STORYMIRROR

Bharti bhayani

Drama

4  

Bharti bhayani

Drama

પ્રત્યાઘાત

પ્રત્યાઘાત

3 mins
388

યશોદા નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં રંગાઈ ગઈ હતી. એમાં પણ લગ્ન કર્યા પછી પતિ પણ એવા મળ્યા કે બંને સાથે મળીને ભક્તિ કરતા. દાંમ્પત્ય જીવનનો સાચો અર્થ એ બંનેએ જાણ્યો અને એ રીતે જીવન સત્કર્મ કરવા માટે સાથ મળ્યો છે એ સત્ય સમજીને હંમેશા સાથે મળીને ઈશ્વરના કાર્યો કરતાં. 

એમ વરસો જતા એમનાં આંગણામાં એક ફૂલ ખિલવાના સમાચાર મળ્યા. બંને ખૂબ જ ખૂશ થયા અને ઈશ્વરનો આભાર માનવા મંદિર ગયા. બાળકના આગમનથી બંનેના જીવનમાં પ્રકાશ ફેલાઈ ગયો હતો. એટલે એમણે નામ પણ પ્રકાશ જ રાખ્યું. આમ તો બાળક માતા પિતા બંનેના લાડ પામે. પણ માતાના થોડા વધારે. પ્રકાશ પણ એની મમ્મીનો ખૂબ જ લાડકો હતો. 

દિવસો જતા કયાં વાર લાગે છે ? પ્રકાશ બાલમંદિર જતો થયો. જેમ દરેક બાળકો રડે એમ એ પણ પહેલાં રડતો. પણ પછી ગોઠવાઈ ગયો. પણ એની મમ્મી તો બધાની પહેલા દોડતી આવે એને લેવા. હાય જાણે એનો નવી નવાઈનો દીકરો બાલમંદિર જતો હોય. બાલમંદિર પત્યા પછી સ્કૂલ ચાલુ થઈ.

યશોદા તો જાણે એના કાનાઘેલી. બસ એને એના પ્રકાશ અને એની જીંદગી સિવાય કાંઈ જ ન દેખાય. એના સમય સાચવવામાં કયારેક પ્રભુદાસનો સમય ન સચવાય. પણ એ ભગવાનના માણસ. સમજે કે મા છે તો એના સંતાનને જ મહત્વપૂર્ણ માનવાની. પણ એમને એક જ ડર કે કદાચ એનો દીકરો એની કસોટીમાં ખરો ન ઉતરે તો ? તો એ આઘાત આ સહન કરી શકશે ? 

જોતજોતામાં પ્રકાશ મોટો થયો. આગળ અભ્યાસ માટે એને વિદેશ જવાનો ચસકો લાગ્યો. માતા પિતાએ ખૂબ સમજાવ્યો પણ ચડતું લોહી એમ મચક થોડી આપે ? આખરે મમતાએ એની જીદ પાસે નમતું જોખ્યું. અને પ્રકાશ વાજતેગાજતે વિદેશ ગયો.જેમ દરેક ઘરમાં થાય છે એમ જ વિદેશ ગયા પછી થોડા દિવસ સુધી એના સમાચાર આવતા. પછી ઓછા થયા. અને દરેક મહત્વાકાંક્ષી યુવાનની જેમ પ્રકાશ પણ ત્યાં જ પરણીને સ્થિર થયો. મોટાભાગના લોકો સાથે આવું થતું જ હોય છે તો પણ લોકો શા માટે પોતાના સંતાનોને વિદેશ મોકલતા હશે ? આવી સલાહ આપનાર બહું મળી રહે છે. પણ કદાચ સમય આવ્યે એ પોતે પણ એ જ નાવમાં સવાર હોય છે.

યશોદાબહેન બહારથી શાંત દેખાતા હતા પણ અંદર ભયંકર તોફાન હતું. પ્રભુદાસભાઈ એમની હાલત જોઇને વધારે ચિંતા કરતા. પુરુષો રડવાનું ટાળે એટલે એમને તકલીફ વધારે થાય. સ્ત્રી તો રડીને હળવી થઈ જાય.  પ્રભુદાસભાઈને એક પછી એક ત્રણ એટેક આવ્યા. બે વખત તો યશોદા બહેને સાચવી લીધું પણ છેલ્લે એમની જોડી ખંડિત બની. બાકી એક પણ વખત એ પ્રકાશને કઈ જ ન કહેત. પણ આજે એની જરૂર પણ હતી અને ફરજ પણ. 

આપણા દેશની માટીમાં જ લાગણી, સમર્પણ, પ્રેમ ભળેલા હોવા જોઈએ. એટલે જ અહીં તો થોડીક વાર સફરમાં સાથે મળીને પણ લોકો આજીવન સંબંધ નિભાવી રાખે છે. અને એક સૂતરના તાંતણે હુમાયુ અને કર્ણાવતી જેવા અનેક ભાઈ બહેન બંધાઈ જાય છે. પણ પ્રકાશને વિદેશની હવા લાગી હતી. એણે પિતાના મોતનો મલાજો પણ ન રાખ્યો. યશોદા બહેને આ આઘાત પણ પચાવવો જ રહ્યો. કયારેક માણસ બહું આઘાત આવે તો તૂટી પડે છે અને કયારેક ખૂબ મજબૂત બને છે. યશોદા બહેન પણ આમ તો અંદરથી ભાંગી જ ગયા હતા. પણ બહારથી મજબૂત બની પોતાના જેવા એકલા રહેવા મજબૂર બનેલા લોકો માટે સહારો બન્યા. 

એકલા રહેવા કરતાં ધીમે ધીમે એ ત્યાં જ રહેવા લાગ્યા. બધાની સાથે એમનું જીવન સરળ બની ગયું. બાકી એક એક દિવસ અઘરો પડતો. આ રીતે સમયનું ચક્ર ચાલતું રહ્યું. આખરે યશોદાબહેન પણ ચિર નિંદ્રામાં પોઢી ગયા. સમાચાર એના લાડકા પૂત્ર સુધી પહોંચ્યા. એ તાબડતોબ આવ્યો. પિતા વખતે ન પહોંચી શકનાર માતાના મૃત્યુ વખતે આવે તો સમાજને એમ થાય કે એને મા ખૂબ જ વ્હાલી હતી. અરે વ્હાલી હોય તો એના જીવતા એને જરૂર હોય ત્યારે ન આવે ? એની માએ એને નવ મહિના પેટમાં રાખ્યો હતો. એ એને ખૂબ જ ઓળખતી હતી. એને કદાચ અણસાર આવી ગયો હશે કે આવું જ કંઈક બનશે. 

પ્રકાશ હવે જવાની ઉતાવળમાં હતો. એણે માતાના સામાન વિશે પૂછયું. એટલે એને એક ઓરડામાં લઈ જવામાં આવ્યો. 

પોતાના બાળપણની યાદો ત્યાં ફેલાયેલી હતી. માએ એના રમકડાં અને કપડાં પણ રાખ્યાં હતાં. એટલે બધું જ એ પોતાના નામે કરીને ગઈ હશે એવું એણે માની લીધું. પરંતુ એની માતાએ એના છેલ્લા સમયે એને સાથ આપનાર એના જેવા એકલા રહેતા વડિલોના ભવિષ્ય માટે પોતાની તમામ મિલકત લખી નાખી હતી. 

હવે આઘાતનો વારો પ્રકાશનો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama