પરીક્ષા
પરીક્ષા
સવારે છ વાગ્યે અલાર્મ વાગતા હું જાગી ગયો. નાહી, ધોઈ તૈયાર થઈને નાસ્તો કરવા બેઠો. ત્યારબાદ મારી બેગ લઈને શાળાએ જવા રવાના થયો.
શાળાએ પહોંચી પ્રાર્થના કાર્યક્રમ તેમજ વિવિધ રૂટીન કાર્યો કરીને મારા વર્ગમાં પહોંચ્યો. આજે બાળકોને ગણિત વિષયની પરીક્ષા હતી. મેં બાળકોની હાજરી પૂરી. હાજરી પૂરતા જાણ થઈ કે આજે રમેશ નામનો છોકરો શાળાએ આવ્યો નહોતો. મેં તેના સાથી મિત્રોને પૂછ્યું.
'આજે રમેશ કેમ આવ્યો નથી ?'
'સાહેબ એ ઘરે જ હતો' એક વિધાર્થી બોલ્યો.
'ના ના સાહેબ હું ઘરે ગયો, ત્યારે ઘરે ન હતો.' બીજો વિદ્યાર્થી બોલ્યો.
' સારુ હું તપાસ કરું છું' વિદ્યાર્થીઓને એવું કહી હું બાજુના ક્લાસમાં ગયો. ત્યાં સાથી મિત્રને થોડીવાર મારા ક્લાસનું ધ્યાન રાખવાનું કહી હું રમેશ ના ઘરે જવા નીકળ્યો.
રમેશ ના ઘરે પહોંચી મેં જોયું કે રમેશ ઘરે હતો નહીં. તેની બા બીમાર હતા અને ખાટલીમાં સુતા હતા તૂટેલી-ફૂટેલી નાની એવી ખાટલી હતી તેના પર ફાટેલુ,ક્યાંક ક્યાંક સાંધેલુ જૂનું ગોદડું પાથરેલું હતું બાજુમાં પાણીનો લોટો ભરેલો હતો અને તેની બાજુમાં એક નાની ગોદડી પર રમેશનો નાનો ભાઈ રમતો હતો મને આવેલો જોઈને તેના બા બોલ્યા 'આવો સાહેબ'
મેં તેમના ખબર અંતર પૂછ્યા. રમેશનું શાળાએ ન આવવાનું કારણ હું પૂછવા જ જતો હતો ત્યા જ રમેશ ઘરમાં આવ્યો.
અરે ! સાહેબ તમે ! આવો આવો બેસો.એવું કહી રમેશે તેના હાથમાં રહેલા ઝભલાંને પોતાની બાના ખાટલા પર મૂકી મને બેસવા માટે બાજુમાં પડેલું નાનું એવું ટેબલ રૂમાલ વડે લુછીને મને બેસવા આપ્યું.
'સાહેબ તમારા માટે ચા બનાવું' રમેશ બોલ્યો.
' ના ના બેટા' એ તો આજે તારી પરીક્ષા હતી અને તું શાળાએ ન આવ્યો તો મને થયું ઘરે જઈ આવું એટલે .....' મે કહ્યું
હા સાહેબ હું આવતો જ હતો પણ જરા થયું કે બા ની તબિયત સારી નથી તો આજે બા ના ભાગનું કામ હું કરી આવું એટલે બાજુના શેઠને ત્યાં કચરા પોતા કરવા ગયો અને શેઠ પાસેથી થોડો ઉપાડ લઈ બા માટે દવા અને ભાઈ માટે થોડો ભાગ લેવા રોકાણો એમાં.... એમ કહી રમેશે ઝભલામાંથી દવા કાઢી બાને આપી અને ભાઈને ભાગ આપ્યો.
૧૦ થી ૧૨ વર્ષના રમેશની વાત અને તેનું વર્તન જોઈ મારું હૃદય લાગણીથી ઉભરાઈ ગયું.અને લાગ્યું કે
" હજી તો જિંદગીના દાખલા શીખ્યો પણ નથી
અને ત્યાં તો પરીક્ષા આવીને ઊભી રહી ગઈ "
' ચાલો સાહેબ ' રમેશના એવા શબ્દોએ મને વિચારોમાંથી બહાર કાઢ્યો.
હું રમેશને લઈ ને શાળાએ આવ્યો અને તેને લખવા માટે પેપર આપ્યું. તે પોતાની જગ્યાએ જઈ પેપર લખવા માંડ્યો.
પાસ તો એ પહેલેથી જ હતો.
