઢી રે જાઓ અમારી જિંદગીના સર્વ શ્વાસ તું ફૂલકડી !

અમારા આંગણે શોભતું રૂડુંપારેવડું અમારો મધૂર રણકાર,

પોઢી રે જાઓ તું દીકરી રુપે અમારો ભગવાન રે ફૂલકડી !

બોલતા ઘોડીયાની દબાયેલ લાગણીઓને કરનાર ભવપાર,

પોઢી રે જાઓ અમારા આંગણે બાળ બની ખેલનાર ફૂલકડી !

આરતી હાલરડું પુરું કરે પહેલા તો પ્રણાલી ઘેરી નીંદરમાં સરી પડતી. જ્યારે એ ઊંઘતી હોય ત્યારે એના માસુમ ચહેરા પર દિવ્ય તેજ ઝળકતું દેખાતું. હવે તો પ્રણાલી માટે હાલરડું ખોરાક બની ગયું હતું જ્યાં સુધી માના મુખે હાલરડું ન સાંભળે ત્યાં સુધી સુવે જ નહીં, મહેશને પણ દરરોજ પોતાની ફૂલકડીને પવન નાખવાનો અવસર મળતો.

એકબાજુ ઘોડીયાના કડાનો તાલબદ્ધ અવાજ આવતો,બીજીબાજુ મા હાલરડું ગાતી,ત્રીજીબાજુ બાપુ એ હાલરડાના તાલ પર પવન નાખતા,અને પ્રણાલી જાણે ઘોડીયામાં સુતા સુતા પગ પછાડતી, ફૂલ જેવા બંને હાથ ઉંચા કરી પોતાની અલગ ભાષામાં ગાઈને વાતાવરણ રમણીય બનાવતી હતી.

ખુશીના દિવસો પસાર થવા લાગ્યાં, પ્રણાલી સાડા ત્રણ વર્ષની થઈ હતી. આરતી જ્યારે ઘરકામ કરતી હોય ત્યારે મહેશ પોતાની દીકરીને લઈને એની સાથે કાલીઘેલી વાતો કરે,રમે,હસે,ઘણી વાર મહેશ પ્રણાલીને લઈ ગામમાં ફરવા લઈ જતો ત્યારે ગીરનો ડાલામુખો સાવજ આવતો હોય એવા વટ થી ચાલતો.

પ્રણાલી મહેશને બાપુ કહીને બોલાવતી, અનેક સવાલો પુછ્યાં કરતી આંગળી ચીંધીને કહેતી-"બાપુ આ શું છે ? પેલું શું છે ?' રસ્તા પર નીકળે એટલે જેટલી વસ્તું નિહાળે એટલા સવાલો પુછે. મહેશ જવાબ આપતા થાકતો નહીં, દરેક સવાલોના જવાબ હાસ્યરસમાં આપતો. બાપ-બેટી વાતોએ ચડી જાય પછી ક્યારે પૂર્ણવિરામ મુકે એ કહેવું મુશ્કેલ છે. ઘણી વાર આરતી આ બંને જ્ઞાનીની વાતમાં કોઈ ડખલ ન કરે પાસે બેસીને સાંભળ્યાં કરે અને આ બંનેની સામે જોઈ હસ્યાં કરે.

પ્રણાલીને ખીર બહું ભાવતી,આરતી ખીર બનાવતી હોય ત્યારે પ્રણાલી પડછાયાની જેમ પાછળ પાછળ જ ફરે, આરતી ઘરમાં જાય તો એ ઘરમાં જાય,રસોડામાં જાય તો એ રસોડામાં જાય અને મીઠી બાળભાષામાં બોલે કે "બા ખીય ખાવી,બા માયે ખીય ખાવી." હસીને કહે-" હજી ખીર બને છે બની જાય એટલે તરત અાપું હો બેટાં ત્યાં સુધી ચાલ આપણે છુપાછુપી રમીએ."ઘણીવાર તો આરતી બધું કામ પડતું મુકી છુપાછુપી રમવા ચડી જાય ! દર વખતે એક જ જગ્યાએ સંતાય અને ફૂલકડી દર વખતે શોધી લેય અને ફૂલની જેમ ખડખડાટ હસવા લાગે અને નાચતા નાચતા બોલે "બા પકલાઈ દી ! બા પકડાઈ દી ! પ્રણાલીનું નૃત્ય જોઈ આરતી બહું ખુશ થાતી અને તાળીઓ પાડી હસવા લાગતી.

પ્રણાલી રુમઝુમ પગલા માંડતી ખૂબ જ વાતો કરે,એને એના પિતાએ બહુ જ સમજદાર બનાવી હતી.

મહેશ દરરોજ રાત્રે પ્રણાલીને વાર્તા સંભળાવે અને પ્રણાલી વાર્તાની દુનિયામાં ખોવાય જતી. બાળપણમાં દાદીમાંએ કહેલી દરેક વાર્તાઓ તાજી થઈ જતી અને દાદીમાની યાદ આવી જતી.

"બેટાં હું તારા જેવડો હતો ને ત્યારે તારી જેમ મારા દાદીમા પાસેથી વાર્તા સાંભળતો"

"અત્યારે દાદીમા ક્યાં છે ?"

" દાદીમા ચંદ્ર બની ગયા છે અને આખી દુનિયાને જોઈ રહ્યાં છે"

"બાપુ મારે દાદીમા ને જોવા છે ?"

મહેશ પોતાની ફૂલકડીને તેડીને ફળીયામાં આવ્યો અને ખભા પર બેસાડી આકાશમાં ચંદ્ર તરફ આંગળી ચીંધીને કહ્યું કે "જો બેટાં પેલા રહ્યાં દાદીમા"

"દાદીમા !"

"બાપુ દાદીમા આટલા ઊંચે કેમ ચંદ્ર બની ગયાં ?"

"બેટાં દાદીમા ને આખી દુનિયા જોવી હતી ને એટલે !"

" બાપુ ! બાપુ ! મારે પણ દાદીમાની જેમ દુનિયા જોવી છે અને ચંદ્ર બનવુ છે"

"સારુ સારુ મારી લાડકડીને હું મારા ખભા પર બેસાડીને આખીય દુનિયા દેખાડીશ બસ."

પ્રણાલીએ તો જિદ પકડી લીધી ચંદ્ર બનવાની, આરતી ઊભી ઊભી આ દ્રશ્ય જોઈ મહેશ સામે ચુપચાપ હસતી હતી. "નય ખભા પર નહીં ઊંચે જઈને દાદીમા ની જેમ ચંદ્ર બનવુ છે આખી દુનિયા જોવી છે"

"થીક છે બેટાં તું બનજે ચંદ્ર ,હુ આકાશ બનીશ ,મારી હોંશિયાર ફૂલકડીને ગોદમાં બેસાડી આખીય દુનિયા દેખાડીશ.

"વાહ...બાપુ મને કોલ આપો તમે આકાશ બની મને આખી દુનિયા દેખાડશો"

"હા કોલ આપુ. આમ જો તારી બા આપણા દાંત કાઢે છે"

"હા દાંત તો કાઢુ જ ને એકને ચંદ્ર બનવુ છે ! એકને આકાશ બનવું છે !..વાહ... બાપ-દીકરી ને એકબીજા વગર ઘડીયે પણ ન ચાલે. ચાલો હવે વાળુ કરવા બેસી જાઓ નહીં તો મારે ઊડીને ચંદ્રને અને આકાશને ખીર ખવડાવવા આવવું પડશે." ત્રણેય એકબીજા સામે જોઈને હસી પડ્યાં અને વાળુ કરવા બેસી ગયાં.

સુતી વખતે આરતીએ કહ્યું "ફૂલકડીના બાપુ સાંભળોને"

"હા બોલ"

"આપણી દીકરી કેટલી ખૂશ છે !"

"હા"

"કાલે એક કામ કરજોને"

"શું બોલને શું કામ કરુ"

"શેઠ પાસેથી થોડાક ઉંછીના રૂપિયા લઈ શહેર જાજોને ! આપણી દીકરી માટે સુંદર કપડાં,મોજડી, અને એકાદ સારી ઢીંગલી લઈ આવજોને"

"અરે વાહ...બહુ સારી વાત કરી તે હુ કાલે જ શેઠ પાસેથી થોડા રૂપિયા લઈ ફૂલકડી માટે કપડાં,મોજડી અને ઢીંગલી લઈ આવું."

આરતીએ કેવા કપડાં લાવવા,કેવી મોજડી લાવવી અને કેવી ઢીંગલી લાવવી એ બધું સમજાવી દીધું.

બીજે દિવસે સવારે મહેશ મજુરી કરવા ગયો. બપોર થતા ટીફીન જમી લીધું અને શેઠ પાસેથી રૂપિયા લઈ શહેર પહોંચી ગયો. ખરીદી કરી લીધી. સાથે એક નવા સમાચાર સાંભળીને ખુશ થયો કે આવતી કાલે આ શહેરમાં મેળો ભરાય છે. મહેશે મનોમન નક્કી કરી લીધુ કે હું કાલે ફૂલકડીને મેળામાં લઈને આવીશ. આજે દીકરીના મોહમાં ભાવવિભોર બની એકાંતમાં એક પિતા ખુશીના આંસુડે રડ્યો હતો. હું ક્યારેય મારી દીકરીને એકપણ વસ્તુની ઘટ નહીં આવવા દઉં.

મહેશ ઘરે આવે છે ત્યાં પ્રણાલી રાહ જ જોતી હોય છે. આરતીએ કહી દીધું હતું કે તારા બાપુ તારા હાટું(માટે) કંઈક લાવશે ,પણ શું લાવશે એ વાત ગુપ્ત રાખી હતી.

"બાપુ આવી ગયા,બાપુ આવી ગયા, બા આમ જો મારા બાપુ આવી ગયા"

ફૂલકડી ખૂશ થઈને એના બાપુ સામે દોટ મુકી "બાપુ શું લાવ્યા ?,બાપુ શું લાવ્યા ? મને બતાવો ! જલદી બતાવો !

" ના તારા હાટુ કાંઈ નથી લાવ્યો હું નહીં બતાવુ" એમ કહી બંને હાથ ઊંચા કરી થેલીઓ ઊંચી કરી દીધી.

"જલદી બતાવોને બાપુ મને ખબર છે મારા હાટું લાવ્યા છો મારી બા એ મને કહી દીધુ હો" આમ કહી બંને હસી પડ્યાં.

આરતી હરખભેર દોડીને બહાર આવી માટીના ગોળામાંથી ત્રાંબાના કળશમાં પાણી આપ્યું મા-દીકરી થેલીઓ ખોળી જોવા મંડી અને બંને રાજી થઈ ગઈ. આરતીએ કહ્યું "ફૂલકડીનાં બાપુ આ કપડાં,મોજડી,અને ઢીંગલી બહું મોંઘી કિંમતના હોય એવું લાગે છે !"

મહેશને જાણે હૃદયમાં ઠંડક મળતી હોય તેમ શીતળતાથી બોલ્યો "ગમે એટલું મોંઘુ લાવુને તોય ફૂલકડીનાં તોલે ન આવે"

પ્રણાલીએ નવા કપડાં અને મોજડી પહેવાની જિદ કરી અને ઢીંગલી જોઈને તો જાણે એને વાતો કરવા વાળી નવી બહેનપણી મળી ગઈ હોય એમ ઢીંગલી સાથે વાતો કરે. આરતીએ નવા કપડાં અને મોજડી પહેરાવી દીધી. જેમ સોનાનાં મૂંગુટ પર કમળનું ફૂલ શોભતું હોય એમ પ્રણાલીના શરીર પર નવા કપડાં શોભતાં હતાં !

નવા કપડાં પહેરી, પગમાં મોજડી પહેરી,કેડ પર ઢીંગલી તેડી ઝળહળતી ફૂલકડી સરોવરમાં તરતા બતકને પણ ઉડાડી દેય એવી લાગતી હતી.

"અતિ સ્વરૂપવાન,માસુમ અતિ નાદાન , દુ:ખડા તોડતી

 લટકટી પગલી ભરી,સુખોના હીર ભરી,ફૂલકડી દોડતી"

ફૂલકડી એની ઢીંગલી સાથે રમતી હતી. મહેશે કહ્યું "ફૂલકડીની બા સાંભળ"

" હા બોલોને"

"કાલે શહેરમાં મેળો ભરાય છે હું અને ફૂલકડી મેળામાં જાશુ"

"મેળામાં તો બહુ ભીડ હોય ત્યાં ફૂલકડીને ક્યાં લઈ જશો ? તમને ખબર છે ને એને હૃદયમા...."

"હા પણ...અમે બહું ખોટી નહીં થઈએ મેળામાં એકાદ આંટો મારી તરત ઘરે પાછા ફરશું."

"સારું જાજો પણ તરત પાછા આવી જાજો હો મને ફૂલકડી વિના ઘરે નહીં ગમે." આરતીએ થોડા ઠપકા ભર્યાં શબ્દોમાં કહ્યું પછી વિચારોમાં ને વિચારોમાં ઊંઘ આવી ગઈ

આરતીએ પ્રણાલી માટે ખીર બનાવી ખવડાવતી હતી આજે એકીટકે ફૂલકડી સામે જોઈ રહી હતી કારણ કે પહેલી વાર એની ફૂલકડી શહેર જવાની હતી.

ફૂલકડીને નવા કપડાં અને નવી મોજડી પેરાવી તૈયાર કરી. "બા મારે મારી ઢીંગલી હારે લઈ જવી છે."

"હું એને મેળામાં ફેરવીશ"

"સારું લઈ જા ખોઈ ના નાખતી હો તારા બાપુ લાવેલા છે"

"હા બા હું નહીં ખોવ મારી સાથે જ રાખીશ"

"એ ફૂલકડી... હવે તમારી બા-બેટીની વાતો પુરી થઈ ગઈ હોઈ તો ચાલ હવે બપોર થતા ઘરે આવી જવાનું છે" મહેશે બહારથી બુમ પાડી કહ્યું.

એ આવી બાપુ...પ્રણાલીએ હોશથી જતા જતા કહ્યું કે "બા હું જાવ છું હો તારું ધ્યાન રાખજે હો"

"હા બેટાં તું સંભાળીને જજે અને તારા બાપુનું બાવડું ઝાલીને જ રાખજે"

બાપ-બેટી નીકળી ગયાં ત્યાં પ્રણાલી પાછી વળી દોડીને આવી અને મોટા અવાજે બોલી " બા એ બા હવે હું જાઉં છું હો તારું ધ્યાન રાખજે તું" આટલુ બોલી એ દોડીને નીકળી ગઈ.

 આરતી એટલું બોલે કે બપોર થતા જલદી પાછી આવી જજે મે તારા માટે ખીર રાખી છે એ પહેલા તો ફૂલકડી નીકળી ગઈ હતી.

આજે પહેલી વખત ફૂલકડી ઘરેથી બહું દૂર ગઈ હતી એટલે આરતીને ગમતું ન હતું જાણે આખું ઘર ખાલી થઈ અને કરડવાં દોડતું હતુ. આજે એનો જીવ ગભરાતો હતો પછી વિચાર્યુ કે દીકરીનો મોહ વધારે છે ને એટલે આવું થાય છે એ પરણીને સાસરે જશે ત્યારે મારે એકલું જ રહેવાનું થશે. વિચારોમાં ને વિચારોમાં એને યાદ આવ્યું કે ઘરનું કામ તો બધું બાકી છે અને ઘરકામ કરવા લાગી.

અહીં મહેશ એની દીકરીને લઈને મેળામાં ફરતો હતો ફૂલકડીને મેળમાં ફરવાની બહું મજા પડી. માણસોની ભીડ પણ બહું હતી અને ગરમીએ પણ માજા મુકી દીધી હતી. એક ભીડમાથી પસાર થતા કોઈનો ધક્કો વાગતા પ્રણાલીના હાથમાંથી એની ઢીંગલી પડી ગઈ. અને પ્રણાલી જોર જોરથી રડવા મંડી "બાપુ મારી ઢીંગલી,બાપુ મારી ઢીંગલી."

મહેશે ફૂલકડીને છાતીએ લગાડીને કહ્યું બેટાં હું "તારા માટે નવી ઢીંગલી લઈ આવીશ,ચાલ હવે ઘરે જતાં રહીએ." ફૂલકડીએ રડવાનું બંધ ના કર્યુ "મારી બા એ કીધું હતું ઢીંગલી ખોય ન નાખતી તારા બાપુ લાવેલા છે, મારે નવી નય એ જ ઢીંગલી જોઈએ."

