Nisha Shah

Children Inspirational

3  

Nisha Shah

Children Inspirational

રેત પીપૂડી

રેત પીપૂડી

3 mins
14.8K


નવાઈ લાગે છે ખરું? આ વળી શું “રેત પીપૂડી”? આ એક પક્ષી છે ઇંગ્લિશમાં સેન્ડપાઈપર તરીકે પ્રખ્યાત છે દરિયા કિનારે આ ચકલીઓ જોવા મળે છે. જેમની ચાંચ પીપૂડી જેવી હોય છે. એ બધી રેતીમાં ચાલતી હોય છે અને કિનારા પર ઊડતી દેખાય છે એટલેજ રેતપીપુડી કહેવાય છે.

એવી એક ચકલીની આ વાત છે. એક દિવસ એણે એની મમ્મીને છીપલાં સાથે જોઈ. અને એ છીપલાની અંદર એક સુંદર મોતી હતું. જોઈને જ ખુશ થઈ ગઇ. મમ્મીને કહેવા લાગી મને પણ આવું જ છીપલું જોઈએ છે. મમ્મીએ એને સમજાવ્યું કે આ દરિયાકિનારે જ મળે. તું શોધવા માંડ જરૂર તને પણ મળી જ જશે. આ તો નાનકડું બચું હતું પણ એને ખૂબ જ ચાનક ચઢી કે જરૂર હું પણ શોધી કાઢીશ. અને ખરેખર એ તો મંડી પડી. નાના નાના પગે ચાલી ચાલીને છીપલા શોધવા લાગી. એની ચાંચમાં પકડીને લાવે મમ્મી પાસે લાવીને ખોલે પણ એમાં મોતી ના મળે. પછી દોડે કિનારે છીપલું લાવે ખોલીને જુએ મોતી ના મળે પછી પાછી દોડે. કેટલાય દિવસ નીકળી ગયા. હવે થોડી મોટી પણ થવા લાગી. આમ, રેતપિપૂડીએ શોધી શોધીને ઘણા છીપલાં ભેગાં કર્યાં. પણ મોતી ના દેખાયું. ઘણી વાર તો બૂચારી સમુદ્રનાં ફિણને મોતી સમજી પકડવા દોડે. એની મમ્મીએ સમજાવ્યું, "બેટા એમ ન મળે. આ તો સમુદ્રનાં પેટાળમાં છીપલામાં વરસાદનું ટીપું પડે અને સૂરજદાદાનાં કિરણ પડે અને છીપલું બંધ થઈ જાય ત્યારે થોડા દિવસ પછી એ ટીપું મોતી બની જાય. એવા છીપલાં કોઈકવાર તરતાં તરતાં કિનારા પર આવે અને આપણને મળી જાય. ચાલ, હું પણ તને આ કામમાં સાથ આપીશ આપણે બંને શોધીશું. હવે રેતપિપૂડીમાં ખૂબજ ઉત્સાહ આવી ગયો. એ તો દોડી કિનારા પર અને પાણીમાં અંદર ધસી ગઈ. ત્યાં તો એક મોજું જોરથી આવ્યું અને ગભરાઈને બહાર દોડી આવી. ફરી ફરી દોડે મોટું મોજું આવે કે ગભરાઈને પાછા પગે દોડી આવે અથવા ક્યારેક ભાગીને કે ઉડીને મમ્મી પાસે પહોંચી જાય.

એક દિવસ એણે જોયું કિનારા પર થોડા કરચલા દોડાદોડ કરતા હતા અને નાના નાના છીપલાં પકડીને ભાગતા હતા. રેતપિપૂડીએ જોયું એ લોકો સાગરનાં મોજાંથી ગભરાતા નહોતા. એણે જોયું પાણીનું મોજું આવે કે તરત એ લોકો માથું નીચું કરી રેતીમાં બેસી જતા હતા. પાણી એમની ઉપરથી ફરી જતું પાછું વળી જતું. અને કરચલા પાછા ઊભા થઈ દોડી જતા. એને મજા આવી ગઈ. એને વિચાર આવ્યો આવું તો હું પણ કરી શકું! અને ખરેખર એ હિંમત ભેગી કરી દોડી દરિયાની સામે! જેવું મોજું આવ્યું એ પણ માથું નીચું કરી રેતીમાં બેસી ગઈ.

એનો શ્વાસ રોકાઈ ગયો.પાણી એની ઉપરથી ફરી વળ્યું અને પાછું ચાલ્યું ગયું. અને માથું ઊંચું કરીને એ ઊડી અને સાથે એક છીપલાને ચાંચમાં લઈને ઊડી. પછી તો એને હિંમત આવી ગઈ. હવે દરિયાની વધુ નજીક જઈને આવી રીતે પાણીમાં બેસીને છીપલા ભેગા કરવા લાગી. એક દિવસ એની મહેનતે રંગ લાવી દીધો. ભારે મોટું છીપલું પકડીને મમ્મી પાસે દોડી. એણે છીપલું ખોલીને જોયું તો ખરેખર એક સુંદર મોતી અંદર ચળક્તું દેખાયું. જાણે એની સામે મરકમરક હસતું હતું. રેતપિપૂડી ખુશીથી નાચી ઊઠી.

બંને ચકલીઓ એકબીજાને ભેટી અને મમ્મીએ કીધું, બેટા આજે તો તું દેવચકલી બની ગઈ. જેને આવું મોતી મળે એ તો દેવચકલી કહેવાય ખબર છે! બેટા તારી જળકૂકડી બનીને શોધવાની નવી રીતથી તું જીતી ગઈ. જિંદગી તારી સફળ થઈ ગઈ. મારી વહાલી રેતપીપૂડી, જળકૂકડી, મારી દેવ ચકલી ! શાબાશ બેટા શાબાશ! હિંમત, બુદ્ધિ અને મહેનતથી શું નથી મળતું? ક્યારે પણ કાર્ય સફળ ન થાય ત્યાંરે આ રેતપિપૂડીને યાદ કરજો હં! બેડો પાર થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati story from Children