રાત વિરહની
રાત વિરહની
લખું છું એ વાત તારા વિરહની
કેમ વિતાવું છું રાત તારા વિરહની,
રોઈ રોઈ જાય છે અને પડે સવાર
એમ વિતે છે આખી રાત તારા વિરહની,
દર્દ સિવાય બીજું કશું મળ્યું નથી
મળી છે જે સૌગાત તારા વિરહની,
'સ્નેહી'ને સ્નેહી કોઈ મળ્યાં નથી
બસ મળી દર્દોની રાત તારા વિરહની
ઘાયલ કી ગત ઘાયલ જાણે.એમ વિરહની વેદના તો વિરહી જ જાણે.
અજયનું મન ક્યાંય લાગતું જ નથી, તેના મિત્રો તેને હસાવવા, તેનો મૂડ બદલવા કેટ કેટલાયે પ્રયત્નો કરતા પણ તે બધા વ્યર્થ જતા. અજયના દિલોદિમાગ માથી છાયાનું ભૂત જતું જ નહી.
છાયા ને છોડીને ગયા, આજે દોઢ વર્ષ જેટલો સમય થવા આવ્યો, છતાં અજય એ વાત માનવા તૈયાર જ ન હતો કે છાયા તેને છોડીને જતી રહી છે.હમણાં છાયા એને સાદ કરશે એવું વારંવાર અજયને થયા કરતું. ઘરે આવ્યાં પછી 'છાયા ! ચા મૂકજે' એવી ટેવ આજે પણ તેની છૂટી નહોતી,પછી જ્યારે તેને અહેસાસ થતો કે છાયા તો.........ત્યારે તે છાયાની યાદમાં કલાકો સુધી રડ્યા કરતો.
અજય અને છાયા વચ્ચે પ્રેમનો તાતણો એવો તો બંધાય ગયો હતો કે તે આજે પણ અતૂટ હતો.
અજય અને છાયા.એવું સ્વિટ કપલ કે જેને મળે એને પોતાના લાગે.હંમેશા બીજાનું ભલું કરવાની તક ચૂકે નહી.વસુધૈવ કુટુમ્બકમની ભાવના સદા તેમના દિલમાં રહેતી. કેટલાયે અનાથ બાળકો, વૃદ્ધાશ્રમના વૃદ્ધો, પોતાની સોસાયટીના કેટલાય લોકોનો સહારો તેમજ તેમની ખુશીનું કારણ એટલે બસ આ સ્વિટ કપલ. અજય અને છાયા પોતાના જીવનનો મોટાભાગનો સમય લોકોની સેવા કરવામાં તેમજ તેમનું દુઃખ હળવું કરવા પાછળ આપતા.લોકોને જ્યારે મદદની જરૂર હોય ત્યારે અજય અને છાયા તરત હાજર હોય.
આવા પ્રેમાળ, સેવાભાવી, લાગણીશીલ આ દંપતીને જાણે કોની નજર લાગી, કે ભગવાનથી પણ તેમનો પ્રેમ જોયો ન ગયો એમ કહેતા કે આ કપલ ને કોની નજર લાગી કે બસ એક પળમાં શું હતું અને શું થઈ ગયું ? અજય આજે પણ એ રાતની યાદોમાં ઘણીવાર આખી રાત સૂતો પણ નથી.
એને આજે પણ એ રાત યાદ છે, સાંજે પ વાગે અજયના મોબાઈલમાં રીગ વાગી.હેલો ! 'હા બોલ છાયા !'એ તો હું એમ કહેતી હતી કે હું અત્યારે આશ્રમના બાળકોને મળવા આવી છું,તમે ઓફિસ અવર્સ બાદ મને આશ્રમ રોડ પરથી પીક અપ કરજો.' 'સારૂં છાયા' એમ કહી અજયે ફોન મુકયો.ઓફિસનું કામ પતાવી કલાર્કને આવતીકાલનુ શિડ્યુલ સમજાવી અજય પોતાની કાર લઈ છાયાને પિક અપ કરવા નિકળ્યો. લગભગ ૨૦મિનીટની ડ્રાઈવ પછી અજય આશ્રમ રોડે પહોચ્યો.છાયા તેની રાહ જોઈ ઊભી જ હતી. કારનું બારણું ખોલી છાયા કારમાં બેસી,ઘડિયાળમાં જોઈ અજયને કહયું, નવ થવા આવ્યા છે. અતિથી રેસ્ટોરન્ટ પાસે થોડીવાર ગાડી રોકજો એટલે આપણાં માટે તેમજ બાજુની ઝૂંપડપટ્ટીનાં બાળકો માટે જમવાનું પાર્સલ કરી લઈએ.
અજયે અતિથી રેસ્ટોરન્ટ ની સામે ગાડી રોકી કારનું બારણું ખોલી ફટાફટ છાયા નીચે ઉતરી અને રોડની સામે આવેલી અતિથી રેસ્ટોરન્ટ તરફ ઝડપથી પગલાં ભરવા લાગી.છાયા પાછું વળી અજયને કઈક કહેવા જાય છે ત્યાં તો સામેની બાજુથી પુર ઝડપે આવતી એક ગાડી છાયાને હડફેટે લેતી પળવારમાં ગાયબ થઈ ગઈ.છાયા ગાડીની ટક્કરથી હવામાં ફંગોળાઈ અને રોડ પરના ડિવાઈડર પર પટકાઈ. અજયના મોઢામાંથી છાયા......એવી ચીસ નિકળી ગઈ.બેબાકળો અજય ફટાફટ દોડતો છાયા પાસે પહોચ્યો.આજુબાજુમાંથી લોકો એકઠા થઈ ગયા.અજય છાયાને બાથમાં લઈ ને છાયા...છાયા...એવી રાડો પાડવા લાગ્યો.લોકોએ એમ્બ્યુલન્સ બોલાવી.ફટાફટ છાયાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવામાં આવી.ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં છાયાને શિફ્ટ કરી.છાયાના માથાના ભાગે ગંભીર ઈજા થઇ હોવાથી ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું. અજયની પરમિશન લઈ ડોક્ટરે ઓપરેશન ચાલું કર્યું. ઓપરેશન થિયેટર બહાર આવેલા કાચમાથી અજયે છાયાને જોઈ અને પછી બાજુના બાકડા પર બેસી ગયો.
આશ્રમરોડથી અતિથી રેસ્ટોરન્ટ સુધીની સફરની છાયા સાથેની તેની વાતચીત તેને યાદ આવવા લાગી.લગભગ બે-ત્રણ કલાક બાદ ઓપરેશન થિયેટર નો દરવાજો ખુલ્યો.ડોક્ટર બહાર આવ્યા.અજયના ખભા પર હાથ મુકી બોલ્યા: આઈ એમ સોરી.
ડોક્ટરના મોઢે આ શબ્દો સાંભળી અજયને નીચે ધરતી અને માથેથી આભ સરકી ગયા હોય તેવું લાગ્યું.
આશ્રમના તેમજ બીજા કેટલાયે ગરીબ તથા નિરાધાર બાળકોની જાણે માં આમ અચાનક અણધારી વિદાય લેતા તેમને માથે આભ તૂટી પડ્યું. જયારે હંમેશા જેનું ધ્યાન રાખતી,જેની તકલીફો પોતાની કરી લેતી,જેની ભવોભવની સાથી એવી છાયાની વિદાયે અજયને તો પાગલ જ કરી નાખ્યો.આજે પણ તેની યાદમાં અજય ઝુરી રહ્યો છે.
અજય છાયાની યાદમાં છાયાના અધુરા કાર્યો પુરા કરી રહ્યો છે.કેટલાયે અનાથ બાળકોને અજય છાયાની જેમ માં બની ખુશીઓ આપી રહ્યો છે.પણ પોતાને ખુશીઓ આપનાર છાયા આજે તેની પાસે નથી.છે તો બસ છાયાની યાદો અને રાત વિરહની.