પ્રણાલી રડ્યે જ જતી હતી. ગરમી અને આંસુડાના કારણે ફૂલકડીના કપડાં પલળી ગયાં હતાં અને શરીર લાલ ઘુમ બની ગયું હતું. બાજુમાં કોઈ ભાઈ બોટલમાંથી પાણી પીતા હતાં. મહેશે એના હાથમાંથી અધુરી બોટલ ઊતાવળે લઈ લીધી અને કહ્યું કે "થોડુ પાણી આપોને ભાઈ." પ્રણાલીને પાણી પાયું અને પાણીની એક ઝાલક એના મોઢા પર છાંટી મોઢુ ધોવડાવ્યું. અચાનક ફૂલકડીના શરીરમાં જોરજોરથી આંચકા આવવાં લાગ્યાં. એનું શરીર ઊંચું થઈ નીચે પડતું હતું. આંખો ખુલ્લી રહી ઉપર તરી ગઈ હતી અને ફૂલકડી શાંત થઈ ગઈ હતી. મહેશ આકુળ વ્યાકુળ થઈ ગયો. " ફૂલકડી,ફૂલકડી, મારી સામુ જો !,આ શું થઈ ગયું તને !, બેટાં બોલ !" આજુબાજુ માણસો ભેગા થઈ ગયાં. બધા પથ્થરનાં બનેલાં હતાં અને કોઈક તો જાણે આ દશ્યનો લહાવો લેતાં હતાં. મદદ કરવાને બદલે એવી વાતો કરતા હતા કે ''મરી ગઈ લાગે છોકરી","હા હા એવુ જ લાગે", "છોકરાને સાચવવાની ત્રેવડ ના હોય તો મેળામાં લાવતા શા માટે હશે ?" મહેશના કાને આ અમંગળ શબ્દો અથડાતા એ મેળામાં જ રડી પડ્યો. એ જાણતો હતો કે દુનિયા આખી સ્વાર્થી છે. શું કરવું ? ક્યાં જવું કાંઈ સમજાતુ ન હતું.

પાણી આપ્યું હતું એ ભાઈ નજીક આવ્યા અને ટોળું વળેલા માણસોને દુર કર્યાં અને કહ્યું" ભાઈ શહેરમાં એક મોટું સરકારી અસ્પતાલ છે મોડું ના કરો હવે જલદી જાઓ આ છોકરીને અસ્પતાલ પહોંચાડો બધા સારા વાના થશે."આમ કહી તાકાત આપી. મહેશ જલદી અસ્પતાલ પહોંચી ગયો.

ઘરનાં મંદિરીયામાં આજે જ્યોત ઝાંખી દેખાતી હતી. આરતીએ હજી બપોરનું ખાધું ન હતું. બપોરને બદલે રોંઢો થવા આવ્યો પણ આ બાપ-બેટી ઘરે ના આવ્યાં. આરતીને બહુ જ ગભરામણ થવા લાગી. શું થયું હશે ? હજું કેમ ના આવ્યાં ? આવી ચિંતામાં ને ચિંતામાં રાત પડી ગઈ. આજે અંતરની આંતરડી રડવાનું કહેતી હતી, અમંગળના એંધાણો વર્તાઈ રહ્યાં હતાં. આંખોમાંથી આંસુડાં ઝેર બની આપોઆપ એના જીવને રડાવી રહ્યાં હતાં.

બહું મોડી રાત્રે એક સરકારી મોટર ઘર આગળ ઊભી રહી. એ મોટરમાંથી લથડીયા ખાતા ફૂલકડી ના બાપુ ઉતર્યાં. ગામડાના રીવાજ મુજબ એને માથા પર ટુવાલ ઓઢેલો હતો. પછી ફૂલકડીને ઉતારી,પણ એ ફૂલકડી નોતી ઉતરી,ફૂલકડીનું શબ હતું.

મહેશથી રહેવાયું નહીં આરતી સામે ઘુંટણીએ પડી ગયો અને જોરથી અવાજ કરી આંખ આાડો બંને હાથથી ટુંવાલ રાખી છાતી ફાડીને રડી પડ્યો "મારી ફૂલકડી.......મને...મુકીને ...ચાલી ગઈ." જાણે આકાશ તુટે અને એના તીવ્ર અવાજ કાનના પડદા તોડી નાખે એમ આજે મહેશના શબ્દોએ જાણે આરતીની આંખોનું તેજ અને સાંભળવાની શક્તિ એક ઝાટકે હણી લીધું હતું. આરતીના શરીરને કોઈએ જીવતા અગ્નિ ચાંપી દીધો હોય અને બળતી હોય એવી વેદના એની છાતીએ છોંટી અને જોરજોરથી રડવા લાગી.

આરતીએ વિચાર્યું હતું કે ફૂલકડી મેળામાંથી આવશે તો થાકી ગઈ હશે એને મારા હાથે ખીર જમાડી ઘોડીયામાં પોઢાડીને હાલરડું ગાત પણ કાળમુખા સમયે તો મરસિયા ગવડાવ્યાં. આરતીએ ભાન ભુલી અતિ રડતી કકળતી આંતરડીએ દીકરીનાં મરસિયા ગાયાં.

મરસિયા

પણ સવારે..રુમઝુમ પગલા માંડતી વાગતા ઝાંઝરના ઝણકાર,

અંધકારે વાદળા ફેલાવી તારા ઝણકારે રોવડાવ્યાં મારી ફૂલકડી.

પાછું વળીને કહેતી ગઈ બા હું જાવ છું હો રાખજે તારું ધ્યાન,

મધથીય મીઠા લાગેલા તારા શબ્દોએ રોવડાવ્યાં મારી ફૂલકડી.

તારા બાપુને કહેતી કે બાપુ મારે દુનિયા જોવા ચંદ્ર બનવું છે,

દિવસે આજે ચંદ્ર બની તારા બાપુને રોવડાવ્યા મારી ફૂલકડી.

મારે તને કહેવું હતું...પણ તે ના સાંભળી મારી વાત હમણાં,

તે આવુ એમ પણ ન કીધું જઈને રોવડાવ્યાં મારી ફૂલકડી.

જીવતર આખું કર્યું ઝેર પ્રભુજી આજથી તારી હારે વેર,

પહેલા આંસુડા લુછીને તે જ કેમ રોવડાવ્યાં મારી ફૂલકડી.

અમે પ્રણ લીધું કે અમારા જીવ કરતા સાચવીશું તને સદાય,

રાજકુંવર સાથે પરણાવીશું તે પ્રણને તોટાવ્યું મારી ફૂલકડી !

હાલરડું સાંભળ્યાં વિના નહી સોનાર મારા કાળજાનું હીર

આજે હાલરડું સાંભળ્યાં વગર તું પોઢી ગઈ મારી ફૂલકડી.

મહેશ ફળીયામાં આવી અવકાશ તરફ બંને હાથ ફેલાવીને ઊભો રહ્યો. જાણે ચંદ્ર એની બાથમાં આવવા દોડીને આવવાનો હતો. ત્યાં અચાનક ખડખડાટ હસવાનો અવાજ આવ્યો !

"બાપુ એ બાપુ મે કીધુ હતું હું ચંદ્ર બનીશ. આમ જો હુ ચંદ્ર બની ગઈ...મારી સામુ જો બાપુ હું દેખાઉ છું તને ? આમ જો મને આખી દુનીયા દેખાય છે. બાપુ બા ક્યાં છે ? બા ખીર બનાવશે તો જ જમીશ હું."

 મહેશને આ અવાજ સાંભળી આનંદનો પાર ન રહ્યો અને અતિભાવુક બની કંઈક બોલે એ પહેલા એને આંખો બંધ કરી દીધી ! કદાચ આપેલો કોલ પુરો કરવા મહેશ હંમેશા માટે આકાશ બની ગયો ! આરતી બહાર આવીને મંદ અવાજે ધીમેથી બોલી.

 "મારી ફૂલકડીના બાપુ, તમે પાછળ જાવ છો ને મારી દીકરી પાસે ? જાઓ ઝડપથી એને તમારા વગર નહીં ગમે. મેં સવારે જ મારી ફૂલકડી માટે ખીર બનાવી છે. હું ભાતું લઈને તમારી પાછળ પાછળ જ આવું છું હો." 

અચાનક આરતીની આંખો ખુલી જાય છે અને જોરથી મોટી ચીંખ નાખે છે નહીં.........હે.....ભગવાન !....હે....પ્રભુ. અને આજુબાજુમાં જોવે છે તો ફૂલકડી તો બાજુમાં ઘોડીયામાં જ સુતી હતી એ જાગીને રડવા મંડી અને મહેશ બાજુના ખાટલે જ સુતો હતો એ પણ જાગી ગયો.

આરતીએ ફૂલકડીને તેડી લીધી અને મહેશને કહેવા લાગી "બહુ ખરાબ સપનું આવ્યું, તમે ફૂલકડીને મેળામાં લઈ ગયા અને.....પછી તમે પણ....હે ભગવાન.

મહેશ સમજી ગયો અને કહ્યું "કાલે મે ફૂલકડીને મેળામાં લઈ જવાની વાત કરી હતી ને તને ઈ વિચારો મનમાં રહી ગયા હશે. હવે સુઈ જા તારા અવાજે તો મને બીવડાવી દીધો" મહેશ હસીને બોલ્યો.

સવારે આરતી પણ મેળામાં જવાં તૈયાર થઈ. ત્રણેય મેળામાં જઈ ખૂબ ફર્યાં,ચરખામાં બેઠાં,જમ્યાં અને સૌ કૂશળ મંગળ ઘરે પણ આવી ગયાં હતાં.

આમ સુખનાં દિવસો પસાર થવાં લાગ્યાં,શુધ્ધ પખવાડીયામાં ચંદ્રની જેમ પ્રણાલી મોટી થવા લાગી. જેમ મોટી થતી ગઈ એમ એમ ચાલાક,હોશિયાર અને સમજદાર પણ બનતી ગઈ. ખુબ દવા કરાવ્યાં બાદ અંતે પ્રણાલીને હૃદયની એ બિમારી નાબૂત થઈ ગઈ હતી.

મહેશ અને આરતીએ પ્રણાલીને ભણાવવા પાછળ તનતોડ મહેનત કરી. પ્રણાલીને ખૂબ જ વાંચવાનો અને કસરત કરવાનો શોખ હતો.

મહેશ અને આરતી ખુશીનાં આંસુડે રડ્યાં હતાં કારણ કે જે એક દિવસ કોમળ,નાજુક ફૂલકડી રુમઝુમ ચાલતી હતી એ જ પ્રણાલી હવે સિંહણ જેવી દેખાતી હતી, એના બાપુની પાઘડીનું સન્માન આજે આઈ. પી. એસ ઓફિસર બની ગઈ હતી.

હવે સમય સાવ બદલાય ગયો હતો. જે લોકો એક દિવસ આરતીનું મોઢુ જોવા માંગતા ન હતાં. એ સામે ચાલીને વાત કરવા માટે બહાના શોધતા હોય છે. પેલા જે માણસો આરતીને જોઈને એના બાળકોને છુપાવી દેતા હતા કે નજર લગાડી દેશે એજ માણસો આજે એના બાળકોને લઈને આરતી પાસે આવીને કહે કે "આરતીબેન આ છોકરો ભણવામાં ધ્યાન નથી દેતો, એને કંઈક સલાહ આપોને કે ભણવામાં ધ્યાન આપે, મારુ તો કાંઈ માનતો જ નથી." આરતી માથે હાથ મુકી સમજાવતી કે બેટા ભણીને મોટો માણસ બનજે, તારા માવતરની સેવા કરજે અને એની દરેક વાત માનજે.

જમુના ડોશી અંતિમ શ્વાસ લઈ રહ્યાં હતાં. આરતી અને મહેશ ખબર કાઢવા ગયાં તો ખોબલે ને ખોબલે રડી પડ્યાં. " આરતી તું મારી દીકરી જેવી છે, મેં બહું પાપ કર્યાં છે, તને ન કહેવાના વેણ કીધા હતાં, આજે મને બહું પસ્તાવો થાય છે, આરતીબેટા હું તને હાથ જોડીને માફી માંગુ છું. મને માફ કરી દે !... જો તું મને માફ કરી દે તો મારું મરણ સુધરી જશે દીકરી !... " આરતી રડીને જમુનાબા ગળે વળગી ગઈ અને બોલી "જમુના બા આવું બોલી ન બોલો. તમે તો મારા માવતર જેવા છો." બંને દંપતીએ ચમચીમાં પાણી પાયું જે ડોશીને અમૃત કરતાં પણ મીઠું લાગ્યું હતું.

 જમુના બાએ આ દંપતીના માથા પર હાથ મુક્યાં અને આપમેળે શબ્દો સરી પડ્યાં"તમારું કલ્યાણ થાઓ."


Rate this content
Log in

Similar gujarati story from Romance